સોણલો મારો સાહેબો – પાર્ટ ૩ – જયશ્રી વિનુ મરચંટ


કેફિયત – પાર્ટ ૩

અમેરિકા આવ્યા પહેલાંના એક વર્ષ દરમિયાન, મેં મારી ક્લીનીકલ પેથોલોજીની લેબ, અમારા ફેમિલી ડોક્ટર સાથે કરી હતી. લેબ અમારા ભારતના પેડર રોડના એપાર્ટમેન્ટ બિલ્ડીંગની બહાર જ હતી અને રોડ પર જ એનું પ્રવેશ દ્વાર પડતું, હું મારી પોતાની લેબમાં સવારના આઠ વાગ્યાથી બપોરના સાડાત્રણ સુધી કામ કરતી ત્યારે, વિનુની “આર્યપતિ” તરીકે કોઈ એવી રસોઈ માટે કે ખાવા-પીવા માટેની ખસિયતો કે માંગણી ક્યારેય રહી નહોતી અને એથી જ હું બહાર જોબ પણ કરી શકી. એ સાથે, મારા પોતાના વાંચનના અને લેખનના શોખને વ્યક્તિગત રીતે વિકસાવી પણ શકી હતી. લગ્નના શરૂઆતના વર્ષોમાં, મને ઘરખર્ચ અને પૈસાની બહુ સમજ નહોતી. વિનુ મહિનાની શરૂઆતમાં ઘર ખર્ચ માટે પૈસા આપતા પણ જો વપરાઈ જાય તો હું કહેતી કે, “કાલે ઘરે આવો ત્યારે પૈસા લઈ આવજો” ને એમનો એકાક્ષરી જવાબ રહેતો, “ભલે.”. ને પૈસા સાંજના આવી પણ જતાં. એમણે મને કદી પૂછ્યું નહોતું કે હું ક્યાં પૈસા વાપરું છું અને બજેટ કે હિસાબથી વધારાના રુપિયા શેને માટે જોઈએ છે! આજે પાછળ નજર નાખીને જોઉં છું ત્યારે મને હવે થાય છે કે એમણે મારી નાદાનિયત અને રુપિયા ને ઘરખર્ચની નાસમજણને પ્રેમપૂર્વક સાચવી લીધી હતી. અમારા લગ્નજીવનના શરૂઆતના સમયમાં, કદાચ જાન્યુઆરી કે ફેબ્રુઆરી ૧૯૭૩માં, બે એકવાર નજીકના સ્વજનોએ વિનુને કહ્યું કે,”જો, બૈરીને ટ્રેઈન કરીને અત્યારથી જ કંન્ટ્રોલ કર, દાબમાં રાખ, તારા કહ્યામાં રાખ, નહીં તો પાછળથી માથે ચડી બેસશે!” એમણે ત્યારે સ્પષ્ટ કહ્યું હતું, “જયશ્રી કઈં પાળેલું પ્રાણી થોડી છે કે એને ટ્રેઈન કરીને કંન્ટ્રોલમાં અને મારા કહ્યામાં કે દાબમાં રાખું! એ કોઈકની દિકરી છે અને હવે અમારું બાળક પણ આવવાનું છે. એ પોતે સમજદાર છે. તમે ચિંતા ન કરશો.” વિનુએ તો આ વાત મને કહી ન હતી પણ મારા સાસુએ આ વાતો વિગતવાર કરી હતી. એક વાત એટલી સાચી પણ હતી કે અમારા બેઉ વચ્ચે દરેક બાબતમાં, સહમતિ કે સંમતિ નહોતી પણ એમના જીવનના છેલ્લા દિવસ સુધી અમારી વચ્ચેની સહજ મૈત્રી કે મૈત્રીની સહજતા એક અડીખમ વિશ્વાસ સાથે અતૂટ રહી હતી. કદાચ આ સહજતાએ જ અમારા સાયુજ્યને અનેક કપરા અને વસમા સંજોગોમાં ધબકતું રાખ્યું હતું? કોને ખબર!

અમેરિકા આવ્યા બાદ પણ એમણે ખભેખભો મિલાવીને જ મારી સાથે કામ કર્યું હતું. ભારતમાં કે અમેરિકામાં જ્યારે અમે સખીઓ પોતાના પતિદેવો વિના મળતી ત્યારે બધાની હરીફરીને એક સર્વ સામાન્ય ફરિયાદ રહેતી કે એમના પતિ ઘરના કામકાજમાં કોઈ જ મદદ નથી કરતા તે વખતે મારે ચૂપ જ રહેવું પડતું અને કઈં બોલવા જાઉં તે પહેલાં જ સખીઓ કહેતી, ”તું તો બોલતી જ નહીં!” ખરેખર, વિનુની એ બાબતમાં હું કોઈ ફરિયાદ કરી શકું એમ હતું નહીં, એ વાત એકદમ જ સાચી હતી. મારી એક ખૂબ જ વ્હાલી સખી કહેતી, “જયુબેન, તમારે માટે વિનુભાઈ કદાચ ફરિયાદ કરે તો એ અમે બધાં જ સમજી શકીએ હોં!” અને મારી પાસે કૃત્રિમ ગુસ્સો કરવા સિવાય બીજો કોઈ અપવાદ પણ નહોતો. તો, ક્યારેક, અમેરિકાની મારી અને એમની સખીઓ વિનુને કહેતી, “વિનુભાઈ, તમે સમર કેમ્પ કરો તો અમે અમારા વરોને ત્યાં ટ્રેઈન કરવા મોકલી આપીએ કે પત્નીને મદદ કેમ કરવી!”

આજે આ વાતને ખુલ્લેઆમ કહી શકું છું કે ક્યારેક મને એવું લાગતું કે વતનમાં શું કે પરદેશમાં, ઘરનાં સ્વજનો કે અમુક મિત્રો આ બાબતે વિનુની મશ્કરીઓ કરતા હતાં. મને સમજ પડતી હતી કે પોતાના જ લોકો એમની વરવી મજાક કરે છે ને મારું મન દુભાતું. હું એમને કહેતી, “તમે આ બધા જજમેન્ટલ લોકો- ભલે એ પછી આપણા ઘરના હોય કે આપણા મિત્રો હોય – એ સૌની સામે આમ ઘરના કામ મારી સાથે ન કરો. મને નથી ગમતું કે બધા તમને પુરુષ તરીકે કે પતિ તરીકે આ “so called macho men” ની એરણ પર ઊતરતા ગણે છે.” મને એ માત્ર એમની “સિક્કા સ્ટાઈલ”માં (આ શબ્દ એમણે બનાવ્યો છે!) એટલું જ કહેતા, હસીને, ”તું શું માને છે?” હું અને વિનુ બેઉ હસી પડતાં અને વાત ત્યાં જ પૂરી થઈ જતી! આજે આ બધા વિચારો આવે છે, ત્યારે થાય છે કે સાચે જ અનેક વિપરીત સંજોગો અને પરિસ્થિતિઓમાં અમારી વચ્ચે કોઈ તો એક એવો અણતૂટ્યો તાર હતો જેના થકી અમે એકમેકના મનને સમજી શકતા હતા. આ જ અમારા લગ્નજીવનની અદીઠ ચાવી હતી જેના થકી અમે, સારી કે ખરાબ, એકએક ક્ષણના વિસ્મયના પટારાને ખોલીને, અચરજની મોજ માણી શકતા.

અમે વતનમાં લગ્ન પછી સાત વર્ષ રહ્યાં હતાં. અમારા માટે એક બહુ મોટો નિર્ણય હતો કે અમે આટલું બધું હોડમાં મૂકીને અમેરિકા ગ્રીન કાર્ડ મળ્યું હતું એટલે જતાં હતાં. અમારો પોતાનો સાઉથ મુંબઈમાં ઓનરશીપનો ફ્લેટ હતો. એમની પોતાની સી.એ.ની પ્રેકટીસ છેલ્લા નવ વરસથી હતી, (જે હવે કાખઘોડી છોડીને પૂરી સ્પીડમાં દોડવાનો પ્રારંભ પણ કરી ચૂકી હતી) અને એક વરસથી હું મારી પોતાની લેબ ચલાવતી હતી. અમારું અંગત અને વ્યવસાયી મિત્રમંડળ મજાનું હતું. બેઉ તરફના કુટુંબમાં પણ એક અલગ- નાવીન્ય સભર સંવાદિતા અને પોતાપણું અમારા માટે અને અમારા સંતાનો માટે હતું. કોઈ જ દેખીતું કારણ ન હતું આ બધું જ છોડીને નવા દેશમાં, કોઈ પણ પ્રકારની સુરક્ષિતા વિના જવાનું અને નવેસરથી પાછા સેટલ થવાની સ્ટ્રગલ કરવાનું પણ સરળ નહોતુ. અમેરિકામાં જીમી કાર્ટરની પ્રેસીડન્સીનો એ સમય રીસેસન અને ખૂબ જ અંધાધૂંધીનો હતો. વિનુએ ૧૯૭૦માં, ગ્રીન કાર્ડ માટે, થર્ડ પ્રેફરન્સમાં- ઉચ્ચ અભ્યાસના ક્વોટામાં અરજી કરી હતી ને તે સમયના કાયદા પ્રમાણે, ૧૯૭૨, નવેમ્બરમાં ગ્રીન કાર્ડની મંજૂરી મળી ગઈ હતી. અમારા લગ્નને ત્યારે માત્ર ત્રણ-ચાર માસ થયા હતા. હું ભણવા માટે અમેરિકા બે વરસ રહી આવી હતી. મને ત્યાંની જિંદગીની ખૂબ જ મહેનત અને કર્મયોગને સફળતા માટે સદંતર રીતે સંપૂર્ણ સમર્પણ કરવાની ધગશનો પણ ખ્યાલ હતો તથા કુટુંબથી અને સ્વજનોથી દૂર રહીને એકલતાના મહાસાગરમાં એકલા તરવાનો અનુભવ હું લઈ ચૂકી હતી! ને, હવે, હું લગ્ન પછી તરત ત્યાં પાછી જવા માટે તૈયાર ન હતી. અમે બેઉએ નક્કી કર્યું કે હમણાં નથી જવું, પછીથી વિચારીશું અને એમણે એ રીતે અમેરિકન એમ્બેસીને પત્ર લખ્યો કે અમે અમેરિકા હમણાં નહીં જઈ શકીશું કારણ પરિવારમાં ઈમરજન્સી સંજોગોમાં અમારું ભારતમાં રહેવું જરૂરી હતું. એમણે પત્રમાં એ પણ પૂછ્યું હતું કે કઈ છેલ્લી તારીખ સુધી અમારે અમારો નિર્ણય જણાવવો પડશે? એમ્બેસીમાંથી એના જવાબ આવ્યો જેમાં લખ્યું હતું કે ઓક્ટોબરની ૩૧, ૧૯૭૯ સુધી જ અમારી ફાઈલ ખુલ્લી રહેવાની હતી અને જો ત્યાં સુધી અમેરિકા ન આવ્યા તો ગ્રીન કાર્ડ જતું કરવું પડે એમ હતું. વિનુને હંમેશાં અમેરિકા જવાની પ્રબળ ઈચ્છા હતી. બસ, તે સમયે, જે રીતે સાચી લાગી તે રીતે વ્યવસ્થા કરીને અમે અમેરિકા આવ્યા.

અમેરિકા આવ્યાને દસ જ મહિના થયા હતા. તે દિવસે વિનુ સવારના કામ પર જતાં હતાં, ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે, ડાબી બાજુ વળાંક લેતાં, એક કાર ડ્રાઈવરે એમને ટક્કર મારી અને ખૂબ જ મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માત અમારા જીવનને અને જિંદગીની ડગર કાયમ માટે બદલી ગયો. સવારના સાડા સાતે વાગે, ફિલાડેલ્ફિયાના સીટીલાઈન એવેન્યુ – શહેરનો ધોરી માર્ગ – પર ૧૯ વર્ષના કોલેજિયનની નજર અંદાજની ચૂકથી આ અકસ્માત સર્જાયો હતો. ત્યાં હાજર રહેલા લોકોએ પોલિસને કહ્યું હતું કે ડાબી બાજુ સ્પીડમાં વળાંક લેતી વખતે, વિનુ અન્ય રાહચાલકો સાથે ગ્રીન લાઈટમાં રસ્તો ક્રોસ કરતા હતા ને ગાડીની હડફેટે આવી ગયા અને ૨૦ ફૂટ હવામાં ઉછળીને સામી બાજુ પડ્યા! સામી બાજૂથી બસ આવતી હતી અને બસના ટાયર પાસે પડ્યા. જો બસ ડ્રાઈવરની સમયસૂચકતા ન હોત તો એમનો બચી જવાનો કોઈ અવકાશ જ ન હતો. એ એક્સીડન્ટ પછી, અનેક સ્વજનો સમા મિત્રોની સહાય અને હૂંફને લીધે તથા અમેરિકાના છેલ્લામાં છેલ્લા તબીબી સંશોધનો સભરની સારવારને લીધે ત્રણ વર્ષ પછી એ સાજા થયા. પરંતુ આ ત્રણ વર્ષો વિનુ માટે, મારા માટે અને મારા સંતાનો માટે એક મોટી શીખ બનીને આવ્યા. વિનુ એક વર્ષ સુધી બેઉ પગ પર ચાલવા સમર્થ ન હતા. ડોક્ટરો અને મોર્ડન શસ્ત્રક્રિયાઓની મદદથી એ પાછા બોલતા થયા, ઊભા થયા પણ ચાલતાં હજુ શીખવાનું હતું. ધીરે ધીરે, દરેક અવરોધોનો પ્રતિકાર કરવાની સમજ અને હિંમત એ મને આપતાં રહ્યાં. હું તો ઘણી વખત સાવ જ નાહિંમત થઈ જતી અને ગભરાઈ જતી. અમારા બાળકો પાંચ અને છ વરસના જ હતા પણ એ બેઉને આ સમય એકદમ જ સમજદાર બનાવી ગયો હતો. આ એક્સીડન્ટના આઘાતે અમને લાગણીબધિર બનાવી દીધાં હતાં પણ એ સાથે અમારા ચારેય માટે એ સમય અમને એક કદીયે ન તૂટી શકે એવા બંધનમાં બાંધી ગયો. અમારા ચારેય વચ્ચેનો આ કાચા તાંતણાથી બંધાયેલો સમય અમારી જીવાદોરી બનીને સદા રહ્યો.  વિનુનું કામ પર જવાનું બંધ થયું હતું. એમનો પગાર આવતો બંધ થયો હતો. એ ટાઈમના કાયદા પ્રમાણે, કેસ પતે નહીં ત્યાં સુધી પગારનો નિવેડો પણ આવવાનો ન હતો. વકીલોના કહેવા પ્રમાણે એકાદ વરસ તો ઓછમાં ઓછું લાગવાનું હતું. એ દરમ્યાન, મારી સ્વૈચ્છિક તાલિમ – વોલેન્ટરી ટ્રેનિંગ – હોસ્પિટલની લેબોરેટરીમાં પૂરી થઈ અને મને સાંજની અને રાતની પાળીમાં ઘરથી બે માઈલ જ દૂર, હોસ્પિટલની ક્લીનીકલ લેબોરેટરીમાં નોકરી મળી. વિનુ આ એક્સીડન્ટ પછી ક્રચીસ સાથે ઘરમાં જ હતા, આથી જ હું શીફ્ટમાં કામ કરી શકી. મને હજી યાદ છે કે હું રાતની શિફ્ટમાં કામ કરતી હતી ત્યારે સવારના સાત વાગે આવીને, દિકરીને અને દિકરાને સ્કૂલમાં આઠ વાગે મૂકી આવતી અને પછી સૂઈ જતી. વિનુ મને સાડા અગિયાર વાગે જગાડતા. બાર વાગે દિકરાને પાછો લાવતી. એ સમય સુધીમાં વિનુ ક્રચીસ- કાખઘોડી – પર એક બે પગલાં ધીરે ધીરે ચાલીને, મારા માટે ચા બનાવી મૂકતા, પોતા માટે, દિકરા માટે અને મારા માટે લંચ બનાવીને તૈયાર રાખતા જેથી મને આરામ માટે પણ સમય મળે. સાડા ત્રણ વાગે ફરી સ્કૂલમાં જઈ દિકરીને લઈ આવતી. બેઉ બાળકોનું હોમ વર્ક અને અભ્યાસની મને જરાયે ચિંતા નહોતી. વિનુ જ્યારે હોમવર્ક અને અભ્યાસ કરવતા ત્યારે હું બહારના કામ પતાવી લેતી. ને પછી સાંજના બાળકો બહાર નીચે પાર્કમાં રમવા જતાં અથવા ઘરમાં ટી.વી. જોતાં, અને અમે બેઉ રસોઈ કરી, બાળકોને જમાડી, નિત્યક્ર્મ પતાવી, એમને સૂવડાવવા પહેલાં પુસ્તકો વાંચતાં. સોમથી શુક્રવાર સુધીનો આ રુટિન જેમ પહેલાં કહ્યું તેમ, લાગણીબધીરતાને લીધે જ રાખી શક્યા હતાં. એ સમય ઈમરજન્સી પછીના ભારતના ખૂબ જ મુશ્કિલ કાયદાઓનો હતો. એમાંનો એક કાયદો એવો હતો જેને કારણે વતનથી- ભારતમાંથી કાનૂની રીતે પૈસા લાવવા શક્ય જ ન હતા. તે સમયે, અમેરિકાના, ફિલાડેલ્ફિયાના સહુ હમવતનીઓ અને મિત્રોના સહકાર ને સહાયને લીધે અમે ટકી શક્યા. એ સહુનો પાડ હું માનું એટલો ઓછો છે. મારો પગાર એ વખતે કલાકના $૩.૬૧ નો હતો! વિનુનો પગાર, ૧૯૭૯-૮૦માં, ત્યારે વરસના $૧૬,૫૦૦ હતો. વિનુ ઘરે હતા અને એમનો પગાર બંધ થઈ જતાં, મારે ઓવરટાઈમ પણ હોસ્પિટલમાં કરવો પડતો. વિનુ મને અને બાળકોને મૂંગે મોઢે, વાંસા પર હાથ ફેરવીને સદા બળ આપતાં, જે અમને અહેસાસ કરાવતાં કે, “હું છું ને, બધું જ સારું થશે.” જે હું, ને મારા સંતાનો, જેસલ અને ભાવિન આજે જ્યારે યાદ કરીએ છીએ ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે. વિનુ, તમારો એ હાથ આજે એકવાર અમારા મસ્તક પર તમારો હાથ મૂકો ને બસ, એકવાર….! એ તકલીફોનો સમય અમને અતૂટ બંધનમાં બાંધી ગયો, અને, આ સમયને લીધે જ, ત્યાર પછી અનેક એવી જિંદગીની આધિ, વ્યાધિ અને ઉપાધિ આવી અને મોટા મતભેદો પણ થયાં પણ દરેક ટાણે, અમે મનભેદ વિના એમાંથી બહાર નીકળ્યાં છીએ. એ સમયની યાદ કરતાં મને “કૈફ”નો શેર યાદ આવે છે,

“ગુલસે લિપટી હુઈ તિતલીકો હટાકર દેખો!
  આંધિયાં તુમને દરખતોંકો ગિરાયા હોગા!”

વિનુને એક્સીડન્ટમાંથી સાજા થવા માટે ત્રણ શસ્ત્રક્રિયાઓ કરાવવી પડી હતી, જેને લીધે પગના જોઈન્ટસમાં અને કરોડરજ્જુમાં એક્યુટ આર્થાઈટીસ આજીવન માટે ઘર કરી ગયું હતું. આ આર્થાઈટીસને કારણે વિનુને આજીવન સખત દુખાવો રહ્યો હતો પણ એમના મુખ પર કદી એમણે બિમારીના બિચારાપણાને પોતાની પાસે ફરકવા પણ દીધું નહોતું. મને એક પ્રસંગ યાદ આવે છે. તે દિવસે, શુક્રવારે રાતના સાડા અગિયારે હું સાંજની શિફ્ટ પૂરી કરીને ઘરે આવી હતી. બાળકો સૂઈ ગયા હતા. વિનુને તે દિવસો દરમિયાન, રાતના ગરમ પાણીનો શેક નિયમિત કરવો પડતો. નહીં તો દવા સાથે પણ એ સૂઈ શકતા ન હતા. હું ઘરે આવી ત્યારે એમની ગરમ પાણીની બેગ નીચેના માળે રસોડામાં હતી. હું સૂવા માટે ઉપર ગઈ ત્યારે એમાં ગરમ પાણી ભરીને લઈ ગઈ હતી. વિનુએ થોડા નારાજ થઈને કહ્યું, ”હું નીચે જઈને લઈ આવત. સોરી, રહી ગયું, પણ તું આટલી થાકેલી હોય ને મારું આવું કામ કરે એ મને નથી ગમતું. હું હજુ પાંગળો નથી થયો! તું બાર કલાક કામ કરીને આવી છે. આરામ કર. ત્યાં બ્લડ લેવા માટે અને લેબમાં ટેસ્ટ કરવા એકસરખી આઠ થી દસ કલાક ઊભી રહે છે, મારી ફિકર નહીં કર.” ખરેખર, કોઈ જો એમનું કામ કરે કે એમને માટે કરે એ વિનુને જરા પણ પસંદ નહોતું. બાળકોને પણ કદીયે, – મોટા થતાં હતાં ત્યારે કે મોટા થઈ ગયા પછી- એમણે કોઈ કામ સોંપ્યું નહોતું. એ વિશે એમની સાથે મારે કાયમ ચડભઢ થયા કરતી કે “કદીક બાળકોને જવાબદારી શીખવાડો અને ઘરના કામ, બેંક કે પછી બીજા કામો સોંપો જેથી એમને પણ સમજ પડે કે બહારની દુનિયામાં જીવવું સરળ નથી.” પણ વિનુએ કદી જ કોઈ કામ, અરે એક ગ્લાસ પાણી આપવાનું પણ ન તો મારી દિકરીને કહ્યું કે ન તો દિકરાને કહ્યું હતું. On the Contrary, અમારા સંતાનો મોટા થયા અને જુદા જુદા શહેરોમાં કામકાજે વળગ્યાં પછી પણ જ્યારે અમારા ઘરે આવતાં તો સામે વિનુ એમનું કામ કરી આપવા તત્પર રહેતા. વિનુ માટે એમના સંતાનો એમના શ્વાસ ને પ્રાણ હતાં. હું એમનું મન હતી. વિનુ એ કદી શબ્દોમાં જાહેર નહોતા કરતા, પણ, અમે ત્રણેય – હું, જેસલ અને ભાવિન – આ વાતને અંતરથી સમજતા હતાં. એનો અર્થ એ પણ નથી કે અમારી બેઉ વચ્ચે કે અમારા ચારેય વચ્ચે કદી મતભેદ નહોતાં થતાં. અનેક વાર ખૂબ જ ગરમાગરમ દલીલો પણ થઈ જતી અને વિનુ આ દરમિયાન પણ એમને જે કહેવાનું હોય તે થોડા શબ્દોમાં કહી દેતા અને જો વધુ ક્રોધ આવ્યો હોય તો થોડીવાર માટે ઘરની બહાર જતા રહેતા. પણ, મારી એક નબળાઈ રહી કે મને જલદી ગુસ્સો નહોતો આવતો પણ જ્યારે આવે ત્યારે હું ગુસ્સામાં વધારે પડતું, ઘણી વાર મન દુખાય એવું બોલી જતી, એ છતાંયે વિનુ ને બાળકો મને માફ પણ કરી દેતાં. ગુસ્સો શાંત થતાં, હું માફી માગી લેતી.  મને, મારાથી નાના હોય કે મોટા હોય, માફી માગવાની કદીયે શરમ નહોતી આવતી અને આજેય નથી. હા, એમના ગયા પછી મારા એ ક્રોધને શમાવનારા ન હોવાથી હવે ગુસ્સામાં ગમે તેમ બોલવામાં પણ મજા નથી રહી.

વિનુ એમના એ એક્સીડન્ટના ત્રણ વરસ પછી, પાછા પબ્લીક એકાઉન્ટીંગ કંપનીમાં સિનીયર એકાઉન્ટટન્ટ તરીકે કામ પર ગયા પણ એમની તબિયતની મર્યાદાને લીધે એમની વ્યવસાયિક પ્રગતિ પર પણ અસર થઈ હતી. એમનો એ જોબ ઓડિટરનો હતો અને એમને બહારગામ જવાનું ખૂબ જ રહેતું. એક “ઉફ” પણ કર્યા વિના એ કામ કરતા રહેતા. મને યાદ છે કે ૧૯૮૨-૮૩ની એ સમયગાળામાં જ ગુજરાતી લિટરલી સોસાયટી ઓફ ધ નોર્થ અમેરિકા સ્વ. શ્રી મણિભાઈ જોષીના નેતૃત્વ સાથે અને આદરણીય કવયિત્રી પન્નાબેન નાયક ને ડો. મધુસુદન કાપડિયાના સહકારથી ન્યુયોર્કમાં સ્થાપવામાં આવી હતી. શરૂઆતના વર્ષોમાં હું જેટલો ઓવરટાઈમ મળે એટલો કરતી હતી. અઠવાડિયાના ૫૦ થી ૬૦ કલાકના કામ પછી, હું ક્યારેક આ એકધારી ઘટમાળથી ખૂબ થાકી જતી ત્યારે વિનુ મને ખાસ કહેતા, “દર બે કે ત્રણ મહિને ગુજરાતી લિટરલી સોસાયટી ઓફ ધ નોર્થ અમેરિકાની જે બેઠક થાય છે તેમાં તું પન્નાબેન સાથે જા. હું બાળકો સાથે ઘરે છું.” આ ક્રમ મારે માટે જીવતદાનના વરદાન સમો હતો અને આ પ્રોગ્રામોમાં જઈને હું મારી સાથે મને મળી આવતી હતી, એમ કહોને કે મને “રી-સેટ” કરીને પાછી ફરતી હતી.

(વધુ આવતી કાલે – છેલ્લો હપ્તો)

3 thoughts on “સોણલો મારો સાહેબો – પાર્ટ ૩ – જયશ્રી વિનુ મરચંટ

  1. લગ્નજીવનના મધુરા સંભારણા જેવા પ્રસંગો વચ્ચે એક્સીડન્ટના આઘાતજનક પ્રસંગ બાદ પણ સાતમું પદ-
    सखा सप्तपदी भव । સહજ મૈત્રી કે મૈત્રીની સહજતા એક અડીખમ વિશ્વાસ સાથે અતૂટ રહી… તે દાસ્તાંએ આંખ નમ કરી.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s