ભાષાને શું વળગે ભૂર – ૩૫ (બાબુ સુથાર)


ગુજરાતીમાં નિષેધવાચકો

ગુજરાતીમાં ‘ન’, ‘ના’, ‘નહીં’ અને ‘નથી’ નિષેધવાચકો છે. હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’ પુસ્તકમાં ‘મા’ અને ‘રખે’નો પણ નિષેધવાચકોમાં સમાવેશ કર્યો છે. એમાંનો ‘મા’ મોટે ભાગે બોલીઓમાં, અને એ પણ આજ્ઞાર્થ વાક્યોમાં વપરાય છે જ્યારે ‘રખે’ મનાઈવાચક (prohibitive) વાક્યોમાં વપરાય છે.

દરેક ભાષામાં હોય છે એમ ગુજરાતીમાં પણ નિષેધવાચકો બે વર્ગમાં વહેંચાયેલા છે. પહેલા વર્ગમાં આપણે કેવળ ‘ના’નો સમાવેશ કરી શકીએ. આ ‘ના’ વાક્યના આરંભે વપરાતો હોય છે. જેમ કે, (૧) ‘ના, હું એ કામ નહીં કરું’ અથવા (૨) ‘ના, તું ત્યાં ન જતો’. આપણે અહીં વપરાતા ‘ના’ને વાક્યનિષેધવાચક કહી શકીએ. આ ‘ના’ બે સંદર્ભમાં વપરાતો જોવા મળે છે. એક તે બીજા નિષેધવાચક શબ્દ સાથે. દા.ત. (૩) ‘ના, હું એ કામ નહીં કરું’ અથવા તો (૪) ‘ના, હું એ કામ નથી કરતો’. એ જ રીતે, આ ‘ના’ ‘ન’ સાથે પણ આવે. જેમ કે, (૫) ‘ના, હું એ કામ ન કરું’. જો કે, ક્યારેક આ ‘ના’ બીજા નિષેધવાચકની ગેરહાજરીમાં પણ વાપરી શકાય. જેમ કે, (૬) ‘ના, હું કેળું ખાઈશ’. જો કે, આ પ્રકારનાં વાક્યો આપણે જરા જુદી રીતે જોવાં પડે. એક માણસ કહે છે કે ‘તારે કેળું નથી ખાવાનું’. એના જવાબમાં બીજો કહે છે કે ‘ના, હું ખાઈશ’. અહીં પહેલા વાક્યનો અર્થ prohibitive છે અને બીજું વાક્ય બોલતો માણસ એ prohibitionનો અસ્વીકાર છે. આ ‘ના’નું એક બીજું લક્ષણ પણ છે. વક્તા ભાર સૂચવવા માટે એનું પુનરાવર્તન કરી શકતો હોય છે. જેમ કે, (૭) ‘ના ના ના. હું દવા નહીં લઉં’. આવું ‘ના’/‘નહીં’/‘નથી’ સાથે ન કરી શકાય. આપણે (૮) ‘રમેશ આવ્યો નથી નથી નથી’ એમ ન કહી શકીએ. જો કે, નાટક જેવી સર્જનાત્મક કૃતિઓમાં ક્યારેક આવું કહી શકાય ખરું. એ જ રીતે, ‘ના’ને કાળ સાથે પણ સંબંધ નથી. આપણે આગળ જોઈશું કે ‘ન’ ‘નહીં’ અને ‘નથી’ને કાળ સાથે સંબંધ છે. ‘ના’ દરેક કાળમાં વાપરી શકાય. એટલું જ નહીં, ‘ના’ને આજ્ઞાર્થ વાક્યોમાં પણ વાપરી શકાય. જેમ કે (૯) ‘ના, તું કેળું ન ખા’ કે (૧૦) ‘ના, તું ઘેર ન જતો’.

મને લાગે છે કે ‘ના’નો હજી વધારે અભ્યાસ કરવાની જરૂર છે. આપણે કહ્યું કે ‘ના’ વાક્યના આરંભે વાપરી શકાય. પણ, જો સમૂચ્ચયવાચક વાક્યો હોય તો ત્યાં ‘ના’ ન વાપરી શકાય. આપણે (૧૧) ‘ના, રમેશ આવ્યો અને મીના ગઈ’ જેવાં વાક્યો મોટે ભાગે નથી વાપરતા. એ જ રીતે, (૧૨) ‘રમેશ આવ્યો અને ના, મીના ગઈ’ જેવાં વાક્યો પણ નથી બોલતા. જો કે, (૧૩) ‘ના રમેશ આવ્યો અને ના, મીના ગઈ’ જેવાં વાક્યો બોલી શકીએ. આ ‘ના’ વ્યાકરણશાસ્ત્રીઓને ઘણો કામ લાગે એવો છે. કોઈ string of words વાક્ય છે કે નહીં એ નક્કી કરવા માટે આગળ ‘ના’ લગાડવાનો. જો કે, અહીં પણ આપણે ‘વાક્ય’ અને ‘ઊક્તિ’ વચ્ચેનો ભેદ જાળવવો પડે.

‘નથી’, ‘નહીં’ અને ‘ન’ને કાળ સાથે સંબંધ છે. ‘નથી’ વર્તમાનકાળમાં વપરાય છે. જેમ કે, (૧૩) ‘રમેશ રમે છે’નું નકારાત્મક (૧૪) ‘રમેશ રમતો નથી’ થશે. અહીં ‘રમે’નું ‘રમતો’ કેમ કરવું પડે છે એ એક ચર્ચાનો વિષય છે. પણ, એક વાત નક્કી છે કે ‘રમતો’માં આવતો ‘-ત્-’ ક્રિયા ચાલુ હોવાનું સૂચન કરે છે. એ જ રીતે, ‘નહીં’ ભવિષ્યકાળમાં વપરાય છે. જેમ કે, (૧૫) ‘હું આજે ઘેર આવીશ નહીં’ અને (૧૬) ‘તમે દૂધ ખરીદતા નહીં’. બરાબર એમ જ, ‘ન’ ભૂતકાળમાં વપરાય છે. આપણે જાણીએ છીએ એમ ગુજરાતીમાં ચાલુ અને પૂર્ણ એમ બે પ્રકારના ભૂતકાળ છે. ‘ન’ બન્નેમાં વપરાય છે. જેમ કે, (૧૭) ‘રમેશ રમતો ન હતો’, (૧૮) ‘રમેશ ન રમ્યો’, અને (૧૯) ‘રમેશ ન રમેલો’.

કોઈને થશે કે જો ‘નથી’, ‘નહીં’ અને ‘ન’ હું કહું છું એમ અનુક્રમે વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ સાથે જોડાયેલાં હોય તો (૨૦) ‘મેં ખાધું નથી’ જેવાં વાક્યોનું શું? આવાં વાક્યોમાં ક્રિયાપદો ભૂતકાળમાં હોય છે. જેમ કે, ‘ખાધું’. અહીં એક વાત યાદ રાખવાની છે: જ્યારે પણ કોઈ વાક્ય સંયુક્તકાળમાં હોય ત્યારે નિષેધવાચક શબ્દ મુખ્યકાળ પ્રમાણે વપરાતો હોય છે. (૨૧) ‘મેં ખાધું નથી’ વાક્ય હકીકતમાં તો (૨૨) ‘મેં ખાધું છે’નું નિષેધવાક્ય છે. આ વાક્યનો મુખ્ય કાળ વર્તમાન છે. એ જ રીતે, (૨૩) ‘હું રમેશના ત્યાં ખાતો નહીં પણ મારે ખાવું પડ્યું’ જેવાં વાક્યો વિશે પણ વિચારવું પડે. વ્યાકરણમાં આવાં વાક્યોને possible worldનાં વાક્યો તરીકે જોવામાં આવે છે. એના માટે ‘Irrealis’ જેવી સંજ્ઞા પણ છે. ભવિષ્યકાળ અને Irrealisની વચ્ચે એક સામ્ય છે: એ જે નથી એની વાત કરતાં હોય છે. હવે (૨૩) વિશે વિચારો. એ જ રીતે, (૨૪) ‘હું કાલે અત્યારે ક્રિકેટ રમતો હોઈશ નહીં’ વાક્યને લો. આ વાક્યનો કાળ પણ સંયુક્ત કાળ છે. ચાલુ ભીતકાળ તથા ભવિષ્યકાળ. અને, ભવિષ્યકાળ મુખ્ય કાળ છે. એથી, નિષેધવાચક ‘નહીં’ શબ્દ વપરાયો છે.

નિષેધવાચક શબ્દોની વાત કરતી વખતે આપણે ‘વાસ્તવિક કાળ’ અને ‘વ્યાકરણમૂલક કાળ’ની વચ્ચે ભેદ પાડવો પડે. જેમ કે, ગુજરાતીમાં ભવિષ્યની વાત કરવા માટે ત્રણ પ્રકારની વ્યવસ્થાઓ છે. એ માટે આપણે વર્તમાનકાળ પણ વાપરી શકીએ. જેમ કે, (૨૫) ‘હું કાલે તારા ઘેર આવું છું’. આ પ્રકારનાં વાક્યો નિશ્ચિતતા દર્શાવતાં હોય છે. પણ, આ વાક્ય વર્તમાન કાળમાં હોવાથી એનું નિષેધવાચક વાક્ય બનાવવા આપણે ‘નથી’ જ વાપરીશું. જેમ કે, (૨૬) ‘હું કાલે તારા ઘેર આવતો નથી’. ભવિષ્યનો ભાવ વ્યક્ત કરવા આપણે (૨૭) ‘હું કાલે તારા ઘેર આવવાનો છું’ જેવાં વાક્યો પણ વાપરી શકીએ. અહીં ‘આવવાનો’ હકીકતમાં તો ‘આયોજન’નો ભાવ પ્રગટ કરે છે. પણ, ‘છું’ વર્તમાનકાળનો નિર્દેશ કરે છે. એટલે આ વાક્યનું નિષેધવાક્ય (૨૮) ‘હું કાલે તારા ઘેર આવવાનો નથી’ થાય. એ જ રીતે, આપણે ઉપર જોયું એમ, (૨૯) ‘હું કાલે તારા ઘેર આવીશ’ જેવાં વાક્યોનું નિષેધવાક્ય ‘હું કાલે તારા ઘેર આવીશ નહીં’ થાય. કેમ કે આ વાક્ય ભવિષ્યકાળમાં છે. ટૂંકામાં, આપણે વ્યાકરણના કાળ (tense) અને રોજબરોજના જીવનના કાળની (time) વચ્ચે ભેળસેળ નહીં કરીએ તો જ આ ‘નથી’, ‘નહીં’ અને ‘ન’ બરાબર સમજાશે.

જો કે, આ વાતને શબ્દોના વ્યાકરણમૂલક વર્ગીકરણ સાથે સંબંધ નથી એમ છતાં મને લાગે છે કે આપણે એનો ઉલ્લેખ કરવો જોઈએ. અને એ છે ‘નથી’, ‘નહીં’ અને ‘ન’ના સ્થાનની. આપણે (૩૦) ‘રમેશ રમતો નથી’ અને (૩૧) ‘રમેશ નથી રમતો’ બન્ને વાક્યો વાપરી શકીએ. પહેલા વાક્યમાં નિષેધવાચક ‘નહીં’ શબ્દ ક્રિયાપદ પછી આવ્યો છે, જ્યારે બીજા વાક્યમાં એ ક્રિયાપદ પછી આવ્યો છે. હવે આ બે વાક્યો જુઓ: (૩૨) ‘રમેશ ન રમ્યો’ અને (૩૩) *‘રમેશ રમ્યો ન’ (ફૂદડી દર્શાવે છે કે આ વાક્ય સ્વીકારી શકાય એમ નથી). આમાંનું (૩૩) સ્વીકારી શકાય એમ નથી. ‘નથી’ અને ‘નહીં’ ક્રિયાપદ પહેલાં અને પછી આવી શકે, પણ ‘ન’ ન આવી શકે. આ હકીકતને કઈ રીતે સમજાવવી એ એક કોયડો છે. એવી તમામ શક્યતાઓ છે કે ‘નહીં’ અને ‘નથી’ ‘ભારે’ (heavy) નિષેધવાચક છે જ્યારે ‘ન’ ‘હળવો’ (light). જે ભારે છે એ ક્રિયાપદની આગળ પાછળ આવી શકે. આ સિવાય પણ બીજા ખુલાસા હોઈ શકે.

હવે આ વાક્ય લો: (૩૪) “હું કાલે રમેશના ઘેર જવાનો નથી’. આનો અર્થ એ થાય કે બોલનાર ‘કાલે’ નહીં તો બીજા કોઈક દિવસે રમેશના ત્યાં જશે. એનો બીજો અર્થ એ થયો કે બોલનાર અહીં કેવળ ‘કાલે’ને નિષેધના ‘ઘેરામાં’ મૂકે છે. એ જ રીતે, આ વાક્ય જુઓ. (૩૫) ‘રમેશ ચાકુથી કેરી નહીં કાપે’. આના બે અર્થ થાય: (અ) રમેશ ચાકુથી નહીં પણ બીજા કશાકથી કેરી કાપશે અને (બ) રમેશ ચાકુથી કેરી નહીં બીજું કોઈક ફળ કાપશે. તમે આવાં વાક્યો વિશે વિચારકો. તર્કશાસ્ત્રીઓએ, ફિલસૂફોએ, ભાષાશાસ્ત્રીઓએ અને ગણિતશાસ્ત્રીઓએ પણ નિષેધવાચકોનો ખૂબ અભ્યાસ કર્યો છે અને હજી પણ એ લોકો એમનો અભ્યાસ કરી રહ્યા છે. દરેક નિષેધવાચક શબ્દ એક અર્થમાં ‘બેટરી’ જેવો હોય છે. તમે લાઈટ નાખો એટલું તમને દેખાય. બરાબર એમ જ આ નિષેધવાચક શબ્દો પણ જ્યાં લાઈટ નાખે એને જ નકારે.

નિષેધવાચક શબ્દો અને આજ્ઞાર્થ વાચક વાક્યો વચ્ચેનો સંબંધ પણ ખૂબ જ સંકુલ છે. ગુજરાતીમાં (૩૬) ‘તું જા’નાં આટલાં નકાર થઈ શકે: (૩૭) (અ) ‘તું ન જા’, (બ) ‘તું ના જા’, (ક) ‘તું નહીં જા’. પણ, (ડ) *‘તું નથી જા’ નહીં થાય. આ જ વાક્યોની આગળ ‘ના’ પણ વાપરી શકાય. જેમ કે, (૩૮) (અ) ‘ના, તું ન જા’, (બ) ‘ના, તું ના જા’ અને (ક) ‘ના, તું નહીં જા’. એનો અર્થ એ થયો કે આજ્ઞાર્થનું નિષેધવાક્ય બનાવતી વખતે આપણે ‘નથી’ સિવાયનો કોઈ પણ નિષેધવાચક વાપરી શકીએ. અહીં રસ પડે એવી એક બીજી હકીકત પણ નોંધવા જેવી છે કે આ પ્રકારની વાક્યરચનાઓમાં પણ ‘ન’ ક્રિયાપદ પછી વાપરી ન શકાય.

જો કે, હજી એક પ્રશ્નનો જવાબ મેં આપ્યો નથી: આજ્ઞાર્થમાં ‘ન’, ‘નહીં’ અને ‘ના’ ક્યારે વપરાય? મને લાગે છે કે આ પ્રશ્નને pragmatics સાથે વધારે સંબંધ છે. આશા રાખીએ કે કોઈક આ વિષય પર સંશોધન કરીને આપણને કંઈક કહેશે. આજે નહીં તો ભવિષ્યમાં.

હજી પણ નિષેધવાચકોના ઘણા ઉપયોગોની વાત કરી શકાય. એ માટે અઢળક સામગ્રી એકત્ર કરવી પડે. આશા રાખું કે આ નકશો એ દિશામાં જવા માટે ક્યાંક તો ઉપયોગી બનશે.

 

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૩૫ (બાબુ સુથાર)

  1. .
    ગુજરાતીમાં નિષેધવાચકો અંગે રસિક માહિતી
    ‘ હજી પણ નિષેધવાચકોના ઘણા ઉપયોગોની વાત કરી શકાય. એ માટે અઢળક સામગ્રી એકત્ર કરવી પડે. ‘ ની રાહ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s