ભાષાને શું વળગે ભૂર – ૩૪ (બાબુ સુથાર)


ગુજરાતી પ્રમાણવાચકો (Quantifiers)

પ્રમાણવાચકો કેવળ ભાષાશાસ્ત્રીઓનો જ નહીં, ફિલસૂફોનો અને તર્કશાસ્ત્રીઓનો પણ ગમતો વિષય રહ્યો છે. આ વર્ગમાં આવતા શબ્દો પર અઢળક કામ થયું છે. એમ છતાં, ભાષાશાસ્ત્રીઓ હજી પણ આ પ્રકારના શબ્દો વિશે ઘણું બધું વિશ્વાસપૂર્વક કહી શકે એમ નથી. એક જમાનામાં ભાષાશાસ્ત્રીઓ એવું માનતા હતા કે પ્રમાણવાચકો જગતની દરેક ભાષામાં મળી આવે છે. પણ હવે એ લોકો આવાં વિધાનો કરવાને બદલે કહેતા હોય છે કે જગતની લગભગ દરેક ભાષામાં પ્રમાણવાચક શબ્દો મળી આવતા હોય છે. અહીં ‘લગભગ’ શબ્દ ખૂબ મહત્ત્વનો બની રહે છે.

ગુજરાતી એ ‘લગભગ’ ભાષાઓમાં આવતી એક ભાષા છે. એટલે કે ગુજરાતીમાં પણ પ્રમાણવાચક શબ્દો જ નહીં પદો પણ છે. ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓએ આ પ્રકારના શબ્દોની નોંધ લીધી છે અને ઊર્મિ દેસાઈ જેવાં ભાષાશાસ્ત્રીએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં કેટલાક પ્રમાણવાચક શબ્દોનાં વર્ગીકરણ પણ આપ્યાં છે. જો કે, આ પ્રકારના શબ્દો ગુજરાતીમાં, ખાસ કરીને વાક્યતંત્રના (syntax), અર્થતંત્રના (semantics) અને વ્યવહારતંત્રના (pragmatics) સ્તર પર કઈ રીતે કામ કરે છે એ વિશે હજી આપણી પાસે પ્રાથમિક કક્ષાનું કામ પણ થયું હોય એવું લાગતું નથી. સપાટી પરથી સાવ વેરવિખેર લાગતા પ્રમાણવાચક શબ્દો હકીકતમાં તો એક વ્યવસ્થા (system) તરીકે કામ કરતા હોય છે. એ વ્યવસ્થા આપણા ચિત્ત સાથે કઈ રીતે જોડાયેલી છે અને એ વ્યવસ્થા આપણે કઈ રીતે વાપરીએ છીએ એ વિશે કોઈ સંશોધન કરીને કશું કહે નહીં ત્યાં સુધી આપણે આપણી ભાષાના આ એક મહત્ત્વના પાસા વિશે કશું જાણી શકીશું નહીં.

આપણા મોટા ભાગના વ્યાકરણશાસ્ત્રીઓએ પ્રમાણવાચક શબ્દોની ચર્ચા મોટે ભાગે તો વિશેષણના એક ભાગ રૂપે કરી છે. આપણે પણ વિશેષણની ચર્ચા કરતી વખતે એનો ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં, એમણે આ જ વર્ગમાં આવતા કેટલાક શબ્દોની ચર્ચા ક્રિયાવિશેષણના ભાગ રૂપે પણ કરી છે. મોટા ભાગના ભાષાશાસ્ત્રીઓ હવે આ પ્રકારના શબ્દોને, મેં કહ્યું છે એમ, એક વ્યવસ્થા તરીકે જુએ છે. એમ હોવાથી આપણે પણ એમને એ રીતે જોવાનો પ્રયાસ કરવો જોઈએ. અહીં, હું એ દિશામાં જવાનો પ્રયાસ માત્ર કરીશ. એ પણ ખૂબ જ પ્રાથમિક સ્તરનો. એમ કહોને કે એ દિશામાં જવા માટેની એક ‘ટિકિટ કઢાવીશ’. હું એનાથી આગળ નહીં જાઉં.

વર્ષો પહેલાં ગણિત અને ભાષા વચ્ચેના સંબંધો પર કામ કરતી વખતે બાર્બરા પાર્ટી (Partee) નામનાં ભાષાશાસ્ત્રીએ બે પ્રકારના પ્રમાણવાચક શબ્દોની વાત કરેલી (એમનું Mathematical Linguistics પુસ્તક મારા અભ્યાસમાં હતું). એમણે આ પ્રકારના શબ્દોને D-Quantifiers અને A-Quantifiers એમ બે ભાગમાં વહેંચી નાખેલા. ભાષાશાસ્ત્ર અને ગણિતની ભૂમિકા વગર આ પરિભાષા સમજવાનું કામ જરા મુશ્કેલ છે. એટલે આપણે એમાં નહીં પડીએ. પણ, આ બન્ને સંજ્ઞાઓ માટે આપણે અનુક્રમે નામપદમાં આવતા પ્રમાણવાચક શબ્દો તરીકે અને ક્રિયાવિશેષણપદમાં આવતા પ્રમાણવાચક શબ્દો તરીકે ઓળખાવીશું. ગુજરાતીમાં આ બન્ને પ્રકારના પ્રમાણવાચક શબ્દો છે પણ બીજા પ્રકારના, અર્થાત્ ક્રિયાવિશેષણ પદમાં આવતા આ પ્રકારના શબ્દોની સંખ્યા પ્રમાણમાં ખૂબ ઓછી છે. ઊર્મિ દેસાઈએ આમાંના પહેલા પ્રકારના શબ્દોનું ખૂબ વિગતવાર વર્ગીકરણ આપ્યું છે. હું અહીં એ વર્ગીકરણનો ઉપયોગ કરીશ. પણ એમ કરતી વખતે જ્યાં જરૂર લાગી ત્યાં થોડાક સુધારા પણ કરીશ.

ઊર્મિબેન સંખ્યાવાચક શબ્દોને અને પ્રમાણવાચક શબ્દોને એકબીજાથી જુદા પાડે છે. આપણે એ બધા જ શબ્દોને પ્રમાણવાચક શબ્દો તરીકે જોઈશું. યાદ રાખો કે અહીં આપણે ‘પ્રમાણવાચક’ શબ્દ અંગ્રેજી ‘quantifiers’ માટે વાપરીએ છીએ. આ શબ્દ બરાબર છે કે નહીં એ વિશે વિદ્વાનો ચોક્કસ વિવાદ કરશે પણ આપણે એક વાત યાદ રાખવાની કે જ્ઞાનના પ્રદેશમાં ઘણું બધું જ્ઞાન યોગ્ય વિવાદમાંથી જ જનમતું હોય છે. આપણે બધા એ માટે તૈયારી રાખીએ.

નામપદીય પ્રમાણવાચક (D-Quantifiers) શબ્દોમાં આપણે સૌ પ્રથમ તો સંખ્યાવાચક શબ્દોનો સમાવેશ કરીશું. આ પ્રકારના શબ્દોને ઊર્મિબેને (૧) પૂર્ણ સંખ્યાવાચકો (એક, બે, ત્રણ, દસ, વીસ, અગિયાર, બાર), (૨) અપૂર્ણ સંખ્યાવાચકો (પા, અરધું/અડધું, પોણું, સવા), (૩) સંખ્યાક્રમવાચકો (પહેલું, બીજું, ત્રીજું, ચોથું…), (૪) સંખ્યાઆવૃત્તિવાચકો (એકવડું, બેવડું, બમણું), (૫) સંખ્યાસમૂહવાચકો (બેઉ, ત્રણે, ચારે, પાંચે) અને (૬) ઇતર એમ છ વર્ગમાં વહેંચી નાખે છે.

આમાંના પૂર્ણ સંખ્યાવાચક શબ્દોને એ બીજા ત્રણ પેટા ભાગમાં વહેંચી નાખે છે: (અ) પાયાના સંખ્યાવાચકો (એક, બે, ત્રણ, ચાર), (બ) દશમ સંખ્યાવાચકો (દસ, વીસ, ત્રીસ…), (ક) મધ્યવર્તી સંખ્યાવાચકો (અગિયાર, બાર, તે, સત્તાવીસ…). આ વર્ગીકરણ કદાચ સંખ્યાની વ્યવસ્થાને સમજવામાં વધારે ઉપયોગી બને. એવી તમામ શક્યતાઓ છે કે આ પ્રમાણવાચક શબ્દોનું વર્તન એક સરખું જ હોય. પણ, મેં આગળ નોંધ્યું છે એમ, એ એક તપાસનો વિષય છે.

ઇતર પ્રમાણવાચક શબ્દોમાં ઊર્મિબેને આંકડાવાચક (એકડો, બગડો, તગડો…), તિથિવાચક (એકમ, બીજ, ત્રીજ, ચોથ…), ગંજીફાનાં પાનાં માટેના શબ્દો (એક્કો, દૂરી, તીરી..), આંકના ઘડિયામાં વપરાતા શબ્દો (એક, દુ, તરી..), એકલું, બેકલું જેવા શબ્દો તથા કોડી, ઘા, ટકો, તથા જોટો, જોડ, જોડું જેવા શબ્દોનો સમાવેશ કર્યો છે. જો કે, આ બધા શબ્દોને આપણે પ્રમાણવાચક (quantifiers) નહીં કહીએ. કેમ કે, આ બધ્ધા નામ છે. એ નામને modify કરતા નથી.

આપણે જરા ધ્યાનથી જોઈશું તો આપણે એક વાતનો ખ્યાલ આવશે કે આ શબ્દોનું રૂપતંત્ર ખૂબ સંકુલ છે. કેટલાક શબ્દો વિકારી છે. જેમ કે: પહેલું, બીજું, ત્રીજું. એ જ રીતે કેટલાક અવિકારી પણ છે. જેમ કે, દસ, વીસ, ત્રીસ.. એ જ રીતે, કેટલાક શબ્દો સાધિત છે. જેમ કે, બેવડું, ત્રેવડું પહેલું, પાંચમું, સાતમું…

ગુજરાતીમાં સંખ્યાવાચક ઉપરાંત પણ બીજા કેટલાક પ્રમાણવાચક શબ્દો છે. એમને પણ આપણે, ખાસ કરીને અર્થને ધ્યાનમાં રાખીને, કેટલાક વર્ગોમાં વહેંચી શકીએ. જેમ કે, ‘થોડું’, ‘બહુ’ જેવા શબ્દોને value judgement સાથે સંબંધ છે તો ‘આટલું’, ‘એટલું’ જેવા શબ્દોને ગણતરી સાથે સંબંધ છે. દેખીતી રીતે, ‘આટલું’ અને ‘એટલું’ માપનું સૂચન કરે પણ સંખ્યાનું સૂચન ન કરે. એટલે એમને uncountના વર્ગમાં મૂકવા પડે. તો ‘બધું’, ‘પૂરતું’, ‘વધું’, ‘ઓછું’ વગેરે શબ્દો count પણ છે અને uncount પણ છે. ‘પૂરતા માણસો આવ્યા’માં માણસો ગણી શકાય. ‘પૂરતું પાણી છે’માં પાણી ગણી ન શકાય. એ જ રીતે, ‘કેટલું’, ‘કશું’ પ્રશ્નાર્થ તરીકે કામ કરે છે. બરાબર એમ જ કેટલાક પ્રમાણવાચક શબ્દો અંશનું સૂચન કરે. જેમ કે, ‘બધું’, ‘થોડું’, ‘કેટલુંક’. ભાષાશાસ્ત્રમાં આ પ્રકારના શબ્દોને partitive quantifiers તરીકે ઓળખવામાં આવે છે.

આપણામાંના કેટલાકને લાગશે કે અહીં તો કેટલાક શબ્દો એક કરતાં વધારે પેટાવર્ગમાં વહેંચાયેલા છે. આવું કેમ? એનો જવાબ ખૂબ સાદો છે. ભાષામાં ઘણી વાર શબ્દો કઈ રીતે કામ કરે છે એના આધારે જે તે શબ્દોનો વર્ગ આપણે નક્કી કરવો પડે. જેમ કે, ‘છોકરો દોડતો હતો’માં ‘દોડતો’ ક્રિયાપદ છે પણ ‘દોડતો છોકરો’માં ‘દોડતો’ વિશેષણ છે. મેં કહ્યું એમ જ્યાં સુધી કોઈ સંશોધન કરીને આપણને આ શબ્દો વિશે વિગતે કહેશે નહીં ત્યાં સુધી આપણે ગૂંચવાયેલા રહેવાના.

પણ એક વાત નિશ્ચિત છે કે આ બધા શબ્દો નામપદમાં આવતા હોય છે અને એ નામને modify કરવાનું કામ કરતા હોય છે. અને જ્યારે પણ એ નામને modify કરે ત્યારે એ નામમાં ‘પ્રમાણનો ભાવ’ ઉમેરતા હોય છે.

ગુજરાતીમાં ક્રિયાવિશેષણ સાથે સંકળાયેલા પ્રમાણવાચક શબ્દોનું પ્રમાણ ખૂબ ઓછું છે. કદાચ એટલે જ ભાષાશાસ્ત્રીઓએ એના પર ખાસ ભાર મૂક્યો નથી. પણ, ‘રમેશ ભાગ્યે જ ઘેર આવતો હોય છે’ કે ‘રમા ઘણી વાર મારા ઘેર આવતી હોય છે’ કે ‘રમા હંમેશાં મારા ઘેર આવતી હોય છે’ જેવાં વાક્યોમાં આવતા ‘ભાગ્યે જ’, ‘ઘણી વાર’ જેવાં પદો અને ‘હંમેશાં’ જેવા શબ્દોને ભાષાશાસ્ત્રીઓ પ્રમાણવાચક ભાવ વ્યક્ત કરતાં પદો અને શબ્દો તરીકે જોતા હોય છે. આ પદો મોટે ભાગે ક્રિયાવિશેષણ તરીકે કામ કરતાં હોય છે. એથી જ પાર્ટીએ એમને A-Quantifiers તરીકે ઓળખાવ્યા છે. જગતની કેટલીક ભાષાઓમાં આ વ્યવસ્થા ખૂબ જ સમૃદ્ધ છે.

અહીં મેં ગુજરાતી ભાષાના તમામ પ્રમાણવાચક શબ્દો આપવાનો પ્રયાસ કર્યો નથી. કેવળ કેટલાક નમૂનાના શબ્દો આપીને શબ્દોનો આ વર્ગ કયા પ્રકારનો છે અને એનાં મુખ્ય લક્ષણો કયાં છે એનો એક ઉપરછલ્લો અહેવાલ માત્ર આપ્યો છે. આકારવાદી (formalist) ભાષાશાસ્ત્રીઓએ આ વિષય પર પુષ્કળ સંશોધન કર્યું છે. એમનાં ઘણાં બધાં સંશોધનો ભાષાશાસ્ત્રના અને calculusના ઊંડા અભ્યાસ વગર સમજી શકાય એવાં નથી. એ જ બતાવે છે કે આ શબ્દોનો અભ્યાસ કેટલો મહત્ત્વનો છે.

 

 

 

2 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૩૪ (બાબુ સુથાર)

  1. મા બાબુ સુથાર નો’ ગુજરાતી પ્રમાણવાચકો (Quantifiers)’ અગે ખૂબ સ રસ અભ્યાસુ લેખ

    ઘણાં બધાં સંશોધનો ભાષાશાસ્ત્રના અને calculusના ઊંડા અભ્યાસ વગર સમજી શકાય એવાં નથી. એ જ બતાવે છે કે આ શબ્દોનો અભ્યાસ કેટલો મહત્ત્વનો છે.

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s