ભાષાને શું વળગે ભૂર – ૩૧ (બાબુ સુથાર)


ક્રિયાવિશેષણો

આપણે અગાઉ નોંધ્યું છે એમ ક્રિયાવિશેષણો એક notorious વ્યાકરણમૂલક કોટિ છે. દાખલા તરીકે આ વાક્ય જુઓ: (૧) રમેશે ઉપરાઉપરી પાંચ છીંકો ખાધી. આ વાક્યમાં ‘ઉપરાઉપરી’ ક્રિયાવિશેષણ છે. આપણે આ ‘ઉપરાઉપરી’ને વાક્યના આરંભે પણ મૂકી શકીએ. જેમ કે, (૨) ‘ઉપરાઉપરી રમેશે પાંચ છીંકો ખાધી’. એટલું જ નહીં, હજી પણ આપણે ‘ઉપરાઉપરી’નું સ્થાન બદલી શકીએ. જેમ કે, (૩) ‘રમેશે પાંચ છીંકો ઉપરાઉપરી ખાધી’. પણ, આપણે મોટે ભાગે આમ નહીં શકીએ: (૪) ‘રમેશે પાંચ ઉપરાઉપરી છીંકો ખાધી’. જો કે, એવી તમામ શક્યતાઓ છે કે આપણામાંનું કોઈક એમ પણ કહે કે એને તો આ વાક્ય સ્વીકાર્ય લાગે છે. આપણે એના judgement સામે શંકા ન કરી શકીએ. એનો અર્થ એ થયો કે જ્યારે પણ આપણે ક્રિયાવિશેષણોની વાત કરીએ ત્યારે આપણે એ વાક્યમાં કયા સ્થાન પર આવી શકે અને કયા સ્થાન પર ન આવી શકે એની પણ વાત કરવી પડે.

આપણામાંના ઘણાને એ જાણીને આશ્ચર્ય થશે કે જો કોઈ ઈચ્છે તો ભાષાવિજ્ઞાનના જે તે સિદ્ધાન્તોએ ક્રિયાવિશેષણો સાથે કઈ રીતે કામ પાર પાડ્યું છે એના આધારે જ એ ભાષાવિજ્ઞાનના વિવિધ સિદ્ધાન્તોની ચર્ચા કરી શકે. એટલું જ નહીં, એ માણસ એના વડે જે તે સિદ્ધાન્તોનું મૂલ્યાંકન પણ કરી શકે. દાખલા તરીકે, કેટલાક સિદ્ધાન્તો, જેમ કે અમેરિકન વર્ણનાત્મક ભાષાવિજ્ઞાન, એવું માને છે કે ક્રિયાવિશેષણો એક સ્થાનથી બીજા સ્થાન પર જઈ શકતાં હોય છે. પણ, એની સામે છેડે કેટલાક સિદ્ધાન્તો, જેમ કે ચોમ્સકીનું જનરેટીવ વ્યાકરણ, એક જમાનામાં એવું માનતું હતું કે ક્રિયાવિશેષણો તો સૂર્યની જેમ સ્થિર રહેતાં હોય છે અને વાક્યમાં આવેલાં બીજો પદો – અર્થાત્ વ્યાકરણમૂલક ગ્રહો- એ સૂર્યની આસપાસ ફરતા હોય છે.

ભાષાવિજ્ઞાનમાં, ખાસ કરીને જનરેટીવ ભાષાવિજ્ઞાનમાં, ભાષાશાસ્ત્રીઓ ઘણી વાર કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે અમૂર્ત વ્યાકરણમૂલક કોટિઓની કલ્પના કરતા હોય છે. એવી કોટિઓ વગર એ વિદ્વાનો જે સિદ્ધાન્તો આપતા હોય છે એ સિદ્ધાન્તો કામ ન કરે. એને કારણે ઘણી વાર સરેરાશ વાચકને એમ થતું હોય છે કે આ લોકો બીનજરૂરી મુદ્દાઓ ઊભા કરી રહ્યા છે. પણ એવું નથી. આપણે આ શ્રેણીની શરૂઆતમાં જોયું કે ભાષાને માનવચિત્ત સાથે સંબંધ છે અને એ રીતે ભાષાને માનવ પ્રકૃતિ સાથે પણ સંબંધ છે. જો ક્રિયાવિશેષણો સૂર્યની જેમ સ્થિર રહેતાં હોય અને જો આપણે એક સામાન્ય સિદ્ધાન્ત આપીને જગતની લગભગ તમામ ભાષાઓનાં ક્રિયાવિશેષણોની વર્તણૂંક સમજાવી શકતા હોઈએ તો એમાં કાંઈ ખોટું નથી.

મોટા ભાગના, ખાસ કરીને પરંપરાગત વ્યાકરણને વરેલા વિદ્વાનો, ક્રિયાવિશેષણની વાત કરતી વખતે એમના પ્રકારોની વાત કરતા હોય છે. પણ યાદ રાખો કે પ્રકારો પણ સાવ સિદ્ધાન્તશૂન્ય ન હોય. જ્યારે પણ આપણે કશાનું વર્ગીકરણ કરવા બેસીએ ત્યારે આપણે સૌ પ્રથમ તો વર્ગીકરણના માપદંડો નક્કી કરતા હોઈએ છીએ. આપણે બે ઉદાહરણ લઈએ. હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’ પુસ્તકમાં પ્રત્યયની ઉપસ્થિતિને માપદંડ તરીકે સ્વીકારીને ક્રિયાવિશેષણોને ત્રણ પ્રકારમાં વહેંચી નાખ્યાં છે: (અ) પ્રત્યય વિનાનાં ક્રિયાવિશેષણો, (બ) પ્રત્યયવાળાં ક્રિયાવિશેષણો અને (ક) અનુગવાળાં ક્રિયાવિશેષણો. ભાયાણી આટલેથી અટકતા નથી. એ પછી આ બધાં ક્રિયાપદોના પેટાપ્રકારો પણ પાડે છે. એ પેટાપ્રકારો પાડતી વખતે એ કોઈ એક જ માપદંડને ધ્યાનમાં નથી રાખતા. એમનો આશય ખૂબ સ્પષ્ટ છે: વર્ગીકરણ વડે વસ્તુને ઓળખો અને એ વર્ગીકરણને અંતિમ સુધી લઈ જાઓ. ભાયાણીની સામે છેડે ઊર્મિ દેસાઈ ક્રિયાવિશેષણોના સ્વરૂપ અને કાર્યની વાત કરે છે. એ પણ વર્ગીકરણની પ્રયુક્તિ વાપરે છે. ઊર્મિ દેસાઈ સ્વરૂપની વાત કરતી વખતે ક્રિયાવિશેષણોને (અ) સાદાં ક્રિયાવિશેષણો અને (૨) સાધિત ક્રિયાપદો એમ બે વર્ગમાં વહેંચી નાખે છે. જો કે, ત્યાર પછી એ આ બન્ને પ્રકારનાં ક્રિયાવિશેષણોના પેટાપ્રકારો પણ પાડે છે અને એમ કરતી વખતે એ એક તબક્કે ભાયાણીની જેમ પ્રત્યયને પણ માપદંડ તરીકે સ્વીકારે છે. આપણે એ બધી વિગતોમાં નહીં જઈએ. હું તો એક નમૂનો આપવા માગતો હતો. પણ, મને લાગે છે કે આપણે ઊર્મિ દેસાઈની જેમ, અલબત્ત કામચલાઉ ધોરણે, ક્રિયાવિશેષણોને (અ) સાદાં ક્રિયાવિશેષણો અને (બ) સાધિત ક્રિયાવિશેષણોમાં એમ બે પ્રકારમાં વહેંચી નાખીશું.

આમાંનાં સાધિત ક્રિયાવિશેષણો સાચે જ પડકાર રૂપ છે. કેમ કે એ ક્રિયાવિશેષણો વિભક્તિના પ્રત્યયો લે છે. જેમ કે, (૫) ‘સામે જુઓ’. અહીં ‘સામું’, પરંપરાગત અર્થમાં તો, નામયોગી છે. જેમ કે, (૬) ‘રમેશના ઘરની સામે મારું ઘર છે’. જ્યારે આપણે ‘સામે જુઓ’ કહીએ છીએ ત્યારે આપણે એને ક્રિયાવિશેષણ તરીકે વાપરીએ છીએ. આપણા માટે સવાલ એ છે કે આપણે નામયોગીને ક્રિયાવિશેષણ બનાવતી વખતે શું કરીએ છીએ? (સાચું કહું તો મને તો ગુજરાતીમાં નામયોગીઓ છે કે કેમ એ વિશે જ શંકા છે. પણ, આ મુદ્દો ખૂબ જ સૈદ્ધાન્તિક ચર્ચા માગી લે એવો છે એટલે આપણ઼ે એમાં નહીં પડીએ). મને લાગે છે કે અહીં આપણે અગાઉ ચર્ચા કરેલી એ વ્યાકરણમૂલક કોટિ બદલવાની પ્રક્રિયા વિશે વિચારવું જોઈએ. આ પ્રક્રિયામાં આપણે કોઈ એક વ્યાકરણ કોટીનો શબ્દ બીજી વ્યાકરણ કોટીનું કાર્ય કરવા માટે વાપરતા હોઈએ છીએ. જો કે, આ પ્રક્રિયા પણ, ખાસ કરીને ક્રિયાવિશેષણોના સંદર્ભમાં, આપણે માનીએ છીએ એટલી સરળ નથી. દાખલા તરીકે, આપણા માટે પ્રશ્ન એ થાય કે ‘સામું’ને -એ પ્રત્યય લગાડીને પછી આપણે એને ક્રિયાવિશેષણ તરીકે વાપરીએ છીએ કે પહેલાં ક્રિયાવિશેષણ બનાવીને પછી એને -એ પ્રત્યય લગાડીએ છીએ? આ કોયડો સાચે જ રસ પડે એવો છે. આવાં બીજાં અનેક ઉદાહરણ આપી શકાય.

આપણે કેટલાંક વિશેષણોનો પણ ક્રિયાવિશેષણો તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે, (૭) ‘રામ વાજું સારું વગાડે છે’ અને (૮) ‘રામ બંસી સારી વગાડે છે’ (પહેલું ઉદાહરણ ઊર્મિ દેસાઈના ‘વ્યાકરણવિમર્શ’માંથી લીધું છે). આપણે જાણીએ છીએ એમ ‘સારું’ હકીકતમાં તો વિશેષણ છે. પણ એનું સ્થળ બદલી નાખતાં જ એ ક્રિયાવિશેષણ બની જાય છે. વ્યાકરણમૂલક કોટિ બદલવાની પ્રક્રિયા ખૂબ જાણીતી છે. ઘણી ભાષાઓમાં આવું થાય છે. પણ અહીં વાક્યો (૭) અને (૮)ને આપણે ધ્યાનથી જોઈશું તો આપણને સમજાશે કે વ્યાકરણમૂલક કોટિ બદલાયા પછી પણ વિશેષણ એનો સ્વભાવ બદલતું નથી. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે અહીં વિશેષણ એનો વિકારી સ્વભાવ બદલતું નથી. એથી જ તો ‘વાજું’ નાન્યતર એકવચન હોવાથી ક્રિયાવિશેષણ પણ નાન્યતર એકવચન ‘સારું’ રહે છે જ્યારે વાકય (૮)માં ‘બંસી’ સ્ત્રીલિંગ અને એકવચનમાં હોવાથી ‘સારું’ વિશેષણ ‘સારી’ ક્રિયાવિશેષણ બને છે. એ જ રીતે આપણે આ વાક્ય લઈએ: (૯) ‘મીના સારું હસે છે’. આપણામાંના ઘણાને પ્રશ્ન થશે કે અહીં ‘સારું’ કેમ બદલાતું નથી. એનો જવાબ સરળ છે: જો ક્રિયાપદ અકર્મક હોય તો આ પ્રકારનાં ક્રિયાપદો default સ્વરૂપમાં જ વપરાય. ગુજરાતીમાં નાન્યતર અને એકવચન default ગણાય છે.

જો કે, ગુજરાતીમાં એવાં ક્રિયાવિશેષણો પણ છે જે કર્તા પ્રમાણે લિંગવચન લે છે. દાખલા તરીકે (૧૦) ‘રમેશ છાનોમાનો ઘરમાં આવ્યો’ અને (૧૧) ‘મીના છાનીમાની ઘરમાં આવી’. સાર્થ જોડણીકોશ ‘છાનુંમાનું’ને વિશેષણ તરીકે ઓળખાવે છે. મને શંકા જાય છે. આપણે કયા નામને ‘છાનુંમાનું’ લગાડીશું? ‘છાનોમાનો છોકરો’ અસ્વીકાર્ય છે. એ જ રીતે, ‘છાનીમાની છોકરી’ પણ. આ એક વિચારવા જેવો મુદ્દો છે. એ જ રીતે, (૧૨) ‘રમેશ સીધેસીધો ઘેર ગયો’ અને (૧૩) ‘મીના સીધેસીધી ઘેર ગઈ’ જેવાં વાક્યો લો. એમાં ‘સીધું’ વિશેષણ છે. જેમ કે ‘સીધો રસ્તો’. પછી આપણે દ્વિરુક્તિ વડે ‘સીધેસીધું’ શબ્દ બનાવ્યો. આ શબ્દને આપણે વિશેષણ તરીકે વાપરીશું ખરા? આપણે ‘સીધેસીધો રસ્તો છે’ એમ કહીશું ખરા? આ બધા પ્રશ્નોના મારી પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. મને લાગે છે કે આ મુદ્દે વધુ સંશોધનની જરૂર છે.

આ ચર્ચાના આધારે આપણે ગુજરાતી ક્રિયાવિશેષણોનું આ રીતે પણ વર્ગીકરણ કરી શકીએ: (૧) કર્તા અને કર્મ સાથે લિંગ અને વચનમાં સંમત થતાં ક્રિયાવિશેષણો અને (૨) અન્ય. આ પ્રકારનું વર્ગીકરણ આપણને આપણ઼ાં ક્રિયાવિશેષણોના એક મહત્ત્વના લક્ષણ વિશે વિચારવા ફરજ પાડશે. અને એ લક્ષણ છે લિંગવચનના અન્વયનું. એવી તમામ શક્યતાઓ છે કે આમાંનાં પહેલા પ્રકારનાં ક્રિયાવિશેષણો વિશેષણોની વ્યાકરણમૂલક કોટિ બદલીને અસ્તિત્વમાં આવ્યાં હોય. એ જ રીતે, અન્ય ક્રિયાવિશેષણોમાંનાં મોટા ભાગનાં ક્રિયાવિશેષણો મૂળે સંજ્ઞા, સર્વનામ કે વિશેષણ હોય. ક્રિયાપદમાંથી બનાવવામાં આવેલાં ક્રિયાવિશેષણો આપણે આ અગાઉ જોયાં છે એટલે હું એમનું પુનરાવર્તન નહીં કરું.

જો કે, ગુજરાતી ક્રિયાવિશેષણોના વધુ એક વર્ગીકરણની પણ શક્યતાઓ છે. ભાષાશાસ્ત્રીઓ બે પ્રકારના રૂપતંત્રની વાત કરતા હોય છે. એક તે રૂપસિદ્ધિ (derivational) અને બીજું તે પદસિદ્ધિ (inflectional). મારી એક પૂર્વધારણા એવી છે કે ગુજરાતીમાં આ બન્ને પ્રકારની રૂપતાંત્રિક પ્રક્રિયા પછી અસ્તિત્ત્વમાં આવતા શબ્દો કે અસ્તિત્ત્વમાં આવતાં પદોનો ક્રિયાવિશેષણો તરીકે ઉપયોગ થતો હોય છે. દાખલા તરીકે, (૧૪) ‘તમે દિવસે દિવસે સુકાતા જાઓ છો’માં ‘દિવસે દિવસે’ ક્રિયાવિશેષણ છે અને એ ક્રિયાવિશેષણ પદસિદ્ધિ પછી વ્યાકરણમૂલક કોટિ બદલવાને કારણે અસ્તિત્વમાં આવ્યું છે. જો કે, અહીં પણ વિદ્વાનો કેટલાક સૈદ્ધાન્તિક પ્રશ્નો પૂછી શકે. જેમ કે, કોઈ પૂછી શકે કે આપણે પદસિદ્ધિ વડે ‘દિવસે’ શબ્દ બનાવ્યા પછી એની દ્વિરુક્તિ કરીને પછી એનો ક્રિયાવિશેષણ તરીકે ઉપયોગ કરીએ છીએ કે ‘દિવસે’ શબ્દને ક્રિયાવિશેષણની કોટિમાં લાવ્યા પછી આપણે એની દ્વિરુક્તિ કરીએ છીએ? મને ઘણી વાર એવું પણ લાગે છે કે ગુજરાતીમાં સાદાં કહી શકાય એવાં ક્રિયાવિશેષણો કદાચ ખૂબ ઓછાં છે. મોટા ભાગનાં ક્રિયાવિશેષણો રૂપસિદ્ધિ અને પદસિદ્ધિ પછીની વાક્યતંત્રમૂલક પ્રક્રિયામાંથી વિકસેલાં હોય છે. જો કે, કોઈને આ દાવો વધારે પડતો લાગશે પણ શાસ્ત્રનો વિકાસ આવા દાવા વગર ન થાય. કેટલાક દાવા સંશોધકોને ઉશ્કેરવા માટે જ કરવામાં આવતા હોય છે.

હું અવારનવાર કહેતો આવ્યો છું એમ આ શ્રેણીનો એક આશય વાચકોને ભાષા વિશે વિચારતા કરવાનો છે. એમ કરતી વખતે મેં કેટલાક પ્રશ્નોના જવાબો આપ્યા છે. કેટલાક વાચકો માટે અને સંશોધકો માટે રહેવા દીધા છે. જો કે, મારા જવાબો પણ સાચા જ છે એવું હું છાતી ઠોકીને કહી શકું નહીં. કોઈક સંશોધકને કદાચ એ જવાબો પણ નબળા લાગે. પણ, એક વાત નક્કી છે: ગુજરાતી ક્રિયાવિશેષણો સૈદ્ધાન્તિક ભાષાવિજ્ઞાનના વિદ્વાનો માટે સોનાની ખાણ છે. જે કોઈ આ વિષય પર સંશોધન કરશે એની કીર્તિ પ્રમાણમાં વધારે લાંબો સમય ટકી રહશે.

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૩૧ (બાબુ સુથાર)

  1. બાબુ સુથારએ એક notorious વ્યાકરણમૂલક કોટિ – ગુજરાતી ક્રિયાવિશેષણો સૈદ્ધાન્તિક ભાષાવિજ્ઞાનના વિદ્વાનો માટે સોનાની ખાણ અંગે સરસ લેખ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s