સોણલો મારો સાહેબો – જયશ્રી વિનુ મરચંટ


એક કેફિયત

અમારા લગ્નના ૪૫ વર્ષો પછી અને વિનુની આ ફાની જગતમાંથી વિદાયના બે વર્ષ અને ત્રણ માસ પછી આજે, મારા વ્યવસાયિક, અંગત અને સામાજિક જીવનના વિકાસમાં, મારા પતિ, વિનુના યોગદાન વિષે, અમારા લગ્નજીવનની ખાટી-મીઠી યાદોને વાગોળીને લખવાનું મન છે. મન તો હજીયે માનતું નથી કે એ આમ ઓચિંતા જ એ જગાએ જતા રહ્યા છે જ્યાંથી પાછા આવવાની શક્યાતા જ નથી. એમના વિષે લખતાં મન અને હ્રદયમાં ઊર્મિઓનો વંટોળ પણ ઊઠે છે અને સાથે એવી એક અનુભૂતિ પણ થાય છે કે શાંત સમુદ્રના કાંઠે બેસીને એમની સાથે વાતો કરતાં, આવતી-જતી લહેરો ગણી રહી છું. કદાચ આ લાગણીઓને એક ઓડિયો-વિસ્યુલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં રજુ કરી શકતી હોત! આજે મારે શબ્દોનો સ્નેપશોટ લઈને એને એક છબીમાં મઢીને આપ સહુ સમક્ષ મૂકવાનું મન છે, પણ, કેમ આજે આ મન થયું છે એનું કારણ મને સાચે જ ખબર નથી.

હું અમેરિકાથી ભણીને પાછી ગઈ અને મારા માટે યોગ્ય મુરતિયો શોધવાની ગતિવિધી જોરશોરમાં શરૂ થઈ ગઈ. સગા-વ્હાલા, સ્વજનો, મિત્રો, બધા માટે, એ સમયે એક કુતુહલ હતું કે, ૧૯૬૯-૭૦ માં એક રૂઢિચુસ્ત, ભાટિયા ખાનદાનની ઉમરલાયક ૧૯-૨૦ વર્ષની દિકરી, એકલી અમેરિકા ગઈ અને ત્યાં બે વર્ષ માટે મિશીગનની યુનિવર્સીટીના કેમ્પસ પર ફાર્મસીનું ભણતી હતી અને એ પાછી આવી, એ પણ ફાર્મસીની ડિગ્રી લીધા વિના! કારણ શું હતું, તો પહેલું, એ કે, ત્યાં તબિયત બગડી ગઈ અને અભ્યાસમાં તો મજા આવી પણ ફાર્મસીસ્ટનું કામ કરવામાં, પ્રીસ્ક્રીપ્શન ભરવામાં મજા ન આવી એટલે એ (એટલે કે હું) ફાર્મ.ડી.ની ડીગ્રી લીધા વિના પાછી આવી! એક ભારી કુતુહલ હતું કે શું એક પરંપરાવાદી ભાટિયા પરિવારની આ કન્યા અમેરિકાની પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને આવી હતી કે ભારતીય અને કૌટુંબિક નીતિમત્તાના ધોરણો હજુ વર્તન અને વિચારોમાં અકબંધ રહ્યા હતા? “પિતાજી શ્રીમંત છે, એટલે આવા તાના એને (એટલે કે મને) પોષાય, નહીં તો આવી પૈસે ટકે “છૂટ્ટી” છોકરી કેવી રીતે ઘરમાં ભળી શકશે,” એ બધા જ “અંડર કરંટ” તો હતા જ, પણ એ સાથે, ભાઈનું (પિતાજીનું) નામ મોટું હતું અને એની સાથે એકલી અમેરિકા જઈને ડીગ્રી વિના પાછા ખાલી હાથે આવવાની શરમનું કૌતુક પણ એટલું જ ભારે હતું. મુંબઈના ખાનદાન ગણાતા ભાટિયા પરિવારોમાં લગ્ન જ્ન્મકુંડળી, ઘર, વર અને વ્યવસાય જોઈને થતા હતા. એ સમય ભારતમાં રૂઢિચુસ્તતા અને નવી પેઢીની પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલી સ્વતંત્ર વિચારધારાનો સંધિકાળ હતો. વિનુને મળ્યા પહેલાં હું ચાર “કુકી કટર” જેવા મૂરતિયાઓને મળી ચૂકી હતી. એ ચારેયને મારા વિષે, મારા વિચારો વિષે તો જાણવાનો રસ નહોતો પણ સૌને એટલું જ જાણવું હતું કે મને રસોઈ બનાવતાં આવડે છે કે નહીં, હું અમેરિકામાં “ડેટીંગ” કરતી હતી કે “મીટ” અને ઇંડા ખાતી હતી કે નહીં! તો વળી કોઈક પૂછતું, “તમે કેમ્પસ પર ડ્રગ્સ અને દારૂ પીતા હતા?” હું જો ના કહેતી તો એમના મોઢા પર અવિશ્વાસ આવતો અને એકાદ પોટેન્શિયલ મૂરતિયાએ તો મને એક “ઈન્ટરનેશનલ” અપરાધી હોઉં એવી રીતે જોઈને કહ્યું પણ હતું, “એકાદવાર પણ એકાદ પેગ વ્હીસ્કીનો પણ લીધો ન હોય અમેરિકામાં એકલા કેમ્પસ પર રહીને, એવું કેમ બને?” મને પહેલો સવાલ, સીધેસીધો દરેક મૂરતિયાએ, વિનુ સિવાયના, ચારે ચાર મૂરતિયાઓએ પૂછ્યો હતો કે “તમારો કોઈ બોયફ્રેન્ડ છે કે હતો, ક્યારેય પણ, અહીં કોલેજમાં કે અમેરિકામાં કોલેજમાં હતા ત્યારે?” દરેકને મેં સાચો જવાબ આપ્યો હતો, “મુગ્ધાવસ્થામાં કોઈને માટે “ક્રશ” જરૂર હતો પણ એને બોયફ્રેન્ડ કહેવા જેવું કદીયે કઈં હતું નહીં. આમેય મારે અનેક છોકરાઓ સાથે મૈત્રી છે અને હતી. હું છોકરીઓની કંપનીમાં કપડાં ને ઘરેણાંના શોપિંગની વાતો પણ એન્જોય કરું છું અને પુરુષ મિત્રો સાથે બીજી વાતો કરવાની પણ મને મજા આવે છે.” મને યાદ છે કે એકાદ ઉમેદવારે તો જાણે મોટી મજાક કરી હો એવી રીતે કહ્યું, “તમે છોકરીઓ પાસેથી પોલિટીક્સની, શેરબજારની કે બીઝનેસની વાતોની અપેક્ષા રાખો છો?” ને, પોતે જ હસ્યા કર્યું હતું! મને એ ઘડીએ એ ઉમેદવારને સનસનાટીભર્યો જવાબ આપવાનું મન પણ થયું હતું, પણ, સામાજિક શિષ્ટાચારે મને રોકી રાખી હતી! પિતાજી અને મા નું સીધું Ultimatum હતું કે આ પાંચમાથી જો મને કોઈ એક પસંદ નહીં આવે તો પછી એ પોતાની પસંદગીના છોકરા સાથે મારા લગ્ન નક્કી કરી નાખશે! મા અને ભાઈને આ સમજાવવાનું અઘરૂં હતું કે આ બધા ને મારા વિચારોની કે હું એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે શું છું એ જાણવાની તો પડી જ નહોતી! અરે, એની વાત બાજુ મૂકો, પણ આ ”So Called” લગ્નના ઉમેદવારોને પોતાના ભવિષ્ય માટે સ્વયં પોતે શું વિચારે છે, એના વિષે પણ કોઈ સ્વાયત્ત સોચ હતી જ નહીં. મેં એક સવાલ એ સહુ ઉમેદવારોને પૂછ્યો હતો, “તમે પર્સનલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફ માટે શું વિચાર્યું છે?” લગભગ દરેકે જુદી જુદી રીતે, જુદા જુદા શબ્દોમાં જવાબ તો આપ્યો, પણ, તાત્વિક રીતે તો કઈંક આવું જ કહ્યું, “એમાં વિચારવું શું? વડિલો કહે તેમ કરીશું. ફેમિલીનો આટલો મોટો બીઝનેસ છે, અને યુ નો, ઈન બીઝનેસ, વન કેન નોટ પ્રીડીક્ટ ફ્યુચર. આપણે બસ, ડિગ્રી લેવી હતી કારણ ઘરમાં બધા જ કહેતા હતા ને તે લઈ લીધી. કામ પૂરૂં!”

આવા બધા કારણોને લીધે હું વિનુને મળી ત્યારે એક રીતે તો એરેન્જડ મેરેજ માટેના કઈંક પૂર્વગ્રહના અભિપ્રાયો વચ્ચે મળી હતી. એમની અને મારી ઉંમર વચ્ચે આઠ વર્ષનો ફરક હતો, જેનો મને કે મારા માતા-પિતાને વાંધો નહોતો પણ મારા મોટા બહેનને, મોટાભાઈઓને તથા મોટી ભાભીને થોડોક અચકાટ હતો. એક તો, ઉમરનો ફરક વધુ લાગતો હતો, બીજું, વિનુના બાર ભાઈ-બહેનો હતા અને ત્રીજું, કે કુટુંબમાં બધા જ ભાઈ-બહેનો સ્વતંત્ર વિચારસરણી સાથે “opinionated personalities” ધરાવતા હતાં, જેને કારણે ઘરમાં દલીલો ખૂબ થતી, એટલું જ નહીં પણ એ દલીલો ને મતભેદોની ખબર કોઈક રીતે જ્ઞાતિમાં પણ પહોંચી હતી. એમના નાના ત્રણ ભાઈબહેનો સિવાય, ઘરમાં બાકીના બધાં જ ભાઈબહેનો ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ હતાં અને પોતપોતાની રીતે પોતાના વ્યવસાય અને નોકરીમાં સેટલ હતા. મારા સસરાને જોવાનું સૌભાગ્ય મને નહોતું મળ્યું પણ તેઓ ખૂબ જ સફળ બીઝનેસમેન અને ફાઈનાન્સર હતા. રીયલ એસ્ટેટમાં એમનું પુષ્કળ રોકાણ હતું પણ એ પોતે ખૂબ કરકસર અને સાદાઈમાં જીવ્યા અને સંતાનોને પણ એની જ શીખ આપી હતી. કઈંક અંશે, શ્વસુર પક્ષની છાપ વધુ પડતા કરકસરિયા તરીકેની હતી. મને ભણેલો અને પ્રોફેશનલ જીવનસાથી જોઈતો હતો અને વિનુને મળતી વખતે એમની સી.એ., એલ.એલ.બી. ની ડિગ્રી અને પોતાની પ્રેક્ટીસ હોવાનું કારણ મારે માટે અગત્યનું હતું.  વિનુને મળી ત્યારે આ બધી જ બાબતો તો પૃષ્ઠભૂમિમાં હતી જ પણ મને પોતાને બીજા બધા ઉમેદવારોને મળ્યા પછીનું નૈરાશ્ય પણ હતું. એક ચીડ પણ હતી કે જે પણ મૂરતિયાઓને હું મળી એમાંથી કોઈને પણ મારા અસ્તિત્વમાં કે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે હું શું માનું છું ને શું કરવા ઈચ્છું છું, એ જાણવામાં કોઈ રસ નહોતો. વિનુ અને હું મળ્યા ત્યારે એ વખતે, મેં જ વાતચીત શરૂ કરી. મને યાદ છે, અમે મુંબઈની ડબલ્યુ. આઈ. ક્લબમાં મળ્યાં અને એ ચા-કોફીનો ઓર્ડર આપે એ પહેલાં જ મેં એમને કહ્યું, “જુઓ, આપણે વાત શરૂ કરીએ એ પહેલાં મારે તમને સાફ સાફ કઈં કહેવું છે. હું એકલી અમેરિકા ડોર્મમાં રહેતી હતી કેમ્પસ પર, અમેરિકન રુમમેટ સાથે. મેં મીટ ચાખ્યું પણ નથી પણ ઈંડા ખાતી હતી. મને “ક્રશ” હતો કોઈક માટે કિશોરવયમાં, પણ બોયફ્રેન્ડ કદી નથી રહ્યો. હા, ઘણા બધા બોયસ મારા ફ્રેન્ડ તરીકે આજે પણ છે અને મને એમની સાથે વાતો કરવાની ને ફ્રેન્ડશીપ રાખવાની ગમે પણ છે. મેં આલ્કોહોલ – હાર્ડ લીકર – કે ડ્રગ્સ કદી નથી લીધા પણ બિયર ને વાઈન બે-ચાર વાર ટ્રાય કર્યું છે, પણ એ ડ્રીન્કિંગ ઓકેઝનલી, સોશ્યલ ઈવેન્ટમાં કર્યું હતું. મને હિંદી ફિલ્મો બહુ જ ગમે છે, એક ચસકાની હદ સુધી બોલીવુડ ફિલ્મો ગમે છે, નાટકો ગમે છે અને દરેક પ્રકારનું સંગીત ગમે છે. અને હા, મને સાદી રોજિંદી રસોઈ આવડે છે પણ શોખ નથી રસોડાનો. આજ સુધી જેટલા ભાટિયા છોકરાઓ જોયા એમાંના સહુએ આ જ કોમ્બીનેશનમાં વાતો પૂછી છે. આ બધું જ તમને પહેલાં જ કહી દઉં જેથી આ જ સવાલોના જવાબો આપવામાં તમારો કે મારો સમય ન બગડે.” મારા આ એકપાત્રી સંવાદને વિનુ, આછા સ્મિત સાથે, ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા હતા. પછી એમણે કહ્યું, “પહેલી વાત, કે હું રામ નથી અને મને સીતાજીની શોધ નથી. મને સાથી જોઈએ છે. તમે અને હું જો આ સંબંધમાં બંધાઈએ છીએ તો તમને તમારી મનપસંદના મિત્રો, પછી એ સ્ત્રી હોય કે પુરુષ, એમની સાથે મૈત્રી રાખવા માટે કોઈ સવાલ મને શા માટે હોવો જોઈએ? એ તમારી પોતાની પસંદ છે. અને તમારો ભૂતકાળમાં જો કોઈ બોયફ્રેન્ડ હોય તોયે શું થયું? હું માનું છું કે A man and woman belong to each other. They do not owe each other.” અને એમનું વક્ત્વ્ય ત્યાં પૂરૂં થયું. વિનુ પોતે મિતભાષી હતા અને આ કદાચ એમનો સૌથી લાંબો એકતરફી સંવાદ હતો! એ વખતે મેં પહેલીવાર એમને ધારીને જોયા હતા, ખાસ તો એ જોવા કે પરંપરાવાદી ભાટિયા કુટુંબનો દિકરો આટલી બધી લીબરલ- સુધારાવાદી વાતો આટલા આત્મવિશ્વાસથી કરે છે! અને પછી એમણે મને મારા અમેરિકાના અભ્યાસ વિષે, મારી યુનિવર્સીટીના અનુભવો વિષે તેમ જ મારા કુટુંબ માટેની મારી ભાવનાઓ અને મારા અહીંના ને અમેરિકાના મિત્રો વિશે ખૂબ જ રસપૂર્વક પ્રશ્નો પૂછ્યા ને વાતો કરી. પોતે સી.એ. એલ.એલ.બી. હોવાથી મેડીસીન અને એને લગતી બીજી બધી વિજ્ઞાનની શાખાઓ વિષે એમને જાણકારી નથી આથી મારી પાસેથી એમને મારા અભ્યાસના ક્ષેત્ર વિષે સાંભળવાનું એમને મન હતું અને ખરેખર, ખૂબ જ રસપૂર્વક મારી વાતો એમણે સાંભળી. (જોકે લગ્ન પછી એમણે કહ્યું હતું કે હું વધુમાં વધુ સમય ત્યાં એમની સાથે રહું એમાં એમને વધુ રસ હતો! ને, સાથે, પોતાને બહુ બોલવાની ટેવ પણ નહોતી! આથી આ રીતે, હું બોલતી રહી ને એ મને જોતાં રહ્યાં એટલું જ નહીં, પણ ત્યાં સુધી એમને પણ બોલવું ન પડ્યું!) અમારી વાતો ચાલતી હતી ને મેં એમને કહ્યું કે, “હું ભણી છું વિજ્ઞાન પણ જીવ સાહિત્યનો છે.” એ સાંભળતાં જ એમની મુખની કાંતિ એકદમ જ ચમકી ઊઠી. જ્યારે એમને ખબર પડી કે મને ગુજરાતી સાહિત્યમાં રસ છે તે પછી તો ક.મા. મુનશીથી માંડી ચંદ્રકાંત બક્ષી, ર.વ. દેસાઈ, સુરેશ જોષી, ઉમાશંકર, કાન્ત અને બ.ક.ઠાકોરથી માંડી કલાપી ને સુરેશ દલાલ ને હરીન્દ્રભાઈ દવેના સાહિત્ય સર્જનની વાતો કરી. વિનુ માત્ર બહુશ્રુત જ નહોતા પણ ગુજરાતી અને હિન્દી સાહિત્યનું વાંચન બહુ વિશાળ હતું અને હિન્દી ને ઉર્દુ ની કોવિદની પરીક્ષા પણ પાસ કરી હતી. ત્રણ થી ચાર કલાક સુધીની અમારી એ પહેલી મુલાકાતની વાતચીત હજુ મારા મનમાં એટલી જ તાજી છે જાણે કે ગઈ કાલની વાત હોય! પછી તો, એમણે એમના બહોળા કુટુંબની વાતો કરી, એટલું જ નહીં પણ કુટુંબમાં ચાલતા “અંડર કરન્ટ”ની વાતો ખૂબ જ નિખાલસતાથી કરી. એમની એક વાત તે સમય માટે રીવોલ્યુશનરી હતી. એમણે ત્યારે કહ્યું હતું કે,” હું જ્યારે ભાટિયા કુટુંબોમાં પુરુષો કે દિકરાઓની તાનાશાહી જોઉં છું કે પત્નીઓ પર “આર્ય-પતિ” બનીને હુકમ ચલાવતાં જોઉં છું તો ખૂબ ખરાબ લાગે છે કે આપાણા સમાજમાં સ્ત્રી-પુરુષો અને દિકરા-દિકરીઓ વચ્ચેના વ્યવહારમાં સમાનતા ક્યારે આવશે?” હું એમના આ વિચારોની જ્વાળાથી સદંતર અંજાઈ ગઈ હતી. અમને બેઉને તે પછી કશું જ યાદ ન આવ્યું કે અમારા વચ્ચે આઠ વરસનો તફાવત છે, રહેણી-કરણી, ઉછેર, વિચારસરણી કે કુટુંબોની આર્થિક ફિલોસોફીમાં પણ આસમાન જમીનનો ફરક છે! મારા મનમાં એ અને એમના વિચારો વસી ગયા હતા. અમારી સગાઈ એકાદ મહિનો રહી હતી. આ સમય દરમ્યાન અમે ફોન પર બહુ ટૂંકી વાત કરતા, અને એ પણ, તે દિવસે, ક્યાં અને કેટલા વાગે મળવાના હતાં, એટલી જ વાત થતી. એક મહિનાના આ ટૂંકા સમયમાં અમે રોજ જ મળતાં અને અમને રોજ સમય ઓછો પડતો. ધીરે ધીરે એમના ભાવવિશ્વનો અને મનોવિશ્વનો ઉઘાડ થતો હતો. પછી તો, એક જ મહિનાના ટૂંકા સગાઈના ગાળા બાદ, સાવ સાદાઈથી મુંબઈના આર્યસમાજ મંદિરમાં માત્ર નજીકના કુટુંબીઓની અને નજદીકના મિત્રોની હાજરીમાં એક કલાકમાં લગ્ન-વિધી પતાવીને અમે દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી.

(વધુ આવતી કાલે)

6 thoughts on “સોણલો મારો સાહેબો – જયશ્રી વિનુ મરચંટ

  1. ‘ સોણલો મારો સાહેબો ‘ – સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો લગ્નજીવનની ખાટી-મીઠી યાદોનો મધુરો લેખ

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s