ભવ્ય જળરાશી અને પ્રકૃતિક સુંદરતા ધરાવતું ફિંગર લેક
અમેરિકા …આ એક એવો દેશ છે જ્યાં કુદરતે ખુલ્લા હાથે જળરાશી અને ચોગમ હરિયાળીની કૃપા વરસાવી છે. અમેરિકાના એક છેડાથી બીજા છેડાની વાત જવા દઈએ અને માત્ર એક સ્ટેટથી બીજા સ્ટેટ જવા માટે જો રોડમાર્ગે સફર કરીએ તો પણ આ સત્યની સાબિતી ઠેર ઠેર જોવા મળી જ રહે છે.
ફિંગર લેક …
અપ સ્ટેટ ન્યુયોર્કના આ ટુરિસ્ટ સેન્ટરને નકશા પર જોઇએ તો હાથના પંજાની છાપ –હાથની આંગળીઓ જેવા આકારમાં ફેલાયેલુ દેખાય. લેક ઓન્ટારિયો અને પેન્સિલ્વેનિયા વચ્ચે આવેલા લગભગ ૪૦ માઇલના ઘેરાવામાં ફેલાયેલા આ ફિંગર લેકના અગિયાર લેક સીરેક્યુસ, રોચેસ્ટર અને એલ્મિરા-કોર્નિંગના ત્રિકોણાકાર વચ્ચે પથરાયેલા છે. અમેરિકન ઇતિહાસમાં વર્ણવ્યા મુજબ આ લેકના તમામ લેક અત્યંત પૌરાણિક અને નિસર્ગજન્ય છે. અહીં ક્યાંય કોઇ માનવીય હસ્તક્ષેપ કરવામાં આવ્યો નથી. જિયૉલૉજી પણ એવી જ કંઇક માહિતી આપે છે. જ્યારે હિમયુગનો અંત આવ્યો ત્યારે મૂળ સ્થાનેથી ખસતી હિમનદીઓના આચ્છાદનમાં જાણે ભૂંગળીથી છિદ્રો પાડવામાં આવ્યા હોય અને એનાથી સર્જાયેલા પ્રચંડ પોલાણ એટલે માત્ર આ ફિંગર લેક જ નહીં પણ આ પ્રાંતમાં વહેતા સંખ્યાબંધ ભવ્ય વૉટરફોલ પણ ખરા .
પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધતા ઓટિસ્કો, સ્કેનિઆલ્સ , ઓવાસ્કો ,કાયુગા , સિનિકા , કેઉકા ,કેનન્ડિએગ્વા , હોનિયોય ,કેનેડિકા, હેમ્લોક ,કોનેસસ , કેસનોવિઆ લેક અને અસંખ્ય નાના મોટા વૉટર ફોલ્સ નજર ટુંકી પડે ત્યાં સુધી ફેલાયેલા છે. ફિંગર લેકની સફર એટલે આ અગિયાર લેકની આસપાસ મનને તરોતાજા કરી દે એટલી હદે છવાયેલી પ્રકૃતિની સફર.
કોઇપણ એક લેકના બે જુદા છેડાએથી પણ ઉભા રહીને જુવો તો કંઇક અલગ એની ભાત જોવા મળે.. કોઇપણ એક લેકની બંને દિશાઓ પણ તમને પ્રકૃતિની જુદી છાંટની ઓળખ કરાવે અને પાણીના જુદા જુદા શેડ્સ પણ બતાવી દે.
પ્રકૃતિની આ અલગ ભાતમાં એક સમાનતા સૌ લેક પર જોવા મળે અને એ લેકની જુદી જુદી રીતે મોજ માણતા સહેલાણીઓ. પેડલ બોટ, કયાકિંગ ,પૉન્ટૂન રાઇડ, વોટર સર્ફિંગ, વોટર સ્કુટર રાઇડ અથવા તો ક્રુઝ. જ્યાં જેનો જેવો રસ. ક્રુઝની મઝા માણવી હોય તો પણ એના માટે જુદા જુદા વિકલ્પો મળી રહે. કેનન્ડિએગ્વા કે કેયુગા જેવા લેકથી ઉપડતી ક્રુઝમાં પણ વાઇન ક્રુઝ, લેઝી આફ્ટરનૂન અથવા તો મોડી સાંજે ઉપડતી ડીનર ક્રુઝ લઈ શકાય. એમાં પણ જેનો જેવો મુડ.
લેકની રમણીયતામાં ઉમેરાય પાર્કની હરિયાળી. ખુલ્લી મોકળી જગ્યાઓમાં ફેલાયેલા આ પાર્કમાં પિકનિક એરિયા પણ પૂર્વ અને પશ્ચિમવાસીઓની પ્રકૃતિઓને અનુરૂપ હોય એવા, હરવા-ફરવા અને સાથે ખાવા-પીવાની સૌની એક સરખી જરૂરિયાતને અનુકુળ આવે એવા છે.
લેકની સાથે અહીંના વોટર ફોલ પણ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર ખરા.
ટુગેનોક ક્રીકનો એક ફોલ હિડન ફોલના નામથી ય ઓળખાય છે. કોતરમાંથી જાણે કોઇ એક મોટા ધોધનો અથવા તો નદીના ફાંટાનો ખંડિત ભાગ હોય એમ ધસમસતો આ ફોલ જ્યારે એના પાણીનુ લેવલ ઉંચુ હોય ત્યારે વધારે ઇફેક્ટીવ લાગે. પરંતુ કહે છે કે આ ફોલ જોવા માટેનો સૌથી ઉત્તમ સમય છે વિન્ટર. જો તમારામાં અપ નોર્થની ઠંડી સહન કરવાની તાકાત હોય , ગાત્રો ગળી જાય તેમ છતાં ત્યાં ઉભા રહેવાની તૈયારી હોય, જ્યારે જામી ગયેલો સ્નો ઓગળવાની શરૂઆત થઈ હોય ત્યારે અથવા તો સ્પ્રિંગની શરૂઆતમાં એટલે કે પ્રકૃતિ વસંતના વધામણા લેવા આતુર હોય ત્યારે ફિંગરલેકની મુલાકાત લેવા જેવી ખરી. વળી એકાદ જોરદાર વરસાદનું ઝાપટુ પડી ગયુ હોય અથવા તો ફોલ એટલે કે પાનખરની મોસમ જામી હોય ત્યારે બદલાતી હરિયાળીના રંગોની છટા વેરાયેલી હોય એની વચ્ચે જાણે ભુલો પડ્યો હોય એવો આ વૉટર ફોલ વધુ રળીયામણો લાગતો હોય ત્યારે પણ અહીં મુલાકાત લેવા જેવી છે.
વોટ્કિન્સ ગ્લેન-
સિનિકા લેકની દક્ષિણ ટોચે આવેલી વૉટ્કિન્સ ગ્લેન ફીંગર લેકના નજારા કરતા જરા જુદી રીતે માણવા જેવી જગ્યા છે. આ ગ્લેન માત્ર બે માઇલ લાંબી અને ૩૦૦ ફીટ ઉંડી છે. આ વૉટ્કિન્સ ગ્લેન પાર્કમાં કેમ્પગ્રાઉન્ડ અને વિશાળ પિકનિક એરિયા ઉપરાંત સ્વિમિંગ પૂલ હોવા છતાં એનુ સૌથી મોટુ આકર્ષણ તો એના વેલાની જેમ આગળ વધતી ટ્રેઇલ છે. આ ટ્રેઇલ અલબત્ત ઉખડ-બાખડ છે. ક્યાંક થોડા નાના પગથિયા ચઢો અને વચ્ચે નાની નાની ટનલ પણ આવે . અહીં વૉટ્કિન્સ ગ્લેનના પોતાના આગવા નાના વૉટર ફોલ છે. લગભગ ૮૦૦ જેટલા પગથિયા ચઢીને ઉપર જતા વચ્ચેથી જ સાંકડી કેડીએ થોડાક ઊંચાણથી પત્થર પર ફેંકાતા પાણીનો અવાજ અને એની ઉડતી શીકરનો આસ્વાદ લેતા ઉપર ચઢીએ ત્યાં જ ઉપર લાકડાનો ઝુલતો પુલ દેખાય એટલે સ્વભાવિક ત્યાં સુધી પહોંચવાનુ આકર્ષણ તો રહેવાનું જ.
લેક અને વૉટર ફોલ ઉપરાંત બીજુ આકર્ષણ છે અહીંની વાઇનરી. ફિંગર લેક એરિયા ન્યુયોર્ક સ્ટેટનો સૌથી વધુ વાઇન ઉત્તપન્ન કરતો પ્રાંત છે. અહીં સિનિકા, કેયુગા, કેન્ડિયગ્વા , કેયુકા લેકની આસપાસ લગભગ ૧૦૦ જેટલી વાઇનરી અને વિન્યાર્ડ્સ જોવા મળે છે. ચારેબાજુ લચી પડતા દ્રાક્ષના ઝુમખા અને હજુ તો નજર પહોંચે ત્યાં લેકની શરૂઆત મન પ્રફુલ્લિત કરી મુકે. અને એમાં ય જ્યારે રસિયાઓને નહીવત કહેવાય એવા ચાર્જ સાથે જો અવનવા આસવનો આસ્વાદ કરવા મળે તો? યસ, અહીંની કોઇપણ વાઇનરીમાં આ સગવડ તો ઉપલબ્ધ્ધ રહેવાની જ.
ચારેબાજુ પ્રકૃતિના સામ્રાજ્ય વચ્ચે અહીં બીજા કેટલાક એવા મુલાકાતના સ્થળો છે જ્યાં કોઇપણ પ્રવાસી ગયા વગર પાછો આવે તો એનો પ્રવાસ અધુરો જ ગણાય. આવી એક જગ્યા છે કોર્નેલ યુનિવર્સિટી. ઇથકા કૉલેજ ,ટોમ્પ્કિન્સ કોર્ટલેન્ડ કોમ્યુનિટી કોલેજ , ફિંગર લેક કોમ્યુનિટી કૉલેજ.
અને બીજી એક એવી જગ્યા છે કૉર્નીંગ મ્યુઝીયમ ઓફ ગ્લાસ.
કૉર્નીંગ વેરનુ નામ કોણે નહીં સાંભળ્યુ હોય. પહેલી જાન્યુઆરી , થેન્ક્સ ગીવીંગ ડે ,૨૪ અને ૨૫ ડીસેમ્બર સિવાય આખાય વર્ષ દરમ્યાન ખુલ્લા રહેતા આ મ્યૂઝિયમમાં ઓછામાં ઓછા ૩ થી ચાર કલાક હોય તો જ એની આકર્ષક ગેલેરીની સેલ્ફ ગાઇડેડ ટુર પુરી થઈ શકે. આ ઉપરાંત અહીં કાચના સુંદર વાઝ કે લેમ્પ જેવી વસ્તુઓ બનાવવાનુ લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે. કાચના આ વાઝ કે એવી કોઇપણ આઇટમ બનાવવાની પ્રક્રિયા જોઇએ તો જાણે કોઇ જાદુગર હેરતભર્યા ખેલ કરીને એકમાંથી બીજી જ કોઇ વસ્તુ આપણી આંખ સામે રજૂ કરે એવુ લાગે.કાચના નાનકડી સાઇઝના ગોળામાંથી એક મોટો તૈયાર થયેલો જાત જાતના શેડ ધરાવતો વાઝ કે ફ્લાવર પોટ તૈયાર થતો જાતે ન જોઇએ ત્યાં સુધી માત્ર સાંભળવાથી એની કલ્પના કરવી મુશ્કેલ છે.
નાના બાળકોને પણ મઝા પડે એવી રીતે મેક યૉર ઓન ગ્લાસના (ગ્લાસ મેકીંગના) શોર્ટ ટર્મ ક્લાસની જાહોજલાલી પણ અહીં મળી રહે. કોર્નીંગ મ્યુઝીયમ પ્રવેશ માટે એડલ્ટના ૧૬ ડોલર , ૫૫ પ્લસ માટે ૧૩ ડોલર ફી છે જ્યારે ૧૯ વર્ષથી નીચેની વય ધરાવતા માટે ફ્રી એન્ટ્રી છે.
ફિંગર લેકમાં ફરવુ એ માત્ર એક દિવસની વાત નથી એટલે સ્વભાવિક રીતે સહેલાણીઓથી ઉભરાતા આ રમણીય સ્થાનમાં રહેવાની સગવડ તો જતા પહેલા જ કરવી પડે. અહીં લગભગ ૨૦૦ જેટલી હોટલ્સ અને મોટેલ્સની સગવડ તો છે જ તે ઉપરાંત જો તમારુ મોટુ ગ્રુપ હોય અને સાથે રહેવુ હોય તો નો પ્રોબ્લેમ ! બુક યોર ઑન હાઉસ. સરસ મઝાના રૂમ ,ડાઇનિંગ એરિયા ધરાવતા વિશાળ બંગલા પણ મળી રહે છે જ્યાં કિચનની પણ સગવડ હોય છે. અને જોવાની મઝા તો એ છે કે આવા હાઉસના બેકયાર્ડ ડેક પર બેસો તો નજર પહોંચે ત્યાં લીલોતરી , નજર પહોંચે એટલે દુર સુધી લેકનો વ્યુ ,આખા ય ઘરને ઝળહળા કરી મુકે એવો સૂર્યોદય અને આથમતા સૂર્યના રંગોની રંગોળી પણ મનને પ્રફુલ્લિત કરી મુકે.
સુ શ્રી રાજુલ કૌશિકનો ‘ભવ્ય જળરાશી અને પ્રકૃતિક સુંદરતા ધરાવતું ફિંગર લેક’ લેખ માણવાની મઝા આવી અમે રોડમાર્ગે અનેકવાર સફરમા આવા દ્રુશ્યો જોયા પણ આ વર્ણન પ્રમાણે માણ્યા નહી !
કૉર્નીંગ મ્યુઝીયમ ઓફ ગ્લાસ અને વાઇનરી અને વિન્યાર્ડ્સ તક મળે તો જરુર જઇશું.બાકી જેઓને આવા કુદરતની કરામત માણવામા રસ ન હોય તેવા હૈયા સુના સમીપ હ્રુદય શા ઢોળવા અમથા ?
LikeLiked by 1 person
પ્રજ્ઞાજી,
તમારા આ લેખ પરત્વે રસ અને એના માટેના પ્રતિભાવ માટે આભાર.
પ્રકૃતિ તો એના અનોખા રૂપ ધરીને ચારેકોર પથરાયેલી છે જ… ક્યારેક એમ થાય કે આપણી નજર ટુંકી પડે છે. મનની સાથે સમયની મોકળાશ હોય તો એની સાથે એકાકાર થવાની મઝા જ કંઈ જુદી છે.
.
LikeLike
રાજુ। ઉડીને જોવા પંહોચી જઈએ એવું રસપદ લખાણ
LikeLike