રણને પાણીની ઝંખના – ૫ (પૂર્વી મોદી મલકાણ)


હાલરડાંઑનું ખોવાયેલું તત્વ

તું જ લક્ષ્મી, તું જ સરસ્વતી, તું જ દુર્ગા અંબિકાનો અવતાર

ઘણી ખમ્મા તને લાડલી તુંજ માં જ સમાયો છે મારો પ્રકાશ. (સ્વરચિત)

 

હાલ વાલા ને હલકી, ભાઈની બેનીને ભાવે ગલકી
ગલકીનાં ફૂલ રાતા, ભાઈ ને બેનીના મામા આવતા
(પરંપરાગત)

 

હૃદય કેરા ટુકડામાં લાલ સંતાયો

કાળજા કેરા કટકામાં ક્યાંક છુપાયો. (સ્વરચિત)

 

હાલરડાં હું ગાઉં, મારા લાલને ઝુલાવું

ઝુલો ઝુલો પારણીયામાં લાલજી (પરંપરાગત)

 

થોડા દિવસ પૂર્વે ઇન્ડિયાની ટૂર દરમ્યાન નવી નવી માતા બનેલી એક સહેલીનાં મુખેથી હૂડ દબંગ……દબંગ…દબંગ… સાંભળ્યું ત્યારે બહુ જ આશ્ચર્ય થયું.  હૂડ દબંગ……દબંગ આમ તો આ ગીત મને બહુ ગમે છે પરંતુ એક ગીત તરીકે જ. પરંતુ આ ગીતને જ્યારે મે હાલરડાં રૂપે સાંભળ્યું ત્યારે બહુ આશ્ચર્ય સાથે દુઃખ પણ થયું અને મન વિચારવા લાગ્યું કે હાલરડાંની જગ્યા આ દબંગે લીધી. માતાનાં મુખેથી દબંગ ગીત સાંભળ્યાં બાદ વિચાર આવ્યો કે આમાં જ્યાં જન્મથી જ જો દબંગ….દબંગની ગળથૂથી પિવડાવવામાં આવતી હોય ત્યાં બાળક મોટો થઇ દબંગ બને એમાં શી નવાઈ. આથી તે સહેલીને પૂછ્યું કે શું તને હાલરડું ગાતાં નથી આવડતું? તો કહે કે હાલરડું…..? આજનાં જમાનામાં હાલરડાં કોણ ગાય છે? તેની વાત પણ સાચી હતી પરંતુ તેમ છતાં પૂછ્યું કે ફિલ્મી ગીતો કરતાં હાલરડાં વધુ સારા હોય એમ નથી લાગતું? તો કહે કે મારી મમ્મી જ મને કહેતી હતી કે હું જન્મી ત્યારે તે ફિલ્મી ગીતો ગાતી હતી તો મારી પાસેથી એવી આશા શું કામ રાખવી? આ સાંભળીને ખબર પડી કે હાલરડાઓ આજથી જ નહીં પણ ઘણા સમયથી ખોવાઈ ગયાં છે. હાલરડાં…….જેમાં સૌંદર્ય, મમત્વ, માતૃત્વ, જીવનસંગીતની ભાવના અભિવ્યક્ત થતી તે હાલરડાંઓનો રંગબેરંગી ખજાનો ક્યાં ખોવાયો છે કે તેનું અસ્તિત્વ લગભગ નહીવત્ થઇ ગયું.

હાલરડાં……..ભાવથી માં, દાદી, બહેની, ફોઈના ગળામાં વસેલા હાલરડાઓ આજનાં આધુનિક લોકજીવનમાંથી ખોવાઇ ગયેલ હાલરડાંઑ એ એક સમયે લોકસાહિત્યનું મુખ્ય અંગ ગણાતાં. ગઇકાલ સુધી લોકજીવનમાં દસ્તક દેતાં હાલરડાં એ સુગેય પદની રચના છે જે શિશુવસ્થા અને બાલ્યવસ્થા સાથે જોડાયેલાં છે. જ્યારે ઘરનો સ્ત્રીવર્ગ સંપૂર્ણ મમત્વ, માતૃત્વ અને વાત્સલ્યયુક્ત સ્નેહ, સ્વરો, સ્પર્શ, અને હૃદયનાં ભાવોને છૂટા મૂકી દે છે ત્યારે તે સ્વરો લયયુક્ત સૂરોમાં બદલાય જાય છે જેને હાલરડાં તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો ભાષા કરતાં વાત્સલ્ય ભાવ, સ્વર, પ્રાસ, લય, અને સંમોહક ભાવનાને લઈને ગવાતા નાદને હાલરડાં તરીકે ઓળખવામાં આવે છે. હાલરડાં સાંભળતા શિશુઓ સ્વર, સૂર, અને સ્પર્શની ભાવનાને ઓળખતા થાય છે ત્યારે તેમાંથી પ્રગટ થતાં શબ્દોને ન ઓળખતા હોવા છતાં પણ તેઓ નાદ સાથે જોડાઈ જાય છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે બાળકને સુવડાવતી વખતે બાળકનાં હૃદય પર, મન પર ધીમા, મધુર અને વાત્સલ્યપૂર્ણ શબ્દોનાં ધ્વનિથી અને પ્રેમાળ સ્પર્શથી બાળકોમાં સુરક્ષિત હોવાની ભાવના આવે છે જેનાંથી બાળકોની કલ્પનાશક્તિ, સામાજિક અને મનનાં વિશ્વનો અર્થાંત્ માનસિક જીવનનો વિકાસ થાય છે. માતા, બહેની, દાદી, ફોઇ અને ઘરનો સ્ત્રીવર્ગ આ હાલરડાંઓમાં પોતાનાં સૂરો દ્વારા અનંત વિશ્વ સમેટીને બાળકને આપી દે છે, જેમાં બાળકોને માટે પરિકલ્પના, પ્રકૃતિ, સાહસ, વીરતા, વૈરાગ્ય, શૌર્યતા, શિક્ષા, શાંતિ, સ્વાસ્થય, શ્રધ્ધા, સંસ્કૃતિ, સ્નેહ, તપ, નીતિ, નેતિ, સત્ય, દાન, આનંદ, ખુશી, ઐક્યતા, માન, મર્યાદા, જીવનની ચડતી –ઊતરતી પ્રક્રિયાઓ, આત્મવિશ્વાસ વગેરે પર શીખ આપવામાં આવે છે સાથે સાથે તેમને સામાજિક, ઐતિહાસિક, આધ્યાત્મિક, ધાર્મિક, નૈતિક, અને પ્રેમની પરિભાષાનાં સ્વર અને નાદ પર ગમ્મત સાથે જ્ઞાન પણ આપવામાં આવે છે જેના વડે બાળકનો સર્વાંગી વિકાસ સાધવામાં આવે છે. આથી એમ કહી શકાય કે હાલરડાઓ સંસ્કારરસની આરાધના કરવા માટેનું અને કરાવવા માટેનું સબળ સાધન અને માધ્યમ છે.

હાલરડાંઓની ઉત્તમ રચનાથી આપણાં લોકસાહિત્ય છલકાયેલા છે જે સાહિત્ય સમાજને વધુ સબળ બનાવે છે. લોકબોલી કહે છે કે હાલરડાંઓની સંગીત રચનાઓમાં શબ્દ કરતાં ભાવ અને સૂરનું જ વધુ પ્રાબલ્ય હોય છે. જેમાં નાદ સ્વરૂપે બાળકોની સૃષ્ટિમાં સમાતી વૃતિ અને પ્રવૃતિઓ હોય છે. હાલરડાંઓની સૌ પ્રથમ રચના વ્રજભાષામાં વલ્લભીય અષ્ટસખાઓ દ્વારા થઈ. પરંતુ એ અષ્ટસખાઓમાંથી પણ સૌથી વધુ રચના શ્રી સૂરદાસજીનાં હસ્તે થઈ હતી. જેઓએ માતા યશોદાનાં વાત્સલ્ય ભાવને પ્રગટ કર્યો હતો. મધ્યકાલીન યુગથી અર્વાચીન યુગમાં અનેક નામી અનામી કવિઓ ભક્તો, જૈન મુનિ-તીર્થંકરોએ સૌથી વધુ હાલરડાંઓની ભેંટ ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિને આપી છે. જેમાં માતા જીજાબાઈએ બાલારાજા શિવાજી માટે ગાયેલું હાલરડું, ચેલૈયા કુંવરનું હાલરડું, વનરાજ ચાવડાનું હાલરડું, કવિ પ્રેમાનંદ રચિત આખ્યાનોમાં હાલરડાંઑ, ભક્ત કવિ નરસિંહ મહેતા રચિત હાલરડાંઑ, કવિ દયારામનાં કૃષ્ણલીલા વર્ણવતાં હાલરડાંઑ વગેરેનો સમાવેશ થયેલો છે.

હાલરડાંનાં સર્જન માટે કોઈ વિશિષ્ટ કલા કરતાં વાત્સલ્યપૂર્ણ ભાવનાની સૌથી વધુ જરૂર છે. માતૃત્વની ભાવનાથી બાળકોને પોતાની ગોદમાં સુવડાવતી માતાનાં કંઠમાં રહેલ હાલરડાંઓનાં વિશ્વમાં અનેક અજાયબીઓ ભરેલી છે. જેમાં ચી…ચી કરતી ચકલીથી શરૂ થઈ, કૂહુ કૂહુ બોલતી કોયલ, રંગબેરંગી પતંગિયાઓની ટોળકી, અજબ ગજબનાં ફૂલો અને ફળો, રૂડા રૂપાળા ચાંદામામા, તારલિયાઓનાં ટોળાં, ઠંડા પવનની લહેરખી, નદી, પર્વત અને જંગલોની સફર, કસરત કરી તંદુરસ્ત થતાં લોકો, સ્વભૂમિ માટે લડતાં વીરો, માતૃભૂમિ માટેનો પ્રેમ, પશુ પંખીઑ માટે પ્રેમભાવ, પશુ પંખીઓની બોલીને સમજનારા વિદ્વાનો, શૃંગાર ધારણ કરેલી પરીરાણી, હિંડોળે ઝૂલી રહેલા બાળા રાજા ને રાજકુમારી, સોનેરી પરી, બાર હાથના ચીભડા ને તેર હાથના બીનું ગાણું, રાજા ને રાણી, મહેલ ને મહાલયો, આભૂષણો, મીઠા મધુરા મિષ્ટાન્નો, કુટુંબીજનોની ઓળખ, રાધા-કૃષ્ણ, માતા ગૌરી રૂપી સૌભાગ્ય અને ભગવાન શિવરૂપી મંગલ ભાવના, વૈવાહિક જીવનનું સાફલ્ય દર્શાવતાં શુભ પ્રસંગો અને કુટુંબીજનોનાં સ્નેહરૂપી મધુર પળો દાદા-દાદીનાં લાડકવાયાને લાડલી, નાના-નાનીનાં વહાલા વ્યાજની વાત સમાઈ જાય છે. લોકસાહિત્યના રચનાકાર ડો. શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ કહે છે કે હાલરડામાં ઐતિહાસિક, સામાજીક, આધ્યાત્મિક, નૈતિકતાનું મૂલ્ય સમાયેલું છે જે એક નૂતન સમાજને ઊભો કરે છે જેનું મૂલ્ય કોઈપણ રીતે આંકી શકાતું નથી.

શ્રી નિરંજનભાઈના મતે એક નૂતન સમાજને ઊભો કરવામાં પાયારૂપ બનનાર હાલરડાના ૩ પ્રકાર સાહિત્ય જગતમાં જોવામાં આવ્યાં છે.

૧) પ્રાચીનયુગથી શરૂ કરીને મધ્યકાલીન અને અર્વાચીન યુગ સુધી અનેક નામી –અનામી કવિઓ અને ભક્તો દ્વારા રચાયેલાં હાલરડાઓ.

૨) પારંપરિક મૂળ પ્રાચીન સ્વરોને જાળવતી લયબધ્ધ ટૂંકી પદરચનાઓ રૂપી હાલરડાં

૩) પ્રકીર્ણ લોકસાહિત્યમાં રહેલ જોડકણાઑ અને બાળગીતો રૂપી હાલરડાંઑ.

પરંતુ મારા મત પ્રમાણે બાળકને સુવડાવતી વખતે ભાવ પ્રમાણે અનાયાસે પ્રગટ થતી બોલી કે ગાન જેનું કોઈ પ્રમાણ કે લખાણ હોતું નથી તેમને પણ હાલરડાંઑનું પ્રમાણ દઇ શકાય છે. મને યાદ છે કે મારા બાળકો જ્યારે નાના હતાં ત્યારે હું અમુક હાલરડાઓ સ્વયં રચતી અને અમુક હાલરડાઓ પરંપરાગત રીતે જે સાંભળેલા હોય તે ગાતી હતી. (જેનો મે શરૂઆતમાં ઉલ્લેખ કર્યો છે.)   

હાલરડાં વિષે શ્રીમદ્ભાગત્જીમાં ઉલ્લેખ છે કે માતા યશોદાનાં કંઠેથી માતૃવાત્સલ્યથી ભરપૂર એવા હાલરડાંઑ નીતરતા જેને સાંભળીને ભગવાન કૃષ્ણ મધુરું મુસ્કાઈ પારણિયે પોઢતાં. એ જ રીતે રામાયણમાં પણ ભગવાન રામ સહીત અન્ય ત્રણ ભાઈઓને સુવડાવતી વખતે માતાઓ વિવિધ વાર્તા પ્રસંગોયુક્ત હાલરડાં ગાતી, જેમાંથી ચારેય ભાઈઓને વીરતા, પ્રેમ અને ત્યાગના ગુણ મળેલા. વ્રજ સાહિત્યમાં કહે છે કે કીર્તિદા રાણી રાધિકાજીને પારણે ઝૂલાવતી વખતે કહે છે કે “હે પુત્રી તારું આગમન થયું છે તે મને સૂચિત કરે છે કે હું કેટલી સૌભાગ્યશાળી છું, હે પુત્રી તારા આવવાથી મારા આંગણે અસંખ્ય સુવાસિત પુષ્પો ખીલી ઉઠ્યા છે, પ્રિય પુત્રી તું જ મારી લક્ષ્મી છો અને તું જ સરસ્વતી કારણ કે હે પુત્રી તારા પધારવા માત્રથી મારા આંગણામાં રહેલી ગાયોએ પોતાના આંચળ વરસાવ્યા છે (અર્થાત્ ગાયોએ દૂધ વધુ આપ્યું છે) અને બ્રાહ્મણોએ મારા ગૃહ પર આશિષ વરસાવ્યાં છે”. મહર્ષિ વાલ્મિકીકૃત રામાયણમાં કહે છે કે જ્યારે જનક રાજાએ પ્રથમવાર સીતાજીને જોયાં ત્યારે તેમનું હૃદય આનંદથી ઉછળી પડ્યું અને તેમનાં હૃદયમાંથી સીતાજી માટે આશિષ રૂપી ગાન નીકળી ગયું, જેમાં જનક રાજા કહે છે કે “આજ દિવસ સુધી હું ફક્ત નરેશ હતો પરંતુ હવે હું મહાનરેશ થયો કારણ કે મારું સૌભાગ્ય આજે મારે ત્યાં મારી પુત્રી બનીને આવ્યું છે”. આમ આપણાં પુરાતન શાસ્ત્રોએ પુત્રીઓનો મહિમા ગાયો છે ત્યાં આજની સંસ્કૃતિમાં પુત્રીનું અને પુત્રીઑ માટેનાં હાલરડાંઓનું મૂલ્ય ઓછું શા માટે અંકાય છે? આજે આપણે કહીએ છીએ કે પુત્ર અને પુત્રીનું સ્થાન સમાજમાં એક જ છે તેમ છતાંયે આજની આપણી સંસ્કૃતિ પુત્રભાવનાને વિશેષ મહત્વ આપે છે તેથી જ પુત્રને માટે અનેકાનેક હાલરડાંઑ આપણી સમાજસંસ્કૃતિમાં જોવા મળે છે પરંતુ પુત્રીને સંબોધિત કરાયેલા હાલરડાંઑની સંખ્યા લગભગ નહીવત્ છે. તેજ રીતે ભાઈને હીંચોળતી બહેનનું સ્થાન હાલરડાંમાં છે, પણ બહેનીને હીંચોળતા ભાઈનો સમાવેશ હાલરડાંઓમાં કરાયો નથી. જે ભારતીય સંસ્કૃતિમાં પુત્રનું ચલણ વધુ દર્શાવ્યું છે તે જ ભારતીય સંસ્કૃતિમાં એક દિવસ પુત્રને જન્મ આપનારી કન્યાનું મહત્વ વિશેષ રહેતું હતું તેથી જ સીતા, રાધા, પાર્વતી વગેરેની સંબોધિત કરીને ઘણાં હાલરડાઓનો સમાવેશ શાસ્ત્રોમાં કરાયેલો છે. આ જ હાલરડાઓને કારણે ભારતીય સંસ્કૃતિનાં પાયારૂપ આપણી આ દેવીઓની ભેંટ આપણને મળી છે. જો સતી (પાર્વતિ) ન હોત તો કદાચ રિધ્ધિ-સિધ્ધી અને બુધ્ધિનાં સ્વામી ગણપતિની ભેંટ આપણને મળી ન હોત, જો રાધિકા જેવી વ્રજનારી ન હોત તો સખ્ય પ્રેમનું અદ્ભુત સ્વરૂપ આપણને જોવા મળ્યું ન હોત અને જો સીતા ન હોત તો સાસુ-વહુ વચ્ચેનાં સંબધની, દેવર-ભાભીના અને પતિ-પત્ની વચ્ચેનાં સંબંધોની ગહેરાઈ વિષે આપણને કોણ બતાવત? જો ઋષિ કન્યા ગાર્ગી ન હોત તો તે સમયમાં સ્ત્રીઓ કેટલી વિદુષી હતી તેની પણ જાણકારી આપણને કેમ કરીને હોત? શાસ્ત્રોએ કહ્યું છે કે આજની પુત્રી થકી આપણને આવતી કાલે સંસારને ચલાવનાર માતા મળશે. કારણ કે “गुरुणां माता गरीयसी” માતાએ સૌથી મોટી ગુરુ છે. જે આપણને મા, મમતા અને માતૃત્વને ઉત્તમ ભેંટ આપે છે, પણ આપણે જ્યાં આપણાં આજમાંથી પુત્રીને જ કાઢી નાખી હોય ત્યાં આવતીકાલ માટે આશા શી રીતે રાખવી? આપણો સમાજ વેદ પુરાણોને બહુ માને છે. આજ વેદ પુરાણોએ પુત્રીઓ અને માતાઓનો મહિમા ગાયો છે તેમ છતાં પણ દુઃખદ વાત એ છે કે આજે પણ સમાજ પુત્રીને બદલે પુત્રમોહને વધુ માન્યતા આપે છે, તેથી અનેક પુત્રીઓ આજે ત્યજાયેલી જોવા મળે છે. તેથી જ્યાં પુત્રીઑ જ ત્યજાયેલ હોય ત્યાં પુત્રીને લગતા હાલરડાઓનું પ્રમાણ પણ ક્યાંથી હોય? થોડા સમય પહેલા મારી વાત ટેમ્પલ યુનિવર્સિટીના પ્રોફેસર એલન થોમ્પસન સાથે થયેલી. (તેઓ ટેમ્પલ યુનિવર્સિટીમાં વર્લ્ડ હિસ્ટ્રી અને ફિલોસોફીકલ વિષય લે છે.) તેમણે વાતચીતમાં જણાવ્યું કે અમારી (અમેરિકાની અને યુરોપની) નાઈટ ટાઈમ સ્ટોરીનો જન્મ તમારી ભારતીય સંસ્કૃતિમાંથી થયો છે તેવું હંમેશા મારુ માનવું રહ્યું છે. પરંતુ દુઃખદ સત્યતા એ છે કે આજે ખુદ ભારત જ અમારી (પાશ્ચાત્ય જગત તરફની) સંસ્કૃતિને પકડવા માટે દોડી રહ્યું છે, તેથી ભારતમા રહેલી અમૂલ્ય સંસ્કૃતિ નામશેષ બની ગઈ છે.

પ્રો.એલનની વાત માનીએ તો આ સંસ્કૃતિમાં આપણાં હાલરડાં પણ આવી જાય છે. હાલરડાં….મા રૂપી ગુરુ જ્યારે પોતાના સંતાનને ભાવપૂર્વક હાલરડાંઑ દ્વારા બાળકને જીવનનાં પાંચ વિષય….. શબ્દ, રૂપ, ગંધ, સ્વાદરસ અને સ્પર્શનું જ્ઞાન કરાવતી સુવડાવે છે ત્યારે એ બાળકનાં ભાગ્યની ઈર્ષા દેવો પણ કરે છે કારણ કે દેવોને પણ માતાનાં ભાવનું, માતાની ગોદનું અને માતાનાં કંઠેથી હાલરડાંઑ સાંભળવાનું સૌભાગ્ય નથી મળ્યું. વિજ્ઞાન સહિત સમસ્ત શાસ્ત્રોમાં કહ્યું છે વાત્સલ્ય, પ્રેમ અને માતૃત્વથી છલોછલ ભરેલા હાલરડાંઓ બાળકના જીવનઘડતરમાં અને સંસ્કાર આપવામાં મોટો ભાગ ભજવે છે. પરંતુ આધુનિક યુગની વાત કરીએ તો માતા કે બાળક નથી બદલાયા પરંતુ સમયે તેમને બદલી કાઢ્યાં છે. કારણ કે વધતાં જતાં વિજ્ઞાને અને ઝડપથી બદલાઈ રહેલા યુગની સાથે હરણફાળ ભરી રહેલા સમયની સાથે માતાની એ વાત્સલ્ય પૂર્ણ બોલી વિસરાઈ ગઈ છે અને બાળક આ કોમ્પીટેશન ભરેલ વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી રાખવા માટે ભીડમાં ખોવાઈ ગયો છે તેથી માતા અને બાળક વચ્ચે રહેલ તે સેતુ તૂટી ગયો છે જેને કારણે હાલરડાંઓનું અસ્તિત્વ પણ ખોવાઈ ગયેલું છે અને તેનું તત્વ પણ ખોવાઈ ગયેલું છે. આજે આધુનિકતાનાં રંગે રંગાયેલા વિશ્વમાંથી માતાનાં હાથોની દુલારભરી થપકીનો, બાળકની આસપાસ ફરી રહેલ માતાના મીઠા લહેરાઈ રહેલ સૂરનો સ્વર નથી આવતો, ક્યાંયથી દાદી-નાની પવનને ધીરેથી જવાની સૂચના નથી આપતું, ક્યાંયથી કોઈ માતાતુલ્ય બહેનીનું વ્હાલ નથી સંભળાતું, પરીઓની દુનિયા અને પ્રકૃતિનો રંગ ક્યાંય દેખાતો નથી. કારણ કે આજે માતા પાસે એ સમય જ નથી કે તે બાળકને સંભળાવી શકે અને બાળક પાસે પણ સમય નથી કે તે સાંભળી શકે. ટી.વીની રંગબેરંગી અને બેરંગી દુનિયાની વચ્ચે ચાંદામામાની સાથે મા ને બાળક પણ ખોવાઈ ગયાં છે ત્યાં હાલરડાઓનું તત્વ પણ ક્યાંથી હોય? સમય સાથે આવેલા આ પરીવર્તનમાં હાલરડાંઑ ગાતી માતા અને નાદ સુણતા બાળક બંને એવા ખોવાઈ ગયા છે કે જાણે કાળા વાદળની નીચે છુપાયેલ ચંદ્ર. ખોવાઈ ગયેલા હાલરડાંઓનો યુગ ફરી શું ક્યારેય આવશે કે નહીં તે તો સમય જ કહેશે. પરંતુ આ ત્યારે જ શક્ય બનશે જ્યારે માતાઑ આ હાલરડાંઓનું મૂલ્ય સમજી શકે અને બાળકો તેને આત્મસાત કરી શકે. એક પેઢી મૂલ્ય સમજશે ત્યારે બીજી પેઢી એવી તૈયાર થશે જે હાલરડાંનાં સ્થાનને જાળવી શકે.

પૂર્વી મોદી મલકાણ યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

 

 

3 thoughts on “રણને પાણીની ઝંખના – ૫ (પૂર્વી મોદી મલકાણ)

 1. હાલરડા અંગે સ રસ માહિતી
  આપણી સંસ્કૃતિનાં હાલરડાંઓ નવી પેઢીને સાંભળવા
  મળતા નથી. લોકગીત તરીકે હાલરડા પણ એટલાં
  મહત્વનાં છે. હાલરડા યુગો સુધી લોકમુખે જીવિત
  રહે તેવા હેતુથી ‘હાલરડાંનો સંગીતનો ઉત્સવો
  કરવા જોઇએ

  Liked by 1 person

 2. HALRDA GAYAB THYA CHE. MARI WIFE BHATRIJI NE PUCHYU KE GHODIA MA BABA NE SUVDAVE TO SARU RAHE. HU PAN DORI VATE HINCHU. BHATRIJI KAHE KAKI JAMANA BDLIA GAYA. KOI NE TIME NATHI NOKRI KARI NE AVU JAMAVANU BANAVVANU, BABA NE RAKH VANO I SLEEP BAD MA MUSIC VADA RAMKDA SATHE RAME CHE NE SUI JAY CHE. TAMNE KAI VADHO CHE? NAVO YUG NAVA VICHAR NAVI TECHNIC. HALRDA KUD HALI KARVA GAYA.

  Liked by 1 person

 3. બહુ જ માહિતીપ્રદ લેખ ! આવા જ એક વિચારથી , જયારે અમે એક પૌત્રીનાં નાના નાની બનવાના હતાં , ત્યારે દીકરી માટેનાં હાલરડાં લખી એની સી ડી અને પુસ્તિકા બહાર પાડી.. નરેન્દભાઈ મોદીએ ખાસ આમન્ત્રણ આપી મુલાકાત આપી હતી (૨/ ૨૦૧૪ ) youtube પર આ રહી એ લિંક

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s