ભાષાને શું વળગે ભૂર – ૩૬ (બાબુ સુથાર)


ગુજરાતીમાં પ્રશ્નાર્થવાચક શબ્દો

દરેક ભાષામાં પ્રશ્નો પૂછવાની એક વ્યવસ્થા હોય છે. આ વ્યવસ્થા મૂળભૂત રીતે બે ભાગમાં વહેંચાયેલી હોય છે: (અ) એક પેટાવ્યવસ્થામાં જેમનો જવાબ ‘હા’ કે ‘ના’માં આપી શકાય એવા પ્રશ્નોનો સમાવેશ થતો હોય છે. જેમ કે, (૧) ‘તમે ખાધું?’ અને (૨) ‘મીના આવેલી?’ અને (બ) બીજી પેટાવ્યવસ્થામાં પ્રશ્નાર્થવાચક શબ્દો વાપરીને પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. જેમ કે, (૩) ‘તમે કાલે ક્યાં ગયેલા?’ (૪) ‘તમે આમ કેમ બેઠા છો?’ ભાષાશાસ્ત્રીઓ આમાંના પહેલા પ્રકારના પ્રશ્નોને ‘હા-ના પ્રશ્નો’ અથવા તો polar પ્રશ્નો તરીકે ઓળખાવતા હોય છે જ્યારે બીજા પ્રકારના પ્રશ્નોને content પ્રશ્નો તરીકે ઓળખવતા હોય છે. ચોમ્સકીની જનરેટીવ વ્યાકરણની પરંપરાના ભાષાશાસ્ત્રીઓ આમાંના બીજા પ્રકારની વ્યવસ્થાને Wh-questions તરીકે ઓળખતા હોય છે. આ સંજ્ઞા મૂળે તો અંગ્રેજી ભાષાના content પ્રશ્નોના આધારે ઘડાઈ હતી પણ પાછળથી અંગ્રેજી સિવાયની ભાષાઓ માટે પણ વપરાવા લાગેલી. હજી પણ આ સંજ્ઞા એ રીતે વપરાય છે.

ગુજરાતીમાં હા-ના પ્રશ્નો, આપણે બધાં જાણીએ છીએ એમ વાક્યસૂરની (intonation) સંરચના બદલીને બનાવવામાં આવતા હોય છે. એ માટે અંગ્રેજીમાં છે એવી, શબ્દક્રમ બદલવા જેવી, કોઈ વ્યવસ્થા નથી. જેમ કે, (૫) ‘તમે આવ્યા’ જેવા declarative વાક્યને હા-ના પ્રશ્નમાં ફેરવવા માટે આપણે કેવળ એનો સૂર જ બદલીશું. આ પ્રક્રિયા સપાટી પરથી સાવ સરળ લાગે છે પણ એ એટલી સરળ નથી. ગુજરાતીમાં હજી કોઈએ આનું શાસ્ત્રીય વિશેલેષણ કર્યું નથી. જો કે, આપણા બધા જ વ્યાકરણશાસ્ત્રીઓએ આ હકીકતની નોંધ લીધી છે ખરી.

ગુજરાતીમાં પ્રશ્નાર્થવાચક શબ્દો બનાવવા માટે શબ્દો પણ છે અને પદો પણ છે. એથી આપણે વાપરેલી ‘પ્રશ્નાર્થવાચક શબ્દો’ સંજ્ઞા આમ જુઓ તો બરાબર નથી. પણ, અત્યારે આપણે એ વિવાદમાં નહીં પડીએ. આપણે ‘પ્રશ્નાર્થવાચક શબ્દો’ બન્ને પ્રકારની પરિસ્થિતિ માટે વાપરીશું. ગુજરાતી વ્યાકરણશાસ્ત્રીઓ આ પ્રકારના શબ્દોમાં ‘કોણ’, ‘શું’, ‘ક્યારે’, ‘ક્યાં’, ‘કેમ’ ‘કયું’, ‘કેમ કેમ’, ‘શા માટે’, ‘કઈ રીતે’ વગેરે શબ્દોનો સમાવેશ કર્યો છે. આમાંના ‘શું’ અને ‘કયું’ પ્રશ્નાર્થવાચકો વિકારી છે. અર્થાત્, એમનાં લિંગ અને વચન જરૂરીયાત પ્રમાણે બદલાતાં હોય છે. જેમ કે, (૬) ‘તમે શી વાત કરી?’ (૭) ‘તમે શો જવાબ આપ્યો?’ (૭) ‘તમે કયો રંગ પસંદ કર્યો?’ અને (૮) ‘તમે કઈ કવિતા વાંચશો?’ જો કે, ‘શું’ કોઈને થોડોક ‘માયાવી’ લાગે ખરો. કેમ કે ઘણા લોકો (૮) ‘તમે શું વાત કરી?’ (૯) ‘તમે શું જવાબ આપ્યો’ જેવાં વાક્યો બોલતા હોય છે. એમાં ‘શું’નું વર્તન અવિકારી જેવું હોય છે. બની શકે કે આ એક સમાજભાષાવૈજ્ઞાનિક variable હોય. પ્રત્યક્ષ વિશ્લેષણ કર્યા વગર આ વિશે કંઈ કહી શકાય નહીં.

એટલું જ નહીં, કેટલાક પ્રશ્નવાચક શબ્દો માનવ અને ન-માનવ વચ્ચે ભેદ પાડતા હોય છે. જેમ કે, ‘કોણ’ માનવ માટે વપરાય છે જ્યારે ‘શું’ ન-માનવ માટે. જ્યારે આપણે કોઈને પૂછીએ કે (૧૦) ‘કોણ આવેલું?’ ત્યારે આપણે ‘કોણ’ માણસ માટે વાપરીએ છીએ. ત્યારે સામેનો માણસ (૧૧) ‘ગાય આવેલી’ એમ નહીં કહે. એ જ રીતે, જ્યારે આપણે કોઈને પૂછીએ કે (૧૨) ‘શું આવેલું?’ ત્યારે આપણે (૧૨) ‘ગાય આવેલી’ જેવા જવાબની અપેક્ષા રાખીએ. પણ, ત્યારે આપણે (૧૩) ‘મીતા આવેલી’ જેવા જવાબની અપેક્ષા ન રાખી શકીએ. જો કે, ‘કયું’ પ્રશ્નાર્થવાચક શબ્દ આવા કોઈ ભેદ પાડતો નથી.

પ્રશ્નાર્થવાચક શબ્દો મોટે ભાગે કોઈક નામ, વિશેષણ, ક્રિયાપદ કે ક્રિયાવિશેષણના સ્થાને વપરાતા હોવાથી ભાષાશાસ્ત્રીઓ એમને Pro-form તરીકે ઓળખાવે છે. જેમ કે, (૧૪) ‘કોણ આવ્યું?’ જેવાં વાક્યોમાં નામની જગ્યાએ ‘કોણ’ શબ્દ વપરાયો છે. એથી આ પ્રકારના શબ્દોને પ્રશ્નાર્થવાચક સર્વનામ કહી શકાય. એ જ રીતે, (૧૫) ‘તમે શું લાવ્યા’ અને (૧૬) ‘આ ઘર કોનું છે’ જેવાં વાક્યોમાં આવતા ‘શું’ અને ‘કોનું’ પણ. બરાબર એમ જ, ‘ક્યાં’ સ્થાન માટે, ‘ક્યારે’ સમય માટે, ‘કેમ’ રીત માટે વપરાતા હોવાથી આવા પ્રશ્નાર્થવાચક શબ્દોને pro-adverb (સર્વ-ક્રિયાવિશેષણ?) તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. અલબત્ત, આ શબ્દોની સાચી ઓળખ માટે આપણે જે તે વાક્યો જોવાં પડે.

ગુજરાતીમાં ‘કોણ’, ‘શું’, ‘ક્યારે’, ‘ક્યાં’ અને ‘કેમ’ને જરૂરિયાત પ્રમાણે વિભક્તિના પ્રત્યયો પણ લાગતા હોય છે. જેમ કે, ‘કોણ’ શબ્દ લો. એનાં ‘કોણ’ (કર્તા), ‘કોણે’ (ergative/agentive), ‘કોને’ (કર્મ/સંપ્રદાન/અનુભૂતિવાચક -experiencer), ‘કોનું’ (સંબંધ), ‘કોનાથી’ (સંબંધ અને કરણ), ‘કોનામાં’ (સંબંધ અને અધિકરણ) જેવાં રૂપો મળી આવે છે. એ જ રીતે, ‘શું’નાં ‘શાનું’ (સંબંધ), ‘શાને’, (સંપ્રદાન), ‘શાથી’; (કરણ) ‘શાનાથી’ (સંબંધ અને કરણ), ‘શામાં’ (અધિકરણ) જેવાં રૂપો મળી આવે છે. જો કે, ‘શું’નાં કેટલાંક બીજાં સ્વરૂપો (જેવાં કે, ‘શેમાં’, ‘શેને’ વગેરે) મળી આવે છે. આ સ્વરૂપો બોલીભેદનું પરિણામ હોવાની તમામ શક્યતાઓ છે. આની સામે છેડે ‘ક્યાં’ અને ‘કેમ’ જેવા શબ્દો ખૂબ મર્યાદિત અર્થમાં વિભક્તિના પ્રત્યયો લેતા હોય છે. જેમ કે, ‘કેમ’નું એક જ સ્વરૂપ ‘કેમનું’ (સંબંધ) વપરાતું જોવા મળે છે. એ જ રીતે, ‘ક્યારે’નું પણ ‘ક્યારથી’ (અપાદાન) અને ‘ક્યાં’નું ‘ક્યાંથી’ (અપાદાન) સ્વરૂપો વપરાય છે. આપણે જાણીએ છીએ એમ ‘ક્યારે’ સમય માટે વપરાય છે જ્યારે ‘ક્યાં’ સ્થળ માટે વપરાય છે.

આમાંના ઘણા બધા પ્રશ્નાર્થવાચક શબ્દો વિતરણવાચક (distributive) અર્થ વ્યક્ત કરવા માટે દ્વિરુક્તિના રૂપમાં પણ વપરાતા હોય છે. દાખલા તરીકે, (૧૭) ‘રમાના લગ્નમાં કોણ કોણ આવેલું?’ (૧૮) ‘રમતમાં કોણે કોણે ભાગ લીધેલો?’ (૧૯) ‘કોને કોને ભેટ આપવાની છે?’ (૨૦) ‘કોને કોને તાવ આવે છે?’ (૨૧) ‘તમે શું શું લાવ્યા?’ (૨૨) ‘લોકો ક્યાં ક્યાંથી આવ્યા?’ જો કે, આની સામે ‘કોનાથી’, ‘શાનાથી’ કે ‘ક્યારથી’ જેવા કેટલાક પ્રશ્નાર્થવાચકોને આપણે આ રીતે નથી વાપરતા. કદાચ, (૨૩) ‘કોનું કોનું નામ રમેશ છે?’ અને (૨૪) ‘કોનું કોનું ઘર સુરતમાં આવેલું છે?’ જેવાં વાક્યો કોઈ બોલે તો મને નવાઈ નહીં લાગે.

પણ, (૨૫) ‘તું કેમ કેમ ઘેર આવ્યો?’માં આવતું ‘કેમ કેમ’ પદ કેટલાક પ્રશ્નો ઊભા કરે. આ પદ દ્વિરુક્ત હોવા છતાં એ પદ વિતરણવાચક અર્થ પ્રગટ નથી કરતું. હું માનું છું ત્યાં સુધી ભાષાશાસ્ત્રીઓ માટે આ પ્રશ્નાર્થવાચક શબ્દોની દ્વિરુક્તિ એક મોટો પડકાર બની રહે એમ છે. કેમ કે, એણે સૌ પ્રથમ તો એ નક્કી કરવું પડે કે આ પ્રકારની દ્વિરુક્તિ રૂપતંત્રના એક ભાગ રૂપે શક્ય બને છે કે વાક્યતંત્રના એક ભાગ રૂપે? આ આમ જુઓ તો એક સૈદ્ધાન્તિક પ્રશ્ન છે. પણ એટલું કહેવું પૂરતું નથી. કેમ કે ા પ્રશ્ન ગુજરાતી ભાષા આપણા મગજમાં કઈ રીતે represent થયેલી છે એ પ્રશ્નની સાથે પણ સંકળાયેલો છે.

આવો જ પ્રશ્ન કદાચ આપણે પ્રશ્નાર્થવાચક પદો વિશે પણ પૂછવો પડે. આપણે જોયું કે ગુજરાતીમાં ‘કઈ રીતે’ અને ‘શા માટે’ જેવાં પ્રશ્નાર્થવાચક પદો પણ છે. એમનું વ્યાકરણ કયા પ્રકારનું છે એ આપણે જાણવું પડે.

જ્યારે પણ પ્રશ્નાર્થવાક્યોનું વિશ્લેષણ કરવાનું આવે ત્યારે ભાષાશાસ્ત્રીઓ એક પ્રશ્ન અચૂક પૂછતા હોય છે: આ પ્રકારના શબ્દો વાપરતી વખતે મૂળ વાક્યરચનામાં કોઈ ફેરફારો આવે છે ખરા? દાખલા તરીકે, અંગ્રેજી ‘Where is John?’ જેવાં સાદાં વાક્યો બનાવતા પહેલાં મૂળ વાક્યએ ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હોય છે. આપણે બધા જાણીએ છીએ એમ મૂળ વાક્ય તો ‘John is in X’ છે. એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે આપણે is અને Johnનાં સ્થાન બદલવાં પડ્યાં. એટલું જ નહીં, આપણે Where શબ્દ વાક્યની આગળ લાવવો પડ્યો. વગેરે. પણ, ગુજરાતીમાં આપણે એમ કરવું પડતું નથી. ‘રમેશ ક્યાં છે?’ જેવું વાક્ય બનાવતી વખતે આપણે ‘રમેશ અ-જગ્યાએ છે’ એ વાક્યના ‘અ-જગ્યાએ’ના સ્થળે ‘ક્યાં’ પ્રશ્નાર્થવાચક શબ્દ મૂકી દીધો. અહીં વાત પૂરી થઈ ગઈ.

જગતભરની ભાષાઓમાં વત્તેઓછે અંશે આ બેમાંથી કોઈ એક પ્રક્રિયા જોવા મળતી હોય છે. ગુજરાતીમાં આમાંની બીજા પ્રકારની પ્રક્રિયા કામ કરે છે.

પ્રશ્નાર્થવાચક શબ્દો ક્યારેક મૂળ અર્થમાં નથી વપરાતા. દાખલા તરીકે તમે કોઈકને પૂછો કે (૨૬) ‘આ પાણી ક્યાંથી પડે છે?’ અને સામેની વ્યક્તિ તમને એમ કહે કે (૨૭) ‘કોને ખબર?’ ત્યારે અહીં એ જે જવાબ આપે છે એ પ્રશ્ન નથી. એ જ રીતે, (૨૮) ‘તમે પણ શું બબડ્યા કરો છો ક્યારનાય’ જેવાં વાક્યો પણ પ્રશ્નાર્થ નથી. બરાબર એમ જ, (૨૯) ‘મને પેલું પુસ્તક આપશો જરા?’ પણ પ્રશ્નાર્થ નથી. એમાં વિનંતીનો ભાવ છે. ભાષાશાસ્ત્રમાં Pragmatics નામની એક અલગ શાખા છે. આ શાખા ભાષાને એના ઉપયોગ સાથે જોડે છે. ગુજરાતીમાં હજી આવાં પ્રશ્નાર્થવાક્યોનો કોઈ અભ્યાસ થયો હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી.

અહીં મારો આશય ગુજરાતી પ્રશ્નાર્થવાચક શબ્દો/પદોનાં કેટલાંક લક્ષણોની વાત કરવાનો હતો. એમ કરતી વખતે મેં ગુજરાતીમાં કઈ રીતે પ્રશ્નાર્થ વાક્યો બને છે એની પણ થોડીક વાત કરી. પણ, એ પૂરતી નથી. જેમકે, મેં અહીં હા/ના વાક્યો કયા કયા સંદર્ભમાં વપરાય છે એની વાત નથી કરી. એ જ રીતે, કેટલાંક પ્રશ્નાર્થ વાક્યોને છેડે વપરાતાં લટકણિયાંની વાત પણ નથી કરી. બરાબર એમ જ ગુજરાતી વૃત્તિવાચક (mood) વ્યવસ્થામાં આ પ્રકારનાં વાક્યો કઈ રીતે કામ કરે છે એની વાત પણ નથી કરી. મારો આશય અત્યારે તો આપણા શબ્દોની વ્યાકરણમૂલક વાસ્તવિકતા સમજવા પૂરતો મર્યાદિત છે.

1 thought on “ભાષાને શું વળગે ભૂર – ૩૬ (બાબુ સુથાર)

  1. .
    ‘ગુજરાતીમાં પ્રશ્નાર્થવાચક શબ્દો’ બાબુ સુથાર નો અભ્યાસુ લેખ ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s