હમદર્દ
વહેલી સવારે તાજગી ભર્યા કિરણો મારી ચેતનાને નિત્ય જગાડે છે, દિવસ રોજ ગતિમય બની વર્તમાન અને અતીત સાથે સંતાકૂકડી રમે છે, જીવનસંધ્યાની રંગોળી શાંત આકાશમાં નિરવ રાત અને શીતલ ચંદ્રને આમંત્રણ આપે છે ત્યારે હું લખવાની મારી નિયમિત ટેવ મુજબ ડાયરીના શૂન્યાવકાશમાં લાગણીનાં ભીંજ્યાં શબ્દોને તે વીતી ગયેલા પ્રસંગો સાથે યાદ કરી મુક્ત મને વેરું છું.
પ્રસંગ….રોજબરોજમાં બનતાં નાના –મોટા પ્રસંગોમાં જીવનનાં વિવિધ પાસાઓ જોવા મળે છે. આ પાસાઓમાં ક્યાંક જીવન રમતું હોય તો, ક્યાંક આનંદ કરતું હોય, ક્યાંક આક્રંદ કરતું હોય તો ક્યાંક વેદનાનાં તરંગ વહેડાવતું હોય, ક્યારેક એ એકાંતમાં જીવન ફફડે છે તો ક્યારેક એ જ એકાંતને ગળે લગાવી જીવન નાચે છે કે નચાવી મૂકે છે. ….ટૂંકમાં એમ કહી શકાય કે દરેક વ્યક્તિનાં જીવનમાં બનતાં આ પાસાઓ જ એ ડાયરી છે જે વિતેલી પ્રત્યેક ઘડીને દરિયો બની તો સાચવે છે પણ કોઈકવાર એ અંતરમનને એ વિતેલી યાદોનાં તરંગોથી ખળભળાવી દે છે. લેખક શ્રી જીતેન્દ્રભાઈ પાઢ કહે છે કે “ શબ્દો બહારથી સુંદર બની બેસતાં, પણ હૃદયની ભીતરેથી વેદનાનું પ્રસરી જવું એજ ડાયરીનાં પાનાં બોલતાં “ જીતેન્દ્રભાઈની એ વાત મને બહુ સાચી લાગે છે તેથી અહીં હું મારા એક અતીતની યાદને આપ સૌ સાથે વહેંચી રહી છુ.
અમે ૧૯૯૩માં થયેલ બોમ્બ ધડાકામાં મુંબઈ સ્તબ્ધ થઈ ગયું હતું. આ સમયે અમે ટ્રેનમાં હતાં તેથી વધુ ખબર ન રહી. બીજે દિવસે જ્યારે અમે મુંબઈ પહોંચ્યાં ત્યારે વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. અમે ઘરે પહોંચ્યાં પછી અમે એ દિવસે ઘરમાં જ પુરાઈ રહ્યાં અને આજુબાજુ વાળા પાસેથી દૂધ,દહીં માંગીને ચલાવ્યું. પણ બીજે દિવસે મારા દીકરા માટે દહીં દૂધ લેવું જરૂરી હતું તેથી સલામતી ન હોવા છતાં હું શોપિંગ કરવા સ્ટેશન ગઈ. સ્ટેશનનો રસ્તો આવતાં જ અચાનક ધ્યાનમાં આવ્યું કે મારી પાસેથી એક લોહીલુહાણ થયેલો માણસ દોડી ગયો. તે માણસની પાછળ રહેલા ટોળાએ તેને પલભરમાં વેતરી નાખ્યો. અમુક ક્ષણોમાં બની ગયેલા તે લોહીલુહાણ જંગમાં હું ફસાઈ ગઈ હતી પણ મારા નસીબે ત્યાં રહેલ એક PCO વાળાએ મને દુકાનની અંદર ખેંચી લીધી અને મારો જીવ બચાવી લીધો.( આ પૂર્ણ પ્રસંગ માટે જુઓ પ્રતિલિપિમાં જીવનની જીવંત વાત ) પણ જીવને કેવળ મને આ એક જ વાર પોતાનું દાન આપ્યું ન હતું, આ પ્રસંગનાં લગભગ ૨ અઠવાડીયા પછી જ્યારે વાતાવરણ નોર્મલ થઈ રહ્યું હતું ત્યારે હું મારા દીકરા સાથે પવઈ ગઈ. અહીં મારા કાકાજી સસરા રહેતાં હતા. તેમની તબિયત સારી ન હતી તેથી મારા કાકીજીએ મને મદદ કરવા માટે તેમણે બોલાવી. હું મારા દીકરા સાથે તેમને ત્યાં રહેવા ગઈ. તેમને ત્યાં ગયાં ને એક –બે દિવસ વિત્યા હશે ત્યાં પવઈમાં હિન્દુ-મુસ્લિમ તોફાન શરૂ થયું, એ દિવસે અમે ફરી ઘરમાં પુરાઈ ગયાં, પણ જિંદગી અહીં પણ કોઈક રંગ બતાવવાની હતી. મારા કાકાજીનાં બિલ્ડીંગમાં એક માણસોનું ટોળું ધસી આવ્યું. મને ખબર ન પડી કે એ ટોળું કોનું હતું, પણ હાથમાં ધારીયા, તલવાર અને ગન લઈને આવેલાં એ લોકોએ નીચેનાં ફ્લેટમાં રહેલા લોકોને મારવાનું અને આડેધડ ફાયરિંગ કરવાનું ચાલું કર્યું. અમે વિચારી રહ્યાં કે હવે શું કરવું? આ લોકો તો ગમે ત્યારે ઉપર આવી જશે…અમે ફફડી રહ્યાં હતાં અને ઘરમાં ૪-૫ માણસો હોવા છતાં સ્તબ્ધતા ફેલાઈ ગઈ હતી. અચાનક ફોન રીંગ વાગી…. ફોન ઉપાડતાં સામેથી એક સ્ત્રીનો અવાજ ગુંજી ઉઠ્યો. માસીજી મેં સામને કે ફ્લેટ સે બાનોબીબી બોલ રહી હું. આપ સબ લૉગ બાલ બચ્ચે કે સાથ મેરે ઘર આ જાઈએ ઔર આપકે ઘર કો યુંહી છોડ દો; ક્યુંકી યહ જો લૉગ આયે હૈ ના… વોહ મુસલમાન હૈ. આપકો હિન્દુ જાનકર પતા નહીં ક્યા કર લે ? મૈ દરવાજા ખોલ કે રખતી હૂં આપ ચૂપચાપ બિના આવાઝ કિયે ચલે આઇયે કહી તેણે ફોન મૂકી દીધો. અમે તે સાથે જ ઘર છોડી સામેનાં ફ્લેટમાં ચાલ્યાં ગયાં…..અમે ઘરમાં પ્રવેશ્યા ને બાનોનાં પતિ અબ્બાસજી અમારા ઘરમાં પ્રવેશ્યાં તેમણે અમારા ઘરમાં રહેલ હિન્દુ દેવી –દેવતાની મૂર્તિઓ હટાવી ત્યાં અલ્લાહની ફ્રેમ લગાવી દીધી. મંદિરમાંથી ભગવાન કાઢી ત્યાં મહમદ સાહેબ અને કોઈ પીરનો લીલો નેજો લગાવી દીધો. અહીં અમે હવે બાનોનાં મહેમાન હતાં ત્યાં અબ્બાસજી એ પાંચ મિનિટમાં ઊડીને આંખે વળગે તે રીતે મુસલમાનનાં ઘરનો અહેસાસ થાય તેવું ઘર બનાવી દીધું ને ઘર બંધ કરી પોતાનાં ઘરમાં આવી ગયાં.
બાનોનો ઘરનો દરવાજો બંધ જ થયો હશે કે અમારો માળ ધડાધડ અનેક પગલાંઑથી ગુંજી ઉઠ્યો. તે તોફાની ટોળું અલ્લાહો અકબરનાં નાદ સાથે ઉપર આવી ગયું. અમારા માળ ઉપર આવી દરેક ઘરની નેઇમપ્લેટ જોર જોરથી વાંચવા લાગ્યાં. અંતે એક ઘરમાં તાળું જોતાં જ તેઑએ તાળું તોડવાં લાગ્યાં. આ અવાજ સાંભળી અબ્બાસજી ત્યાં ગયાં અને ટોળાંને કહે આ ઘર અમારું છે તમે તાળું ન તોડો. આ સાંભળી એક માણસ આવીને કહે અહીં નામ તો હિન્દુનું છે, અબ્બાસજી કહે હા; મૂળ માલિક હિન્દુ છે પણ અત્યારે મારા નાના ભાઈ અહીં રહે છે ઊભા રહો હું બતાવું…એમ કહી બારણું ખોલ્યું તો ત્યાં સામે જ દીવાલ ઉપર અલ્લાહ અકબર લખેલ કાબાની ફ્રેમ જોઈ. આ જોઈ તેઓ કહે તો તમારા ભાઈ ક્યાં છે? તેઓ કહે વોહ મેરે ઘર મેં હૈ વોહ ક્યાં બાલ-બચ્ચે ખેલ રહે હૈ ના…ઇસી લિયે…આપ મિલેંગે…ઉન્હે….કહી તેઓ ફર્યા તો તે લોકો કહે નહીં નહીં ઉસકી જરૂરત નહીં હૈ કહી તેઓ દાદરો ઉતરી ગયાં. અહીં બાનોનાં ઘરમાં આશરો લઈ રહેલાં અમે થોડા રિલિવ તો થયા પણ અબ્બાસજી અને બાનોએ જ્યાં સુધી પવઈ નોર્મલ ન થયું ત્યાં સુધી પોતાનાં ઘરમાં રાખ્યા. આ એજ ફેમિલી હતું જેને કારણે અમારું ઘર લુટાતાં બચી ગયું, ને અમારો જીવ પણ.
આજે આ વાતને ૨૫ વર્ષ વીતી ગયાં છે. અબ્બાસજી અને બાનોબીબીનાં સમાચાર સમય સમય અનુસાર મળતા રહે છે. ઘણીવાર એ જૂનો પ્રસંગ અમને યાદ આવી જાય છે ત્યારે અબ્બાસજી સાથે વાત કરીએ છીએ ત્યારે તેઓ કહે છે કે “ હમ …હમ તો ખુદા કે બંદે હૈ …ઔર રહી બાત આપકી …તો આપકો બચાકે મૈને મેરે ખુદા કે એક બંદે કે લીયે ફર્ઝ અદા કિયા હૈ. કલ કો મૈ જબ મેં ખુદા કે પાસ ખડા રહુંગા તો વોહ ભી મેરે યહ નેક કામ કે લિયે ફક્ર કરેગા ….ઔર…. આપ…..આપ યહ સમઝો કી યહ નઇ ઝીંદગી ખુદાને આપકો દી હૈ અચ્છી તરહ સે આપ ઈસ્તમાલ કરને કે લિયે.
હિન્દુ મુસ્લિમનો ભેદ ભુલાવી પોતાની માનવતા જગાવી અમારા હમદર્દ બનેલાં આ ફરિશ્તાને કહો કેમ ભૂલી શકાય ?
પૂર્વી મોદી મલકાણ.
purvimalkan@yahoo.com
.સુ શ્રી પૂર્વી મોદી મલકાણનો એડ્રનીલ સ્ત્રાવમાં વધારો કરતા બનાવો સાથે હિન્દુ મુસ્લિમનો ભેદ ભુલાવી પોતાની માનવતા જગાવી તેમના હમદર્દ બનેલાં આ ફરિશ્તાની મધુરી યાદો ને માણવાની મઝા આવી
LikeLike