ભાષાને શું વળગે ભૂર – ૩૮ (બાબુ સુથાર)


ગુજરાતી નિપાતો -૨

આપણે જોયું કે આપણા વ્યાકરણશાસ્ત્રીઓ નિપાતોની જે વ્યાખ્યા આપે છે એ વધારે પડતી વ્યાપક છે. એને કારણે આપણે જે શબ્દો નિપાતો ન હોય, પણ નિપાતોની જેમ કામ કરતા હોય, એમને પણ આપણે નિપાતોના વર્ગમાં મૂકી દેવા પડ્યા છીએ. આપણે એમણે આપેલી વ્યાખ્યાને જરા વધારે ચૂસ્ત બનાવી છે. એ પ્રમાણે સૌ પહેલાં તો નિપાતને લિંગ અને વચન ન લાગવાં જોઈએ. બીજી શરત એ છે કે નિપાત બીજી કોઈ વ્યાકરણમૂલક કોટિનો ન હોવો જોઈએ. અને એનો કોઈ આંગળી ચીંધીને બતાવી શકાય એવો અર્થ પણ ન હોવો જોઈએ. જેમ કે, આપણે ‘ખુરશી’ શબ્દ બોલીએ અને સામેનો માણસ એનો અર્થ ન સમજે તો આપણે એને ખુરશી બતાવીને ‘ખુરશી’ શબ્દનો અર્થ સમજાવી શકીએ.

આપણે હંમેશાં એક વાત યાદ રાખવાની છે કે ભાષા એની પાસે જે કંઈ સાધનો ઉપલબ્ધ હોય એનો મહત્તમ ઉપયોગ કરવાનો પ્રયાસ કરતી હોય છે. એથી ઘણી વાર એક વ્યાકરણમૂલક કોટિના શબ્દોને બીજી વ્યાકરણમૂલક કોટિ તરીકે ઉપયોગમાં લેતી હોય છે. ભાષાનું આ પ્રકારનું વર્તન ઘણી વાર આપણને મુંઝવી નાખતું હોય છે. આ મુદ્દો સમજવા ‘પણ’ શબ્દ લો. ગુજરાતીમાં આ શબ્દ જ્યારે વાક્યના પ્રારંભે આવે ત્યારે એનો એક અર્થ થતો હોય છે અને વાક્યમાં બીજે ક્યાંક આવે ત્યારે એનો બીજો અર્થ થતો હોય છે. જેમ કે (૧) ‘પણ મને એ માણસ પર ભરોસો જ ન હતો’ અને (૨) ‘મને પણ એ માણસ પર ભરોસો ન હતો.’ અહીં વાક્ય (૧)માં આવતો ‘પણ’ નિપાતની જેમ વર્તે છે પણ એ સ્વભાવે નિપાત નથી. કેમ કે, એ આપણે ઉપર આપેલી નિપાતની વ્યાખ્યામાં બંધ બેસતો નથી. કેટલીક ભાષાઓ આ પ્રકારની વ્યવસ્થા માટે બે જુદા જુદા શબ્દો ઊભા કરતી હોય છે. જેમ કે, અંગ્રેજી ભાષા લો. આપણે જાણીએ છીએ એમ આપણા ‘પણ’ માટે અંગ્રેજીમાં ‘but’ અને ‘too’ શબ્દો છે. આમાંનો but મોટે ભાગે વાક્યની શરૂઆતમાં આવતો હોય છે. જો કે, ‘last but one’ જેવી રચનાઓમાં પણ એનો ઉપયોગ થતો હોય છે ખરો. પણ, અંગ્રેજી too આપણા વાક્યની અંદર આવતા ‘પણ’ને મળતો આવે છે. આવાં બીજાં અનેક ઉદાહરણ આપી શકાય. આવું જ નિપાતોની બાબતમાં પણ થયું છે. ગુજરાતી ભાષા જે સ્વભાવે નિપાત ન હોય એવા શબ્દોનો પણ નિપાત તરીકે ઉપયોગ કરે છે.

છેલ્લા લેખમાં આપણે ‘ય’ અને ‘જ’ નિપાતો જોયા. આ લેખમાં આપણે ‘તો’ અને ‘ત’ નિપાતોને સમજવાનો પ્રયાસ કરીએ. આમાંનો ‘તો’ આપણને મૂંઝવી નાખે એવો છે. કેમ કે એ સાપેક્ષ સંયોજક તરીકે પણ વપરાય છે. જેમ કે, (૩) {જો} તમે આવો તો આપણે સાથે મંદિર જઈએ. અહીં ‘જો’ વાપરવાનું ફરજિયાત નથી એથી મેં એને છગડિયા કૌંસમાં મૂક્યો છે. પણ, આ ‘તો’ નિપાત નથી. એની વ્યાકરણમૂલક કોટિ જુદી છે. એ જ રીતે, (૪) ‘તો પછી તમે ક્યારે મારા ઘેર આવશો?’ જેવાં વાક્યોમાં આવતો ‘તો’ પણ એક રીતે જોતાં તો નિપાત નથી. કેમ કે એ હંમેશાં ‘પણ’ સાથે જ વપરાય છે. એ એક પદનો ભાગ છે. આપણે આ ‘તો’નો અર્થ નક્કી કરવો પડે. આપણને એ ખબર નથી કે નિપાત ‘તો’ સાપેક્ષ સંયોજકમાંથી વિકસ્યો છે કે બીજી કોઈ રીતે? આ પ્રશ્નનો જવાબ તો ઐતિહાસિક ભાષાશાસ્ત્રના અભ્યાસી જ આપી શકે. એ જ વાત ‘તો પછી’માં આવતા ‘તો’ને પણ લાગુ પડે.

આપણે જે નિપાત ‘તો’ સમજવા માગીએ છીએ એનું વર્તન જુદા પ્રકારનું છે. જેમ કે, (૫) ‘તો રમેશ આવ્યો કે નહીં’ વાક્ય લો. આમાં વાક્યના આરંભમાં જ આવતો ‘તો’ પેલા સાપેક્ષ સંયોજકના ‘તો’થી જુદો પડે છે. અહીં વાક્ય બોલતા કે લખતા પહેલાં take off કરવા માટે ‘તો’ વપરાયો છે. આ ‘તો’ ક્યારે વાક્યરંભે વાપરી શકાય અને ક્યારે ન વાપરી શકાય એ તપાસનો વિષય છે. જેમ કે, (૬) ‘રમેશ આવ્યો અને તો મહેશ ચાલ્યો ગયો’ જેવા સંયુક્ત વાક્યમાંના બીજા વાક્યની આગળ આપણે ‘તો’ નહીં મૂકી શકીએ. એ જ રીતે, (૭) ‘રમેશે કહ્યું કે મીના કાલે આવશે’ જેવાં વાક્યોમાં ‘મીના કાલે આવશે’ની આગળ ‘તો’ નહીં વાપરી શકાય. આપણે (૮) ‘રમેશે કહ્યું કે તો મીના કાલે આવશે’ એમ કહી શકીએ ખરા પણ એમાં આવતો ‘તો’ નિપાત નથી. એહીં એનો અર્થ જુદો થાય છે. આપણે આમાં ઊંડા નહીં ઊતરીએ. પણ મૂળ વાત આટલી જ છે: વાક્યારંભે આવતા ‘તો’ નિપાત પર પણ કેટલાંક નિયંત્રણો છે અને એ નિયંત્રણોનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ.

રસ પડે એવી વાત એ છે કે આ નિપાત ‘તો’ વાક્યમાં બીજે પણ આવી શકે. જેમ કે, (૯) ‘રમેશ તો આવ્યો’. એ જ રીતે, (૧૦) ‘રમેશે તો કેરી કાપી…’ અહીં (૯) અને (૧૦)માં કર્તા પછી ‘તો’ આવ્યો છે અને બન્નેનો અર્થ અથવા તો ભાવ લગભગ એકસમાન લાગે છે. બની શકે કે અહીં વક્તા ધાર્યું ન હતું એવું કંઈક થયા-નો ભાવ વ્યક્ત કરતો હોય. એ જ રીતે, (૧૧) ‘રમેશે કેરી તો કાપી…’ જેવાં વાક્યોમાં કર્મ પછી ‘તો’ આવે છે. એવું એક બીજું વાક્ય લો. (૧૨) ‘દરજીએ શર્ટ તો બરાબર સીવ્યું…’ (૧૧) અને (૧૨) બન્નેમાં કંઈક અનપેક્ષિત બનવાનો ભાવ વ્યક્ત થાય છે. આ જ ‘તો’ વિશેષણ પછી વપરાય કે નહીં એ પણ એક તપાસનો વિષય છે. આપણે (૧૩) ‘મારું લીલું તો ખમીસ હવે ટૂંકું પડે છે’ જેવું વાક્ય નહીં બોલીએ. પણ, વિધેયમાં આવતા વિશેષણ પછી ‘તો’ વાપરી શકાય. જેમ કે, (૧૪) ‘તારું શર્ટ લીલું તો છે’. હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’ પુસ્તકમાં ‘તો’ની ચર્ચા કરી છે. એમાં એમણે એક ઉદાહરણ આપ્યું છે એ પણ સમજવા જેવું છે. એ વાક્ય છે: (૧૫) ‘મદદ કરવી તો દૂર રહી, ઊલટો મુશ્કેલીઓ ઊભી કરે છે’. કોઈને થશે કે અહીં ‘કરવી’ ક્રિયાપદ છે અને ક્રિયાપદ પછી ‘તો’ વપરાયો છે. પણ, હું સમજું છું ત્યાં સુધી અહીં ‘કરવું’ પરથી બનાવેલું ‘કરવી’ ક્રિયાપદમૂલક નામ છે. અર્થાત્, ક્રિયાપદમાંથી બનાવવામાં આવેલું નામ છે. એથી આપણી પૂર્વધારણા – તો વાક્યારંભે અથવા નામ પછી જ વપરાય- ખોટી પડતી નથી. પણ, આપણે આ ‘તો’ને કોઈ પણ નામ પછી વાપરી શકીએ નહીં. જેમ કે, આપણે (૧૬) ‘રમેશનો છોકરો તો આવ્યો’ એમ કહી શકીએ પણ ‘રમેશનો તો છોકરો આવ્યો’ એમ ન કહી શકીએ.

‘તો’ ઉપરાંત એક બીજો નિપાત આપણે વાપરીએ છીએ એ છે ‘તે’. આ ‘તે’ને ત્રીજા પુરુષ સર્વનામ ‘તે’ સાથે કંઈ સબંધ હોય એવું મને લાગતું નથી. આ ‘તે’ પણ વાક્યારંભે વાપરી શકાય. જેમ કે, (૧૭) ‘તે તમે ક્યારે ઘેર આવ્યા?’ અહીં પણ ‘તે’ take off માટે વપરાયો છે. ‘તો’ નિપાતની જેમ, ‘તે’ પણ મોટે ભાગે તો નામ પછી જ વપરાતો હોય છે. જેમ કે, (૧૮) ‘રમેશ તે કંઈ માણસ છે!’ (૧૯) ‘મીના તે આવું કહેતી હશે!’ હરિવલ્લભ ભાયાણીએ એમના ‘થોડોક વ્યાકરણ વિચાર’ પુસ્તકમાં ‘તે’ના ત્રણ પ્રકાર પાડ્યા છે. એમાંના બે આપણે જોયા. ત્રીજો પ્રકાર તે પ્રશ્નાર્થ વાક્યોને છેડે વપરાતો ‘તે’. દાખલા તરીકે, (૨૦) ‘પણે તેં એને લખ્યું છે તે?’ (૨૧) ‘પણ મેં એને આવવાનું કહ્યું છે તે?’

આ પહેલાંના લેખમાં આપણે એમ કહેલું કે ગુજરાતીમાં વિનયવાચક નિપાતો પણ છે. ઊર્મિ દેસાઈએ એમના ‘વ્યાકરણવિમર્શ’ પુસ્તકમાં નામ સાથે વપરાતા ‘જી’ (જેમકે, બાપુજી, સાસુજી, ભાઈજી…) તથા ક્રિયાપદને અંતે વપરાતા ‘જી’ને (જેમ કે, ‘મારું આટલું કામ કરશોજી’) વિનયવાચક નિપાત તરીકે ઓળખાવ્યા છે. મને લાગે છે કે આ વિશે પણ નવેસરથી વિચાર કરવા જેવો છે. શું એવું ન બને કે નામ સાથે વપરાતો -જી એક પ્રત્યય હોય? જો કે, વાક્યના અન્તે આવતો ‘જી’ નિપાત ગણી શકાય કરો. પણ, એના પરનાં વ્યવહારમૂલક (pragmatic) નિયંત્રણો પાછાં સમજવા જેવાં છે. ગુજરાતીમાં ‘જી’ હંમેશાં શ્રોતા પરત્વેનો વિનય બતાવવા માટે વપરાતો હોય છે. જેમકે, (૨૨) ‘તમે ફોન કર્યો ત્યારે હું ઊંઘતો હતો જી’. (૨૩) ‘તમે અમદાવાદ આવો તો મારે ત્યાં પધારશોજી’. પણ, આપણે (૨૪) ‘તું અમદાવાદ આવે ત્યારે મારા ત્યાં પધારજે જી’ નહીં કહી શકીએ. જો શ્રોતા એકવચન હોય, અથવા માનવાચક ન હોય તો ‘જી’ નહીં વપરાય. આ ઉપરાંત પણ બીજાં કેટલાંક વ્યવહારમૂલક નિયંત્રણો હશે પણ જ્યાં સુધી આપણે એની empirical તપાસ ન કરીએ ત્યાં સુધી એ વિશે આપણે વાત ન કરી શકીએ.

 

2 thoughts on “ભાષાને શું વળગે ભૂર – ૩૮ (બાબુ સુથાર)

 1. સંસ્કૃત સૂત્રો માં નિપાત અને પ્રક્રિયા નિપાતન બંને આવે છે. ગુજરાતી માટે પહેલું જ લાગુ પડે. પણ આપને ભાષાશાસ્ત્રની દ્રષ્ટિએ નિપાતન ની પણ મજા આવશે. થોડા દિવસ માં અછડતો ઉલ્લેખ અને લિસ્ટ આપીશ. Maybe it is relevant. My hunch! Respectfully, Satish Joshi  Sent from Yahoo Mail on Android

  Like

 2. ગુજરાતી નિપાતો અંગે મા બાબુ સુથારનો અભ્યાસુ લેખ
  અમે ભણતા ત્યારે ગોખતા તે યાદ
  उच्चावच्चेषु अर्थेषु निपतन्तीति निपाताः। – ‘निपाताः पादपूरणाः । –
  (1) उपमार्थक निपात : यथा- इव, न, चित्, नुः
  (2) कर्मोपसंग्रहार्थक निपात : यथा- न, आ, वा, ह;
  (3) पदपूरणार्थक निपात : यथा- नूनम्, खलु, हि, अथ।
  यास्क ने निपात
  (1) उपमार्थक निपात : यथा- इव, न, चित्, नुः
  (2) कर्मोपसंग्रहार्थक निपात : यथा- न, आ, वा, ह;
  (3) पदपूरणार्थक निपात : यथा- नूनम्, खलु, हि, अथ।

  निपात
  (1) स्वीकार्य निपात-
  (2) नकरार्थक निपात-
  (3) निषेधात्मक निपात-
  (4) पश्रबोधक-
  (5) विस्मयादिबोधक निपात-
  (6) बलदायक या सीमाबोधक निपात-
  (7) तुलनबोधक निपात-
  (9) आदरबोधक निपात-

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s