કુશળ હશે આજે ફરી આપણે કૃષ્ણકેડી પરથી ફરવા નીકળી પડ્યા છીએ ત્યારે આજે હું તને એક નવી જ દુનિયામાં લઈ જવા માંગુ છું માટે ચાલ સખી તૈયાર છે કે? સખી બચપણનો ગુલમહોર જીવનની પ્રત્યેક પળોએ મહોર્યો રહે છે. જીવનના આ ઉત્તરાર્ધમાં આવીને પાછળ ફરીને જોતાં જે વૃક્ષ સદાયે યાદોના પુષ્પોથી છવાયેલું દેખાય છે તે કેવળ બચપણ છે. જીવનની આધિ, વ્યાધિ અને ઉપાધિથી દૂર રહીને આનંદથી કિલ્લોલ કરતું, નિખાલસતાની પગદંડી પર નિર્દોષ હાસ્ય સાથે, દરેક ક્ષણે મોટા થઈ રહ્યા હોવાની અનુભૂતિ સાથે ખીલી રહેલું બચપણ. એજ બચપણ આજે અતીતની યાદો સાથે ઘણું જ પાછળ છૂટી ગયું છે પણ તેમ છતાં એ યાદોની ચિઠ્ઠીઓ આજે પણ વારંવાર વાંચવી ગમે છે. જ્યારે જ્યારે અતીતના પાનાઓ ખોલવાનો અવસર મળે છે ત્યારે ત્યારે સમયની સાથે છૂટી ગયેલા અનેક સ્વજનોની સાથે સહેલીઓ પણ એ પાનાઓની તસ્વીરોમાં બોલી ઊઠે છે ક્યારેક વિચારું છુ કે વિતેલા સમય પાસેથી જો કોઈ ભેંટ મળી શકતી હોત તો ચોક્કસ બચપણની એજ યાદો ને ફરી મેળવી લેત પરંતું આજે એ શક્ય નથી કારણ કે વિતેલા એ દિવસો ઘણા પાછળ છૂટી ગયા છે અથવા હું એ સમયથી ઘણી આગળ નીકળી ગઈ છુ આજે આ અતીતના ઇતિહાસના પાનાંઑ વાંચતી વખતે એ યાદોને તારી સાથે વહેંચવા માંગુ છું, શી ખબર કદાચ આ સફરની વાતો વાંચતાં વાંચતાં કદાચ તારી પણ યાદોનો એક પ્રવાહ મળી જાય.
સાતલડી:-
મારા બચપણની મારી સૌથી પહેલી સહેલી હોય તો તે છે સાતલડી નદી. ગામનું મોટું ઘર હોવા છતાં સાતલડી સાથે મારે રોજ મળવાનું થતું ક્યારેક પાણી ભરવાને બહાને તો ક્યારેક ન્હાવાને બહાને, ક્યારેક વળી કપડા ધોવાને બહાને તો વળી ક્યારેક સાતલડીના કિનારે આવેલા કબ્રસ્તાનમાં રમવાને બહાને, ક્યારેક તેના કિનારે ઉગેલી હરિયાળીમાં ખુલ્લા પગે ચાલવા માટે, તો ક્યારેક કબ્રસ્તાનમાં રહેલા હાથીયા થોરના ફળો ખાવા માટે તો ક્યારેક સાતલડીને કિનારે આવેલ બોરડીના બોર તોડવા માટે. સાતલડીને મળવાના બહાના તો મારી પાસે અનેક હતા, પણ મારો સૌથી પ્રિય સમય હતો દિવાળી સમયનો. ચોમાસું અને શિયાળો તો મારી સહેલીની પ્રિય ઋતુઓ હતી કારણ કે ચોમાસા પછી તો મારી સહેલીનું રૂપ અનેરું નીખરી આવતું હતું, તે શિયાળાના અંત સુધી નિખરતું રહેતું. સખી ખાસ કરીને ચોમાસે બે કિનારેથી છલકાઈને ઊછળતી, કૂદતી રહેતી મારી સાતલડી અને શિયાળે શાંત બનીને બેસી જતી અને હું મારી આ સાતલડી સખીના તે સમયની યાદોના ફોટાઓ ખેંચીને મારા નાનકડા માનસની તિજોરીમાં છુપાવીને દેતી તેથી આજે આટલા વર્ષ પછી પણ સાતલડીની યાદ એવી જ છે જેવી મે એને બચપણમાં જોયેલી. દિવાળીના દિવસો બાદ જ્યારે એ જળથી છલકાતી ત્યારે તેના પાણીથી રમવા માટે અસંખ્ય માછલીઑ અને જળસાપ આવતાં. સાતલડીના તે નવા મિત્રો સાથે પણ મારી સારી એવી મિત્રતા જામી જતી ત્યારે હું……હું કલાકો સુધી સાતલડી સાથે રમ્યા કરતી અને તેઑ પાણીમાં રહેલા મારા પગની આસપાસ રમ્યા કરતાં. દિવાળીના દિવસો બાદ અમારું વેકેશન પણ પૂરું થતું તે સાથે મારી સહેલીનું રૂપ ધીરે ધીરે ઓછું થતું જતું. ને ઉનાળો !!!! ઉનાળો તો મારી સાતલડીને જરા પણ ન ગમે ઉનાળાના દિવસો શરૂ થતાં થતાં તો મારી સહેલી સાવ સુકાઈ જતી ને મારા મિત્ર માછલી અને જળસાપ પણ ત્યાંથી દૂર ચાલ્યાં જતાં. સખી સાતલડી સાથેની મારી આ મિત્રતા ૧૭ વર્ષ સુધી ચાલી ત્યારબાદ મારી જિંદગી પણ બદલાઈ. ૧૭ વર્ષ પછી મને પણ એક સાથી મળ્યો જેના પ્રેમને કારણે, તેનો સાથ આપવા માટે મે ગામ છોડયું અને ગામ સાથે સાતલડીનો સાથ પણ છૂટી ગયો. સખી પરંતુ ફક્ત સાથ છૂટી ગયો હતો હં….. સાથ છોડયો ન હતો…..તેથી જ્યારે જ્યારે ગામ જતી ત્યારે સાતલડીને પણ મળવા ચોક્કસ જતી હતી. પરંતુ સખી પછી તો એવો સમય પણ આવ્યો કે હું ગામ જતી ત્યારે મને સાતલડી મળતી જ નહીં પહેલાની જેમ ખિલી ખિલીને ઊછળતી કૂદતી રહેલી મારી સાતલડી સરિતાનું અસ્તિત્વ લગભગ નહિવત થઇ ગયું હતું, થોડા ઘણાં તેના બચેલા જળમાં લીલ છવાયેલી હતી, તેનું પાણી અત્યંત દુર્ગંધમય થઈ ગયું હતું, કચરાના ઢગ તેના અંગને ઢાંકી રહ્યાં હતાં, તેના કિનારા પર રહેલ હરિયાળી સુકાઈ ગયેલી હતી. મારી સૌથી પ્રિય એવી સખીની આ દુર્દશા જોઈ મને ખૂબ દુઃખ થતું. સખી આજે પણ હું સાતલડીને ઘણી જ યાદ કરું છુ. ગામથી કોઈ આવે ત્યારે સાતલડીના સમાચાર ચોક્કસ પૂછું છું પરંતુ મને એજ સમાચાર મળે છે કે મારી સહેલી ગામ છોડીને ચાલી ગઈ છે. સખી આજે ભલે સાતલડી ફક્ત મારી યાદોમાં રહી ગઈ હોય પણ તેમ છતાં આજે પણ અમારા બચપણની અમુલ્ય પળોએ અમને બંનેને સમયના કોઈ બંધનમાં ચોક્કસ બાંધી રાખ્યાં છે.
મુલામુઠા:-
સાતલડીનો સાથ જેમ મને મારા બચપણને સંવારવા મળ્યો તે રીતે મુલામુઠાનો પણ સાથ મળ્યો, પરંતુ એક વડીલની જેમ. મુલામુઠાએ પણ મારા મનની અંદર રહેલી સાતલડી સાથેના દિવસોને સદાયે એ રીતે જીવંત રાખ્યાં હતાં કે પુનાના રસ્તાઓ પરથી પસાર થતી વખતે મુલામુઠામાં મને અનાયાસે ક્યારેક સાતલડી પણ સંતાયેલી દેખાઈ જતી હતી. મુલામુઠા ……..આમ તો એ ભીમાનદીના જ બે પ્રવાહ હતા જેમનું પાછળથી પૂનામાં સંગમ થયું અને તેઓ મુલામુઠારૂપે ઓળખાયા. આમતેમ રમતી જતી, લોકજીવન અને પ્રકૃતિને પોતાના પાલવ સંગે બાંધતી જતી આ બંને બહેનોને તેમના પ્રેમ અને સંપે તેઓને એકબીજાની સાથે સદાયે સંગમ બ્રિજ પાસે બાંધી રાખ્યાં. નવરાત્રિના દિવસોમાં મારે આ બંને બહેનોને ખાસ મળવાનું થતું હતું. પરંતુ નવરાત્રિના દિવસો બાદ કરતાં સામાન્ય દિવસોમાં પૂનાના સંગમબ્રિજ પાસેથી નીકળતી એ બે બહેનો સાથે મારી હંમેશા મૂક વાતો થયા કરતી અને ઘણીવાર અમારા મૌનમાં અનેક વાતોનો સંગમ થયાં કરતો. પરંતુ સખી જેમ મને સાતલડીને મળતાં આનંદ અને દુઃખ બંને સાથે થતાં તેમ મુલામુઠા માટે પણ હતું એક તરફ મુલામુઠાની મળીને આનંદ થતો બીજી બાજુ મુલામુઠાની સ્થિતિ જોઈને દુઃખ પણ થતું હતું. કારણ કે તેની સ્થિતિ તો મારી સાતલડી કરતાં પણ વધુ ખરાબ હતી. સખી હું મારી આ બંને સહેલી પાસેથી એક ખાસ વાત શીખી હતી તે હતું કે સમય સાથે વહેવાનું, આજ કારણે સખી એક દિવસ એવો પણ આવ્યો કે મારો એમની સાથેનો સાથ છૂટી પણ ગયો.
મેરીમેક:-
સખી યુ એસ એ માં આવતાં જ સૌ પ્રથમ મને સાથ મળ્યો હતો તે સહેલી હતી મેરીમેક રિવર. બિલકુલ ઘરની પાછળથી જ વહેતી જતી એ નદીના પ્રતિબિંબમાં ક્યારેક હું મારા અતીતમાં રહેલ બંને સાહેલડીઓને મળી લેતી પરંતુ મેરીમેક એ બંને કરતાં ઘણી જ અલગ હતી. તેનામાં રહેલ વિશાળ જળનિધિ, મોટો પટ્ટ અને ધ્યાનપૂર્વક લેવાયેલ કાળજીને કારણે તે ઘણી જ સુંદર પણ હતી અને પોતે સુંદર હોવાનું તેને થોડું અભિમાન પણ હતું. પરંતુ મારે ક્યાં તેનું અભિમાન જોવાનું હતું જેમ એ નદીના ગુણ છોડીને બદલાયેલી હતી તેમ હું યે સમયના પ્રવાહમાં બદલાઈ ગયેલી હતી ને. ગઇકાલે જ્યાંથી મે મારા બચપણના પગલાઓની છાપ છોડેલી હતી તેવાં જ પગલાઓની છાપ લઈને હું મારા બાળકોની આંગળી પકડીને આવતી અને મેરીમેકના વિશાળ પ્રવાહ પાસે, તેના કિનારા પરની રજમાં છાપ છોડવાને માટે ઊભી રહેતી. જેમ જેમ સમય પસાર થવા લાગ્યો તેમ તેમ અમે બંને પણ અમારો અતીત ભૂલીને નવા સાહેલડી બનવામાં મગ્ન થઈ ગયાં ત્યારે હું મેરિમેકને પૂછતી રહેતી કે તું આટલી સુંદર શી રીતે છે? તે મને કહેતી કે હું સુંદર છું કારણ કે મારો પરિવાર મારી કાળજી રાખે છે. મારા પરિવારના લોકો મારા તટ્ટ પર કચરો થવા દેતા પણ નથી અને મારા પાણીમાં કચરો આવવા પણ દેતા નથી. મારા કિનારા પર અને મારા શહેરમાં વૃક્ષોનું આરોપણ કરી મારી સુંદરતામાં વધારો કરે છે. કેમિકલયુક્ત પાણી, ગટરના પાણીના નિકાલ માટે વ્યવસ્થાઓ બનાવેલ હોય છે અને તે વ્યવસ્થાઓનું લોકો નિયમપૂર્વક પાલન પણ કરે છે. ડેમ, બંધ વગેરે તો અહીંના લોકો પણ બનાવે છે કારણ કે માનવો માટે તે હોવા પણ જરૂરી છે પરંતુ સાથે સાથે મને નુકશાન ન થાય તે વાતનો ખાસ ખ્યાલ પણ રાખે છે. પ્રદૂષણ અને પ્રદૂશીત વાતાવરણને રોકવા માટે ફક્ત સરકાર જ નહીં પરંતુ સામાન્ય જનસમુદાય પણ મદદ કરે છે અરે એવં નાનામાં નાના બાળકો પણ મારા કિનારાને સ્વચ્છ રાખવા પ્રયત્ન કરે છે. અરે તું જ જો તું તારા બાળકો સાથે રોજ મને મળવા આવે છે ત્યારે તે કેટલીવાર મારા કિનારા પર કચરો નાખ્યો? મે કહ્યું એકવાર પણ નહીં આ સાંભળીને મેરીમેક કહે કે તું હંમેશા તારી સહેલીઑ સાતલડી અને મુલામુઠાની વાત કરે છે પણ હવે તું જ મને કહે કે જે રીતે તું મારી પ્રજ્ઞાનું ધ્યાન રાખે છે તે જ રીતે શું તે પણ ક્યારેય તારી એ સહેલીઓની પ્રજ્ઞા વિષે ધ્યાન રાખ્યું છે? શું ક્યારેય તે તારી એ સહેલીઓના પટ્ટ સ્વચ્છ રહે તે માટે કર્મ કર્યું છે? તમે કહો છો ને કે સાથી હાથ બઢાના પરંતુ તમારા દેશમાં આટલી વસ્તી હોવા છતાં ક્યારેય તમે તમારી એ સાહેલીઓને પ્રદૂષણમાં ખોવાઈ જતી બચાવવા માટે નાના મોટા સહુએ સાથે મળીને નિરંતર ધ્યાન રાખ્યું છે? પોતાના ઘરને સ્વચ્છ તો સહુ રાખે પણ જ્યાં તમારું ઘર રહેલું છે એ ઘરના વિશાળ આંગણારૂપી શહેરને સ્વચ્છ રાખવાનું અભિયાન તમે ક્યારેય કર્યું છે? જે રીતે દર રવિવારે અહી સફાઈ કરતાં નાગરિકોની જેમ શું તમારા દેશના નાગરિકોએ ક્યારેય પ્રયત્ન કર્યા છે? હા વાત કરનારા તો ઘણા જ હોય છે અને શું આપણી જ પ્રકૃતિનું ધ્યાન રાખવું એ ફક્ત એક જ વ્યક્તિના હાથની વાત છે? જ્યારે નાના મોટા સહુ ભેગા મળીને એકજુથ થઈને પ્રકૃતિની રક્ષા માટે એકસરખા કદમ ઉઠાવશે ત્યારે જ આ કાર્યમાં સફળતા મળશે અને સાથે એ પણ છે કે આ કાર્ય કરવા માટે માત્ર ધન નહીં પરંતુ ધનની સાથે જાત મહેનત પણ કરવી જોઈએ. જ્યારે જાતકર્મી પણ બનશો ત્યારે આ કાર્યમાં તમને સફળતા મળશે ત્યારે તારી સહેલીઓનું ખરું અસ્તિત્વ મળી આવશે. આજે ભલે તું સમય સાથે એ જગ્યાઓ છોડીને ચાલી આવી હોય પરંતુ તારી સહેલીઓને એમનું અસ્તિત્વ આપવાનું કાર્ય આજે પણ ચાલું જ હોવું જોઈએ. આવતી કાલે તું પણ મારો સાથ છોડીને એક નવી જગ્યા વસાવશે તો આજે તારું જે કાર્ય અધૂરું છે તે કાર્યની જવાબદારી કોઈ બીજું લઈ લેશે પણ આ કાર્ય સતત ચાલ્યા કરશે ક્યાંય પણ આરામ લીધા વિના. સખી મેરીમેકની વાત હું બસ મૂક રીતે સાંભળતી જ રહી ગઈ છું કારણ કે આજે પણ તેની વાતનો મારી પાસે કોઈ જવાબ નથી કારણ કે આજે પણ મારી સહેલીઓને તેનું અસ્તિત્વ પાછું મળ્યું નથી તેથી હું તેમનાથી અને તેઓ મારાથી બસ છૂટા પડી ગયાં છે. સખી મેરિમેકની વાત કેટલી સાચી છે તે વાતનો અંદાજો આજે મને આવે છે. સખી એક સમયે યમુના, ગંગા, ભીમા, કાવેરી વગેરે નદીઓના પ્રવાહ અતિ વિશાળ હતાં તેમાં વહાણવટાઓ ચાલતાં, વ્યાપાર થતો પરંતુ આજે એ નદીઓ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે. વિશાળ પ્રવાહોની વાત તો દૂર ગઈ સખી પરંતુ નાનો શો પ્રવાહ પણ દેખાતો નથી આપણે નદીને આધાર તત્વરૂપ એવા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું, જંગલો સાફ કરી નાખ્યાં, જંગલો અને વન સૃષ્ટિ દૂર થતાં વરસાદ ઓછો થઈ ગયો અને વરસાદ ઓછો થઈ જતાં ચોક્કખા પાણીની કમી ઊભી થઈ ગઈ જેથી કરીને જે નદી હજુ પાંચશો વર્ષ પહેલા પાણીથી બારેમાસ છલકાતી હતી તે જ નદીઓ ઉનાળો આવતાં સુધીમાં જ સુકાઈ જાય છે. તદપરાંત ઝેરી પદાર્થો વડે આપણે પાણીની સાથે સાથે હવાને પણ પ્રદુષિત કરી નાખી છે ત્યાં આ વિશાળ નદીઓનું અસ્તિત્વ શી રીતે ટકાવીશું? સખી આપણી આ સરિતાઓને બચાવવાની વાત તો ઠીક પરંતુ આ સરિતાઓના ભાગની ભૂમિનો ભાગ પણ આપણાં દેશની વધતી જતી વસ્તી છીનવી લીધો છે. નથી આપણી પાસે આપણી નદીઓનાં ભાગની જમીનનો ભાગ કે નથી તેનાં પ્રવાહનો ભાગ …..આપણે આપણી આ લોકમાતાઓ માટે કંઇ રાખ્યું જ નથી પછી આ સરિતાઓનું અસ્તિત્વ પણ ક્યાંથી હોય? સખી હું તો વિચારતી હતી કે સમયને કારણે હું આ આપણી સહેલીઓ રૂપી લોકમાતા અલગ થઈ છું પણ આજે ખબર પડે છે કે એઑ મારાથી ક્યારેય અલગ નથી થઈ બસ મે, અમે ને આપણે જ એને પ્રકૃતિની પગદંડીએથી ખોઈ નાખી છે. સખી આપણે પોતે જ્યારે જાગીશું ત્યારે જાગૃતિ થશે અને આપણી સાથે અન્ય જનો જાગશે ત્યારે જનજાગૃતિ થશે. જ્યારે જનજાગૃતિ થશે ત્યારે આ ભગીરથ કાર્ય પણ સંપન્ન થશે અને સાથી હાથ બઢાનાનો સાચો અર્થ મળશે. સખી આપણાં શાસ્ત્રોમાં કહે છે કે એક ભગીરથ રાજા હતો જેઓએ સ્વર્ગ પરથી ગંગાજીને ભૂમિ પર લાવ્યાં પરંતુ સખી આજે એ યુગ છે જેમાં પ્રત્યેક નર-નારીઓ જ્યારે ભગીરથ બનશે ત્યારે તેઓ કાળની ગતિમાં ખોવાયેલી આપણી આ નદીને ફરી ભગીરથ કાર્યના ફળસ્વરૂપે ભૂમિ પર લાવી શકશે. સખી આજથી આપણી જાતને ખુદને જગાવવાનું અને આસપાસના લોકોને જાગૃતિ આપવાનું કાર્ય હું મારી સાથે તને પણ સોંપી રહી છું, જેથી આપણી આ લોકમાતાઓને પ્રકૃતિ પર પાછા લાવવા આપણે સાથે સાથે કામ કરી શકીએ. ચાલ ત્યારે વિદાય લઉં આપણે ફરી મળીશું આપણી એજ સાહેલડી સરિતાના કિનારે.
‘ આજે એ યુગ છે જેમાં પ્રત્યેક નર-નારીઓ જ્યારે ભગીરથ બનશે ત્યારે તેઓ કાળની ગતિમાં ખોવાયેલી આપણી આ નદીને ફરી ભગીરથ કાર્યના ફળસ્વરૂપે ભૂમિ પર લાવી શકશે. સખી આજથી આપણી જાતને ખુદને જગાવવાનું અને આસપાસના લોકોને જાગૃતિ આપવાનું કાર્ય હું મારી સાથે તને પણ સોંપી રહી છું, જેથી આપણી આ લોકમાતાઓને પ્રકૃતિ પર પાછા લાવવા આપણે સાથે સાથે કામ કરી શ
કીએ.’
.
પ્રેરણાદાયી વાત
‘
ધન્યવાદ
‘ આજે એ યુગ છે જેમાં પ્રત્યેક નર-નારીઓ જ્યારે ભગીરથ બનશે ત્યારે તેઓ કાળની ગતિમાં ખોવાયેલી આપણી આ નદીને ફરી ભગીરથ કાર્યના ફળસ્વરૂપે ભૂમિ પર લાવી શકશે. સખી આજથી આપણી જાતને ખુદને જગાવવાનું અને આસપાસના લોકોને જાગૃતિ આપવાનું કાર્ય હું મારી સાથે તને પણ સોંપી રહી છું, જેથી આપણી આ લોકમાતાઓને પ્રકૃતિ પર પાછા લાવવા આપણે સાથે સાથે કામ કરી શ
કીએ.’
.
પ્રેરણાદાયી વાત
‘
ધન્યવાદ
LikeLike
JAN JAGRUTI THSHE TYARE BADHI SAKHIO PACHI AVSHE. RAH JUVO KYARE JAN JARGUTI THAY CHE.
LikeLike