‘સોનેરી સાંજ’નો પ્રતિભાવ આસ્વાદરૂપે-વલીભાઈ મુસા
દેવિકાબેન ઘ્રુવને મારી તાજેતરની અમેરિકાની મુલાકાત ટાણે હ્યુસ્ટનનિવાસી સાહિત્યસર્જકો વચ્ચે મળવાનું થયું. સર્વેએ સ્વમુખે પોતપોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો તો ખરો, પણ એક સાથે બધું યાદ ન રહે તે સ્વાભાવિક છે. ભારત પાછા ફર્યા પછી જે કોઈ બ્લોગર ભાઈબહેન હતાં તેમના બ્લોગે જઈને તેમના વિષેની વિશેષ જાણકારી મેળવી લીધી. દેવિકાબેનના બ્લોગ ઉપરની તેમની તાજેતરની નીચેની ગઝલ નજરે ચઢી અને મારો માંહ્યલો વિવેચકીઓ જીવ કોઈક પ્રતિભાવ આપવા ઊંચાનીચો થવા માંડ્યો. મારા પ્રતિભાવને ખુદ દેવિકાબેને અને અન્ય વાંચકોએ બિરદાવતા પ્રતિભાવો આપ્યા અને લાલચ થઈ કે એ ગઝલ અને તેના ઉપરના મારા પ્રતિભાવને મારા બ્લોગ અને તે થકી મારી સૂચિત ગુજરાતી ઈ-બુક ‘મારી નજરે’માં સમાવી દઉં. બ્લોગીંગનો Protocol જાળવતાં મેં દેવિકાબેનની અનુમતિ માગી અને તેમણે સહર્ષ આપી પણ દીધી.
ચાલો તો, આપણે પહેલાં ગઝલને માણી લઈએ.
વલીભાઈ મુસા-
વાત લાવી છું.. ( વિષમ છંદ-ષટકલ ૨૨ )
સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ, સો વાર લાવી છું….
– દેવિકાબેન ધ્રુવ (શબ્દોને પાલવડે)
મારો પ્રતિભાવ- ( વર્ષ ૨૦૧૧)
પુનરાવર્તિત વાંચન છતાંય અતૃપ્ત જ રાખતી આ મનહર રચના હૃદયવીણાના તાર ઝણઝણવી ગઈ. કૃતિના અંતિમ ચરણે આવતાં સુધી રહસ્યમાં અટવાયા કરીએ કે આ વાત, આશ, રાગ, હરિત પાન, લાગણીના હાર કે ભાવભીની આંખ કવયિત્રી લાવે છે કોના માટે! અંતે ‘પ્રભુ’ શબ્દે રહસ્ય છતું થાય કે એ સઘળું તો પ્રભુ માટે જ અને એ પણ વિવિધ પ્રકારના પ્રસાદો હોય તેમ જ! અંતિમ કડીમાંનો અંતિમ પ્રસાદ તો અતિ મુલ્યવાન! કોમળ ભાવયુક્ત ભક્તિગાન! એક વાર નહિ, પણ સો વાર; એટલે કે વારંવાર! ભાઈશ્રી સુરેશ જાનીના પ્રતિભાવમાંના શબ્દ ‘માનસપૂજા’ ની જેમ જ આ ‘મૂક ભક્તિગાન’, બંધ હોઠનું ગાન, બાવન અક્ષર બહારનું ગાન! આ ગાન મનમાં જ અભિવ્યક્ત થાય અને નમન પણ મનોમન જ થાય;બાહ્ય ચેષ્ટાત્મક તો નહિ જ, નહિ!
મારા પ્રતિભાવના સમાપને કૃતિની સમાપનપંક્તિઓને હું ગણગણ્યા વગર નહિ રહી શકું કે “મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં;પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું”
ધન્યવાદ, સંપૂર્ણતયા પરિપક્વ અને ભાવવાહી સર્જન બદલ.
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
.
.
સુ શ્રી દેવિકા ધ્રુવની ‘સોનેરી સાંજ’નો વલીભાઈ મુસા દ્વારા સરસ આસ્વાદ
LikeLike
ખૂબ સરસ ગઝલ.
LikeLike
દેવિકાબેનની કાવ્યકલ્પનાને સમજવા વલીભાઈ વહારે આવ્યા એની મજા કાવ્યની સમજુણમાં મળી! નહિતર એ સમજવા ન મળતે. બંનેને મારા હાર્દિક અભિનંદન!
LikeLike