સફરની સ્મૃતિના સથવારે -૯ (રાજુલ કૌશિક)


આર્ચીસ નેશનલ પાર્ક : જ્યાં પત્થરો બોલે છે.(યુ.એસ.એ)

ઇશ્વર જેવો અદ્ભત કલાકાર કે શિલ્પી અન્ય કોઇ હોઇ શકે? એ ક્યાંક આકાશમાં તો ક્યાંક અવની પર કુદરતી રંગોના લસરકાથી અજબ જેવી રંગછટા સર્જી દે તો ક્યાંક શિલ્પી બનીને વહેતી હવા કે પવનનું વણ દેખ્યું ટાંકણુ લઈને અદ્ભૂત શિલ્પનું સર્જન કરી દે કંઇ કહેવાય નહીં. આવા એક નહીં અનેક શિલ્પોની નગરી વચ્ચે અમે ઉભા હતા અને કુદરતે કંડારેલા એક પછી એક શિલ્પ જોઇને આભા બની રહ્યા હતા.

 

આજે અહીં વાત કરવી છે પૂર્વીય યુટાહના આર્ચીસ નેશનલ પાર્ક અને યુટાહની દક્ષિણ-પશ્ચિમે આવેલા બ્રાયસ નેશનલ પાર્કની.

 

કોલોરાડો નદીની નજીક મોઆબની ચાર માઇલ ઉત્તરે આવેલા યુટાહના પૂર્વીય ખૂણે ફેલાયેલા આર્ચીસ પાર્કની ખૂબી જોઇને દંગ રહી જવાય . માત્ર સેન્ડ સ્ટોન એટલે કે ભુકરિયા પથ્થર અને રેતીથી રચાયેલી વિશ્વમાં સૌથી વધારે સંખ્યામાં અને અત્યંત આકર્ષક દેખાતી કમાનોથી શોભી રહેલો આ આર્ચીસ પાર્ક કોલોરાડોના પથરીલા પહાડ પરની સપાટ જમીન પર કુદરતી કરામતનો કમાલનો નમૂનો છે.

 

અહીંનો ઇતિહાસ કહે છે કે આશરે દસ હજાર વર્ષ પહેલા હિમયુગના સમયકાળથી માનવ વસાહતે આ વિસ્તાર પર કબજો જમાવ્યો હશે. સ્પેનિશ મિશનરીથી માંડીને યુરોપિયન-અમેરિકનો પણ અહીં આવ્યા અને ગયા પરંતુ આર્ચીસ પાર્કની સુંદરતા આજે પણ અહીં યથાવત છે. એક બાબતની અમેરિકનોને દાદ આપવી રહે કે અહીં કુદરતે જ્યાં જેટલી સુંદરતા પાથરી છે એનું જતન તો કર્યું જ છે. ક્યાંય કોઇ દૂષણ કે પ્રદૂષણથી એને ખરડી તો નથી જ. અહીં આવતા અનેક પ્રવાસીઓને જોયા , કારોના કાફલા જોયા પરંતુ તેમ છતાં અહીં ક્યાંય કોલાહલ નથી અને એટલે જ જુલાઇ મહીનાના ધોમ ધખતા દિવસોમાં ય આ આર્ચની નીચે ઉભા રહીને ઉકળાટનો અનુભવ થવાના બદલે એક અજબ જેવી શાતા મળી.

૭૬.૬૭૯ એકરમાં પથરાયેલા આ નેશનલ પાર્કની નીચેની ભૂમિ કરોડો વર્ષો પહેલા સમુદ્રમાંથી બાષ્પીભવન થયેલા મીઠાના હજારો ફુટની જાડાઇની બનેલી છે જેના લીધે આ ખડકાળ બાંધણીની શક્યતા હોઇ શકે. આર્ચીસ પાર્ક પર પહોંચીને કલ્પના પણ ન આવે કે કરોડો વર્ષો પહેલા જમીનની નીચેની ઉથલ-પાથલમાંથી ઉદ્ભવેલું સ્થાન આ છે.

ક્યાંક કોઇ જગ્યાએ ખડકોનું વચ્ચેથી ધોવાણ અને કોતરણ થતું ગયું. હવા-પવનની રૂખ એને એક એક અલગ ઘાટ આપતી ગઈ. આછા નારંગી- ઘાટા ગુલાબી અને આછા પીળા રંગનું અનોખુ મિશ્રણ ધરાવતા ભુકરિયા પથ્થરના આખે આખા ખડકો ધીમે-ધીમે ઘસારો પામીને કોરાતા ગયા. આ કોતરણમાંથી ઉભી થઈ આકર્ષક આર્ચ- કમાન. કુદરતે જાણે એની જ રચેલી દુનિયામાં પ્રવેશવાનું દ્વાર ખોલ્યું ના હોય ! એ મોટી મસ ગોળાકાર કમાનની પેલે પાર ખડકાળ પથ્થરોથી દૂર નજર પહોંચે ત્યાં સુધી આગળ દેખાતી જમીન અને એની પર ઝળૂંબતું આકાશ.

કોઇ જગ્યાએ ગુફામાં પ્રવેશવા માટે રસ્તો કોર્યો હોય તો ક્યાંક કોઇ ગઢની અંદર પ્રવેશવા માટે બે સ્તંભ ઉપર જાળવીને કમાન ગોઠવી દીધી હોય એવું લાગે. આગળ જતાં ઉભા પથ્થર પર ગોઠવાયેલા અને પોતાનું બેલેન્સ જાળવતા ગોળમટોળ પથ્થરને જોઇને માથે પાણીનું બેડું સંભાળીને ચાલતી પનિહારીની છબી મન સામે ઉભી થાય તો ક્યાંક કોઇ જગ્યાએ નિંરાતવા વાતોએ વળગ્યા હોય એવા ત્રણ ઉભા ખડકોને જોઇએ તો એમ લાગે કે પથ્થરો પણ બોલતા જ હશે ? અને ત્યારે એને આપેલું “ ધ થ્રી ગોસિપ્સ” નામ પણ યથાર્થ લાગે.

આગળ વધતાં એક ખુબ મોટા ખડક પર કતારબંધ ઉભેલા હાથીઓ જેવી ઇમેજ જોઇને લાગે કે કોઇ રાજા-મહારાજાની સવારી નિકળવાની તૈયારી છે.

અમદાવાદના રહેવાસીઓ ત્રણ દરવાજા અને દિલ્હી દરવાજા પાસેથી ય પસાર થયા હશે અને મુંબઈ ગેટ વૅ ઓફ ઇન્ડીયા પણ જોયો હશે. આર્ચીસમાં આવા મોટા ખડકમાંથી કોતરાયેલા બોગદા આપણને આવા કોઇ દરવાજાની યાદ અપાવે તો નવાઇ નહીં. ક્યાંક પાણીમાંથી નિકળીને ડોલ્ફીન સામસામે એકબીજાના મુખને ચુમી ભરી લેતી હોય તો ક્યાંક જમીનમાંથી ફુટીને પંજા લડાવતા હોય એવા ઘાટના ખડકો જોઇને તો એવું લાગે કે જ્યાં નજર કરીએ ત્યાં એક નવા આકારથી આપણી કલ્પનાને છૂટ્ટો દોર મળ્યો. જેટલી આર્ચ એટલા એટલા કલ્પનાના ઘાટ.

 

 

અદ્ભૂત અને અનોખો બ્રાયસ નેશનલ પાર્ક ( યુ.એસ.એ)

 

 

 

 

 

 

 

યુનાઇટેડ સ્ટેટ્સમાં યુટાહના દક્ષિણ-પશ્ચિમે આવેલ બ્રાયસ નેશનલ પાર્ક કુદરતનો કમાલનો કરિશ્મા છે જેને જોઇને તો સાચે જ આફરીન થઈ જવાય. એ દિવસે સવારથી શરૂ થયેલી બ્રાયસ નેશનલ પાર્કની મુલાકાત તો જીવનભરનું સંભારણું બની જશે એવી કલ્પના ય ક્યાં હતી !

સૌથી પ્રથમ વ્યુ પોઇંટ પર પહોંચીને જે અદ્ભૂત દ્રશ્ય નજરે પડ્યુ છે તે આજે પણ આંખ સામે યથાવત છે.

“ધ ઇન્સ્પીરેશન પોઇન્ટ.”

 

 

 

 

 

સવારના પ્રકાશમય થતા સૂર્યના કુણા તડકાના કિરણોને ઝીલીને લાલ- નારંગી અને સફેદ રંગના મિશ્રણના બ્રાયસના આ ખડકો અત્યંત મનોરમ્ય અને અદ્ભૂત લાગતા હતા . ઊંચાણવાળા વ્યુ પોઇંટથી દૂર નજર પહોંચે ત્યાં સુધી વિસ્તરેલા આ ખડકો જાણે કોઇ મંદિરમાં શિલ્પીએ અત્યંત ચીવટ-ઝીણવટ અને ખૂબીથી કોતરેલા સેંકડો સ્તંભ જેવા લાગતા હતા. દક્ષિણ ભારતના મીનાક્ષી મંદિર જેવા અનેક મંદિરની કોતરણી અથવા તો દેલવાડા કે રાણકપુરના બારીકાઇથી કોતરેલા સ્તંભની યાદ આપાવે એવા અસંખ્ય કીર્તિસ્તંભની જાણે આખે-આખી નગરી નજર સામે ફેલાયેલી હતી.

ઉગતા સૂર્યની સુરખી આ ખડકો પર પ્રસરેલી હતી અને એનાથી જ એ એટલા તો દેદીપ્યમાન લાગતા હતા કે જાણે ચારેકોર એનાથી જ લાલિમા છે. અને એનું નામ પણ કેટલું સૂચક ? “ધ ઇન્સ્પીરેશન પોઇન્ટ.” સાચે જ સવારના શાંત વાતાવરણમાં જો ત્યાં થોડો સમય પસાર કરીએ તો દૈવી પ્રેરણા પ્રાપ્તીની અત્યંત નજીક પહોંચી જવાય.

બ્રાયસ નેશનલ પાર્ક અન્ય પાર્ક કરતાં સાવ અલગ તરી આવે છે અને એની આ લાક્ષણિકતાનું કારણ છે એનું ભૌગોલિક બંધારણ. નદી કે સરોવરના ધોવાણ અને હવાપાણીની અસરના લીધે બંધાયેલા જળકૃત અને કાંપાળ ખડકો સમય જતા અલગ અલગ ઘાટ પકડતા ગયા અને એમાંથી રચના થઈ આ અદ્ભૂત બ્રાયસ નેશનલ પાર્કની. અત્યારે પણ અહીંનું તાપમાન સામાન્ય રીતે આત્યાંતિક છેડાનું રહેતું હોય છે. અહીં લઘુત્તમ તાપમાન માઇનસ ૧૩ ડીગ્રી થી માંડીને માઇનસ ૩૦ ડીગ્રી સેલ્શિયસ અને મહત્તમ ૩૭ ડીગ્રી સેલ્શિયસ જોવા મળે છે જે અહીં રેકોર્ડબ્રેક ગણાય છે. વરસાદ પણ અહીં સરેરાશ ૧૫ થી ૧૮ ઇંચ સુધી પડતો હોય છે.

કહે છે કે સૌ પ્રથમ ૧૮૭૨માં યુ.એસ. આર્મીના મેજર જ્હોન વેસ્લી પોવેલની આગેવાની હેઠળ અહીં સૌ પ્રથમ વૈજ્ઞાનિક તેમજ ભૂસ્તરશાસ્ત્રીય દ્રષ્ટીકોણથી સંશોધન કરવામાં આવ્યું હતું અને ૧૮મી સદીના અંતે અને ૧૯મી સદીના શરૂઆતના સમયે સૌ પ્રથમ યુરોપિયન અમેરિકન થકી સામાન્ય જનની પહોંચ બહારના આ સ્થળ વિશે જનતાને જાણકારી પ્રાપ્ત થઈ જેમાં સ્કોટલેન્ડના વતની ઇબેનેઝર બ્રાયસ અને તેમના પત્ની મેરીના નામ પરથી આ સ્થળ બ્રાયસ કેન્યન તરીકે જાણીતું થયું હોવાની માન્યતા છે. ઇતિહાસ કે ભૂગોળ કરતાં ય વધુ રસપ્રદ છે અહીંની કુદરતની કરામત.

કુદરતના કરિશ્મા જેવા આ બ્રાયસ નેશનલ પાર્કમાં સવારથી બપોર સુધીનો સમય પસાર કર્યો એમાં સૂર્યની ગતિ પ્રમાણે આ ખડકો પર ઝીલાતો તડકો અને એ જ ખડકોના રેલાતા પડછાયાથી જે નજર સામે દ્રશ્ય સર્જાતું હતું એ ય અવર્ણનિય હતું. હાથમાં પકડેલા કેલિડોસ્કોપને ધીમે ધીમે ફેરવતા જઇએ અને આંખ સામે જેમ રંગ મિશ્રિત અવનવા આકાર અને રૂપરેખાઓ બદલાતી જાય એમ અહીં કોઇ ગેબી કેલિડોસ્કોપથી નજર સામે અવનવા આકારો ઉભા થતા હતા.

ક્યાંક જાણે શતરંજની બાજી ગોઠવવાની હોય એવા અદબથી ઉભેલા ખડકો હતા. કોઇ રાજાની મુદ્રામાં તો કોઇ વળી વજીર, હાથી, ઘોડા તો ક્યાંક ઊંટ અને પ્યાદાની ય હાજરી દેખાતી હતી. કોઇ જગ્યાએ રાજ દરબાર ભરાવાનો હોય અને દરબારીઓ માટે માફકસરના અંતરે કોતરેલા આસનો ગોઠવ્યા હોય એવી શાન છલકતી હતી તો વળી કોઇને આ અર્ધ ગોળાકારે ફેલાયેલા ખડકો એમ્ફીથીયેટરની યાદ અપાવતા હતા.

‘રેઇન ડિવાઇડ પોંઇન્ટ’ પર જઇને ઉભા રહો તો એમ લાગે કે હવાના તોફાન કે વાવાઝોડાએ અવિરત વહેતા પાણીને ઝીલવા માટે આ ખડકને નાળચા જેવી દેખાતી ઊંડી કરાળ જેવા ભાગ વહેંચી દીધો છે .દૂર ઉભા રહીને પણ એનું ઊંડાણ અનુભવી શકાય.

 

‘ફેરવ્યૂ પોંઇન્ટ’ એટલે બે ખડકને જોડતો કુદરતી સેતુ જેની નીચે આરપાર દૂર દેખાતું દ્રશ્ય ખરેખર સુંદર લાગતું હતું. એ પછી આવ્યો.

નેચરલ બ્રિજ’ નામે ઓળખાતો પોંઇન્ટ .

 

 

 

 

 

 

 

જોઇને જ સૌ પ્રથમ વિચાર આવે કે કેટલી સુઘડતાથી પરિકર લઈને બરાબર ગોળાકારમાં આ ખડકને કોતરીને બોગદું બનાવ્યું હશે? અને આ પણ સાવ સીધુ સાદુ નહીં કોઇપણ દિશાએથી જુવો એની પરનો ઘસારો પણ કોતરકામ કારીગીરીના સુંદર નમૂનાથી જરાય ઉતરતો ના લાગે. ઉપર બ્રિજ અને નીચે કોતરાયેલા ગોળાકાર બોગદાને જોઇને લાગે કે ઉપરથી પસાર થતી ટ્રેઇનની નીચે વાહનવ્યહવાર માટે રસ્તો કરવાનો વિચાર આવા જ નેચરલ બ્રિજને જોઇને આવ્યો હશે. બ્રાયસ નેશનલ પાર્કના કોઇપણ પોંઇન્ટની સુંદરતા માટે તો શબ્દો ઓછા જ પડે.

‘અગુઆ કેન્યન’ પર જઈએ તો અહીં રાજા મહારાજાના આખે આખા ગઢના જુદા જુદા અવશેષો નજર સામે તરી આવે. ચોગમ લાલ કોટની કિલ્લેબંધી વચ્ચે આ શાંત સૂના રજવાડાની ચોકી કરતો કોઇ એકલ દોકલ સંત્રી જેવો ખડક ઉભેલો દેખાય. તો ક્યાંક કોઇ ઊંટ વિખૂટુ પડીને એના માલિકની રાહ જોતું દેખાય. દૂર નજરે પડે ખડકમાં કોતરાયેલા ગુફા જેવા પોલાણ. જાણે દુશ્મન રાજાની ચઢાઈ સામે છટકી જવા માટે કોઇ ખુફિયા માર્ગ ના તૈયાર કર્યો હોય. તો ક્યાંક ખડક પર રેતીના લાલ-લીલા અને ગુલાબી લસરકા જોયા. એના થોડે આગળ જઇએ તો આખી નગરી નજરે પડે. લીલીછમ વનરાજીની વચ્ચે સફેદ અને આછા ગુલાબી રંગના ચૂનાના પથ્થરોથી રચાયેલી માયા નગરી ખરેખર અહીં કોઇ સમયે તો વસેલી જ હશે એવો ભાસ થાય.

‘સ્ટેર વૅ ટુ ક્લાઉડ’. ‘ બ્લેક બ્રિચ કેન્યન’ …કેટલા પોંઇન્ટ ! જેટલા પોંઇન્ટ એટલા અવનવા દ્રશ્ય. ઊંચા ખડકોની વચ્ચે ઘસારાથી ઉત્પન્ન થયેલા ગુફા જેવા ઘાટ જોઇને એમ લાગે કે ક્યારેક ઋષિ-મુનીઓ અહીં પણ તપસ્યા કરવા આવીને વસી ગયા હશે.

‘ રેઇનબો પોઇન્ટ”. .સપ્ત રંગી મેઘધનુષ તો જોયું પરંતુ પથ્થરોની સપ્તરંગી દુનિયા ય હોઇ શકે એ તો બ્રાયસ નેશનલ પાર્કના રેઇનબો પોઇંટ પર જઇને ના જોયું હોય તો કલ્પના પણ ન કરીએ. દૂર દેખાતા આસમાની રંગમાં ભળી જતો લીલોતરીનો લીલોછમ રંગ અને સૂર્યના પ્રકાશની આભા ઝીલતા આછા લાલ પીળા અને કેસરી રંગના પથ્થરો અને એની ખાંચમાં ન પહોંચતા પ્રકાશના લીધે ઓછપાયેલો નીલો રંગ. એકમેકમાં ભળીને ઇન્દ્રધનુષી રંગ પકડતા હતા.

 

એક એક પોંઇન્ટ પર કંઇક નવલા રૂપ ધારણ કરીને શાનથી ઉભેલા ખડકો એટલા તો બોલકા લાગતા હતા કે કુદરતની આ કમાલ માટે દિલથી આફરીન પોકારી જવાય.

બ્રાયસ નેશનલ પાર્કના વિઝિટર સેન્ટર પર પહોંચો એટલે તમને સંપૂર્ણ માર્ગદર્શિકા મળી રહે. જો અહીં ફરવા માટે પોતાના અંગત વાહનનો ઉપયોગ ન કરવો હોય તો શટલની સગવડ છે જ. હોપ એન્ડ હોપના નામે ઓળખાતી શટલ દરેક પોંઇન્ટ પર તમને ઉતારે. તમારે જેટલો સમય ત્યાં ગાળવો હોય એટલો સમય તમે ત્યાં રોકાઇ શકો. પાછળ આવતી કોઇપણ શટલમાં ફરી આગળ જઈ શકાય છે.

આર્ચી નેશનલ પાર્ક અને બ્રાયસ નેશનલ પાર્કમાં ફરવા માટેનો ઉત્તમ સમય છે મે થી સપ્ટેમ્બર. જો કે આ સમય દરમ્યાન અહીં સખત ગરમી તો હોવાની જ એટલે માથે કેપ કે સ્કાર્ફ અને પાણી અથવા કોઇપણ પીણા સાથે રાખવા અત્યંત જરૂરી છે. કોઇપણ નેશનલ પાર્કમાં ખાવાની કોઇ સગવડ નથી એટલે સાથે ખાદ્ય સામગ્રી પણ રાખવી એટલી જ જરૂરી છે.

 

4 thoughts on “સફરની સ્મૃતિના સથવારે -૯ (રાજુલ કૌશિક)

  1. હંમેશ જેમ આજે સુ શ્રી રાજુલ કૌશિક સાથે સફરનો આનંદ માણ્યો.
    આર્ચીસ નેશનલ પાર્ક : જ્યાં પત્થરો બોલે છે…તેમા “ ધ થ્રી ગોસિપ્સ” ના અદભુત ફોટાની પ્રીંટ કાઢી બ્રાયસ નેશનલ પાર્કમા ધ ઇન્સ્પીરેશન પોઇન્ટ…સાચે જ દૈવી પ્રેરણા પ્રાપ્તીની અત્યંત નજીક પહોંચી જવાય ! રેઇન ડિવાઇડ પોંઇન્ટ ,ફેરવ્યૂ પોંઇન્ટ , નેચરલ બ્રિજ ,અગુઆ કેન્યન સ્ટેર વૅ ટુ ક્લાઉડ. બ્લેક બ્રિચ કેન્યન ,રેઇનબો પોઇન્ટના અવનવા દ્રશ્ય અંગે આપનો આસ્વાદ અને ફોટાઓથી લેખ માણવાની વધુ મઝા આવી ધન્યવાદ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s