મારી કલમ, મારા વિચાર – ૧૨ (પરભુભાઈ મિસ્ત્રી)


દેશી માદળિયાં જેવી પ્લસીબો પિલ્સ!

એકવાર સિનિયર સિટિઝન ક્લબના ઉપક્રમે શહેરના વિવિધક્ષેત્રના ત્રણ ડોકટરોને પ્રવચન કરવાનું આમંત્રણ અપાયું. હૃદયના અને સાંધાના બે તજ્જ્ઞો ઉપરાંત એક મનોચિકિત્સકે પણ પ્રૌઢોને ઉચિત માર્ગદર્શન આપ્યું હતું.

અવસ્થાને લીધે શરીરયંત્ર ઢીલું પડે, જુદા જુદા સ્પેરપાર્ટસ રિપરિંગ અથવા રિપ્લેસમેન્ટ માંગે એ સ્વાભાવિક છે. આ ઉંમરે જીવનની ગાડીને અવારનવાર ગેરેજમાં આપવી પડે છે. શી શી કાળજી રાખીને આપત્તિ હળવી કરી શકાય તે વિષેની કિંમતી સૂચનાઓ મળી. છેલ્લે બોલવાનો વારો આવ્યો મનોચિકિત્સકનો. દરમિયાન પહેલા બે તજ્જ્ઞો તેમની સ્પીચ આપીને વિદાય લઈ ચૂક્યા હતા. એમના પહેલા જ વાક્યે સૌને ચોંકાવી દીધા. તેમણે કહ્યું કે તમને કશું જ થયું નથી અને તમારે કોઈ દવા લેવાની જરૂર નથી. મુખ્ય વાત એ છે કે તમારું મન નબળું થવાને કારણે તમને ભય પેસી ગયો છે. આ ભય ખંખેરી કાઢો એટલે તમે સ્વસ્થ જ છો!

મન જ્યારે નબળું પડે છે ત્યારે ગમે તેવો વીર પુરુષ પણ પાણીમાં બેસી જાય છે. થર થર ધ્રૂજવા લાગે છે, ચક્કર આવે છે અને ઢીલો થઈને ઢળી પડે છે. ભગવદ ગીતાનો પ્રથમ અધ્યાય અર્જુન વિષાદયોગ એ બીજું કંઈ નહિ, પણ અર્જુનને આવેલું ડિપ્રેશન છે. ભગવાન શ્રીકૃષ્ણ એક કુશળ મનોચિકિત્સક છે અને તેમણે ગીતાના તત્વજ્ઞાન દ્વારા અર્જુનનું ડિપ્રેશન દૂર કર્યું છે. એ સારવાર મળતાં જ અર્જુને પુન: આત્મવિશ્વાસ મેળવ્યો. કુરુક્ષેત્રના રણમેદાનમાં તે ટટ્ટાર થઈને ઊભો થયો અને ગાંડીવનો ટંકાર કરી યુદ્ધ માટે તત્પર બન્યો.

ગીતામાં કહ્યું છે ‘મનૈવ મનુષ્યાણાં કારણં બન્ધમોક્ષયો:‘- બંધન અને મોક્ષ તથા સુખ અને દુ:ખનું ખરું કારણ માણસનું મન છે. પેટ ચોળીને શૂળ ઊભી કરતા હોઈએ તેમ કેટલીક સમસ્યાઓ તો આપણે જાતે ઉપજાવી કાઢેલી હોય છે. મનની માયા ગજબની છે. એ ચાહે તો ધોળે દિવસે તારા દેખાડે અને અમાસની રાત્રે મધ્યાહ્નનો સૂરજ! એની ભૂલભુલામણીનો કોઈ પાર નથી. અભાવ વચ્ચે સમૃદ્ધિનો અનુભવ કરાવે અને સમૃદ્ધિ વચ્ચે કંઈક ખૂટતું હોવાનો અહેસાસ કરાવે.

શારીરિક સમસ્યાઓના ઉપાય માટે આપણે ત્યાં આયુર્વેદનો વિકાસ થયો. જુદા જુદા રોગો માટે વનસ્પતિના ઝાડ, પાન, મૂળિયાં, છાલ, પુષ્પો અને ફળોનો ઉપયોગ કરીને વૈદ બાપાઓએ દવા બનાવી. થોડી પરેજી, થોડીક ચૂર્ણ અથવા ગોળી અને અનુપાન અને કાઢો- ઉકાળો પીવડાવીને વૈદ મહારાજોએ સમાજને સ્વસ્થ બનાવ્યો. કેટલાક દર્દીઓ એવા હોય છે કે તેમને અમુક જ વૈદ પર ભરોસો હોય છે, તેને અન્ય વૈદરાજની દવાથી એને સારું થતું નથી. કેટલાક દરદીઓને કોઈ જ દવા અસર કરતી નથી. દવા અને ડોકટરો બદલ બદલ કર્યા પછી પણ તેમની સમસ્યા હળવી થતી નથી. કોઈ એને અમુક ભૂવા પાસે લઈ જાય ત્યારે ભૂવો દાણા મંતરીને ડાયોગ્નાઈસ કરે છે કે દરદીને કોઈ અંગરોગ નથી થયો, પણ એને બહારની અસર છે. આ ‘બહારની અસર‘ તે જ મનોઋગ્ણતા! મન નબળું હોવાના સંકેત! ભુવાઓ માનસિક રોગના લક્ષણો માટે અનેક કારણો આપે છે. ડાકણ ભૂતનો વળગાડ, ચૂડેલ, બલાગત, પ્રેત, મેલી વિદ્યા કે મૂઠ ચોટ પૈકી કોઈના શિકાર બનવાનું નક્કી કરી દે છે અને પોતાના પ્રભાવથી દરદીને ‘બહારની અસર‘ થી મુક્ત કરે છે. દરદીને એકવાર ‘બહારની અસર‘નો ભ્રમ ભરાઈ જાય પછી એને કોઈ ઔષધ અસર કરતું નથી.

મનોરોગીઓને ઠીક કરવા માટે મનોચિકિત્સકો તો હજી હમણાં આવ્યા, તે પહેલાં ભૂવા લોકો જ મનોચિકિત્સકનો પાઠ ભજવતા હતા! ભુવાનો રોફ, એનો ધાક, એની પર્સનાલિટી, એના જંતરમંતરની પદ્ધતિ લોકો પર એવો પ્રભાવ પાથરતી કે લોકોને વિશ્વાસ બેસી જતો કે આપણી સમસ્યાનો ઉકેલ માત્ર અને માત્ર આ ભુવા ભગત પાસે જ છે! એ માદળિયું આપે કે દોરો બાંધે, એમાં બીજું કશું ન હોય; એ માત્ર આપણી શ્રદ્ધા જ બાંધી આપતો હોય છે. શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનમ્ – ની જેમ શ્રદ્ધાવાન્ પ્રાપ્યતે સ્વાસ્થ્યમ્! આ શ્રદ્ધાના બળથી ભલભલી બિમારીઓમાંથી સાજા થઈ જવાય છે. આ ભુવાઓ અભણ હતા, મનોવિજ્ઞાનનું નામ પણ સાંભળ્યું ન હશે, પણ અજાણપણે તેઓ માણસના મનની સારવાર કરતા હતા. ઘણા અંધશ્રદ્ધાળુઓને માટે તો અમુક ભુવા જ તેમના ફેમિલી ડોક્ટર હોય છે. ચોખાના દાણા ઓવારીને લઈ જઈએ એ જ એના રિપોર્ટ! એ રિપોર્ટ પરથી એ સમસ્યાનું મૂળ પકડે.

ભુવા ભગતને યાદ કરવાનું નિમિત્ત એક અખબારી લેખે પૂરું પાડ્યું. એ લેખમાં લિન્ડા બુઓનેનો નામની એક હેરડ્રેસરનો કિસ્સો વર્ણવવામાં આવ્યો છે. લિન્ડા બુએનેનોને વીસ વરસથી પેટમાં ગરબડ હતી.જેને મેડિકલ ભાષામાં ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ ટૂંકમાં આઈબીએસ તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર બાથરૂમના આંટાફેરા કરીને એ હેરાન પરેશાન થઈ ગઈ હતી. પગ પણ જકડાઈ ગયા હતા અને દુ:ખાવો અસહ્ય હતો.

71વર્ષની બુઓનેનો અમેરિકાના મિથુએન, મેસાચ્યુસેટ્સમાં મેડિકલ આસિસ્ટન્ટ અને હેરડ્રેસર છે. તેમણે તમામ દવાઓ અજમાવી, ખાન-પાન પર નિયંત્રણ રાખ્યું પણ કોઈ ફાયદો ન થયો. 2009માં તેમણે ટીવી પર એક જાહેરાત જોઈ જે આઈબીએસ પ્રભાવિત પર થતા એક સ્ટડી સંબંધિત હતી. સ્ટડી માટે એંસી લોકોમાં તેની પણ પસંદગી થઈ. તે પોતાની દવા જાણીને હેરાન થઈ ગઈ. આ પ્લસીબો ગોળી હતી. ડોક્ટરોએ કહ્યું કે આ ગોળીઓમાં કોઈ સક્રિય દવા કે તત્વ નથી હોતું. તેની બોટલ પર પણ તેવું સ્પષ્ટ લખેલું હોય છે.

ત્રણ અઠવાડિયા સુધી એક દિવસમાં બે વાર ગોળીઓ લીધા પછી લિન્ડાએ નોંધ્યું કે તેના પેટની ગરબડ મટી ગઈ છે. તે કહે છે મને ખબર નથી કે આ બધું શું છે. આમ તો મેડિકલ સમુદાયને પ્લસીબોના પ્રભાવની જાણકારી હતી. તે હેઠળ કોઈ નકલી ગોળીથી દર્દીની શારીરિક સ્થિતિ સુધરે છે, પણ પ્લસીબો પ્રભાવના શોધકર્તા હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસીનના પ્રોફેસર ટેડ કેપ્ટચૂક પોતાના રિસર્ચને આગળ લઈ જવા માંગતા હતા. 2009માં યુનિવર્સિટિની હોસ્પિટલ બેથ ઈઝરાયલ ડીકોનેસ મેડિકલ સેન્ટરે પ્રથમ ટ્રાયલ કરી, જેમાં સામેલ લોકોને જણાવાયું કે તેમને પ્લસીબો પિલ્સ અપાઈ રહી છે, હકીકતમાં તે કોઈ દવા નથી. ટ્રાયલનું પરિણામ આશ્ચર્યજનક હતું. જે લોકો કંઈ દવા લેતા ન હતા તેમનાથી બમણી સંખ્યામાં પ્લસીબો લેનાર લોકોમાં રાહતના લક્ષણો દેખાયા. આઈબીસની એ દવા લેનારાથી વધુ ફાયદો પ્લસીબો પિલ્સ લેનારાને થયો. કેપ્ટચૂક કહે છે કે મને આશા હતી જ કે આવું થશે, પણ આ સમજથી બહાર છે.

હવે કેપ્ટચૂક અને તેમની ટીમને આઈબીએસ જેવી ટ્રાયલ કરવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની 25 લાખ ડોલરની મદદ મળી છે. સ્પષ્ટ નથી કે પ્લસીબોની અસરના કારણ કયા છે? કેટલાક  વિશેષજ્ઞો માને છે કે માનવશરીર સારવારની વિધિ કે પ્રક્રિયા પર શારીરિક અને માનસિક પ્રતિક્રિયા કરે છે. ભલે ફાયદો થાય કે નુકસાન, વ્યાવસાયિકોએ તેની તરફ ધ્યાન આપ્યું છે. એમેઝોન પર પ્લસીબો પિલ્સની બોટલ આઠથી પંદર ડોલરમાં વેચાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એનેસ્થેશિયા વિશેષજ્ઞ હેનરી બિચરે નોંધ્યું છે કે અનેક ઘાયલ સૈનિકોએ પોતાની પીડાની સારવાર માટે માર્ફિન લેવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે એવા ઘાના શિકાર એવા સામાન્ય લોકો સારવાર માટે માર્ફિન લેવાની માંગણી કરતા હતા. બીચરનો નિષ્કર્ષ હતો કે લોકોનું સ્વસ્થ થવું કે તેમની પીડા સહન કરવાની ક્ષમતા મનોવૈજ્ઞાનિક સંભાવનાઓ પર નિર્ભર કરે છે. આધુનિક મેડિકલ શાસ્ત્રમાં પ્લસીબોની અસરને માન્યતા મળી રહી છે. હ્યુસ્ન વેટરન એફર્સ મેડિકલ સેન્ટરમાં ડોક્ટરોએ નોંધ લીધી છે કે બનાવટી સર્જરી (લોકોના ઘુંટણ ખોલ્યા વગર અને કોઈ સારવાર કર્યા વગર તેને પાછા સીવી દીધા) થી લોકોને એટલો જ લાભ થયો છે જેટલો ઘુંટણની વાસ્તવિક સર્જરીથી થયો હતો.

આને શું કહીશું, નકલી દવાનો જાદુ કે પોઝિટીવ વિચારોનો પ્રભાવ?

 

 

 

2 thoughts on “મારી કલમ, મારા વિચાર – ૧૨ (પરભુભાઈ મિસ્ત્રી)

 1. મા પરભુભાઈ મિસ્ત્રીનો દેશી માદળિયાં જેવી પ્લસીબો પિલ્સ! સ રસ અભ્યાસુ લેખ
  બ્રિટનના પ્રતિષ્ઠિત મૅડિકલ જર્નલ ‘લાન્સેટ’ (The Lancet)માં એક અભ્યાસ પ્રકાશિત થયો. તેમાં ઑપરેશન કરવાને બદલે દર્દીઓને ફક્ત ઑપરેશન કર્યાનો માનસિક આભાસ આપવામાં આવે તો શું થાય, તેનાં પરિણામ જાહેર થયાં હતાં–અને તે આશ્ચર્ય પમાડે એવાં હતાં.
  અભ્યાસ માટે જેમની ધમની બ્લૉક હોય એવા બસો દર્દીઓને પસંદ કરવામાં આવ્યા. તેમાંથી અડસટ્ટે અમુક લોકોને અૅન્જિઓપ્લાસ્ટીનું ઑપરેશન કરીને, સ્ટૅન્ટ મૂકવામાં આવ્યા, જ્યારે જૂથના બીજા લોકોનું ઑપરેશન તો થયું, પણ તેમની બ્લૉક થયેલી નળીમાં સ્ટૅન્ટ મૂકાયા નહી. દર્દીઓને એમ જ હતું કે તેમની સર્જરી થઈ ગઈ. દર્દીઓ અને ડૉક્ટર કોઈને ખબર ન હતી કે કયા દર્દીઓ સ્ટૅન્ટ ધરાવે છે અને કયા સ્ટૅન્ટ વગરના છે. તબીબી પ્રયોગની પરિભાષામાં આ રેન્ડમાઇઝ્ડ કન્ટ્રોલ ટ્રાયલ હતો, જેનાં પરિણામ આદર્શ ગણાય. કેમ કે, આગોતરી માહિતી ન હોવાને કારણે, પરિણામોમાં પૂર્વગ્રહ ભળવાની શક્યતા ન રહે.
  ઑપરેશનનાં છ અઠવાડિયાં પછી દર્દીઓની તપાસ કરવામાં આવી ત્યારે, બધાને એકસરખું સારું લાગતું હતું. જેમને સ્ટૅન્ટ મૂક્યા હતા અને જેમનું દેખાડા પૂરતું ઑપરેશન કર્યું હતું, એ બધા દર્દીઓને દુઃખાવામાં ઘટાડો લાગતો હતો. એટલું જ નહીં, નક્કર કહેવાય એવા ટ્રેડ મિલ પરના ટેસ્ટમાં પણ બંને પ્રકારના દર્દીઓની તબિયતમાં સુધારો જણાયો.
  આ અભ્યાસના પગલે ભારે ચર્ચા જાગી. કેમ કે, એન્જિઓપ્લાસ્ટીની અસરકારકતા સામે મૂળભૂત સવાલ ઉભો થયો હતો. ‘સાયન્ટિફિક અમેરિકન’ના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અૅન્જિઓપ્લાસ્ટીથી હાર્ટ અૅટેકનો કે તેનાથી ઉભા થતા જાનના જોખમનો ખતરો ઓછો થતો નથી, એ અનેક અભ્યાસોમાં સિદ્ધ થઈ ચૂકેલી હકીકત છે. આ સર્જરીની તરફેણમાં અપાતું મુખ્ય કારણ એ હતું કે તેનાથી એન્જાઇના એટલે કે દુખાવામાં અને શ્વાસમાં તકલીફ પડતી હોય તો રાહત મળે છે. પરંતુ ‘લાન્સેટ’માં જે અભ્યાસની વાત કરવામાં આવી હતી, તેમાં અમુક દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર કરવાથી, સ્ટૅન્ટ ધરાવતા અને નહીં ધરાવતા બધા દર્દીઓને એકસરખી રાહત લાગી હતી.
  આ પ્રકારનાં પરિણામ એકથી વધારે અભ્યાસોમાં આવવા લાગે, તો ભવિષ્યમાં એન્જિઓપ્લાસ્ટી (અને તેના નામે ચાલતો ધમધોકાર ધંધો) બંધ થાય, એવી સંભાવનાઓ પણ વ્યક્ત થઈ રહી છે. અલબત્ત, એ વિશે એકદમ ઉતાવળે અભિપ્રાય બાંધી લેવાની જરૂર નથી, પણ આ સર્જરી ચાર દાયકાથી ચાલે છે એટલે સાચી (જરૂરી)–એવું પણ માની લેવું નહીં. તબીબી ક્ષેત્રે આવાં ‘મૅડિકલ રીવર્સલ’પણ થતાં હોય છે, જેમાં વર્ષો સુધી એક રસ્તે ચાલ્યા પછી એ રસ્તાની મર્યાદાઓનું કે નિરર્થકતાનું ભાન થતાં તેને છોડી દેવો પડે.
  સામાન્ય વ્યક્તીઓને તો ટપ ટપ સાથે કામ નથી રોટલા સાથે કામ છે જેનાથી સારું થાય તે સાચું !

  Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s