મારી કલમ, મારા વિચાર – ૮ (પરભુભાઈ મિસ્ત્રી)


તમારા શરીર પર ડામના દાગ છે?

ક્યાં, પેટ પર કે બરડા પર?!…

આજે જેઓ સાંઠથી ઉપરની ઉંમરના હશે અને ગામડામાં મોટા થયા હશે તેમના શરીર પર ક્યાંક તો ડામના અવિચળ ચિહ્નો હજીયે મોજુદ હશે. તેમને કદાચ યાદ પણ નહિ હોય કે એ ડામ તેમને કયા ગુનાની સજા તરીકે મૂકવામાં આવ્યા છે.

બાળપણમાં અમે મહોલ્લામાં ખમીશ ઉતારીને હુતુતુતુ રમતા ત્યારે બોકા પર નવા પૈસાની સાઈઝના ચાર ડામ તો અવશ્ય જોવા મળતા! ખમીશની નીચે ગંજી (બૉડિશ!) પહેરવાનું ચલણ ત્યારે નહોતું. ગંજીને બૉડિશ જ કહેતા હતા. બોકો એટલે પેટ! કોઈ બાળકના પેટ પર ગણપતિ બેસાડ્યા હોય તેવા ઢીંગલાના આકારમાં ડામ મૂકવામાં આવતા હતા. અમે એના પર આંગળીઓ ફેરવતા! બરડા પર બટાકાની વેફર ચોંટાડી હોય તેવો ગોળ ડામ પણ કેટલાક બાળકોના શરીર પર જોવામાં આવતો.

આ ડામ મૂકવાનું કારણ શું? એ કોઈ જાતની આઈડેન્ટિટી હશે? બચપણમાં મૂકેલા એ ડામ આજીવન સ્મૃતિચિહ્નો ધરાવતા હોય છે.

ગુજરાતીમાં કહેવત છે કે દુ:ખનું ઓસડ દહાડા. સમય એ કોઈપણ દુ:ખને ભૂલવાનું સૌથી અકસીર ઔષધ છે. ડામ પણ એવું જ એક ઔષધ ગણાય! દુ:ખનું ઓસડ ડામ! એ જમાનામાં હજી પેનેસિલિન ગામડાં સુધી પહોંચી નહોતી. પેનેસિલિનને અદભૂત ઔષધ ગણવામાં આવે છે કારણ કે  લગભગ સો ઉપરાંત રોગો પર દવા તરીકે અસર કરે છે. પણ પેનેસિલિન આવ્યું તે પહેલાં ડામનું સામ્રાજ્ય હતું! માત્ર સો જ નહિ, લગભગ તમામ રોગો પર ડામ એ અકસીર ઈલાજ ગણાતો હતો. શરીરના જે ભાગમાં પીડા થાય તે ભાગમાં છેલ્લો ઉપચાર ડામ! વડીલો ડામ મૂકવાની વાત કરે કે તરત ઘણાંના પેટમાં દુ:ખતું બંધ થઈ જતું!

એ જમાનામાં દાક્તરો નહોતા. કમ્પાઉન્ડર કક્ષાનો માણસ થોડા થોડા દિવસે સાઈકલ પર આંટો મારી જતો. કાનમાં ભુંગળું નાંખીને બીજો છેડો છાતી પર ફેરવતો. નાડી પકડતો, મોં ખોલીને જીભ જોતો અને જનરલ ડોઝ તૈયાર કરેલો હોય તેમાંથી પીવાની દવા આપતો. ઈંજેશન તો ક્યારેક જ મૂકાતું. ઈંજેશન મૂકાતું જોવા માટે ગામલોકો ટોળે વળતા! મોટાભાગના દરદો તો હાથઓસડથી જ મટાડવામાં આવતા. જડી બુટ્ટીના જાણકારોની ગામમાં કોઈ ખોટ નહોતી. કયા સમયે કઈ વનસ્પતિના પાન, ફળ, ફુલ, છાલ , દાતણ, મૂળિયાં કે રસ ઉપયોગમાં આવે તેનું જનરલ નોલેજ મોટાભાગના લોકો ધરાવતા હતા. રોગ તનનો રોગ હોય કે મનનો ઉપચાર હાથવગો જ હતો. મનોચિકિત્સકો નહોતા, પણ મનોચિકિત્સકોના બાપ જેવા ભુવા ભગતો હતા અને તેમનો ભારે દબદબો પણ હતો. કોઈના શરીરમાં ડાકણ ભરાયેલી હોય તેને ભગાડવા માટે પણ ડામ મૂકવામાં આવતા. ચોકમાં છાણાં સળગાવીને ડાંભણિયું લાલ થાય એટલી જ વાર! ચપકો મૂકો અને ડાકણ અલોપ!

આવા અણઘડ નિષ્ણાતોને કારણે કેટલાયે મનોરોગીને લાકડીના સપાટા ખાવા પડ્યા હશે અને કેટલાના શરીરે ડામ પડ્યા હશે તેની કલ્પના અતિ બિહામણી છે. મારે તો ખાલી, પેટ અને બરડા પર મૂકવામાં આવતા ડામ વિશે જ વાતો કરવાની છે. શિશુ અવસ્થામાં જાતજાતની શારીરિક તકલીફો આવતી હોય છે. તે પૈકીની એક છે ‘વાવળી‘. આ વાવળી થઈ હોય તેના ઉપચાર તરીકે પેટ પર ડામ મુકાવવાનું વલણ સામાન્ય હતું.

આજે રોગનો ઉપચાર કરતાં પહેલાં જેમ લેબોરેટરીના રિપોર્ટ કઢાવવામાં આવે છે અને એ રિપોર્ટ જોઈને નિષ્ણાત ડોક્ટરો દવા પ્રિસ્ક્રાઈબ કરે છે તેમ તે વખતના રોગ પારખુઓ શરીર તપાસીને મેંસથી નિશાન કરી આપે, પછી રવિવાર કે મંગળવારના દિવસે ડામ મૂકવાના નિષ્ણાત પાસે જવું પડે. એનો વટ એમ.ડી. ડોક્ટર કે સર્જ્યન કરતાંયે વધારે હતો! તેઓ પહેલાં ખાતરી કરી લે કે પરીક્ષણ કઈ લેબોરેટરીમાં કરાવ્યું હતું! જો કે આમાં ગાંધી વૈદનું સહિયારું જેવો કોઈ આર્થિક લાભ મેળવવાનો નહોતો. જે કંઈ થતું તે સેવાના ભાવથી જ થતું હતું. દરદીને સર્જરી માટે જેમ ઓપરેશન ટેબલ પર લેવામાં આવે તે જ સ્ટાઈલથી તેને માનસિક રીતે તૈયાર કરીને ડામ લેવા તૈયાર કરવામાં આવે. સગડીમાં છાણાં સળગાવવામાં આવે. અસલ તેલ કાઢવા માટે જે પળી વાપરવામાં આવતી તેના જેવું ડાંભણિયું હોય, તેને રાતુંચોળ ગરમ કરવામાં આવે અને પછી ડામ મૂકનાર વડીલ પૂરી સ્વસ્થતાથી યોગ્ય નિશાન કરેલી જગ્યા પર ડામ મૂકે. ચામડી બળે તેનો ચમ્મ દાઈને થતો અવાજ સંભળાય અને ધુમાડો નીકળતો પણ દેખાય! દરદીનો કણસાટ પણ સંભળાય. ડામ મૂકતી વખતે કંઈ લોકલ એનેસ્થેશિયાની સગવડ નહોતી. ઓપીડીમાંથી દરદી ઘરે જાય એટલે ડામને પકવવા માટે શાક તરીકે ખાસ કઠોળનો ઉપયોગ થાય તેમાંયે વાલ કે વાલની દાળ તો સર્વોત્તમ! ડામ કે શીતળાની રસીને પકવવામાં આવે એટલે તેમાં પરૂ ભરાય અને ભારે હેરાનગતિ થાય.

પણ તમે ‘સાપણ‘ વિશે સાંભળ્યું છે? સાપણ એટલે સાપની માદા. અમુક બાળકોના બરડા પર જે રુંવાટી હોય છે તેમાં કેટલાકને સાપણ દેખાય છે! આ સાપણ શું કરે? બાળકોને ખાઈ જાય! જે બાળક વારંવાર માંદું પડતું હોય તેનાથી મોટા ભાઈબેન પરના બરડા પર સાપણ હોય ત્યારે આવું બને છે એવો નિષ્ણાતોનો મત છે. બાળક અવારનવાર માંદું પડે અને મરી પણ જાય. તેના મૂળમાં હોય છે આ સાપણ. જેના બરડા પર સાપણ હોય તેને કંઈ નહિ થાય, પણ તેના પછીના સહોદરને આ સાપણ ખાઈ જતી હોવાથી એનું મોંઢું બાળી નાખવું પડે! હરતી ફરતી લેબોરેટરીના નિષ્ણાતો બરડા પર ધારી ધારીને જૂએ અને સાપણનું મોઢું તપાસી આપે. રવિવાર મંગળવારે એ વધારે સ્પષ્ટ દેખાઈ આવે! ઝાઝા રસોઈયા રસોઈ બગાડે તેમ વધારે નિષ્ણાતો ભેગા થયા હોય ત્યારે સાપણનું મોઢું દરેકને જુદી જુદી જગ્યાએ દેખાય! જેની વાક્છટા વધારે પ્રભાવી હોય તેનો મત આખરી ગણવામાં આવે અને પછી તે નિશાન પર ડામ મૂકવામાં આવે. બિચારા પેલા બાળકની દશા તો બલિદાનના બકરા જેવી થાય! વગર વાંકે બરડો ડંભાવવાનો!!

બીજા કોઈની વાત કરવાને બદલે હું મારો અનુભવ કહેવાનું વધારે પસંદ કરીશ. મારા જનમ પછી છેક નવ દસ વરસના ગાળા બાદ મારી બહેનનો જન્મ થયો. એ ત્રણ ચાર વરસની થઈ હશે ને માંદી પડી. નિષ્ણાત કાકી-માસીઓ ભેગી થઈ અને મારા શરીર પર સાપણ હોવી જોઈએ એવો ઠરાવ બહુમતીથી પસાર થયો. એ સમાચાર હું સાંભળી ગયો અને ડરી ગયો! મારી માને પૂછ્યું. તેણે મને અસ્પષ્ટ જવાબ આપ્યો. હું ગુસ્સે થયો. મને મારી બહેન વહાલી હોવા છતાં ડામ મૂકવાના નિર્ણયનો મેં મક્કમતાથી વિરોધ કર્યો. ઘરમાંથી ભાગી જઈશ અને પાછો ઘરે આવીશ જ નહિ એમ મેં કહી દીધું. મનમોહનસિંહની કેબિનેટે પસાર કરેલો ઠરાવ રાહુલ ગાંધીએ જાહેરમાં ફાડી નાંખેલો તેટલી જ મક્કમતાથી મેં પણ તે વખતે ડામ લેવાની સાફ ના પાડી દીધેલી! બધા મને સમજાવે કે તારી બહેન મરી જશે તો? મેં કહી દીધું, ‘ભલે મરી જતી! તમને આટલા બધા વરસો દરમિયાન ક્યારેય મારા શરીર પર સાપણ દેખાઈ નહિ અને હું બાર તેર વરસનો થયો ત્યારે એ ઓચીંતી ક્યાંથી પ્રગટ થઈ?‘ મારી માને મારી દલીલમાં સચ્ચાઈ લાગી. મેં કહ્યું, ‘જો મારા બરડા પર સાચે જ સાપણ હોય તો બચપણમાં જ એને ડાંભી દેવી જોઈતી હતી. હવે એને ડાંભવાથી થતી પીડા હું સહન કરી શકું તેમ નથી. સાપણની વાત સાવ ઉપજાવી કાઢેલી જ છે. હું એમાં માનતો નથી.

મારી મક્કમતાથી નમતું મુકવામાં આવ્યું. હું ડામ લેવામાંથી બચી ગયો. મારી બહેનને પણ કંઈ થયું નહિ. સાંઠી વટાવીને એ પણ હજી જીવે છે!

3 thoughts on “મારી કલમ, મારા વિચાર – ૮ (પરભુભાઈ મિસ્ત્રી)

 1. અમે ડામથી સારવાર થતી જોઇ છે.ઘણામા આ સારવારના સારા પરીણામ પણ જોયા છે તો કેટલાકમા આ સારવાર સફળ નથી થતી .. મારા માસીના ડામના ચાઠાં એંસી વરસે પણ ઘસાયાં નથી !
  .
  હાલ અમેરીકામા મૃત્યુના કારણમા ત્રીજા ક્રમે તબીબની ભૂલ આવે છે ! તબીબો હડતાલ પર જાય તો દર્દીઓનુ મરણ પ્રમાણ ઘટે છે…તો આ ડામ સારવાર શું ખોટી ?
  .
  વિસામો એક મધુવનમાં.
  ફૂલ જેવા કોમળ સ્પર્શે
  ડામના દાગ રૂઝાયા છે… –

  Like

 2. This reminds me this old technique! I am 64 and have observed this being done rarely. Probably our village was bit modern! However I have seen adjustment of “Pechoti” more frequently! In any pain related to abdomen or back ache it was said that Pechoti is shifted!! Old lady was adjusting it by use of Sambelu!! May be Parbhu dada can throw more light on that.

  Liked by 1 person

 3. મા ગાંડાભાઇના બ્લોગ પર માહિતી મને અસરકારક લાગી છે
  નાભી ખસી જાય
  નાભી ખસી જાય (પેચુટી પડે) (૧) દર્દીને ચત્તો સુવડાવી નાભીની ચારે બાજુ સુકાં આમળાંનો લોટ આદુનો રસ મેળવી બાંધી દેવો. બે કલાક ચત્તો સુવડાવી રાખવો. દીવસમાં બે વાર આ પ્રમાણે કરવું અને મગની દાળની ખીચડી સીવાય કશું ન આપવું. દીવસમાં એકવાર આદુનો રસ આપવો.
  (૨) મોગરાના પાંદડાનો રસ દુધમાં મેળવી પીવાથી પીચોટી ખસવાથી ખુબ ઝાડા થઈ ગયા હોય તો તે મટે છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s