ખાલીપો (પી. કે. દાવડા)


(આ લેખ મેં સભાનપણે લખ્યો નથી. હત્તબુધ્ધિવાળી અને અર્ધજાગૃત અવસ્થામાં લખાઈ ગયો હતો. આજે પાંચ વરસ પછી પણ એમાંથી એક્પણ અક્ષર ફેરવવાની ઇચ્છા થતી નથી.)

ખાલીપો

૧૬ મી માર્ચ ૨૦૧૫ ની વહેલી પરોઢે, ૩-૩૪ વાગે અચાનક જ મારા જીવનની બધી ઊર્જાઓ અદૃષ્ય થઈ ગઈ અને જીવનમાં ઠાંસોઠાંસ ખાલીપો ભરાઈ ગયો. અચાનક જ, છેલ્લા ૪૫ વર્ષથી મારા જીવનનું અભિન્ન અંગ, મારી પત્ની ચાંદુ (ચંદ્રલેખા) કાર્ડિયાક એરેસ્ટનો શિકાર બની, આ લોક છોડી પરલોક ચાલી ગઈ. બીજી સવારે સગાં-સંબંધીઓએ મળી અંતિમ ક્રિયાઓને અંજામ આપ્યો. હજી સુધી આ બનાવની સંપૂર્ણ સમજ મારા દિલો-દિમાગમાં ઉતરી નથી.

જરાવાર માટે પણ એકલો પડું તો મન ભૂત-ભવિષ્યમાં ઝોલા ખાય છે. ૪૫ વરસ સુધી ભરાતા આવેલા પટારામાંથી અચાનક એક એક વસ્તુ ઉછળીને બહાર આવે છે, તો કયારેક ભવિષ્ય લાંબી જીભ કાઢીને સામે ઊભેલું નજરે પડે છે.

ઈશ્વર કૃપાએ કુટુંબ અને સમાજ અડીખમ  રીતે આ ક્ષણે તો સાથે ઊભા છે, દુખમાં સહભાગી છે, ભવિષ્ય માટે હૈયાધારણ આપે છે, પણ ખાલીપો એટલો બધો છે કે આ બધી સહાનુભૂતિની અનુભૂતિ આશ્વાશન આપી શકતી  નથી.

૧૯૭૦ ના ૧૨ મી ડીસેમ્બરે, કલકતાની હોમિયોપેથિક ડૉકટર ચંદ્રલેખા ઠક્કર સાથે મારા લગ્ન થયા. ૧૮ વર્ષની વયે એણે એની માતા ગુમાવેલી, મૃત્યુ સમયે એની માતાની વય માત્ર ૩૮ વર્ષની હતી અને એનાથી નાના બે ભાઈ અને એક બહેનનું વાલીપણું એના માથે આવી પડેલું એટલે નાની ઉમ્મરે જ જવાબદારી ભર્યું વર્તન એના સ્વભાવમાં વણાઈ ગયેલું. પરિણામે ૪૫ વર્ષ સુધી અમારા ઘર અને અમારા બાળકો, એક પુત્ર અને એક પુત્રીના ઉછેરની સંપૂર્ણ જવાબદારી એણે જ સંભાળી લીધેલી; મારૂં કાર્ય ધન કમાવા પુરતું મર્યાદિત રાખેલું. બાળકોનું છેક અમેરિકા સુધીના ઉચ્ચ અભ્યાસની દેખરેખ એણે જ રાખેલી. બદલામાં એને બાળકોએ અબાધિત પ્રેમ કર્યો.

આજે મને ખ્યાલ આવે છે કે મારા જીવન-રથની એ મારી સારથી હતી. એની સૂઝબુઝથી જીવનની ઝટીલ સમસ્યાઓ અમે ઉકેલી શક્યા. વિના શરતનો ત્યાગ એ એનો સ્વભાવ હતો. મારા બે બાળકો અને એના નાના ભાઈ બહેન એના જીવનમાં કેંદ્રબિન્દુઓ રહ્યા.

બધા પરિણીત યુગલોની જેમ અમારે પણ મતભેદ થતા પણ તે અરધા કલાક- કલાકથી વધારે ટકતા નહિં. એક મેક પ્રત્યે સન્માન અને લાગણી એ અમારા સંબંધોનો પાયો હતા.

હું જાણતો હતો કે એક જ સમયે જન્મેલા જોડિયા બાળકો પણ આ દુનિયા અલગ અલગ છોડે છે. અમારા બે માંથી કોણ પહેલા જ્શે એ જાણવું શક્ય ન હતું, પણ એટલૂં ખબર હતી કે એકના ગયા પછી બીજાને ખાલીપાનો અહેસાસ શેષ જીવનમાં રહેશે. ઈશ્વરે એ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી.

-પી. કે. દાવડા

4 thoughts on “ખાલીપો (પી. કે. દાવડા)

  1. ‘ઈશ્વરે એ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી’.
    આપની આ સમજ અમારા જેવા અનેકો માટે પ્રેરણા છે.બાકી આ અંગે અનેકોએ પોતાની વેદના આ રીતે વ્યક્ત કરી છે જેનાથી આશ્વાસન મળે છે…
    મત પૂછ કે ક્યા હાલ હૈ મેરા તેરે પીછે
    તૂ દેખ કે ક્યા રંગ હૈ તેરા મેરે આગે
    ……
    મારો ખાલીપો
    મારો ખાલીપો…

    હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડી રાખેલો…મારો ખાલીપો.

    કોઈકની યાદોથી,
    કેટલીયે ફરિયાદોથી,
    કોઈકના સ્મરણોથી,
    એમની સાથે વિતાવેલી ક્ષણોથી,
    એવી કેટલીયે વાતોથી છલોછલ ભર્યો છે મારો આ ખાલીપો.

    ભૂતકાળમાં છૂટી ગયેલી વ્યક્તિ સાથે હું આજે પણ મારા આ ખાલીપામાં જીવી શકું છું, વાત કરી શકું છું, એમનો સ્પર્શ અનુભવી શકું છું.

    જેમની ગેરહાજરીને કારણે આ ખાલીપો સર્જાયો છે, આ ખાલીપાની કારણે એમની સાથે જીવી શકું છું હું.

    માની ન શકાય એવી વાત છે, કે આ ખાલીપાને કારણે મળતી પીડા એ મારા બળતા હૃદયને ટાઢક આપે છે.

    હા, ક્યારેક આ ખાલીપાની આસપાસ વીંટળાયેલી એકલતા ચીસ પાડી ઉઠે છે. એકલતાની ચીસ મૂંગી હોય છે. છતાં તેના પડઘા ઘણા સમય સુધી સંભળાયા કરે છે અને અંતે તે પણ ખાલીપામાં સમાઈ જાય છે.

    પણ છતાં, સાચવું છું હું એ ખાલીપા ને, હૃદયના એક અભિન્ન અંગ તરીકે. કારણ?? એ ખાલીપામાં હું હજી એમની સાથે રહી શકું છું.ધબકારે-ધબકારે એ મારામાં વહે છે. મારી દરેક રચનામાં લખાઈ છે એ, મારા દરેક શબ્દમાં મને સંભળાય છે એ.

    મારી દરેક ક્રિયામાં એ પ્રત્યક્ષ હોવા છતાંય… હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડીને રાખ્યો છે મેં….મારો ખાલીપો.

    Liked by 1 person

  2. જીવનસાથી ગુમાવવાથી ખાલીપો તો આવવાનો. પણ ઓછાવત્તે અંશે તેને કાબુમાં રાખી શકાય. પહેલાં વાસ્તવિકતાને અપનાવવી પડે. અને જો આપણે મનગમતી પ્રવૃત્તિમાં જોડાઈને આનંદિત રહેવાની કળા સિધ્ધ કરીએ તો! નહીંતો ખાલીપો અસહ્ય બની જવાનો.

    Like

  3. મુ . દાવડા સાહેબ ! અચાનક જ તમારો આ લેખ વાંચ્યો .. આજે પરિસ્થિતિ કરોના વાયરસને લીધે ઘણાં માટે વધારે અસહ્ય છે .. Zoom ઝૂમ ના માધ્યમથી દર અઠવાડીએ બધાંને બે વખત મળીએ છીએ અને સૌની સાથે વાર્તાલાપ કરીએ છીએ ..
    જાનેવાલે કભી નહીં આતે: જાનેવાલેકી યાદ આતી હૈ ! કુશળ હશો 🙏 Geeta Bhatt, L.A.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s