મારી કલમ, મારા વિચાર – ૯ (પરભુભાઈ મિસ્ત્રી)


અટકી અટકી આવ્યો, શરણે હું તારા!

ઓગષ્ટ ૧૯૮૫ની એ સ્વાધ્યાયી ટૂર મારા જીવનમાં નિર્ણાયક નીવડી. વરસાદથી પલળેલા શરીરે અને કાદવથી ખરડાયેલા કપડે તથા દ્રવિત થયેલી બુદ્ધિએ એક નિર્ણય લઈ લીધો કે ગમે તે થાય, પણ હવે પછી મારે તમામ અણગમા બાજુ પર રાખીને સ્વાધ્યાયકેન્દ્રમાં નિયમિત જવું જોઈએ. ગાંધીજી અને વિનોબાજીનું તથા કાકાસાહેબ કાલેલકરનું સાહિત્ય વાંચ્યું હતું, આઝાદીના જંગનો ઈતિહાસ મોઢે હતો. અત્યાર સુધી એક વાતનો અફસોસ થયા કરતો હતો કે અમે થોડા વહેલા જન્મ્યા હોત તો આઝાદીના જંગની પ્રસાદીરૂપ એકાદ લાઠી ગોળી ખાઈને તો અમારા જનમને સાર્થક માન્યો હોત. ગાંધીજી જેવા નેતાની હાકલ સુણીને જેલની સજા ભોગવી હોત તો તીર્થયાત્રાનું ફળ મળ્યું હોત. એ સમય તો નીકળી ગયો, પણ પાંડુરંગ દાદાના રૂપમાં માનવ નિર્માણના તથા વૈદિક સંસ્કૃતિના પુનરોદ્ધારના યજ્ઞમાં જાતને નહિ હોમીએ તો જિંદગીભર પસ્તાવું પડશે. હવે વિલંબ નહિ ચાલે. આ તક ચૂક્યા, તો પછી પાછળથી જીવનમાં પસ્તાવો કરવાનો પણ કોઈ અધિકાર રહેશે નહિ.

પછીના ગુરુવારે સંકલ્પબદ્ધ એવા અમે બંને જણા મક્કમ મન કરીને કેન્દ્રમાં ગયા. એક સુખદ ફેરફાર નજરે પડ્યો. મને લાગ્યું કે એ ફેરફાર કુદરતે જાણે કે મારે માટે જ કર્યો છે! ગીતાના નવમા અધ્યાય પર પૂ. દાદાના ગીતા પ્રવચનોની વિડિયો કેસેટ મૂકવામાં આવી હતી. આ અધ્યાય એટલે રાજવિદ્યા રાજગુહ્યયોગ! ભગવાને ગુહ્ય વાત જાહેર તો કરી દીધી, પણ કશુંયે ખબર ન પડે એ રીતે! કોઈ મહાપુરુષ સમજાવે તો જ ખબર પડે કે આમાં ગુહ્ય વાત કઈ છે. ગીતા કોડવર્ડમાં લખાયેલી છે. સમજાય તો ઠીક નહિ તો બાઉન્સર! કોઈ વ્યક્તિ ચિંતનિકા આપે અને પાંડુદાદા જાતે બોલે એમાં બહુ મોટો ફરક હતો. મારો પહેલો અને મોટો અણગમો આમ, કુદરતી રીતે જ દૂર થઈ ગયો.

પ્રવચનને અંતે ભરતભાઈની નજર મને શોધતી હતી અને મારી નજર ભરતભાઈને. આજે હું પ્રવચન સાંભળીને સીધો ભાગી નહોતો આવવાનો! ભરતભાઈ મારો હાથ પકડીને કેન્દ્ર સંચાલિકા અને પી.ટી. મહિલા કોલેજના પ્રિન્સિપાલ એવા ડો. ઈંદિરાબેન શાહ પાસે મને લઈ ગયા અને હર્ષભેર વધામણી ખાધી કે આજોડ ઉપવનનું આ પુષ્પ તમને અર્પણ કરું છું. એને ખિલવવાની જવાબદારી હવે આપણી બને છે. ઈંદિરાબેને ભાવભરી નજરે મારા તરફ જોયું.

મારું આશ્ચર્ય હજી શમતું નહોતું; આટલું લાંબું અંતર કિચડ વચ્ચે અને રાતના અંધારામાં અમે કેવી રીતે ચાલી શક્યા અને વરસતા વરસાદમાં સમગ્ર કાર્યક્રમ કેવી રીતે માણ્યો તે ખરેખર અચરજ ભરેલી વાત હતી. પૂ. દાદાના આટલા નજીકથી દર્શન થશે એવું તો કદી સ્વપ્નું યે ધાર્યું નહોતું. જીવનની એ ધન્ય ક્ષણો કદીયે નહિ ભૂલાય. ક્ષણો જ નહિ, આ તો મિનિટો અને કલાકોનો મોટો સરવાળો હતો! વિચારો, સંકલ્પો અને ભાવથી હૃદય ઊભરાતું હતું. ઈશ્વરકૃપા વિના આવું કદી સંભવી ન શકે. અમે ભરતભાઈને જશ આપીએ અને એમનો આભાર માનીએ, પણ એ તો બહુ સાવધ જીવ હતા! તેમને હૈયે આનંદ હતો, પણ ઉપકારનો ભાવ જરાયે નહોતો. તેમણે કહ્યું કે તમારા ભાગ્યમાં જે હતું તે પ્રાપ્ત કરાવવામાં ભગવાને મને નિમિત્ત બનાવ્યો એ મારા જીવનની ધન્યતા છે. નવનીતભાઈના હરખનો પાર નહોતો. રવિવારનો આખો પ્રસંગ જ એક સુખદ સમણું જેવો હતો. તેઓ સતત કહેતા રહ્યા કે પંગુમ્ લંઘયતે ગિરિમ્- એ શ્લોકનો ભાવાર્થ મને હવે સમજાયો. મારે લીધે તમને બંને ભાઈઓને તકલીફો ભોગવવી પડી તે બદલ દિલગીરી સાથે હું તમારો આભાર માનું તેટલો ઓછો છે. મારા જેવો લંગડો માણસ આટલું બધું ચાલવાનું દુ:સાહસ કેવી રીતે કરી શકે? ભરતભાઈએ હસતાં હસતાં એક રહસ્ય પ્રગટ કર્યું કે ‘નવનીતભાઈ! તમારી અપંગતા જ તો આપણને વ્યાસપીઠ સુધી, દાદાની સાવ નિકટ લઈ જવામાં આશીર્વાદરૂપ નીવડી. તમે ન હોત તો અમને પણ આટલા નજીક જવાનો ચાન્સ મળ્યો ન હોત! આભાર તો અમારે તમારો માનવો જોઈએ!‘ પરસ્પરને માન આપવાની કેટલી સરસ આ રીત! આ કંઈ કોઈને ખુશ કરવાનો ડોળ નહોતો, કૃત્રિમતા નહોતી; આનંદપ્રદ વાસ્તવિકતા હતી.

એ પછી એક દિવસ મેં ભરતભાઈને પૂછ્યું કે વરસતા વરસાદની એક સવારે તમારે આંગણે હું અમારાં નામ નોંધાવવા આવ્યો ત્યારે તમે કંઈક અવઢવમાં હતા એમ મને લાગેલું. બસ આખી બુક થઈ ગઈ હશે તેમાં અમારો સમાવેશ કેમ કરવો તેની વિમાસણ અનુભવવી પડી હશે. સો રૂપિયાની નોટ પણ તમે મને- કમને લીધી હોય એવું મને લાગ્યું હતું. વાસ્તવિકતા શી હતી તે મને જણાવો અને અમારો મેળ કેવી રીતે પાડ્યો તે સમજાવો.

ભરતભાઈએ કહ્યું, ‘હું અવારનવાર રૂબરૂ મળીને તમને ગુરુવારના સ્વાધ્યાય કેન્દ્રમાં એક કલાક માટે આવવા ભારપૂર્વક અને ભાવપૂર્વક આગ્રહ કરતો હતો અને છતાં ભટાર ચાર રસ્તાથી અઠવા ગેટ સુધી આવવાનો સમય કાઢવામાં તમને અનેક અગવડો નડતી હતી તે જ વ્યક્તિ ચોવીસ કલાકનો સમય કેવી રીતે ફાળવી શકે અને અઠવા ગેટને બદલે આજોડ સુધી કેવી રીતે ખેંચાઈ આવે તે સમજવાની હું મથામણ કરતો હતો. કયું પ્રેરકબળ તમને આજોડ આવવા ખેંચી લાવ્યું તે મને સમજાતું નહોતું‘.

મેં કહ્યું, ‘ચાલો, એ તો ઠીક છે; પણ અમારાં બે નામોનો સમાવેશ કરવામાં તમને કેટલી બધી તકલીફ પડી હશે?‘

ભરતભાઈ:  એ જ તો મોટું રહસ્ય છે. આજોડ જવા માટે મારી પાસે નામ નોંધાવવા આવનાર તમે જ સૌ પ્રથમ વ્યક્તિ હતા! તમે મને એકસામટા અનેક આશ્ચર્યો આપ્યા. એકને બદલે તમે બંને, અઠવાગેટને બદલે આજોડ અને એક કલાકને બદલે આખો દિવસ! પૈસા ખરચીને, ઘરનું ટિફિન લઈને, બાળકોને ઘરે મૂકીને, અનેક તકલીફો વચ્ચે આવવાની તમારી તત્પરતાએ મને મૂંઝવી દીધો!

ખરેખર જ, સ્વાધ્યાયમાં હું એકદમ સરળતાથી નથી ગયો અને ગયા પછી આંખ મીંચીને હું કોઈને નથી જ અનુસર્યો. ડગલે ને પગલે પ્રામાણિક શંકા કરતો ગયો, શંકાનું સમાધાન શોધતો ગયો અને મારી જાતને એડજસ્ટ કરતો ગયો. મેં મનને સમજાવ્યું છે જરૂર, પણ મનને મરવા નથી દીધું. ભગવાને જે અલ્પ બુદ્ધિ આપી છે તેની આંખે પાટા નથી બાંધ્યા. મારા વિશે જે ગેરસમજો થતી હોય તે થવા દીધી, પણ મેં મારું પોતાનાપણું કે મારા સ્વતંત્ર અસ્તિત્વને આંચ નથી આવવા દીધી. મારી જાતને સ્વાધ્યાય કાર્યમાં ઓગાળી દેવાની મને કોઈ ઉતાવળ નહોતી. ધીરે ધીરે, જિજ્ઞાસાથી, સમજણપૂર્વક હું વિવિધ પ્રવૃત્તિઓ અવલોકતો ગયો. ખૂબી ખામી સમજતો ગયો અને મારી શંકા નિર્મૂળ થયા પછી બુદ્ધિથી સ્વીકારતો ગયો ત્યારબાદ મારી જાતને કાર્યમાં ઈન્વોલ્વ કરવા મારું માઈન્ડ સેટ કરતો ગયો.

યોગેશ્વર ભગવાનની આરતીની એક કડી આ મુજબ છે:

‘તું છે પરમ કૃપાળુ, મંગળ કરનારા
ભટકી ભટકી આવ્યો, શરણે હું તારા — જય યોગેશ્વર ભગવાન.‘

હું એમાં ઉચિત ફેરફાર કરીને ગાઈ શકું કે, ‘અટકી અટકી આવ્યો, શરણે હું તારા!‘

પૂ. પાંડુરંગદાદાએ મારી આ ચેષ્ટાને એપ્રુવ્ડ પણ કરી છે. માણસ અટકી જશે તે ચાલશે, પણ સમજણ વગર દોડવા માંડશે તો તે નુકસાન કરશે. બુદ્ધિમાં પ્રશ્નો ઊઠવા જ જોઈએ. તેના સમાધાન માટે પ્રામાણિક દલીલો કરવી જ જોઈએ. શંકા નિર્મૂળ ન થાય ત્યાં સુધી તર્કયુક્ત સવાલો સતત કરવા જોઈએ અને શંકા નિર્મૂળ થયા પછી કામે લાગી જવામાં વિલંબ ન કરવો જોઈએ.

 

2 thoughts on “મારી કલમ, મારા વિચાર – ૯ (પરભુભાઈ મિસ્ત્રી)

 1. અટકી અટકી આવ્યો, શરણે હું તારા! મા પરભુભાઈ મિસ્ત્રીનો પ્રેરણાદાયી લેખ
  દાદા વાંચતા અમારા જીવનમા સંત સમાગમવાળા ત્રણ દાદ્દા ધર્માધિકારી ,દાદા ભગવાન અને દાદા પાંડુરંગજીનો ખ્યાલ આવ્યો અને સ્વાધ્યાયની વાતે મનહર ઉધાસનુ ગાયેલુ ભજનનુ મનમા ગુંજન શરુ થયું.
  ગાંડિવ લઇ હાથમાં અર્જુન થા યુવાન
  બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન
  કંટકમાં કેડી તુ કરજે કુનેહથી
  પુષ્પની સુગંધને સંભાળજે તુ સ્નેહથી
  સુખ-દુ:ખમાં સમતાનું ગાજે તું ગાન
  તારી સાથે ઉભો છે યોગેશ્વર ભગવાન
  કર્મ વિના મળતુ ના, ગીતા ઉપદેશ છે
  એળે ના જાય કર્મ, ગીતા સંદેશ છે
  શક્તિ છે તારામાં, કરતો જા કામ
  તારી સહાયમાં ઉભો છે યોગેશ્વર ભગવાન
  ઉભરાતુ યૌવન યોગેશ્વર ને આપજે
  કામ કરી ઇશ્વરના જીવન દિપાવજે
  ઘર ઘર ને કરજે તુ ભકિતના ધામ
  તારી ભકિતમાં શક્તિ થઇ ભળશે ભગવાન
  જીવનમાં લાચારી લેશ તુ ના લાવજે
  પાંડવ થઇ પૃથ્વી પર પાપ ને પડકારજે
  લડજે ખુમારીથી જીવન સંગ્રામ
  બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન આ ભાવગીત પ્રત્યેક સ્વાધ્યાયીને યાદ જ હોય.. કારણ કે વર્ષોથી હજારો યુવાનોને પ્રેરણા આપનારૂ આ ગીત છે.આ ગીતે પૂ. દાદા અને સ્વાધ્યાય પ્રવૃત્તિની યાદો તાજી કરાવી…
  આપના મૂકં કરોતિ વાચાલં પંગુમ્ લંઘયતે ગિરિમ્ ;. યત્કૃપા તમહં વંદે, પરમાનંદ માધવમ્. તેઓના જીવનનો એક માત્ર પથદર્શક મંત્ર ના વિચારે દાદાશ્રીએ સમજાવેલા અનેક શ્લોકો યાદ આવવા લાગ્યા
  સર્વ ધર્માન્યરિત્યજય મામેકં શરણં વ્રજ ;
  અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ :
  સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલનંદન ;
  પાર્થો વત્સ : સુધી ભોક્તા, દુગ્ધં ગીતા મૃતં મહત્.
  યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત
  અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્.
  યો માં પશ્યતિ સર્વત્ર સર્વ ચ મયિ પશ્યતિ ;
  તસ્યાહં ન પ્રણશ્યામિ સ ચ મેન પ્રણશ્યતિ.
  અનન્યા શ્વિન્તયન્તો માં યે જના : પર્યુપાસતે ;
  તેષાં નિત્યાભિચુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્
  અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિત :
  પ્રાણાપાનસમા યુક્ત : પચામ્યન્નં ચતુર્વિધમ્.
  સર્વ સાધનશૂન્સ્થ સાધનં કૃષ્ણ એવ તુ ;
  તસ્માત્ સર્વાત્માના નિત્યં શ્રીકૃષ્ણ : શરણંમમ્
  યત્ર યોગેશ્વર : કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર ;
  તત્ર શ્રી વિજયો ભૂતિધ્રુવા નીતિર્મતિર્મમ

  Liked by 1 person

 2. સ્વાધ્યાય યાત્રા માણસને આમૂલ પરિવર્તન માટે તક આપે છે. અનુભવ રસપ્રદ છે.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s