ભાષાને શું વળગે ભૂર – ૩૨ (બાબુ સુથાર)


સીમામુક્ત શબ્દવર્ગ અને સીમાબદ્ધ શબ્દવર્ગ

મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ વ્યાકરણમૂલક વર્ગીકરણ કરતી વખતે શબ્દોને બે વર્ગોમાં વહેંચી નાખતા હોય છે: (૧) સીમામુક્ત (open) શબ્દો અને (૨) સીમાબદ્ધ (close) શબ્દો. રોબિન્સે નામના ભાષાવિજ્ઞાનીએ એમના ૧૯૬૪માં પ્રગટ થયેલા General Linguistics: An Introductory Survey નામના પુસ્તકમાં આ બન્ને પરિભાષાઓ સારી રીતે સમજાવી છે. સીમામુક્ત શબ્દોને સમજાવતાં એ કહે છે કે આ વર્ગમાં આવતા શબ્દોની સંખ્યા નિશ્ચિત નથી હોતી, એમની સંખ્યામાં સમયે સમયે વધઘટ થતી રહેતી હોય છે અને એ શબ્દોની સંખ્યા ભાષકે ભાષકે પણ જુદી પડતી હોય છે. નામ, વિશેષણ, ક્રિયાપદ અને ક્રિયાવિશેષણના વર્ગમાં આવતા શબ્દો આ પ્રકારના હોય છે. એની સામે છેડે સીમાબદ્ધ શબ્દોને સમજાવતાં એ કહે છે કે આ વર્ગમાં આવતા શબ્દોની સંખ્યા નિશ્ચિત હોય છે. એટલું જ નહીં, એમની સંખ્યા પણ ખૂબ નાની હોય છે અને આ શબ્દોની સંખ્યા બને ત્યાં સુધી ભાષકે ભાષકે બદલાતી નથી હોતી. આ વર્ગમાં સર્વનામ તથા સંયોજક જેવા વર્ગોમાં આવતા શબ્દો આ પ્રકારના હોય છે. આ બન્ને પ્રકારના શબ્દો વચ્ચે હજી એક વધુ ભેદ પણ કેટલાક ભાષાવિજ્ઞાનીઓએ નોંધ્યો છે. એ ભાષાવિજ્ઞાનીઓ કહે છે કે ભાષકો બીજી ભાષામાંથી જે શબ્દોને આયાત કરતા હોય છે એ શબ્દો મોટે ભાગે તો સીમામુક્ત વર્ગના શબ્દો હોય છે. આપણે ‘ટેબલ’, ‘કાર’, ‘ફોન’ જેવા શબ્દો અંગ્રેજીમાંથી આયાત કર્યા છે. એ બદ્ધા જ શબ્દો હકીકતમાં તો સીમામુક્ત વર્ગના શબ્દો છે. એની સામે છેડે, આ ભાષાશાસ્ત્રીઓ કહે છે કે ભાષકો સીમાબદ્ધ વર્ગોમાં આવતા શબ્દોને આયાત ન કરી શકાય. જેમ કે, આપણે અંગ્રેજીમાંથી ‘is’, ‘are’, અને ‘and’ જેવા શબ્દો આયાત ન કરી શકીએ.

સીમામુક્ત શબ્દવર્ગો અને સીમાબદ્ધ શબ્દવર્ગો વચ્ચેનો આ ભેદો કેવળ માર્ગદર્શક છે એમ કહી શકાય. એમ હોવાથી આ ભેદોને કોઈએ નર્યા આદેશ તરીકે ન જોવા જોઈએ. કેમ કે કેટલાક શબ્દો આપણને સીમામુક્ત વર્ગના લાગે પણ ક્યારેક એ શબ્દો સીમાબદ્ધ વર્ગના શબ્દોના જેવું વર્તન કરે પણ઼ ખરા. દા.ત. ‘લેવું’ ક્રિયાપદ લો. આપણે જાણીએ છીએ કે આ શબ્દ એક ક્રિયાપદ છે. અને ક્રિયાપદ એક સીમામુક્ત શબ્દવર્ગ છે. પણ, જ્યારે આપ઼ણે “રમેશે ખાઈ લીધું” જેવાં વાક્યોમાં આવતું ‘લેવું’ ક્રિયાપદને ધ્યાનમાં લઈશું તો આપણને ખ્યાલ આવશે કે અહીં આવતું ‘લેવું’ ક્રિયાપદ સીમામુક્ત શબ્દવર્ગનું નથી. આપણે અગાઉ જોયું છે એમ ગુજરાતીમાં સંયુક્ત ક્રિયાપદોનો એક વર્ગ છે અને આ પ્રકારનાં ક્રિયાપદોમાં છેલ્લા ક્રમે આવતાં ક્રિયાપદો સામાન્ય ક્રિયાપદોની જેમ ક્રિયાનું નિરૂપણ નથી કરતાં પણ ક્રિયાની એક અવસ્થાનું જ નિરૂપણ કરે છે.

આ જ રીતે આપણને બીજી ભાષામાંથી શબ્દો ઊછીના લાવવવાની બાબતમાં પણ કેટલાક અપવાદો મળી રહે. આ બાબતમાં ગુજરાતી ભાષકોનો કદાચ જોટો જડે એવો નથી. અંગ્રેજી ‘no’ આમ જુઓ તો સીમાબદ્ધ વર્ગમાં આવતો શબ્દ છે. પણ, ક્યારેક ગુજરાતી ભાષકો ‘નો, નો. હું સાંજે ઘેર આવવાનો નથી’ જેવાં વાક્યો બોલતા હોય છે અને એવાં વાક્યો બોલતી વખતે ‘no’ જેવા શબ્દો આયાત કરતા હોય છે. જો કે, આ પ્રકારના borrowing પર કેટલાંક નિયંત્રણો હોય છે ખરાં. જેમ કે, ગુજરાતી ભાષકો ગમે એટલું ઇચ્છે તો પણ ‘not’ શબ્દ ઊછીનો નહીં લાવી શકે.

પણ ઘણી વાર કેટલાક ગુજરાતી ભાષકો ભાષાવિજ્ઞાનીઓને મૂંઝવી નાખે એ રીતે બીજી ભાષાઓમાંથી શબ્દો આયાત કરતા હોય છે. આપણામાંના ઘણાએ “મારે બહુ બુક્સો રીડ કરવાની છે” જેવાં વાક્યો સાંભળ્યાં હશે. સવાલ એ થાય કે ‘બુક્સો’ શબ્દ બોલનારે પહેલાં ‘બુક’ શબ્દને લઈ આવીને પછી અંગ્રેજી બહુવચનનો -s લગાડ્યો હશે કે પછી એ સીધા જ ‘books’ શબ્દ લઈ આવીને પછી એને ગુજરાતી બહુવચનનો -ઓ લગાડ્યો હશે? જો પહેલી પૂર્વધારણા પ્રમાણે જઈએ તો આપણે એમ કહેવું પડે કે જે તે ભાષકે એકવચન અને બહુવચન એમ બન્ને શબ્દો borrow કર્યા હશે. આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક આપણને આ વિશે સંશોધન કરીને કંઈક કહેશે. ત્યાં સુધી આપણે એક વાત યાદ રાખવાની કે સીમામુક્ત શબ્દો અને સીમાબદ્ધ શબ્દોનું આ વર્ગીકરણ આપણે માનીએ છીએ એટલું ચૂસ્ત નથી.

આપણે અત્યાર સુધીમાં ગુજરાતી નામ, વિશેષણ, ક્રિયાપદ અને ક્રિયાપદોના સ્વરૂપને સમજવાનો પ્રયાસ કર્યો. એમ કરતી વખતે આપણે સૌ પહેલાં તો જે તે શબ્દોની આંતરિક સંરચના પર ભાર મૂક્યો. ત્યારબાદ એમના વ્યાકરણમૂલક વર્તન પર પણ ભાર મૂક્યો. આમ કરવા પાછળનો આશય ખૂબ સ્પષ્ટ હતો. મારે એક બાજુ શબ્દોની વ્યાકરણમૂલક સંરચના સમજાવવી હતી અને બીજી બાજુ એ સંરચના કઈ રીતે કામ કરે છે અને એ બીજી વ્યાકર઼ણમૂલક સંરચનાઓ સાથે કઈ રીતે કામ કરે છે એનો ઉપરછલ્લો નિર્દેશ કરવો હતો. એમ કરતી વખતે આ સીમામુક્ત શબ્દો અને સીમાબદ્ધ શબ્દો વચ્ચેના વર્ગીકરણનો ભેદ સંપૂર્ણપણે જળવાયો નથી. જેમ કે, નામની વાત કરતી વખતે મેં વિભક્તિના પ્રત્યયોની વાત કરી. આ પ્રત્યયો દેખીતી રીતે જ સીમાબદ્ધ શબ્દોના વર્ગમાં આવે. જો કે, એમને પણ શબ્દો કહેવાય કે નહીં એ એક પ્રશ્ન તો ખરો જ. એ જ રીતે, મેં સર્વનામોની વાત કરી. સર્વનામો હકીકતમાં તો સીમાબદ્ધ શબ્દોના વર્ગમાં આવે. બરાબર એમ જ, મેં સહાયકારક ક્રિયાપદોની વાત પણ કરી. સહાયકારક ક્રિયાપદો પણ સીમાબદ્ધ વર્ગમાં આવે.

આવું કરવા પાછળ કારણો હતાં. હું સરેરાશ વાચકો માટે આ લેખો લખી રહ્યો હતો. હવે જ્યારે આ શ્રેણી પૂરી થશે ત્યારે આ જ લખાણોને મઠારીને શબ્દોને જે તે વર્ગમાં મૂકીશ. જેથી કરીને ભાષાના અને ભાષાશાસ્ત્રના વિદ્યાર્થીઓને એ વધુ ઉપયોગી બને.

હવે પછીના લેખોમાં આપણે બદ્ધ વર્ગમાં આવતા શબ્દોનું વ્યાકરણમૂલક વર્ગીકરણ કરીશું. એમાં આપણે સર્વનામની વાત નહીં કરીએ. પણ, નામ સાથે સંકળાયેલા વિભક્તિના પ્રત્યયો અને નામયોગીઓની વાત કરીશું. એ જ રીતે, પ્રમાણવાચક શબ્દોની પણ. ત્યાર બાદ આપણે ક્રિયાપદ સાથે સંકળાયેલા સીમાબદ્ધ વર્ગના શબ્દોની વાર કરીશું. એમાં પણ આપણે સહાયકારક ક્રિયાપદોની વાત નહીં કરીએ. કેમ કે અગાઉ એમની વાત કરી છે. પણ, વૃત્તિવાચક ક્રિયાપદોની વાત અવશ્ય કરીશું. ત્યાર બાદ બે કે વધુ વાક્યોને જોડતા connectivesની વાત કરીશું. અને છેલ્લે, બાકી રહી ગયેલા ભારવચાક, ઉદ્ગારવાચક, જેવા શબ્દવર્ગોની વાત કરીશું.

મને લાગે છે કે શબ્દોનું આ વ્યાકરણમૂલક વર્ગીકરણ ઘણાને ઉપયોગી લાગશે.

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૩૨ (બાબુ સુથાર)

  1. મા બાબુ સુથારનુ સીમામુક્ત શબ્દવર્ગ અને સીમાબદ્ધ શબ્દવર્ગ અંગે અભ્યાસુ લેખ
    આશા રાખીએ કે ભવિષ્યમાં કોઈક આપણને આ વિશે સંશોધન કરીને કંઈક કહેશે. ત્યાં સુધી આપણે એક વાત યાદ રાખવાની કે સીમામુક્ત શબ્દો અને સીમાબદ્ધ શબ્દોનું આ વર્ગીકરણ આપણે માનીએ છીએ એટલું ચૂસ્ત નથી’ વાત વધુ ગમી
    ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s