સફરની સ્મૃતિના સથવારે -૭ (રાજુલ કૌશિક)


 

રમણીય અને અનોખો ૧૦૦૦ આઇલેન્ડ

શબ્દોના બદલે આંકડામાં લખાતુ  ૧૦૦૦ આઇલેન્ડ નામ સાંભળીને નવાઇ લાગે છે ને? કોઇ એક મોટા આઇલેન્ડના બદલે નાના નાના અને તદ્દન નજીક નજીક પણ છુટા છવાયા આઇલેન્ડનો સમૂહ એટલે આ ૧૦૦૦ આઇલેન્ડ. સેન્ટ લૉરેન્સ રિવર અને લેક ઓન્ટારિયોના પૂર્વીય કિનારે આવેલો આ પ્રદેશ ઇન્ટરનેશનલ ટુરિઝમનું આકર્ષણ છે. કેનેડા તરફ  કિંગસ્ટનથી કોર્નવૉલ સુધી અને યુ એસ તરફ ઓસ્વાગોથી મેસન સુધી ફેલાયેલ આ ૧૦૦૦ આઇલેન્ડ  ટુરિસ્ટ સેન્ટર હોવા ઉપરાંત પોતાનો ઇતિહાસ અને આગવી સંસ્કૃતિ ધરાવે છે.

કેનેડા સાઇડથી ઓન્ટારિયોના  નાયગ્રા ફોલથી  કિંગસ્ટન સુધીનો  લગભગ ૪૦૦ કિલોમીટરનો ચારથી પાંચ કલાકનો ડ્રાઇવ અત્યંત આરામદાયી અને મઝાનો છે. (કેનેડામાં કિલોમીટરમાં અંતર મપાય છે.) વળી વચ્ચે પસાર થતા ટોરેન્ટોને પણ ઉપરછલ્લુ જોઇ શકાય. યુ એસ અને કેનેડા બંને તરફ નાયગ્રાના ધોધમાર પ્રવાહને માણીને થાઉઝન્ડ આઇલેન્ડ પહોંચો તો તદ્દન અલગ અનુભૂતિ થાય. મનને પ્રફુલ્લિત કરી દે એવુ શાંત રમણીય વાતાવરણ અને ચારે બાજુ ભુરા આસમાનની ઝાંય ઝીલતા હોય એવા ભુરા સ્વચ્છ પાણી વચ્ચે ઘેરાયેલી આ જગ્યા, ચોગમ વેરાયેલી લીલીછમ વનરાજી વચ્ચે વસતુ આ શહેર અને જાણે ક્યાંય જવાની કશે જ પહોંચવાની કોઇ ઉતાવળ જ ન હોય એવા શહેરવાસીઓ. જીવનની રફ્તાર સાથે તાલ મેળવવા સમય સાથે દોડતા હશે એવા પ્રવાસીઓ પણ અહીં આવીને નિરાંત અનુભવતા હશે.

જો કે આ નિરાંતની વાત અત્યારે સહેલાઇથી કરી શકાય એમ છે બાકી પહેલા આ  વિસ્તાર પર ચાંચિયા અને બૂટલેગરની હકૂમત હતી. આ એક ભૂતકાળ હતો વર્તમાન કહે છે કે વિઝિટર્સ માટે મુક્ત મને મહાલવા માટે  લાઇટ હાઉસ , હિસ્ટોરિક કેસલ ,મેરિ ટાઇમ મ્યૂઝિયમ, ફિશિંગ ,ડાઇવિંગ અને ડાઉન ટાઉનમા વાર-તહેવારે શોપિંગ એટલે ૧૦૦૦ આઇલેન્ડની સફળ સફર.

અત્યારના ૧૦૦૦ આઇલેન્ડ માટે સ્થાનિક લોકોએ નામ આપ્યુ છે ” ગાર્ડન ઓફ ધ ગ્રેટ સ્પિરિટ”. કાશ્મીર માટે કહેવાતુ કે  જો ધરતી પર સ્વર્ગ હોય તો એ અહીં જ છે એમ અહીંના વતનીઓના મતે જો પૃથ્વી પરની સૌથી સુંદર જગ્યા હોય તો એ આ પાણી અને પર્વતોનો બનેલો આ ભવ્ય ગાર્ડન ૧૦૦૦ આઇલેન્ડ જ છે.

અહીંનું વાતારવણ એક અલાયદી તાજગી આપે એવું છે. આ તો થઈ ત્યાંના રહેવાસીઓની વાત પણ પ્રવાસીઓ માટે પણ આ નઝારો માણવો હોય તો શું? કારણકે ૧૦૦૦ આઇલેન્ડનું  સાચું ચિત્ર દૂર બેસીને કે વાત કરવાથી મળે એમ છે જ નહીં. એને જોવા કે જાણવા માટે કિંગસ્ટનમાં ક્રૉફર્ડ વૉર્ફથી લગભગ ત્રણ કલાકની ફેરી લઈ થાઉઝન્ડ આઇલેન્ડની સહેલ લેવી જ પડે.

એકવાર ફેરીની સફર શરૂ થાય એટલે આગળ જણાવ્યુ એમ નજર પહોંચે ત્યાં સુધી  ચોગમ પર્વતોની હારમાળા વચ્ચે પથરાયેલું પાણી જ જોવા મળે. ક્યારેક વિચાર આવે કે જમીન અને ક્ષિતિજને એક થતા જોયા છે પણ પાણી અને પર્વતને એક થતા જોવા હોય તો આવી જ કોઇ જગ્યાએ જવું પડે. ચારેબાજુ નાના નાના આઇલેન્ડ વચ્ચે ફેરી સરતી જાય એમ ખરેખર આ ૧૦૦૦ આઇલેન્ડ શું છે એનો ચિતાર આવે.

સૌથી મઝાની વાત તો એ છે કે આ થાઉઝન્ડ આઇલેન્ડમાં સ્વ માલિકી ધરાવતા નિવાસીઓના પણ આઇલેન્ડ છે. ચારે બાજુ પાણીથી ઘેરાયેલા આઇલેન્ડ પર માત્ર પોતાનું જ સરસ મઝાનું ઘર હોય એવી કલ્પના ક્યારેય કરી જોઇ છે? અને ક્યારેક પણ જો આવી કલ્પના કરી હોય તો એને સાકાર થતી અહીં જોઇ શકાય. આવા અનેક આઇલેન્ડના છુટા છવાયા ઝુમખામાંથી પસંદગી પ્રમાણે ઘર બાંધીને રહેવાનુ, ક્યારેક મન થાય તો આપણે રસ્તા પર ટહેલવા નિકળીએ એમ વળી પાછી એ નાનુ મઝાનું હોડકું લઈને આમ તેમ સહેલ કરી લેવાની. જીવન જરૂરિયાની ચીજ વસ્તુ માટે નાની અમસ્તી બોટ લઈને તટ સુધી જવાનુ  અને પછી તો રોડ વે થી ધારો ત્યાં ફરો..આ બધું જ અહીં ૧૦૦૦ આઇલેન્ડ પર જોવા મળ્યુ. અહીં વસતા પરિવારના બાળકોની પણ રમત કંઇક જુદી જ હશે ને! સ્વિમિંગ , સેઇલિંગ અને ફિશીંગ તો કદાચ એમના માટે રમતવાત હશે. કિંગસ્ટનની કોઇપણ ક્રુઝમાં ૧૦૦૦ આઇલેન્ડ અંગે સતત માહિતી પિરસવામાં આવે છે. મનને મોહી લે એવી અદભૂત જગ્યાઓ સાથે એના ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે તો માહિતી આપવવામાં આવે જ છે સાથે સાથે કેનેડાના પ્રથમ પ્રાઇમ મિનિસ્ટર અને અહીંના વતની સર જ્હોન મેકડૉનાલ્ડ વિશે પણ જણવતા જાય. આમ આ ફેરીની ત્રણ કલાકની સફર ૧૦૦૦ આઇલેન્ડની સાચી ઓળખ કરાવે.

કિંગસ્ટનના ફોર્ટ હેન્રી

પણ કહેવાય છે ને કે દરેક સમયે જે દેખાય એ કાયમનું જ સત્ય નથી હોતુ. આ શાંત સુંદર રમણીય સ્થળ પણ ક્યારેક એવી તંગદિલ વાતાવરણ વચ્ચે ઘેરાયેલુ હતુ. ૧૮૧૨માં અહીંના લડાઇના સમયે એટલા માટે જ તો વધારાની કિલ્લેબંધી અહીં રચાઇ. અત્યારે જો તમે કિંગસ્ટનના ફોર્ટ હેન્રીની મુલાકાત લો તો ત્યાં તમને ૧૯મી સદીનો સમય સચવાયેલો દેખાશે. કિલ્લાની બહાર દૂર સુધી શાંત પાણી ઉપર સરકતી સહેલાણીઓની નાની મોટી બોટ જોવા મળે  અને કિલ્લા ઉપર ગોઠવાયેલી તોપ એક અલગ ચિતાર આપે. આ તોપના નાળચા જોઇને આપણે સ્વભાવિક જે કલ્પના કરી હોય એના બદલે કિલ્લાની અંદર જઈએ તો વળી કંઇક નવુ જ કુતૂહલ રાહ જોતુ હોય. સોવિનીયર શોપ ,આલ્કોહોલ શોપ તો જોઇ સાથે પાર્ટી માટે ખાણીપીણીના ટેબલો પણ જોયા. ટુંકમાં પહેલાના સમયની કિલ્લેબંધી હાલમાં પાર્ટી કે પબ્લિક પ્લેસ થઈ ગયેલી જોઇ. હજુ તો આ બદલાવ જોઇએ જાણીએ ત્યાં સુધીમાં તો લંડનના બકિંગહામ પેલેસની બહાર ઉભેલા હોય એવી રીતે ડ્રેસઅપ થયેલા ગાર્ડસ આવીને ગોઠવાવા લાગ્યા. બકિંગહામ પેલસની બહાર સવાર સાંજ જે ચેન્જીંગ ઓફ ગાર્ડ સેરેમની જોવા મળે છે એવી ઢબની પરેડ અહીં જોવા મળશે એવા આશયથી સૌ રાહ જોતા ગોઠવાયા ત્યાં એ બકિંગહામ પેલેસની પરેડની પૅરડી જેવી  સેરેમની જોવા મળી. આમ તો સામાન્ય રીતે  લોકો ફોર્ટ હેન્રીની સનસેટ સેરેમની જોવા ખાસ વિઝિટ કરતા હોય છે કારણકે આ સમયે ફોર્ટ હેન્રીના ગાર્ડસની ફાઇફ ( વાંસળી જેવુ વાદ્ય) , ડ્રમ સાથે મિલેટરી ડ્રીલ હોય છે અને આતશબાજી પણ થતી હોય છે. આ ડ્રીલ લંડનની પરેડ કરતા જરા અલગ છે. મઝાની વાત તો એ છે કે કિંગસ્ટન વર્તમાનમાં ૧૯૦૦ની સદીની આ કિલ્લેબંધીના જતનને અનુલક્ષીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં માન્યતા પામ્યુ છે.

ફોર્ટ હેન્રી જેવુ બીજુ સ્થળ રૉયલ મિલિટરી કોલેજ. ૧૮૭૬માં શરૂ થયેલી આ કોલેજનું કેમ્પસ ખુબ વિશાળ અને ભવ્ય છે.  કિંગસ્ટન ડાઉન ટાઉનના પૂર્વ તરફ પોઇન્ટ ફ્રેડરિક પર આવેલી આ કોલેજનું  જેટલુ ઐતિહાસિક મહત્વ છે  એટલું જ આ સ્થાન રમણીય પણ એટલુ છે.  સમી સાંજે એ ભવ્ય કોલેજની મુલાકાત એક યાદગાર સ્મરણ બની રહ્યું.

આ તો છે કિંગસ્ટનની વન ડે મુલાકાત.

કિંગસ્ટન પહોંચવા માટે કેનેડા તેમજ ન્યુયોર્ક બંને તરફથી  જઈ શકાય છે. રોડ વૅ ઉપરાંત ઓન્ટારિયો અને ન્યુયોર્ક બંને તરફથી એર સર્વિસ પણ મળી રહે છે.  જેવી રીતે ૧૦૦૦ આઇલેન્ડમાં રોકાણ માટે ઓન લાઇન બુકિંગ કરાવી શકાય છે એવી જ રીતે ક્રુઝનું પણ અગાઉથી ઓન લાઇન બુકિંગ કરાવી શકાય છે.

અને હા ! ફરવા ઉપરાંત ખાવાના શોખીનો માટે પણ ૧૦૦૦ આઇલેન્ડ ડ્રેસિંગ જાણીતુ નામ છે કારણકે આ ડ્રેસીંગનું નામ પણ ૧૦૦૦ આઇલેન્ડ પરથી આપવામાં આવ્યુ છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

4 thoughts on “સફરની સ્મૃતિના સથવારે -૭ (રાજુલ કૌશિક)

  1. ‘પૃથ્વી પરની સૌથી સુંદર જગ્યા હોય તો એ આ પાણી અને પર્વતોનો બનેલો આ ભવ્ય ગાર્ડન ૧૦૦૦ આઇલેન્ડ જ છે.’ આનો પરિચય કરાવવા બદલ સુ શ્રી રાજુલ કૌશિકને ધન્યવાદ
    અને
    આ વાત-‘ફરવા ઉપરાંત ખાવાના શોખીનો માટે પણ ૧૦૦૦ આઇલેન્ડ ડ્રેસિંગ જાણીતુ નામ છે કારણકે આ ડ્રેસીંગનું નામ પણ ૧૦૦૦ આઇલેન્ડ પરથી આપવામાં આવ્યુ છે’
    વધુ ગમી
    અને ફૉટાઓ સૌથી વધુ ગ્મ્યા.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s