દેવીપૂજક બાઈની ચતુરાઈ!
અમદાવાદની પોળમાં શાકભાજીવાળી લીલાં તાજાં શાક લઈને આવી. માલિનીબેને એને પોતાના ઘરના ઓટલા પાસે બોલાવી. ટોપલો ઉતાર્યો અને જરૂરી શાકભાજીની ખરીદી કરી. શાકભાજીને ઘરમાં મૂકવા તથા પૈસા લેવા માટે માલિનીબેન અંદર ગયાં. દરમિયાન શાકભાજીવાળીએ એના સાડલામાં સંતાડેલો એક કાર્ડ કાઢીને તૈયાર રાખ્યો. પૈસા ચૂકવીને ઘરમાં જવા માટે માલિનીબેન પાછા વળતાં જ હતાં ને પેલીએ ટહુકો કર્યો. ‘બેન. મારે તમારું એક કામ છે. તમે તો સારું ભણેલા છો જ્યારે અમે તો સાવ અભણ અને ગમાર. અમારા વાસમાં સારા ઘરના કેટલાક ભાઈબેનો આવ્યા હતા. ખૂબ સારી વાતો કરી અને આ કાર્ડ અમને આપી ગયા. એમાં જે લખેલું છે તે અમારે પાકું કરવાનું છે, પણ અમને વાંચતાં આવડે તો ને! તો તમને મારી તમને એક વિનંતી છે કે તમે મને એ વાંચી સંભળાવો અને એ બોલતાં શીખવો‘.
માલિનીબેને કાર્ડ હાથમાં લીધો. એક નજર કાર્ડ પર મારી અને બીજી નજર શાકવાળી પર! કાર્ડ પર લખ્યું હતું, ‘ત્રિકાળ સંધ્યા‘. મનમાં વિચાર ઝબકી ગયો કે એક વાઘરણના હાથમાં ત્રિકાળ સંધ્યા ક્યાંથી? માલિનીબેને કહ્યું કે ‘આ તો સંસ્કૃતમાં છે.‘ પેલી બોલી, ‘કંઈ નહિ, તમે બોલશો તે મુજબ બોલીને હું શીખી જઈશ!‘
માલિનીબેને એને પહેલો શ્લોક શીખવ્યો. ‘કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી; કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ્‘. શાકવાળી ખૂબ રાજી થઈ ગઈ. માલિનીબેનને પણ બહુ સારું લાગ્યું. માલિનીબેને કહ્યું યે ખરું કે ‘તું શાક વેચવા નીકળી છે કે નિશાળે જવા! તને મોડું નથી થતું?‘ શાકવાળીએ કહ્યું, ‘બેન. અમારાં વળી એવા નસીબ ક્યાંથી કે નિશાળે જઈને ભણીએ? પણ તમે આજે મને જે શીખવ્યું તેનાથી મારા અંતરમાં ઉમળકો જાગ્યો છે ભણવાનો. શાક તો વેચાશે અને કમાણીયે થશે, પણ તમે ભણાવ્યું એવું ભણવાનું ક્યાં મળે?‘ એણે વચન માગ્યું કે ‘તમે મને રોજ શીખવશો? તમે શાકભાજી લો કે ન લો પણ હું તમારી પાસે આ શલોક શીખવા રોજ આવીશ‘. માલિનીબેનને પણ શીખવવાનો ઉમળકો જાગ્યો. એણે હા પાડી.
રોજ આ રીતે શાકભાજી વેચવાની સાથેસાથે એ વાઘરણે ત્રિકાળસંધ્યાના દસ શ્લોકો પણ પાકા કરી લીધા. એક દિવસ તેણે પૂછ્યું, ‘બેન, તમારી મહેરબાનીથી મને બોલતાં તો આવડી ગયું. પણ એનો અર્થ શો થાય તે સમજાતું નથી, તમે એનો અર્થ મને સમજાવશો?‘ માલિનીબેને એને અર્થ પણ સમજાવ્યો. શાકવાળીએ વળી એક પ્રશ્ન કર્યો, ‘બેન, આ બધું બોલવાનું મને ગમવા લાગ્યું છે, રોજ બોલું છું, પણ મને થાય કે આ બધું સારું કહેવાય કે?‘ માલિનીબેને કહ્યું કે, ‘સારું જ કહેવાય અને રોજ બોલવું જ જોઈએ. તને શીખવતાં શીખવતાં આ દસેદસ શ્લોકો મને પણ મોઢે થઈ ગયા છે અને હું પણ રોજ સવારે ઊઠતી વખતે, જમતી વખતે અને રાત્રે સૂતી વખતે આ શ્લોકો બોલતી થઈ છું.‘ શાકવાળી તો સાંભળીને આભી જ થઈ ગઈ! ‘શું વાત કરો છો! તમે પણ ત્રિકાળસંધ્યા રોજ કરો છો?‘ માલિનીબેને હા કહ્યું તે સાંભળીને શાકવાળીની આંખો ભરાઈ આવી. આંખ તો માલિનીબેનની પણ ભીની થઈ હતી! હવે બંને વચ્ચે ફેરિયા અને ઘરાકનો સંબંધ રહ્યો નહોતો. સંબંધમાં નજીકપણું આવ્યું હતું. અપનાપન મહસુસ થતું હતું. ક્યાં એક વૈષ્ણવ ખાનદાનના સુશિક્ષિત માલિનીબેન અને ક્યાં પછાતમાંયે પછાત ગણાય એવી અભણ આ વાઘરણ!
એક દિવસ આ વાઘરણ માલિનીબેન સમક્ષ રડી પડી. એણે કહ્યું કે ‘બેન, અમારી કોમ એટલે વગોવાયેલી કોમ. અમારા પર કોઈ ભરોસો ન કરે. લોકો કહે કે કાગડાનો ભરોસો થાય, પણ વાઘરીનો ભરોસો ન થાય! કાગડો બધાંને છેતરે, પણ કાગડાનેયે છેતરી જાય એવી મહા લાંટ એવી અમારી વાઘરી કોમ! અમારા વાસમાં કોઈ દિવસ કોઈ ઉજળિયાત લોકોના પગલાં નહિ થાય. અમારા લોકો દારૂ પીએ, ગાળગલોચ વગર વાતો જ ન કરી શકે, જાહેર વચ્ચે નાગું ઉઘાડું બોલતાં જરાયે ન શરમાય. વાતવાતમાં ઝગડી પડે, ગંદા તો એટલા કે જ્યાં ઊભા હોય કે બેઠાં હોય ત્યાં વારંવાર થુંકાથુંક કરે! પછી કોણ અમારી પાસે ફરકે?‘ એણે એની આંખો લૂંછી.
‘… પણ એક દિવસ અમારાં ભાગ્ય ફરી ગયાં.‘ એણે વાત આગળ ચલાવી. ‘ભગવાનના મોકલેલા દૂત જેવા લોકો અમારા વાસમાં આવ્યા. અમારી વચ્ચે બેઠા. માંગીને અમારા ઘરનું પાણી પીધું. અમારાં નામ પૂછ્યાં, અમારાં કામ પૂછ્યાં, અમારી ખબર પૂછી અને અમારી વચ્ચે બેસીને ટિફિન ખોલીને સૌ જમવા બેઠા. અમને અને અમારાં બાળકોને પણ સાથે બેસવાનો આગ્રહ કર્યો, પણ તમે જ કહો બેન, અમે એમની સાથે કઈ લાયકાતથી બેસી શકીએ? તેઓ જમતી વખતે શ્લોક બોલ્યા. જમ્યા પછી પોતાના ડબ્બા જાતે માંજ્યા અને ધોયા. અમારી વચ્ચે સૂગ રાખ્યા વગર તેઓ બેઠા અને ખૂબ વિચારવા જેવી વાતો કરી. તેઓ અમને કાર્ડ આપી ગયા અને કહેતા ગયા કે આમાં લખેલા શ્લોકો રોજ બોલવા જોઈએ. એ કાર્ડ પરના શ્લોકો તમે મને બોલતા શીખવ્યા તેથી મને અત્યંત આનંદ થયો. જાતે શીખતાં શીખતાં, મારા વાસની કેટલીયે બહેનોને મેં પણ શ્લોકો બોલતી કરી.‘
માલિનીબેનને રસ પડ્યો, ‘કોણ હતા એ લોકો?‘ શાકવાળીએ કહ્યું, ‘એ લોકો કહેતા હતા કે તેઓ સ્વાધ્યાયીઓ છે. તેમના દાદા પાંડુરંગ આઠવલેજીની પ્રેરણાથી તેઓ અમારે ત્યાં આવતા હતા. એમના દાદાએ શીખવ્યું છે કે દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે અને સૌનું જીવન તે ચલાવે છે. એમની સમજ પ્રમાણે કોઈ ઉચ્ચ નથી ને કોઈ નીચ નથી. કહેતા હતા કે આપણે એક જ પરમ પિતાના બાળકો છીએ. આપણી વચ્ચે લોહીનો નહિ પણ લોહી બનાવનારનો સંબંધ છે. અમને આ બધું નવાઈભરેલું લાગતું હતું. કોઈ અમારી પાસે ફરકતું નહોતું, કોઈ અમને ઈજ્જત આપતું નહોતું. માણસનું અપમાન કરવા માટે સૌથી હલકટમાં હલકટ શબ્દ બોલાતો હોય તો તે વાઘરી! અમે અપમાનિત થઈને જીવતા હતા. પણ આ લોકોએ અમારું ગૌરવ કર્યું. અમારામાં સ્વમાન જાગૃત કર્યું. માલિનીબેને પૂછ્યું, ‘એ કેવી રીતે?‘ શાકવાળીએ કહ્યું કે ‘બેન, જેના ખોળિયામાં ભગવાન જાતે આવીને બેઠા હોય તે પતિત કે હલકો કઈ રીતે હોઈ શકે? આ લોકોએ તો અમારામાં રહેલી પતિતપણાની ભાવના જ કાઢી નાંખી. એમણે સમજાવ્યું કે અમારા પૂજ્ય દાદાએ અમને વાઘરીની નવી વ્યાખ્યા સમજાવી છે. વાઘરી એટલે ‘વા‘સુદેવ ‘ઘ‘નશ્યામને ‘રી‘ઝવનાર!‘ માલિનીબેન પણ આ વ્યાખ્યા સાંભળીને અચંબિત થઈ ગયાં.
વાસુદેવ ભગવાન ક્યારે રીઝે? એમને ગમતું જીવન જીવીએ ત્યારે. એટલે સૌ પ્રથમ તો પોતાનું હીનપણું કાઢી નાંખવું. આત્મગૌરવથી જીવવું. બ્રહ્માંડનું સર્જન કરનારી શક્તિ ખુદ મારામાં આવીને બેઠી છે એવી સમજણ હોવી એ કંઈ ઓછા ગૌરવની વાત થોડી છે? પણ એમ કરતાં ઘમંડ આવી જવાની પણ શક્યતા છે. બીજું પગલું એ છે કે જે પ્રભુ મારામાં બીરાજમાન છે તે જ બીજામાં પણ બીરાજમાન છે; એનો અર્થ એ થયો કે એ પણ મારા જેટલો જ ગૌરવશાળી છે. બીજાનું અપમાન કરીએ ત્યારે એની અંદર બીરાજમાન ભગવાન આપણા પર નારાજ થાય છે. આત્મગૌરવ અને પરગૌરવ એટલું જ નહિ, પણ પરસ્પરનો દૈવી ભ્રાતૃભાવ નિર્માણ કરનારી આ ત્રિકાળ સંધ્યા તો સમાજના બધા જ ભેદભાવો દૂર કરનારી છે. એ સમજણનો વ્યાપ તો વધવો જ જોઈએ. દાદા કહે છે કે વિશ્વના તમામ કોયડા ઉકેલવાનું સામર્થ્ય આ ત્રિકાળસંધ્યામાં છે. વીસ ફૂટ દૂર સુધી પ્રકાશ ફેંકનારી ટોર્ચથી દસ માઈલ અંધારામાં રસ્તો ખોળીને ચાલી શકાય છે. જેમ આગળ ચાલતા જઈએ તેમ પ્રકાશ પણ વીસ ફૂટ દૂરનો રસ્તો બતાવતો જ રહે! દસ શ્લોકની ત્રિકાળ સંધ્યામાંથી પણ માર્ગદર્શન કરતા અર્થો અવિરત નીકળતા જ રહે છે.
ભગવાન આપણામાં છે એ સમજ આવે તો કોઈને ક્લેશ થાય એવી કટુવાણી બોલી ન શકાય, કોઈની જોડે બેઈમાની કરી ન શકાય. કોઈનો તિરસ્કાર ન કરાય. અસ્વચ્છ રહી ન શકાય. નકારાત્મક વિચારો કાઢી નાખવા પડે. નિસ્તેજ થઈને જીવીએ તે આપણા ભગવાનને ન ગમે. કોઈએ કરેલો ઉપકાર અને કોઈએ કરેલો પ્રેમ ભૂલી ન શકાય. જો એમ કરીએ તો કૃતઘ્નતાનું પાપ લાગે.
માલિનીબેન તો વિચારમાં ખોવાઈ ગયાં. એક અભણ અને અસંસ્કારી ગણાતી કોમની આ શાકવાળીએ તો એમના મગજમાં વિચારોનું જાણે તોફાન સર્જી દીધું. આ શાકવાળી તો ખરેખર ચાલાક નીકળી. ગુરુ નીકળી. શ્લોક શીખવાને બહાને માલિનીબેનને શ્લોકો શીખવી ગઈ! એની ટેકનિક અદભૂત કહેવાય. આવી રીતે છેતરાવાનું તો સૌ કોઈને ગમે!
આ વાત અમદાવાદ શહેરની છે. સન ૧૯૮૮ની સાલની વાત છે. લગભગ એક લાખ વાઘરી લોકોનું વયસ્થ સંચાલન થયું. તેમના મુખમાંથી સાચા અર્થમાં સરસ્વતી વહેતી થઈ. ત્રિકાળ સંધ્યાના માત્ર દસ શ્લોકો જ નહિ, પણ સવાર સાંજની વૈદિક પ્રાર્થના અને ગીતાનો પંદરમો અધ્યાય તથા નારાયણ ઉપનિષદ પણ કંઠસ્થ કર્યું. સમાજનો શિક્ષિત અને ઊજળિયાત ગણાતો સમાજ પછાત ગણાતા સમાજ સાથે ભક્તિની બેઠક પર સાથે ઊઠતો બેસતો થયો તેનું હકારાત્મક પરિણામ તે આ લોકોમાં આવેલી જાગૃતિ, તેમનામાં થયેલો સમજણનો સૂર્યોદય. આ સમજણ આવ્યા પછી એમની જડ રૂઢિઓમાં ઘણા ક્રાંતિકારી ફેરફારો થયા. અનેક ભાવપ્રસંગો નોંધાયા. સદીઓથી તિરસ્કૃત જીવન જીવતી પ્રજાને કોઈ આત્મીયતાથી ચાહે, એનું કલ્યાણ ઈચ્છે, એમનામાં રહેલી છૂપી શક્તિ અને સત્વને જગાડીને એમને ગૌરવાન્વિત કરે ત્યારે એ પ્રેરક મહાપુરુષ પ્રત્યે એમનો અહોભાવ કેટલો હોય તે સમજી શકાય તેમ છે.
આ પ્રેરકપ્રસંગમાં હાજરી આપવાનું થયું. એક કાર્યકર્તાએ વાઘરીઓમાં આવેલા પરિવર્તનની વાત કરતાં વિવેકભંગ કર્યો. એણે કહ્યું કે હવે વાઘરી એ જુનો વાઘરી રહ્યો નથી. વાણિયા- બ્રાહ્મણના ઘરે જઈને ઉંચા મસ્તકે તેમને પડકાર કરતો થયો છે, ‘બાપજી! ગીતાનો પંદરમો અધ્યાય તમે બોલો કે હું બોલું?‘ એટલો એ સુધરી ગયો છે. અમારા જેવા દર્શનાર્થી શ્રોતાઓને આ પડકાર આપવાની વાત ખૂંચી. પાંડુરંગ દાદાએ તેમના પ્રવચનમાં આ વાતને રદિયો આપ્યો કે ‘તમને જેમના પ્રત્યે રોષ છે તે જ કોમનો હું પણ છું! સમજણ આવે તે સારી વાત છે પણ વિવેક ચૂકાવો ન જોઈએ. જે બોલો તે નમ્રતાથી બોલો; ઘમંડથી ન બોલો. કોઈને ચેલેન્જ ના કરો. કોઈને ઉતારી પાડીને વાત ના કરો. કારણ કે દરેકના હૃદયમાં રામ આવીને બેઠો છે. તેને દુ:ખ થાય એવાં વાણી વર્તન પર કાબુ રાખો‘ અમને સૌને હાશ થઈ. એક ધાર્મિક – સામાજિક નેતાએ સમયસૂચકતા દાખવીને સંભવિત દોષને ઊગતો જ ડામવા માટે જે સૂચના આપી તે પ્રત્યક્ષ જોયા પછી મનોમન તેમને પ્રણામ થઈ ગયા, લોટ, નોટ કે વોટ માંગવા માટે અથવા બુદ્ધિહીન સમજીને બોધ આપવા આવનારા લોકોથી જુદા પડીને ભાઈ તરીકે અપનાવવા માટે, માણસમાં રહેલા રામનું દર્શન કરવાનો અભ્યાસ કરનારા વર્ગ પ્રત્યે આકર્ષણ થયું.
દાદા પાંડુરંગ આઠવલેજીની વાત ફરી માણી આનંદ થયો.
ટીફીન, ટીકીટ અને ટાઈમ 3Tના આગ્રહી સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂ. દાદા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના ૧૦૦માં જન્મદિન “મનુષ્ય ગૌરવ દિન”સંજોગવશત હાજર ન રહેવાતા દૂરથી ભાવ વંદના.
ગીતા પ્રવચનો અને સ્વાધ્યાય દ્વારા માનવીને સંસ્કારી બનાવી મનુષ્ય ગૌરવ અપાવવા પૂ. દાદાએ શ્રમ, પ્રકૃતિ અને આધ્યાત્મીક્તાને સાથે જોડી ભક્તિ ફેરી, વૃક્ષ મંદિરો, યુવા પ્રવૃત્તિ, સાગર ખેડૂ સહીત સમાજના વિવિધ વર્ગો અને છેવાડાના માનવીને આત્મ ગૌરવથી જીવન જીવવા અનેક રચનાત્મક પ્રયોગો અજમાવ્યા. સમાજસેવામાટે સ્વખર્ચે એટલેકે ‘ટીકીટ ‘ લઈને, સ્વભોજન એટલે ‘ટીફીન’ સાથે રાખી ‘ટાઈમ’ યાને વ્યક્તિગત સમય ફાળવીને સ્વાધ્યાય પ્રવૃત્તિમાં ઓતપ્રોત કર્યા.
પૂ. પાંડુરંગ દાદાના દૈવી કાર્યને પૂ. જયશ્રી દીદીના માર્ગદર્શન હેઠળ લાખો પરિવારો દેશભરમાં સ્વાધ્યાય પ્રવૃત્તિનો વ્યાપ વધારી હિન્દુ સંસ્કૃતિ પુનઃ વિશ્વ વંદનીય બનાવવાના યજ્ઞકાર્યમાં સક્રિય યોગદાન આપી રહ્યા છે. પૂ. દાદાની દિવ્ય ચેતનાને કોટી કોટી વંદન સહ સૌને જય યોગેશ્વર !
–
LikeLike