સફરની સ્મૃતિના સથવારે -૬ (રાજુલ કૌશિક)


એટલાંટિક ઓશનનો અદ્‌ભુત આઈલેન્ડ-માર્થા”ઝ વિન્યર્ડ

બરાક ઓબામા, રોનાલ્ડ રેગન, જ્યોર્જ બુશ, બિલ ક્લિન્ટન આ બધા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રેસિડન્ટ છે એ એક એમની સૌથી મોટી સામ્યતા હોવા ઉપરાંત આ સૌમાં બીજી એક નાનકડી સામ્યતા છે એમના ઉનાળુ શોર્ટ ટર્મ વેકેશનની પસંદગી અને એ છે યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુએટ્સના કેપ કોડની દક્ષિણે આવેલી સાધનસંપન્ન અને સમૃધ્ધ સમર કોલોની માર્થા”સ વિન્યર્ડ .

પ્રેસિડેન્ટ્સ માટે ઉનાળાનું શોર્ટ ટર્મ વેકેશન હોય ,પ્રવાસીઓ માટે લોંગ વીક એન્ડ હોય કે વન ડે ટ્રીપ હોય માર્થા”સ વિન્યર્ડ દરેક રીતે માફક આવતો આઇલેન્ડ છે. હવે આઇલેન્ડનું નામ પડે એટલે એની ચોગમ અફાટ દરિયો તો હોવાનો જ એ સ્વભાવિક છે. આટલાંટિક ઓશનની જળરાશીથી ઘેરાયેલો આ આઇલેન્ડ લગભગ ૨૬૦ કિલોમીટર લંબાઇ ધરાવે છે .વિશાળતાની દ્રષ્ટી યુનાઇટેડ સ્ટેટ્સમાં ૫૮મા સ્થાને આવેલો આ આઇલેન્ડ જમીન રસ્તે કોઇ જગ્યાએથી બ્રિજ કે ટનલ સાથે જોડાયેલો નથી.

માર્થા”સ વિન્યર્ડ જવા માટે મેસેચ્યુએટ્સના વૂડસ હોલ, ફેલ્માઉથ, ન્યુ બેડફોર્ડ, હાયોનિસ અને રોડ આઇલેન્ડ તેમજ વીક એન્ડમાં ન્યુયોર્કથી ફેરી લેવી જ અનુકૂળ રહે છે અથવા તો બોસ્ટન , હાયોનિસ , ન્યુ બેડફર્ડ, પ્રોવિન્સ કે ન્યુયોર્કથી હવાઇમાર્ગ પસંદ કરવો પડે. એકવાર માર્થા”સ વિન્યર્ડ પહોંચો એ પછી તો તમારુ પોતાનુ ટ્રાન્સપોર્ટેશન એટલે કે  પોતાની કાર ન હોય તો ત્યાં ફરવા માટે હોપ એન્ડ હોપ સર્વિસ તો હોય જ છે.

આ બધુ જાણ્યા પછી એક સવાલ મનમાં ઉદભવે કે જો માર્થા”સ વિન્યર્ડ જવા માટે કોઇ રોડ માર્ગ ન હોય તો ત્યાં પોતાની કારમાં ફરવુ કેવી રીતે ? મઝાની વાત એ છે કે અગાઉથી બુકિંગ મેળવી લીધુ હોય તો ડેસ્ટિનેશન પર પહોંચવા માટે ઉપડતી ફેરીમાં તમને તમારી કાર પાર્કીંગની સવલિયત મળી જ જાય .

સવારે  છ વાગ્યાથી શરૂ થતી ફેરી સર્વિસ મોડી સાંજ સુધી થોડા થોડા સમયના અંતરે મળી રહે છે. વહેલી સવારના કુણા તડકામાં પાણી પર ઝીલમીલાતી બુંદો તો જાણે પાણીમાં આસમાનના ટ્વીંકલ ટ્વીંકલ શાઇનીંગ સ્ટાર ઉતરી આવ્યા હોય એવી અનુભૂતિ કરાવે. સરસ મઝાના ચળકતા તડકાનુ ઉષ્માથી સ્વાગત કરતી હોય એવી પાણીની લહેરો પર સરકતી ફેરી લગભગ ૪૫ મિનિટથી  એક કલાકે માર્થા”સ વિન્યર્ડ પહોંચે .

એકવાર માર્થા”સ વિન્યર્ડ પહોંચો એટલે તમારે કયા બીચ પર જવુ  છે એ તમારી પસંદગી પર નિર્ભર છે. અહીંના બીચ એકદમ સુરક્ષિત અને સ્વચ્છ જોયા. અહીં કેટલાક બીચ કોઇપણ જાતની રોકટોક વગર ફરી શકાય એવા અર્થાત આવનાર દરેક પ્રવાસી પબ્લિક માટે છે તો કેટલાક  અહીંના રહેવાસી અથવા તો બીચ પરના રિસોર્ટ પર રહેતા લોકો માટે રીઝર્વ છે.

માર્થા”સ વિન્યર્ડના જોવા માણવા લાયક બીચમાંનો એક બીચ સાઉથ બીચ ( કટામા)  છે જેનો સમાવેશ પ્રિસ્ટાઇન લોકેશનમાં થાય છે. પ્રિસ્ટાઇન એટલે કે જે સદીઓથી જેવુ હતુ એવુ જ યથાવત સાચવવામાં આવ્યુ હોય એવુ લોકેશન. એટલાંટિક ઓશનના પાણીની છોળોથી  જાણે સતત દળાઇને બારીક  રેશમ જેવી સુંવાળી થઈ ગઈ હોય એવી રેતીથી ચમકતો આ બીચ કહે છે કે વર્ષો પહેલા બીજા વિશ્વ યુધ્ધ  સમયે મિલિટરીની બરાક અને તોપખાનાથી ભરાયેલો રહેતો જે વર્તમાનમાં સહેલાણીઓનુ મનગમતુ લોકેશન બની રહ્યુ છે.

”ધ મેજેસ્ટિક ગે હેડ ક્લિફ ”

જેના માટે કહેવાય છે એ એક્વિના બીચ પર જો સહેજ આથમતી સાંજ પહેલાના સમયે ઉભા રહેવાનો મોકો મળે તો ચોક્કસ તમને એમ થાય કે આ પ્રકૃતિ આખે આખી તમને ઘોળીને એનામાં સમાવી લે તો એ સાંજ સાર્થક બની જાય. સૂર્યના સોનેરી તડકામાં ચમકતી લીલીછમ ભેખડો હવે હિસ્ટોરિકલ સાઇટ બનતી જાય છે. બીચ પર મન મુકીને રમો , સ્વિમિંગ કરો કે ફિશિંગ કરો ,રેતીમાં વેરાયેલા છીપલા એકઠા કરો નો પ્રોબ્લેમ પણ આ ભેખડો પર ચઢવાની કે સોવિનિયર તરીકે એની માટી લેવાની અહીં પરવાનગી નથી. આપણા ગુજરાતીઓનું  ફિશિંગના નામથી જરા નાકનું ટીચકુ ચઢે પણ અહીંયા તો જેમ નાના બાળકોને હાથ પકડીને ડગ ભરતા  શિખવે કે સાઇકલ ચલાવતા શિખવવામાં આવે એમ બાળકોને ફિશિંગની ટ્રેઇનીંગ આપતા પરિવારો જોયા.

એડ્ગરટાઉન લાઇટ હાઉસનુ નામ આ ગામના નામને આધારિત છે જે લગભગ મે થી ઓક્ટોબર સુધી પબ્લિક માટે ખુલ્લો રહે છે. જ્યાં આ આઇલેન્ડના ઇતિહાસની ઝાંખી કરાવવામાં આવે છે. આ સમય  દરમ્યાન સામાન્ય ફી લઈને લાઇટહાઉસની અંદર પ્રવેશ આપવામાં આવે છે અને એના લૅન્ટર્ન રૂમ નિહાળવાની તક મળે છે.

આ બીચ, આ લાઇટહાઉસ બધુ જ ખુબ સરસ, બધુ જ અત્યંત રમણીય તો છે જ તે ઉપરાંત  બચ્ચાપાર્ટીને માટે ય મઝા પડે એવો છે “ફ્લાઇંગ હોર્સ કેરેસોલ”. કહેવાય છે કે ૧૮૭૬થી શરૂ થયેલ આ દેશનો સૌથી જુનો પ્લેટફોર્મ કેરેસોલ છે જે યુ એસ ઇન્ટીરિયર ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ લેન્ડમાર્ક તરીકે પ્રસ્થાપિત થયો છે. ૧૯૮૬માં માર્થા”સ વિન્યર્ડ પ્રિઝર્વેશન ટ્રસ્ટ દ્વારા એને અહીં લાવવામાં આવ્યો ત્યાં સુધી એ અસલમાં એ ન્યુયોર્કના કૉની આઇલેન્ડમાં હતો.

એકાકી અને અકલવાયુ જીવન જીવતા અમેરિકનો અહીં પોતપોતાની રીતે સમય પસાર કરવા આવતા હશે પણ એવા કેટલાય પરિવાર જોયા કે જે બાળકો સાથે અને બાળકો માટે પણ અહીં આવતા રહેતા અને મોજ માણતા , બાળકોને મઝા કરાવતા જોયા. ” આવા પરિવારો માટે “ફ્લાઇંગ હોર્સ કેરેસોલ”ની જેમ બાળકો માટેની રસપ્રદ જગ્યા છે જિંજરબ્રેડ કોટેજીસ .

૧૮૮૦ની સદીમાં મેથોડિસ્ટ કોમ્યુનિટિ દ્વારા બંધાયેલ આ જિંજરબ્રેડ કોટેજીસ સ્ટોરી લેન્ડ જેવા ભાસે છે. આકર્ષક રંગોથી રંગાયેલા  આ નાનકડા કોટેજીસનું  સુંદર ડેકોરેશન તો જાણે બોલકી પરીકથા. સરસ મઝાના પિંક, ગ્રીન, લેમન યલૉ કે પિસ્તા જેવા ફુડ કલરની ચાસણી બનાવીને  કોટેજીસને રંગ્યા હોય અને ઉપર જાણે આઇસીંગથી સુશોભિત કર્યા હોય એવા આ જિંજરબ્રેડ કોટેજીસ લાગે .

માર્થા”સ વિન્યર્ડમાં સર્વ સામાન્ય રીતે જોવા મળે એના કરતા કંઇક નવુ ય જોવા મળે અને એ છે અહીંના ઍલ્પૅક .લાંબા વાળવાળા ઘેટા જેવું એક પ્રાણી (અલપાકા). આ આઇલેન્ડનું નામ જ અલ્પાકા. જો પ્રવાસીઓને રસ હોય તો અહીં ભરવાડ કે ગોવાળ જેવા એની દેખભાળ રાખનારા લોકોને મળીને ઍલ્પૅક વિશે ,એમના ઉછેર વિશે ,એમના સંવર્ધન વિશે વધુ જાણકારી મેળવી શકે છે.

આ સિવાય પણ કિડ્સ કેમ્પ અને ફેમિલી કેમ્પમાં બાઇકિંગ , રોપ ક્લાઇંબીંગ ,કયાકિંગ જેવા અવનવા આકર્ષણો તો જોવા મળે જ છે.

આ સૌ કરતા ચઢિયાતુ અને એક સાવ જ અનેરુ આકર્ષણ એટલે પૂનમની રાત્રે કયાકિંગ.

આગ્રાનો તાજમહેલ પૂનમની રાત્રે જોવો  કે જબલપુરના ભેડાઘાટમાં પૂનમની રાત્રે આરસપહાણના ખડકો કોતરીને વચ્ચે વહેતી નર્મદામાં નૌકા સહેલ માણવી એ તો કદાચ સૌએ સાંભળ્યુ હશે પરંતુ  માર્થા”સ વિન્યર્ડ તો પૂનમની રાત્રે મૂનલાઇટ કયાક પેડલની મોજ માણવાની સવલિયત પણ પુરી પાડે છે. જુલાઇ અને ઓગસ્ટ મહિનાના પૂનમની રાતો રળીયામણી બનાવનારી આ ઓફર માટે પ્રિ રજીસ્ટ્રેશન જરૂરી છે. એડલ્ટના ૪૦ અને બાળકોના ૨૦ ડોલરની ફી ચુકવીને આ લ્હાવો લઈ શકાય છે. અલબત્ત પ્રકૃતિ તમારી સાથે હોય તો આટ્લાંટિક ઓશનના સ્થિર શાંત પાણીના અલગ પડતા બે રંગો પણ માણી શકો છો.

માર્થા”સ વિન્યર્ડ વિશે ઘણુ બધુ જોયા જાણ્યા પછી સૌના મનમાં એક સવાલ થાય કે વિન્યર્ડ નામ સાથે સંકળાયેલી આ જ્ગ્યાએ ક્યાંય દ્રાક્ષના બગીચા, દ્રાક્ષની ખેતી કે દ્રાક્ષમાંથી બનતા વાઇનની વાઇનરી વિશે તો એક પણ ઉલ્લેખ ન થયો ?

આજ સુધી વહેતી થયેલી વાતો મુજબ આ આઇલેન્ડનું નામ બાર્થાલોમ્યુ ગોસ્નોલ્ડ નામના બ્રિટિશરની નાનકડી દિકરી માર્થાના નામ પરથી આપવામાં આવ્યુ છે. ગોસ્નોલ્ડે ૧૬૦૨માં આવીને એક વ્યાપાર અર્થે  ટ્રેડિંગ પોસ્ટ સ્થાપી. અહીંથી એને દવા તરીકે વપરાતા સૅસફ્રૅસ નામના અમેરિકન વૃક્ષની છાલ એકઠી કરીને લઈ જવામાં રસ હતો. આ દરમ્યાન અહીંના સ્થાનિક સાથેની અથડામણના લીધે એને આ જગ્યા છોડી દેવી પડી પરંતુ એ પહેલા એણે આ આઇલેન્ડનું નામ એની દિકરી  માર્થાના નામ પરથી આપ્યુ હતું.

જ્યારે બીજી એક લોકોક્તિ પ્રમાણે અહીંનુ નામ માર્ટીન”સ વિન્યર્ડ પરથી છે. કહે છે કે આ માન્યતાને  આધારિત દસ્તાવેજ પણ સાંપડ્યા છે. તો વળી એક બીજી એવી માન્યતા પ્રમાણે માર્ટીન પ્રિન્ગ કે જેણે હાલના એડ્ગરટાઉન હાર્બરની ૧૬૦૫માં મુલાકાત લીધી હતી એની નામ પરથી છે.

જો કે હજુ સુધી માર્થા”સ વિન્યર્ડ નામ પાછળ કોઇ  ખાતરીબંધ કહી શકાય એવા પુરાવા પ્રાપ્ત નથી થયા. પણ એથી શું ? માર્થા”સ વિન્યર્ડની સુંદરતા એનાથી જરાય ઝાંખી તો નથી જ પડીને?

Rajul Kaushik

 

3 thoughts on “સફરની સ્મૃતિના સથવારે -૬ (રાજુલ કૌશિક)

  1. સુ શ્રી રાજુલ કૌશિકની હંમેશ જેમ એટલાંટિક ઓશનનો અદ્‌ભુત આઈલેન્ડ-માર્થા”ઝ વિન્યર્ડ અંગે મનભાવન અભ્યાસુ માહિતી
    ‘એટલાંટિક ઓશનના પાણીની છોળોથી જાણે સતત દળાઇને બારીક રેશમ જેવી સુંવાળી થઈ ગઈ હોય એવી રેતી..’એ યાદ આવ્યું એકવાર આવી રેતીની પોટલી લ ઇ આવ્યા અને ઘેર અવીને જોયું તો આ ડ્રગમાની ચેકીંગ કર્યું તેનો કાગળ સાથે હતો! સૅસફ્રૅસ અંગે તો એક લેખ લખી શકાય..Safrole can be obtained fairly easily from the root bark of Sassafras albidum via steam distillation. It has been used as a natural insect or pest deterrent. Godfrey’s Cordial, as well as other tonics given to children that consisted of opiates, used sassafras to disguise other strong smells and odours associated with the tonics. It was also used as an additional flavouring to mask the strong odours of homemade liquor in the United States.
    Commercial “sassafras oil,” which contains safrole, is generally a byproduct of camphor production in Asia or comes from related trees in Brazil. Safrole is a precursor for the manufacture of the drug MDMA, as well as the drug MDA (3-4 methylenedioxyamphetamine) and as such, its transport is monitored internationally. Safrole is a List I precursor chemical according to the DEA.Studies in the 1960s suggested that safrole was carcinogenic, causing permanent liver damage in animals. Consequently, the US Food and Drug Administration (FDA) banned sassafras and safrole for human consumption

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s