મારી કલમ, મારા વિચાર – ૭ (પરભુભાઈ મિસ્ત્રી)


જબ પ્રાણ તનસે નિકલે!…..

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબ વર્ગખંડમાં પ્રવચન આપતા આપતા ઢળી પડ્યા અને હૃદયરોગના કારણે તેમનું નિધન થયું. મિસાઈલ મેનનું બીરૂદ પ્રાપ્ત કરનાર ભારતરત્ન કલામ સાહેબ આજીવન શિક્ષક હતા. કર્તવ્યપરાયણ જીવનું મૃત્યુ કર્તવ્ય બજાવતા બજાવતા આવે એનાથી વધારે રૂડું નસીબ અન્ય કયું હોય?

વૃદ્ધાવસ્થામાં માણસ તમામ રીતે અસહાય બને, દુ:ખ અને પીડાનો પાર ન હોય, અન્યોની મદદ વિના જીવવાનું અશક્ય બને. કોઈ ક્યાં સુધી સંભાળ રાખી શકે? ગમે તેટલા પ્રેમાળ સ્વજનો પણ  સારવાર કરતા થાકી જાય. જિંદગીભર બીજાની સેવા- સારવાર કરનાર વ્યક્તિને ઘડપણમાં જ્યારે બીજાની સેવા લેવાનો કે પરાશ્રયી બનવાનો વખત આવે ત્યારે એ પરાવલંબી પરિસ્થિતિ એને મરણ કરતાંયે વધારે કષ્ટદાયી લાગે. સર્વસામાન્ય રીતે તમામ લોકો એવું ઈચ્છે કે ભગવાન મને પથારીવશ ન રાખે અને કામ કરતા કરતા મારો જીવ જાય તો સારું!

મૃત્યુ અફર છે, પણ માંગેલું મૃત્યુ કોઈને મળતું નથી. એ ક્યારે આવશે અને કઈ રીતે આવશે તેનું રહસ્ય ભગવાને પોતાની પાસે અકબંધ રાખ્યું છે. મૃત્યુ જ્યારે આવવાનું હોય ત્યારે ભલે આવે, પણ એ સમયે આપણને અનુકૂળ સંજોગો હોય તો સારું એવી અભિલાષા દરેકને હોય છે. એ અભિલાષા પાર પડે કે ન પડે એ જુદી વાત છે, પણ મૃત્યુ વખતે મનગમતું વાતાવરણ હોય, મનગમતા માણસો હાજર હોય, મનપસંદ સ્થળ હોય તો સારું એવું હરકોઈ ઈચ્છે છે..

વિદ્યાનંદજીનું અતિ લોકપ્રિય એક ભજન છે જે વિવિધ ગાયકોએ ગાયું છે અને આપણે અનેક વખત સાંભળ્યું છે. ‘ઈતના તો કરના સ્વામી, જબ પ્રાણ તનસે નિકલે, ગોવિંદ નામ લે કર ફિર પ્રાણ તનસે નિકલે‘ અને ત્યારબાદ ગંગાજળ. યમુનાનો પટ, સાંવરાનું સાંનિધ્ય, એની મનોહર મૂર્તિ અને બંસીની ધૂન હોય, મુખમાં તુલસીદલ હોય એવી પરિસ્થિતિમાં મૃત્યુ આવે એવી ભક્તહૃદયની ઝંખના વ્યક્ત થઈ છે. કેટલાક ભક્તો પોતાના ઈષ્ટદેવ કે આરાધ્ય સંતના નામનો ઉપયોગ કરીને થોડા ફેરફાર કરીને પણ  આ ભજન ગાતા હોય છે..

પુષ્ટિમાર્ગના પરીખ પરિવાર તરફથી બહાર પાડવામાં આવેલી ‘સ્મરણાંજલિકા‘ કેસેટ અને સીડીમાં સાંભળવા મળતું અન્ય એક ભજન ‘સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા‘માં પણ ભક્તજનની અંતસમયની આરઝૂ પ્રગટ થઈ છે. ભગવાન અને ભક્તનો સંબંધ એટલે બે પ્રેમીજનોનો સંબંધ. જેવો સંબંધ તેવો અધિકાર હોય. એ અધિકારની રૂએ ભક્તો અરજી કરે છે, પછી તો જેવી ભગવાનની મરજી! એકતરફી સંબંધનો દાવો ન ચાલે, ભગવાન ‘મારો‘ છે એમ આપણને લાગે છે અને એ મુજબ આપણે માગણી કરીએ છીએ, પણ ભગવાનને યે એ સંબંધ મંજુર હોવો જોઈએ. ભગવાનને જ્યારે લાગે કે આ ‘મારો‘ ભક્ત છે. ત્યારે જીવને સાર્થકતા લાગે.. તેમાંયે વળી ભગવાન કહે કે આ ‘મારો પ્રિય ભક્ત‘ છે, ત્યારે એ સંબંધની મધુરતા ઓર વધી જાય છે. સંબંધની સર્કિટ ત્યારે જ પૂરી થયેલી ગણાય જ્યારે બંને પક્ષે સંમતિની મહોર મારી હોય!

આપણા કથા કીર્તનના કાર્યક્રમોમાં ખૂબ ભાવ અને તન્મયતાથી ગવાતું બીજું એક ભજન છે ‘ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માગું છું ‘ત્યારબાદ, મારી આશા નિરાશા કરશો નહી,મારા અવગુણ હૈયે ધરશો નહી, શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન, … વગેરે પંક્તિઓમાં નંદુ ભગતે ભક્તના અંતસમયના મનોરથો વર્ણવ્યા છે. શબ્દોને લાડ લડાવી લડાવીને, ગળામાં કરુણતા રેડીને તથા ચહેરા પરના ભાવો બદલી બદલીને કલાકારો જ્યારે એ ભજન રજુ કરે છે ત્યારે એક અનોખું ભાવવિશ્વ ઊભું થઈ જતું અનુભવાય, પણ વાસ્તવિક રીતે વિચારીએ તો મનમાં સવાલ જરૂર ઊભો થાય કે, ભક્તજનોની એવી અભિલાષા ખરેખર પાર પડતી હોય છે ખરી?

રામચરિત માનસમાં ભગવાન રામના વિરહમાં રાજા દશરથે છ વખત રામનું નામ લઈને પ્રાણ છોડ્યા એનો એક દોહરો છે. ‘રામ રામ કહિ રામ કહિ, રામ રામ કહિ રામ. તનુ પરિહરિ રઘુબર બિરહં રાઉ ગયઉ સુરધામ‘ એ જીવને ધન્યવાદ ઘટે કે જે રામનું નામસ્મરણ કરતા કરતા દેહ છોડે, રામચરિત માનસનો અન્ય એક પ્રસંગ છે વાલીવધનો. વાલીના પ્રશ્નોના પ્રતીતિકર ઉત્તરો આપ્યા પછી રામ વાલીને જીવતદાન આપવા ઈચ્છે છે ત્યારે વાલી કહે છે કે જનમો જનમની સાધના કરનાર મુનિઓને પણ અંત સમયે ભગવાનના દર્શન થતાં નથી. રામ સન્મુખ હોય અને જીવ આ શરીરને છોડી જાય એવી સુવર્ણ તક કોઈને મળતી નથી, મારા જીવનમાં આવેલી એ તક મારે ગુમાવવી નથી. રામ અને વાલીનો સંવાદ સ્મરણમાં રાખવા જેવો છે.

‘સુનત રામ અતિ કોમલ બાની. બાલિ સીસ પરસેઉ નિજ પાની/અચલ કરૌં તનુ રાખહુ પ્રાના બાલિ કહા સુનુ કૃપાનિધાના/જનમ જનમ મુનિ જતનુ કરાહીં  અંત રામ કહિ આવત નાહીં…..

વાલી અને દશરથ પછી આજના યુગમાં મહાત્મા ગાંધીજીએ ‘હે રામ‘ બોલીને જીવ છોડ્યો હતો એ આપણને સૌને જ્ઞાત છે. એ સિવાય ઝાઝા ઉદાહરણો આપણી પાસે નથી.

પ્રસિદ્ધ લોકગાયક હેમુ ગઢવી  ભજન ગાતાં ગાતાં અવસાન પામ્યા હતા એવું સાંભળ્યું છે. એવા જીવો ખરેખર પૂણ્યશાળી જીવ ગણાય કે દેહાવસાનના સમયે તેમના મુખ પર ભગવાનનું નામ આવ્યું હોય વરના આખી જિંદગી ભક્તિ કરનાર અંત સમયે જ રામને વીસરી જતા હોય એવું બનતું હોય છે.

પરંતુ, ભાગવત કથામાં આવતા અજામિલનું શું? પતિત જીવન જીવતો માણસ નારાયણ નામના દીકરાને મૃત્યુ વખતે સાદ પાડીને બોલાવે અને નારાયણનું નામ માત્ર લેવાથી યમના દૂતો પાછા હઠી જાય અને વિષ્ણુના દૂતો એને અમરાપુરીમાં લઈ જાય એ પ્રસંગને વિવેકબુદ્ધિથી તપાસવા જેવો છે. મૃત્યુ પછી જીવનું શું થાય એના કોઈ ઠોસ સબૂત આપણી પાસે નથી. આચાર્ય ચાણક્યનું સૂત્ર છે કે સત્ય પણ પ્રમાણ સાથે રજુ થવું જોઈએ તો જ એને માન્યતા પ્રાપ્ત થાય. છતાં પ્રચલિત માન્યતા અનુસાર મૃત્યુ પછી જીવની વિવિધ ગતિ વિશે જેટલું વાંચ્યું સાંભળ્યું છે તેનો સમન્વય કરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો પણ પરમાત્મા જીવની લુચ્ચાઈ પારખી ન શકે એટલો ભોળો નથી. માયામાં લપટાયેલા જીવને માયાપતિ બરાબર ઓળખે જ. ભગવાન કૃતિ નથી જોતા, કૃતિ પાછળનો ભાવ જૂએ છે. મલીન હેતુસર કરેલા સત્કર્મોનું પણ કોઈ ફળ મળતું નથી, બીજી તરફ શુભ આશયથી, બીજાના કલ્યાણ માટે કરેલી ભૂલ એ પાપ નથી ગણાતું.

અંત સમયે જીવને જે વિષયોમાં આસક્તિ રહી ગઈ હોય તે તેને બંધનમાં રાખે છે.ગીતા કહે છે કે, યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ ભાવભાવિત:-

અથવા હે કૌન્તેય! મનુષ્ય અંતકાળે જે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે, તેને તેને જ તે પામે છે; કેમ કે તે પદાર્થની ભાવનાવાળો તે હોય છે. માટે સર્વકાળે તું મારું સ્મરણ કર અને યુદ્ધ કર. મારામાં અર્પણ કરેલાં મન અને બુદ્ધિવાળો તું ચોક્કસ મને જ પામીશ.

અંતકાળે ભગવાનનું સ્મરણ કરવું એ તદ્દન અઘરી વાત છે. જીવનભર સાધના કરી હોય, શ્વાસે શ્વાસે હરિને સ્મર્યા હોય, પ્રત્યેક ક્રિયા કરતી વેળા જિહ્વા સતત હરિનામનું રટણ કરતી રહી હોય, હરિને આંખની કીકીમાં બેસાડીને સર્વત્ર હરિ દર્શન કરવાની ટેવ પાડી હોય તો કદાચ, અંત સમયે હરિનું નામ હોઠે આવે તો આવે, નયનને હરિરૂપની ઝાંખી થાય તો થાય, પણ તેની ગેરંટી નહિ!  આપણે આપણી કીકીમાં વાસનાને બેસાડી છે વાસુદેવને નહિ, આપણી નજર માયાને ઢૂંઢે છે, માયાપતિને નહિ. આપણને સંસારના તકલાદી ગણાતા સુખો અને ડૉલર,પાઉંડ કે રૂપિયો જ દેખાય છે. આખી જિંદગી જેનું ચિંતન કર્યું હોય, જેની અભિલાષા કરી હોય તેમાં જ જીવ ચોંટી જતો હોય છે. જો અંત સુધારવો હોય તો મનુષ્યે આખી જિંદગી સુધારવી પડે. મન માયામાં હોય અને જીભ હરિનામ કરે તેનાથી શું વળે? બાકી માંગવાથી મળી જતું હોય તો ભાવપૂર્વક ગાવામાં વાંધો નથી , ‘ઈતના તો કરના સ્વામી જબ પ્રાણ તનસે નિકલે!‘

 

 

 

 

2 thoughts on “મારી કલમ, મારા વિચાર – ૭ (પરભુભાઈ મિસ્ત્રી)

  1. જીવનના અંતિમ સમયે એક કૃષ્ણ ભક્તના દિલની કૃષ્ણની ઝાંખી કરવાની એના મનમાં પડેલી અભિલાષા અને ઝંખના . આવા અનેક ભજનો અને કથાઓ છે છતા આ ભાવ બદલાતો નથી એક જ રહે છે.મને આ ક્થા વધુ ગમી-*કાર્તિકી પૂનમ ના પર્વ દિવસે ગિરિરાજ સિદ્ધાચલ ની યાત્રા કરવી એટલે કરવી જ એમણે *ચોમાસી પ્રતિક્રમણ પૂર્ણ કરીને* પાલીતાણા ના પંથે પ્રયાણ કરવા ની તૈયારી કરી રબારી અને સાંઢણી અને પ્રતાપદાસ શેઠ આ ત્રણે પાટણ થી પાલીતાણા ના માર્ગે જવા રવાના થઈ ગયા ગરમી એ સાંઢણી ની ગતિ ને ઘટાડી ગાયબ કરી દીધી હતી જે સમયે ગિરિરાજ પહોંચતા એ સમયે શોષ અનુભવતા માંડ વલ્લભીપુર પહોંચ્યા ત્યાં આરામ કરીને પાછો પ્રવાસ થાકી ગઈ હોવા છતા સાંઢણી એ એનું કર્તવ્ય અદા થયા નો સંતોષ અનુભવ્યો લોહી નું છેલ્લા માં છેલ્લું ટીપું ખરચી ને સાંઢણી એ આત્મ સંતોષ લઈ દાદા નો દરબાર હજી દૂર હતો ત્યા પહોંચવા સીમા ઓળંગે એ પહેલાં તો સાંઢણી અને શેઠ અને વફાદાર સેવક રબારી નો દેહ ઢળી પડ્યો સંઘ બોલી ઊઠ્યો કે ખરી યાત્રા તો આ ત્રિપુટી ની ગણાય અને તેઓ ની સ્મૃતિ માં શિલ્પાંકન કરાવ્યું જે આજે પુણ્ય -પાપ ની બારી ના નામે મોજૂદ છે તે સમાચાર વદ બીજે પાટણ મળ્યા અને આજેય તે દિવસ ની ઊજવણી કરવા ની શરૂ કરેલી પરિપાટી આજેય પળાય છે એમનો વંશવેલો આજેય હયાત છે આ ઘટના ને અંકિત કરતું એક ભીંતચિત્ર કાકાસાહેબ ના ગૃહ મંદિર માં મોજૂદ છે તેઓ ગિરિરાજ ના ધ્યાન માં દિવંગત થયા માટે એમની કાર્યોત્સર્ગ મુદ્રાવાળી એક ધાતુમૂર્તિ પાટણ ના ઝવેરી વાડ માં ગોડી પાર્શ્વનાથ જિનાલય માં સ્થાપિત છે .

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s