દેવિકાની દૃષ્ટિયે – ૧૦ (દેવિકા ધ્રુવ)


દેવિકા ધ્રુવનો એક કાવ્યપ્રયોગ- જુગલકિશોર વ્યાસ

હૂંફાવી ગયું કોઇ.

પાંપણ વચાળે પુરાતી પ્રેમથી, નિંદરને કાલે,

નસાડી ગયું કોઇ.

ગુમાની મનડાને ઝીણા–શા જવરથી,ધીરેથી કાલે,

હૂંફાવી ગયું કોઇ.

વિચારના આગળાને માર્યાં’તા તાળાં, સાંકળ રુદિયાની,

ખોલાવી ગયું કોઇ.

ટશરો ફૂટે ને છૂટે શરમના શેરડા, ગુલાલ ગાલે,

છંટાવી ગયું કોઇ.

દોરડી વિનાનું આ ખેંચાણ મીઠું, કાં જાણેઅજાણે,

બંધાવી ગયું કોઇ.

અંદરથી એક સખી આવીને બહાર કહે, ભીતરને ધીરે,

હલાવી ગયું કોઇ.

કહેવાય નહિ ને રહેવાય નહિ, એક ઉંચેરા ઝુલણે,

ઝુલાવી ગયું કોઇ.

ઉજાગરા વેઠીને નીરખે મન–દર્પણ, પ્રતિબિંબ નિજનું,

બતાવી ગયું કોઇ.

– દેવિકા ધ્રુવ.

*********************************

અવલોકનઃ જુગલકિશોર વ્યાસ (ઉંઝા જોડણીમાં)

દેવિકાબહેને એક સરસ પ્રયોગ આ રચનામાં કર્યો છે.

વીધાન માટે ત્રણ ત્રણ ટુકડામાં વહેંચાતી એક એક ભાવાનુભુતીને તેમણે જુના લોકગીતની શૈલીમાં રજુ કરી છે. દરેક વીધાનને એમણે બે અલ્પવીરામોના સહારે ત્રણ ટુકડામાં વહેંચીને પ્રગટ કર્યું છે. આખી રચના એક એક જ પંક્તીની છે. ગીતોમાં જોવા મળતી ‘કડી’ કે સંગીતની પરીભાષામાં કહેવાતો ‘અંતરા’ આ કાવ્યમાં જાણે એક પંક્તીનો બને છે ! એક પંક્તીને એમણે ત્રણ ટુકડા કરીને કડીરુપ બનાવી છે ! જોકે પહેલા અને બીજા ટુકડાના છેલ્લા શબ્દને એમણે પ્રાસથી જોડ્યા હોત તો દરેક પંક્તી એક કડી કે અંતરો બની શકવાને સમર્થ હતી. (આપણા આદરણીય કવી શ્રી નિરંજન ભગતસાહેબની કવીતોમાં જોવા મળતા મધ્યાનુપ્રાસો જેવો પ્રયાસ અહીં કરી શકાયો હોત તો ચાર ચાંદ લાગી જાત.)

ગઝલમાં શેર બે પંક્તીઓનો જ હોય પણ અહીં દરેક પંક્તીને અંતે કરાયેલી યોજના જાણેઅજાણે રદ્દીફ–કાફીયાનો અનુભવ કરાવે છે ! ને એટલે બીજું વીધાન, આ રચના માટે, કરવાનું મન થાય છે કે આ રચના જાણે ત્રણ ત્રણ ટુકડામાં વહેતો “એક પંક્તીનો શેર” બનાવે છે !!

વાક્યરચનાની દૃષ્ટીએ દરેક પંક્તીમાં છેલ્લે અધુરું રહેતું ‘ગયું કોઈ’ ક્રીયાપદ, નસાડી, હુંફાવી, ઝુલાવી વગેરે શબ્દો દ્વારા પુરું ક્રીયાપદ બને છે. પણ દરેકનો કર્તા ક્યારેક પહેલા તો ક્યારેક બીજા ટુકડામાં રહેલો જોવા મળે છે.

કાવ્યમાં સર્જકની અનુભુતી જે દરેક ખંડમાં દર્શાવાઈ છે તેમાં વીચારની કે ભાવની કોઈ સળંગસુત્રતા કે જરુરી ક્રમ દેખાતાં ન હોવાથી આ રચના ગીત કે ઉર્મીકાવ્ય કરતાં વધુ તો ગઝલની અસરનું લાગે છે. ગઝલના શેરોમાં મોટા ભાગે ભાવ કે વીચારનો કોઈ ક્રમ જરુરી હોતો નથી. પણ ગીત કે ઉર્મીકાવ્યમાં તો તે જરુરી ગણાય.

આ કાવ્યમાં કેટલીક કલ્પનાઓ બહુ મજાની છે. નીંદરને તેમણે પ્રેમથી પાંપણમાં પુરાઈ રહેતી કહી છે; દોરડી વીનાનું ખેંચાણ; ગુમાની મનડાને ઝીણા જવરથી મળતી હુંફ; પોતાના જ મનમાં રહેતા બીજા વ્યક્તીત્વને માટે યોજાયેલો શબ્દ ‘સખી’ વગેરે આ રચનાની વીશેષ સામગ્રી છે.

જોકે છેલ્લે “ઉજાગરા વેઠીને નીરખે મન–દર્પણ, પ્રતિબિંબ નિજનું, બતાવી ગયું કોઇ”નો અન્વય કરીએ તો મન–દર્પણને કર્તા બનાવાયો લાગે છે તે બરાબર નથી…જોકે એ કોઈ ભુલ નથી. હકીકતે “નીરખે”  શબ્દને કારણે એ ભુલ હોય તેવો અર્થ કરાવે છે. મનને જો દર્પણ કહીએ તો તે દર્પણને પોતાનું પ્રતીબીંબ પોતાનામાં શી રીતે દેખાય ?! એના બદલે નીરખેની જગ્યાએ “નીરખું” હોત તો સાર્થક બની રહેત.

એકંદરે, આ રચના એક સુંદર ને સફળ એવો નવો પ્રયોગ છે. એક જ પંક્તીમાં ત્રણ ટુકડા કરીને એક એક અનુભુતીને સફળતાપુર્વક અભીવ્યક્ત કરાઈ છે. એક જ પંક્તી એક શેર જેવી બની રહી છે અથવા ગીતની એક કડી તરીકે ઉભી રહી શકી છે !!

સમગ્ર રચનામાં છેલ્લા ટુકડામાં જે ક્રીયાપદો છે તે દરેકની વીશેષતા છે છતાં “હુંફાવી” ક્રીયાપદને તેમણે શીર્ષકમાં મુકીને બાકીનાને અન્યાય કર્યો છે ! એના કરતાં “કોઈ” એટલું જ શીર્ષક રાખ્યું હોત તો ?!

(કાવ્યની જોડણી જેમની તેમ રાખી છે.)

 

 

 

 

 

 

 

 

2 thoughts on “દેવિકાની દૃષ્ટિયે – ૧૦ (દેવિકા ધ્રુવ)

  1. કાવ્ય દેવિકાબેનનું ને દ્રષ્ટિ જુગલકિશોર ભાઈની! ‘દેવિકાની દ્રષ્ટિયે’ શિર્ષક શરમાઈ ગયું નહિ? દેવિકાબેનની કલ્પનાને સમજાઈ જુગલકિશોરભાઈના પ્રતિસાદથી. નહિતર, આ અમારી પાંપણ વાટે મગજ સુધી ન પહોચત!

    Like

  2. સુ શ્રી દેવિકા ધ્રુવ.ના સુંદર કાવ્ય હૂંફાવી ગયું કોઇ નુ સ રસ અવલોકનઃ જુગલકિશોર વ્યાસ નું

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s