સફરની સ્મૃતિના સથવારે -૧૦ (રાજુલ કૌશિક)


કુદરતના કરિશ્મા સમો યલોસ્ટોન નેશનલ પાર્ક

 

 

 

પૃથ્વીના ફલક પર અનેક રંગોથી ઇશ્વરે એવી અદ્ભૂત ખુબીઓ રચી છે જેને જોઇને માનવ મનમાં ચિત્રકળા કોને કહેવાય એવી સમજ આવી હશે. આસમાનમાં એકરૂપ થઈ જતી એવી ક્ષિતિજ ,એ ક્ષિતિજમાં એકાકાર થઈ જતી આ ધરતી ….કેટલું વિશાળ કેન્વાસ ! અને આ કેન્વાસને ઇશ્વરે અનેક રંગોથી સજાવ્યું. આવા રંગોની સજાવટ જોઇને જ માનવ મનમાં રંગો કોને કહેવાય એની ય સમજ આવી હશે. રંગોની અદ્ભૂત છટા જોઇને  મૂળ રંગ અને મૂળ રંગોની મેળવણીથી બનતા અનેક રંગોનું એને જ્ઞાન થયું હશે. આવા જ  કલ્પનાતિત રંગોની ભાતીગળ રંગોળી જેવા યલોસ્ટોન નેશનલ પાર્કની મુલાકાત જીવનભરનું એક અવર્ણનીય અને અવિસ્મરણનીય સંભારણું બની રહેશે.

વાયોમિંગ, આઇડાહો અને મોન્ટાનાની વચ્ચે પથરાયેલા યલોસ્ટોન નેશનલ પાર્કને યુનાઇટેડ સ્ટેટ્સના સૌ પ્રથમ નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે. યલો સ્ટોનના ભૂઉષ્મીય  વિસ્તારોનો અલગ અલગ બેસિનનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે. ૨૦૧૧માં પૂર્ણ થયેલા અભ્યાસ કહે છે કે અહીં અંદાજે ૧૨૮૩ જેટલા ગિઝર્સ હોવાની સંભાવના હતી જેમાં સરેરાશ ૪૬૫ જેટલા તો આજે પણ સક્રીય હોવાની શક્યતા છે.  નવ બેસિનોમાં વિસ્તરેલો યલો સ્ટોનન નેશનલ પાર્ક અહીં આવનારને અનેકવિધ આકર્ષણોથી આકર્ષે છે. અહીં હાઇકિંગ, બોટિંગ, સાઇક્લિંગ, ટ્રેકિંગ ઉપરાંત વન્ય જીવનતો છે જ પરંતુ સૌથી વધુ આકર્ષે એવા છે અહીંના ગિઝર્સ અને અદ્ભૂત લેન્ડસ્કેપ.

અહીં સદીઓથી મૂળ એટલે કે નેટિવ અમેરિકનો વસેલા પરંતુ ૧૮૬૦ના દાયકાના અંત સુધી આ હરિયાળા અને રળિયાળા નેશનલ પાર્ક વિશે ઝાઝી જાણકારી લોકો સુધી પહોંચી નહોતી પરંતુ ૧૮૮૬ થી માડીને ૧૯૧૬ દરમ્યાન યુનાઇટેડ આર્મીને એના સંચાલન અને વહીવટની જવાબદારી સોંપવામાં આવી અને ૧૯૧૭માં નેશનલ પાર્ક સર્વિસને સોંપણી કરવામાં આવી ત્યારથી માંડીને આજ સુધી કેટલાય પ્રવાસીઓએ આ  યલોસ્ટોન નેશનલ પાર્કને  “મસ્ટ વોચ” –“મસ્ટ વિઝિટ”નું બિરૂદ આપ્યું.

યલોસ્ટોન નેશનલ પાર્કમાં ઉત્તર અમેરિકાનું સૌથી ઉંચાઇએ આવેલું  મનોરમ્ય યલોસ્ટોન લેક છે તો ક્યાંક નદીઓની સરસરાટ, ક્યાંક પર્વતીય હારમાળા તો એની છાયામાં ઢંકાઇને પણ પોતાના અસ્તિત્વની આલબેલ પોકારતી ખીણો છે. અહીં ઉકળતા ચરૂ જેવા સલ્ફરના ગિઝર્સ એટલે કે પાણીના ઝરા છે અને ધરતીના પેટાળને ફાડીને ઉડતા ચોમેર ગંધકની વાસ ફેલાવતા ફુવારા પણ છે. ક્યાંક ખદબદતા જીવંત લાવા છે અને વાતાવરણે  હવા અને લાવાનું ટાંકણું લઈને શિલ્પીની જેમ કોરેલા ખડકોની આગવી અદા પણ છે.

ઉત્તર અમેરિકામાં યલોસ્ટોન કોલ્ડેરા ( જ્વાળામુખીના વિસ્ફોટના લીધે એના કેન્દ્ર સ્થાને જમીનમાં ઉદ્ભવેલા પોલાણ)ના લીધે અનેક જગ્યાએ નાના મોટા બેસિન ઉત્પન્ન થયા. ૨૨,૧૯,૭૮૯ એકરમાં ફેલાયેલા યલોસ્ટોન નેશનલ પાર્કમાં આવા જેટલા બેસિન ઉત્પન્ન થયા એ ઓલ્ડ ફેઇથફુલ ગીઝર , અપર ગીઝર ( ગેસર-ગેયઝર) બેસિન, લૉઅર ગીઝર બેસિન, કેસલ ગીઝર, લાયન ગીઝર, બીહાઇવ ગીઝર, મમોથ હોટ સ્પ્રિંગ, નોરિસ ગીઝર બેસિન, વોશબર્ન હોટ સ્પ્રિંગ, મિડવે ગીઝર બેસિન, વેસ્ટ થમ્બ ગીઝર બેસિન, જેવા નામથી ઓળખાયા.

યલોસ્ટોન નેશનલ પાર્કમાં એક વાર પ્રવેશો પછી તો જરા-જરામાં નાના અમસ્તા આવા અનેક ગરમ પાણીના ગીઝર આવતા જ જાય. ગરમ પાણીના ઝરા કે ફુવારા નામ માત્રથી એની કલ્પના કરવામાં આપણી કલ્પનાશક્તિનો પનો ટુંકો પડે કારણકે આ માત્ર ગરમ પાણીના ઝરા કે ફુવારા નથી પરંતુ જ્વાળામુખીના લીધે ઉત્પન્ન થયેલા એ કોલ્ડેરામાં ફળફળતા પાણીમાં  સ્ફટિક જેવી પારદર્શકતા ય જોવા મળે. આસમાની તો નીલકણ જેવા રંગના એ પાણીના કુંડની આસપાસ પીળચટ્ટી જમીન અને એની ય ફરતે ઘેરો હળદરળીયો પીળો રંગ અને એમાં ભળી જતી કેસરી ઝાંય જાણે કુદરતે રચેલી રંગોળી જોઇ લો.કોઇ જગ્યાએ ચૂના જેવા સફેદ રંગની જમીન જોઇ તો કોઇ જગ્યાએ એ ચૂનામાં આછો ગુલાબી રંગ ભેળવેલો આરસ પાથર્યો હોય એવું ય જોયું.. ઘણી બધી જગ્યાએ જ્વાળામુખીના લાવાએ રેલાઇને અનેકવિધ રંગથી યલોસ્ટોનની ધરતીની તાસીર જ જાણે બદલી નાખી છે. કોઇ જગ્યાએ મડ વોલ્કેનો એટલે કે ઉકળતા ,ખદબદતા કાળા ડામર જેવા જીવંત વોલ્કેનો જોયા. કોઇ જગ્યાએથી જાણે ગુફામાંથી અવિરત વહેતો હોય એવો પ્રવાહ જોયો.

આવો જ એક ધરતીના પેટાળને ફાડીને ઉઠતા પાણીના વેગને પણ જોયો. યલોસ્ટોનમાં લૉઅર ફોલ તરીકે ઓળખાતી જગ્યાએ ધરતીના પેટાળથી અનેક ઘણા વેગથી ઉઠતા અને ઉડતા ઉછળતા આ ધોધને જોઇને કલ્પના પણ ન આવે કે ધરતીના પેટાળમાંથી પણ આટલા જોશ કે જોરથી પાણીનો ધોધ ઉઠે કે ઉડે ખરો? પણ જ્યારે એના અપર ફોલ તરફ ગયા ત્યારે એનું આખુ ચિત્ર સ્પષ્ટ થયું .ખરેખર તો અપર ફોલથી વેગથી પછડાઇને ઉઠતા પાણીનો પ્રપાત હતો જે લૉઅર ફોલમાં ઝીલાતો હતો. દક્ષિણપૂર્વમાંથી નિકળીને સતત શાંતિથી વહેતી મિઝોરી નદીને મળીને અંતે મેક્સિકોના અખાતમાં એટ્લાન્ટિક મહાસાગરમાં ભળી જતી આ જ ૬૭૧ માઇલ લાંબી યલોસ્ટોન નદી છે જે સતત યલોસ્ટોન નેશનલ પાર્કમાં અલગ અલગ સ્વરૂપે વહ્યા કરે છે.

એ સિવાય પણ મેડિસન, ગિબન નદીના વર્જીનિયા કાસ્કેડ, ગિબ્બન ફોલ જેવી અનેક જગ્યાઓ છે જ્યાં કંઇક અવનવી અનુભૂતિ તો થયા વગર રહે જ નહીં પરંતુ અહીં આપણે વાત કરવી છે યલોસ્ટોન નેશનલ પાર્કના ગીઝર્સ એટલે કે ગરમ પાણીના ફુવારા કે ઝરાની જાહોજલાલીની.

નોરિસ ગીઝર બેસિન અહીંના સૌથી વધુ ગરમ અને એસિડિક ગીસર્સ અને વિશ્વના અનેક સક્રિય વોલ્કેનોમાંનો એક ગણાય છે. અહીંના પાણીનું ઉષ્ણતામાન સતત ૨૦૦ ફેરનહીટ (૯૩ ડીગ્રી સેલ્સિયસ ) નોંધાયુ છે. અહીંના ઉષ્ણતામાન અને એસિડિક પાણીમાં કોઇ છોડ જીવંત રહેતો નથી. નોરિસ ગીઝર બેસિનમાં કેટલાક  હોટ સ્પ્રિંગ સુસુપ્ત થતા જાય છે તો  કેટલાક સતત નવા હોટ સ્પ્રિંગ અસ્તિત્વમાં આવતા જાય છે. પાણીના કુંડ જેવા આ પોલાણમાં જાણે ક્યાંક નીલા આસમાનનું પ્રતિબિંબ ઝીલાયું હોય એવા આસમાની તો કોઇ ભૂખરા રાખોડી રંગના ગીસર્સ છે.

ફોર્ટ યલોસ્ટોન અને મમોથ હોટ સ્પ્રિંગ હિસ્ટોરિક ડિસ્ટ્રિક્ટ પાસે ટેકરી પર અદ્ભૂત રીતે કંડારાયેલું આ સંકુલ એટલે મમોથ હોટ સ્પ્રિંગ .

 

હજારો વર્ષોથી પ્રત્યેક દિવસે વહેતા ઝરણાનું લગભગ બે ટન જેટલું ગરમ પાણી ઠંડુ પડતા એમાંનું કેલ્શિયમ કાર્બોનેટ જમા થતું ગયું  પણ આ એની જમાવટ પણ કેટલી અદ્ભૂત રીતે થઈ છે કે આફરીન થઈ જવાય. મમોથ હોટ સ્પ્રિંગના લૉઅર ટેરેસ તથા અપર ટેરેસ પર જવા માટે લાકડાની પગથીવાળી કેડી છે અને અપર ર્ટેરેસ સુધી પહોંચવા માટે  કાર લઈને જવાની પણ સગવડ છે. આ  ટેરેસ સુધી જવામાં અને પહોંચ્યા પછી ઉપરથી જોવામાં આવે તો મમોથ હોટ સ્પ્રિંગના અનેક રૂપ નજરે પડે. ઉપરથી નજર નીચે કરીએ ત્યાં વચ્ચે જમીન પર પથરાયેલા સ્ફટિક જેવા કેલ્શિયમ કાર્બોનેટના થર જોવા મળે. ક્યાંક  તો વળી પાણીનું વહેણ નીચે આવવા રમતું ઝમતું પગથીયા ઉતરતું હોય અને સફેદ દૂધાળા જેવા ચૂનાના થરમાં પરિવર્તિત થઈ ગયું હોય એમ ચૂનાના અનેક પગથારમાં ગોઠવાયેલું જોવા મળે. તો વળી ક્યાંક આ દૂધમલ ચૂનામાં કેસૂડો ઘોળીને એનો રંગ ઉમેર્યો હોય તો ક્યાંક સુવર્ણ ભસ્મ ઉમેરીને એને સોનેરી ઓપ આપ્યો હોય એવી પગથાર જોઇ. અપર ટેરેસ સુધી જતા જતામાં કેટ-કેટલી જગ્યાએ એમ જ આરામથી વહેતા પાણીના ઝરણા ય છે તો કુદરતે રચેલી તાંબાકુંડીમાં જમા થયેલા પાણીના કુંડ પણ છે. અહીં કુદરતને આડા-અવળા હાથે વોટર કલરથી રંગ-બેરંગી લીસોટા મારવાની છૂટ મળી હોય અને એ છૂટનો ભરપૂર ઉપયોગ થયો હોય એવો નઝારો જોયો.

મમોથ હોટ સ્પ્રિંગના લિબર્ટી કેપની વાત પણ એવી જ રસપ્રદ છે. અસલમા અહીં એક જ સ્થળે લાંબા સમય સુધી ગરમ પાણીનો ફુવારો હતો કે જેમાં પાણીનું અંદરથી જ દબાણ એટલું હતું કે જેનાથી આ ફુવારો એક ઊંચાઇ પકડે એ ફુવારાએ ધીમે ધીમે સમય જતાં એમાંના જમા થતા ખનીજ તત્વો થકી એક શિલા સ્વરૂપ પકડ્યું.  અલબત્ત સદીઓથી ચાલતી આવતી આ પ્રક્રિયા હતી જે  ૧૮૭૧મા લિબર્ટી કેપના નામથી ઓળખાઇ.

લૉઅર ગીઝર બેસિન લગભગ ૧૨ સ્ક્વેર માઇલ પથરાયેલો એરિયા છે અહીં લાવાએ અનેક રંગથી દોરેલા નકશા જેવી જમીનની વચ્ચે વચ્ચે નાના નાના ગરમ પાણીના કુંડ જેવા ગીઝર છે જેના અદ્ભૂત નીલા, પીળા રંગોની છટા વચ્ચે ઉકળતા પાણીનો બુડ-બુડ અવાજ પણ જો એની પાસે ઉભા હોઇએ તો અનુભવી શકીએ. આ તમામ ગીઝર્સ સુધી પહોંચવા માટે જવાની કેડીઓ પર સાવધાનીના બોર્ડ તો મુકાયેલા જ હોય છે. અહીંની જમીન પોચી છે અને એમાં આગળ જતા સખત રીતે દાઝી જવાની અથવા તો કળણમાં ખુંપી જવાની શક્યતાઓને નકારી શકાય નહીં. લૉઅર ગીઝર બેસિનના ફાઉન્ટન પેઇન્ટ પોટ , સિલેસ્ટીન પૂલ, ક્લેસાઇડ્રા ગીઝર, ફાઉન્ટેન ગીઝર, ફ્યુમરોલ્સ, ગ્રેટ ફાઉન્ટેન ગીઝરમાં પણ ઘણી વિવિધતા જોવા મળી. ગ્રેટ ફાઉન્ટેન ગીઝરનો વિસ્ફોટ લગભગ ૨૦૦ ફુટ સુધી ઉંચો જાય છે. આ વિસ્ફોટ ક્યારેક સળંગ પાંચ મિનિટ કરતાંય લાંબા સમય સુધીનો હોય છે અને ત્યાર બાદ જાણે થોડો સમય વિરામ લેવાનો હોય એમ શાંતિ ધારણ કરીને ફરી સક્રિય થાય છે આમ આ વિસ્ફોટની ક્રિયા સમયાંતરે પણ સતત ચાલતી પ્રક્રિયા છે.

ફાઉન્ટેન પેઇન્ટ પોટના મડ એટલે કે કાદવ અને જમીનના ખનીજોમાં રહેલું લોહ તત્વ ભળીને જે ઑક્સિડેશન પ્રક્રિયા થઈ તેના સ્વરૂપે અહીંની જમીન લાલ, પીળા અને કથ્થઈ રંગે રંગાઇ. ફરી એકવાર અનોખા મિશ્રણ સાથે રંગાયેલી જમીનનું અલગ રૂપ જોયુ.

અપર ગીઝર બેસિન પણ એક એવો એરિયા છે જેમાં ઓલ્ડ ફેઇથફુલ ગીઝર સૌથી મઝાની જગ્યા છે. યલોસ્ટોન નેશનલ પાર્કના અનેક ગીઝર્સ જોયા અને દરેક કંઇક આગવા નજરાનાનો થાળ સજાવીને ઉભા છે. ઓલ્ડ ફેઇથફુલ ગીઝર તો જાણે આજ્ઞાંકિત વિદ્યાર્થીની જેમ કુદરતે ગોઠવેલા સમયપત્રકને અનુસરતું ગીઝર. આશરે ૯૦ મિનિટના સમય ગાળાએ ઓલ્ડ ફેઇથફુલ ગીઝરમાં શરૂઆતમાં ધીમે રહીને અને પછી એકદમ ધડાકાબંધ વિસ્ફોટ થયા કરે. આ સમયે જે પ્રચંડ દબાણથી પાણીનો ફુવારો ઉડે છે એ જોઇને એમ થાય કે ક્યાંથી આવતો હશે આ પાણીનો અખૂટ ભંડાર અને કેટલું ઉષ્ણતામાન હશે કે જે આ ઉડતા ફુવારાના ઘણા બધા અંશને વાયુમાં રૂપાંતરિત કરી દેતુ હશે?

 

 

 

 

 

 

 

 

 

લૉઅર ગીઝર બેસિન અને અપર ગીઝર બેસિનથી જરા અલગ તાસીર ધરાવતા આ મિડવે ગીઝરના બે મુખ્ય અને મોટા કહી શકાય એવા ગ્રાન્ડ પ્રિસ્મેટિક સ્પ્રીંગ અને એક્સેલસિઅર ગીઝરની મુલાકાતે મનથી એક વાત નિશ્ચિત થઈ ગઈ કે કુદરતથી વધીને બીજો કોઇ કલાકાર હોઇ જ ન શકે. માટીની બનેલી મોટી મસ છત પર બિરાજમાન ૩૭૦ ફીટ ડાયામીટર ધરાવતો આ ગ્રાન્ડ પ્રિસ્મેટિક ગીઝર અને ૧૯૦૦માં આશરે ૩૦૦ ફીટ ઉંચે ઉડેલા એક્સેલસિયર ગીઝરે બક્ષેલી રંગોની છટાએ તો પેલી જુની કવિતા યાદ કરાવી દીધી.

“ લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણીથી થાય.”

કુદરતે આ લાલ, પીળા અને વાદળી રંગોથી રચેલી રંગોળીની આસપાસ મેળવણીથી સર્જેલા અવનવા રંગોનો ઉમેરો કરીને અદ્ભૂત દ્ર્શ્ય નજર સામે મુકી દીધું છે. લાવાના લાલ રંગ અને એમાં ભળેલી માટીમાંથી બનેલો કથ્થઈ રંગ, તો ક્યાંક ઢોળાવો પરથી વહી જતા સફેદ અને હળદરીયા પીળા રંગના રેલા…. પગને ત્યાંજ જકડી રાખતા હતા.

યલોસ્ટોન નેશનલ પાર્ક જ જ્વાળામુખીમાંથી ઉદ્ભવેલું સ્થાન છે. કહે છે લાખો વર્ષ પહેલા અહીં જે જ્વાળામુખી ફાટ્યો એમાંથી વહેતા લાવાનો ધગધગતો રસ ઠરતા ઘણી જગ્યાએ ખડકાળ જમીન ઉપસતી ગઈ  ઘણી જગ્યાએ જાણે કુદરતે આ લાવાને ખદબદતો રાખવા મોટી સાઇઝનો કુંડ તૈયાર કર્યો હોય એમ સલ્ફરની તિવ્ર વાસ ધરાવતો કાદવ અહીં હજુ પણ ખદબદ થયા કરે છે. એ જીવંત મડ વોલ્કેનો પણ એક અજાયબી જ લાગે. આપણને ઘણે દૂરથી પણ એની વાસ અને ગરમી અકળાવનારી લાગે ત્યાં અહીંના બાયસન ( જંગલી ભેંશ જેવું પ્રાણી) જાણે આરામથી સ્ટીમ બાથ લેતા બેઠા હોય એવું બને.

વેસ્ટ થમ્બ લેક :

યલોસ્ટોન ગીઝર્સ બેસિનમાં વેસ્ટ થમ્બની ગણતરી સૌથી નાના ગીઝરમાં મુકાય છે પરંતુ એકવાર અહીં પહોંચો એટલે એટલે એની મનોરમ્યતા મન મોહી લે. આ પહેલા જેટલા ગીઝર્સ જોયા એની સરખામણીમાં સાચે જ અલ્પ પ્રમાણમાં અને નાના-નાના ગીઝર્સ છે પરંતુ અહીં હોટ સ્પ્રિંગસ, પૂલ. મડ પોટ અને ફ્યુમરોલ્સ એટલે કે ઠરી ગયેલી આગ પછીના નિકળતા ધૂમાડા જોયા અને સૌથી વધુ આહ્લાદક દ્રશ્ય જોયું એ હતું વેસ્ટ થમ્બ લેક. સમી સાંજનો સમય હતો અને નજર સામે અફાટ જળરાશી ધરાવતું વેસ્ટ થમ્બ લેક. આછા ભૂરા આકાશ સાથે દોસ્તીનો રંગ ઉમેરવા નજર પહોંચે ત્યાં સુધી દેખાતું એવું જ આસમાની પાણી કિનારા પાસે આછી લીલી ઝાંય પકડતું હતું. એક તરફ આંખને ઠંડક આપતો આસમાની રંગ તો બીજી તરફ નજર કરતાં ઢળતા સૂર્યના નારંગી રંગની લાલિમા. ક્યાંય સુધી ખસવાનું મન ના થાય એવા આ વેસ્ટ થમ્બ લેકથી તો આજ સુધી અનુભવેલા યલોસ્ટોનના ઉનળાના તપતા દિવસો પર જાણે શિતળતાનો લેપ થયો એવી ઠાડક અનુભવી. બીજી તરફ લેકની આ અફાટ જળરાશી સાથે જાણે કશી જ લેવાદેવા ન હોય એવા ૨૦૦ ફેરનહીટ ગરમીથી ઉકળતા ગીઝર છે જે થોડી થોડી વારે આશરે ચાર-પાંચ મિનિટ સુધી ફુટ્યા કરે છે.

વાઇલ્ડ લાઇફ :

ભરપૂર જળરાશી અને ગાઢા જંગલો હોય ત્યાં વન્ય પ્રાણીઓની હસ્તી તો હોવાની જ. યલોસ્ટોન નેશનલ પાર્કમાં બાયસન , એલ્ક ( જમ્બો સાઇઝના હરણ જેવું પ્રાણી) , શિયાળ અને રીંછની હાજરી છે. બાયસન અને એલ્ક તો જ્યાં નજર કરો ત્યાં જોવા મળી જાય. એલ્ક મોટાભાગે ટોળામાં ફરતા હોય પરંતુ બાયસન તો એકલા પોતાની મસ્તીમાં ધીમી ગતિએ ફરતા અને ચરતા જોયા. રીંછ કે વરૂ કે શિયાળ તો જોવા ઇચ્છો તો રાહ જોઇને થાકો તો ય દર્શન ન દે અને કારમાં જતા રસ્તામાં અચાનક જ દેખા દઈ દે એવું બને. દરેક જ્ગ્યાએ એક ચેતવણી તો સ્પષ્ટ મળતી જ રહી કે કોઇપણ પ્રાણીથી સલામત અંતર રાખવું જરૂરી છે. શાંતિથી ફરતા કે બેઠેલા આ જીવ ક્યારે હિંસક બની જાય એ કહેવાય નહીં. અહીં ગ્રિઝલી બેર તરીકે ઓળખાતા રીંછ તો મોટાભાગે રાત્રે અથવા વહેલી સવારે જ જોવા મળશે એવી ખબર હતી. જો નસીબ હોય તો વળી અંધારા તરફ વધતી આથમતી સાંજે જોવા મળી જાય.

જરુરી જાણકારી : યલોસ્ટોન નેશનલ પાર્કમાં ફરવા માટે સૌથી પહેલી તો એ તૈયારી રાખવાની કે વર્તમાન અદ્યતન ટેક્નોલૉજી પણ કદાચ તમને મદદરૂપ નહીં નિવડે એટલે શક્ય હોય ત્યાંથી આ પાર્કનો નકશો હાથવગો રાખવો. અમારી પાસે આવો નકશો હતો જેના આધારે અમે જ્યાંથી પ્રવેશ લીધો હતો એ પશ્ચિમ તરફના પ્રવેશ દ્વારથી શરૂ કરીને સાંજ સુધીમાં પરત થઇ શકતા કારણકે આ પાર્કને તો ખરેખર માણવો હોય તો ઓછામાં ઓછા ત્રણથી ચાર દિવસનું રોકાણ જરૂરી છે. પાર્કમાં પ્રવેશ માટે દરેક એન્ટ્રીએ વ્યક્તિગત એન્ટ્રન્સ પાસની જરૂર પડે છે. પ્રત્યેક વ્યક્તિએ ૩૦ ડોલર અને કારના ૩૦ ડોલર ચૂકવવા પડે છે. સીનિયર સિટિઝનને નેશનલ પાર્કના લાઇફ ટાઇમ માટેના પાસ મળે છે. જેની પાસે નેશનલ પાર્કનો લાઇફ ટાઇમ પાસ હોય તો તેમને માત્ર આ પાસ જ બતાવવાનો રહે છે. જો પાર્કની નજીક રહેવાની સગવડ મળી જાય તો પાર્ક સુધી પહોંચવાનો ડ્રાઇવ ઓછો થઈ જાય. અહીં રહેવા માટે હોટલ-મોટલ, કેબીનોની સગવડ છે જ અને સાથે કિચન સાથે બેડરૂમ અને લિવિંગરૂમ ધરાવતા ઘર મળ મળી રહે છે જે સીઝન શરૂ થવાના ઘણા સમય પહેલા બુક કરાવી લેવા હિતાવહ છે.

યલોસ્ટોન નેશનલ પાર્કમાં ફરવા માટેનો યોગ્ય સમય એપ્રિલથી માંડીને સપ્ટેમ્બર સુધીનો છે. ઉનાળાના બળબળતા દિવસ અને ઉકળતા લાવા કે ફળફળતા ગરમ પાણીના ઝરાના લીધે ગરમીનું પ્રમાણ વધી જતું હોય એવું લાગે એટલે ડીહાઇડ્રેટ ન થવાય એની પુરતી તકેદારી રાખવી જરૂરી છે. પાણી અથવા ઠંડા પીણા સતત પીતા રહેવું જરૂરી છે. માથે ગરમી ન ચઢી જાય એના માટે સ્કાર્ફ અથવા ટોપી પણ એટલી જ જરૂરી છે.

Rajul Kaushik

 

5 thoughts on “સફરની સ્મૃતિના સથવારે -૧૦ (રાજુલ કૌશિક)

 1. આહા! રાજુલબેન, તમારા લખાણ અને વર્ણન માટે કહેવું પડે. યલોસ્ટોન નેશનલ પાર્ક અદભુત જગ્યા છે અને તેનું ગુજરાતીમાં આટલુ સુંદર વર્ણન…very impressive.
  સરયૂ પરીખ

  Liked by 1 person

 2. સુ શ્રી રાજુલ કૌશિક સાથે કુદરતના કરિશ્મા સમો યલોસ્ટોન નેશનલ પાર્કની હરહંમેશ જેમ યાદગાર સફર….
  .
  અદભુત ફોટા

  Liked by 1 person

 3. આભાર સરયુબેન અને પ્રજ્ઞાજી,
  યલોસ્ટોન નેશનલ પાર્ક સાચે જ કુદરતના કરિશ્મા સમો જ છે. કુદરતે આપણને અપાર આપ્યું છે કે જાણવા અને માણવા માટે સમય ઓછો પડે.

  Like

 4. રાજુલાના આપની કલમને ધન્યવાદ કે જેને યલોસ્ટોન પાર્કનો તાદ્દશ ચિતાર નજર સમક્ષ ખડો કરી દીધો. જાતે સફર કર્યાનો અહેસાસ થયા વિના ના રહે એ આપની કલમની જાદુગરી.

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s