કઈ રીતે? – ગઝલ


પવન આ શ્હેરનો તજવીજમાં છે કે કરું તોફાન કઈ રીતે!
અને ફૂટપાથનાં વૃક્ષો વિચારે છે, બચાવું પાન કઈ રીતે?

પડ્યું બિલ્ડિંગથી બાળક, ને નીકળી એ જ વખતે રૂ ભરેલી ટ્રક;
એ જોયું તો થયું કે મોકલી દે છે મદદ ભગવાન કઈ રીતે!

હૃદય હો સાંકડું તો થાય ક્યાંથી અવતરણ વિશાળ સપનાનું?
જરા અમથી જગામાં ઊતરે મોટું કોઈ વિમાન કઈ રીતે?

અને બસ ત્યારથી દરિયો ક્ષણેક્ષણ પ્હાડનાં ચરણો પખાળે છે,
પૂછ્યું ‘તું કોઈકે, “કરશો નદી દેનારનું સન્માન કઈ રીતે?”

સૂરજ જેવો સૂરજ સુધ્ધાં પ્રકાશિત ક્યાં કરી શકતો ધરા આખી!
બધા સંબંધ ઉપર એક સાથે રાખી શકશો ધ્યાન કઈ રીતે?

અમે મથીએ છીએ વર્ષોથી તો પણ માંડ પામ્યા હોઈશું ચપટીક!
તમે ક્ષણ વારમાં પામી ગયા ગાલીબનો દીવાન કઈ રીતે?

*- અનિલ ચાવડા*

આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

અનિલ ચાવડા ગુજરાતી ગઝલનું એ નામ છે કે જેને હવે કોઈ જ પરિચયની જ્રરુર નથી.  એમની આ સાદગી સભર ગઝલ એક સવાલ, વિસ્મય સાથે સહજીવનની અદભૂત વાત લઈને આવે છે. અહીં એક અનુભૂતિ છે અતૂટ વિશ્વાસની કે જિંદગીના તોફાનો તો છે પણ કોઈ  કોઈ બચાવનારો ય છે.  એક જ વિપરીત પરિસ્થિતિ, બે સંબંધિત અને પરસ્પર પરિચિત વ્યક્તિઓને કેટલી અને કેવી અલગ રીતે વિચાર કરવા પ્રેરે છે? પવનને તોફાને ચડવાનું મન થાય અચાનક , ત્યારે  એ જ પવન ભૂલી જાય છે કે એના પ્રિય વૃક્ષો, જે  અમસ્તા તો એના ઝોંકામાં સદાય ઝૂલૃઝૂલતા હોય, એને શું થશે?  એ સમયે વૃક્ષોને થાય કે આ તોફાને ચડેલા મારા મિત્ર, પવનથી મારા નાજુક પાંદડાને કઈ રીત બચાવું! કુદરત અને કુદરત વચ્ચે , માણસ અને માણસ વચ્ચે, કુદરત અને માણસ વચ્ચે એક સહજ  સહજીવન – Natural Symbiosis સદાય હોય છે પણ એમાંથી કોઈ એક પક્ષે પણ સહજતા ખોરવાય તો એના અનેક વિપરીત પરિણામો આવે છે.

તો, બીજી બાજુ વાત થાય છે કે અંતરના દ્વાર ખોલવાની, હ્રદયને વિશાળ બનાવવાની જેથી કઈંક વિશાળ ભાવનાઓનું વિમાન પણ અવતરણ કરી શકે અને નવા , શુભ વિચારો ચારેય દિશામાંથી સતત અંતર આત્મામાં ગંગા  જેમ અવતરે અને આપણે શીવજીની જટા જેવીવિચલિત ન થાય એવી મજબૂત હ્રદયની ભૂમિ બનાવીએ.

આ જ સહજીવન એક રીતે અસ્તિત્વની મર્યાદા દર્શાવીને, સહજીવનમાં જે સંભવે છે,  એનો આદર અને કદરનો કરવાની વાત પણ કરે છે.  સૂરજ જેવો સૂરજ પણ સમસ્ત સૃષ્ટિને એક સાથે પ્રકાશિત નથી કરી શકતો. પણ, જે રીતે એનો પ્રકાશ મળે છે , એનો આદર અને કદર કરવાને બદલે પ્રાકૃતિક સહજતામાં વિક્ષેપ પાડતાં પ્રકૃતિ સાથેનું સહજીવન ખોરવાય છે.  આ કુદરતી રીતે  સમજાય ત્યારે એ સમજનો સ્વીકાર કરીને એનું સન્માન કરતાં Co-existence – સહઅસ્તિત્વની ગરિમા વધે છે. આ શેરમાં આ જ વાત ખૂબ સરસ રીતે કરે છેઃ

“અને બસ ત્યારથી દરિયો ક્ષણેક્ષણ પ્હાડનાં ચરણો પખાળે છે,
પૂછ્યું ‘તું કોઈકે, “કરશો નદી દેનારનું સન્માન કઈ રીતે?”

આ ગઝલના મક્તામાંઃ

અમે મથીએ છીએ વર્ષોથી તો પણ માંડ પામ્યા હોઈશું ચપટીક!
તમે ક્ષણ વારમાં પામી ગયા ગાલીબનો દીવાન કઈ રીતે?

માણસ-માણસ વચ્ચેના સહજીવનને દંભ કેવી રીતે ખોરવે છે એની વાત બહુ ખૂબીથી કવિ કહી જાય છે, કોઈ પણ ઉપદેશ આપ્યા વિના કે ભારેખમ શબ્દો કે વિચારોની વણઝારને વાચક પર લાદ્યા સિવાય! આ જ તો આ સર્વાંગ સુંદર ગઝલની ખૂબી છે. આ ગઝલ સો  ગઝલોમાંથી જુદી તરી આવીને સીધી હ્રદય સોંસરવી ઊતરી જાય છે.

3 thoughts on “કઈ રીતે? – ગઝલ

  1. અનિલભાઈની ગઝલમાં જે સહજતા, સરળતા સાથે ઊંડાણ જોવા મળે છે, એ જ સરળતાથી અને સહજતાથી જયશ્રી બહેને એનો રસાસ્વાદ કરાવ્યો છે. સાચે જ આ ગઝલ હ્રદય સોંસરવી ઊતરી જાય એવી છે.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s