હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી — (Courtesy: bombaysamachaar.com)


“કોઈની બુદ્ધિના પાંજરામાં
લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું મને મંજૂર નથીઃ
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી…!”

કવયિત્રી પન્ના નાયકનો ચહેરો યાદ કરતાં દરેક સાહિત્યપ્રેમી, કવિતાપ્રેમીને એમની ઉપરોક્ત બોલ્ડ કવિતા યાદ આવ્યા વિના રહે નહીં. વર્ષો પહેલાં વડોદરામાં રહેતી મારી કવિ મિત્ર પારૂલ મહેતાના અવાજમાં આ કાવ્યપઠન સાંભળ્યું હતું ત્યારથી પન્નાબહેનની ‘બોલ્ડ એન્ડ બ્યુટિફુલ’ની ઈમેજ પર મહોર લાગી ગઈ હતી. મળ્યાં પછી એમની વિદ્વતા અને પ્રેમાળ સ્વભાવનો પરિચય પણ થયો હતો.

પન્ના બહેનને પહેલીવાર તો મારા સાહિત્યકાર પિતા જયંત પંડ્યા દ્વારા જ મળવાનું થયું હતું. ઘરે નિમંત્ર્યાં ત્યારે એમનું હસમુખું વ્યક્તિત્વ સહ્રદય મિત્ર બનાવી દેવા માટે પૂરતું હતું. એમના સર્જનમાં પ્રકૃતિ પ્રેમ સહજ દેખાય છે. પન્ના નાયકનાં કાવ્યો પ્રકૃતિ ઉપરાંત વિદેશના આધુનિક શહેરમાં રહેતી સ્ત્રીની લાગણીઓ રજૂ કરે છે. કાવ્યોમાં પુરુષ સાથેના સંબંધો, લગ્નજીવનની મૂંઝવણો, આશાઓ અને નારીવાદી લાગણીઓ પણ રજૂ થઈ છે. પરંતુ પ્રકૃતિ પ્રેમ એમાં પહેલા સ્થાને આવે.

“મારી પ્રકૃતિ એવી છે કે મને પ્રકૃતિ વિના ના ચાલે. મને મારી આસપાસ વૃક્ષ, ફૂલ, પાન, પંખી, ઝરણાં, આકાશ, દરિયો, નદી, પતંગિયા હોય તો સૌથી વધારે મજા પડે. પ્રકૃતિના તમામ અંશો મારી કવિતામાં તમને જોવા મળશે. કવિ સુરેશ દલાલ એક વાર મારે ત્યાં ફિલાડેલ્ફિયા આવ્યા હતા. સુરેશ જલસાના માણસ. એ આવે એટલે અઢળક વાતોના ખજાના ખૂલે. સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર અમે બેઠાં હોઈએ તે સાંજે સાત સુધી વાતોનો અંત ન આવે. એક દિવસ એમણે મને કહ્યું કે પ્રકૃતિ તને બહુ પ્રિય છે. પ્રકૃતિ ગીતનો એક સંગ્રહ શા માટે નથી કરતી? અને મેં સંગ્રહ માટે થઈને જ નવાં કાવ્યો લખવાનાં શરૂ કર્યાં. એમણે ઘણાં ઉપયોગી સૂચનો કર્યા. મને કહે તને વહાલ શબ્દ ગમે છે તો એના પરથી નવો શબ્દ કોઈન કર. મેં મારા કાવ્યમાં વ્હાલંવ્હાલ શબ્દ કોઈન કરીને એને અનુરૂપ કાવ્યપંક્તિઓ રચી. એમણે કહ્યું હું ભારત ખાલી હાથે નહીં જાઉં. સંગ્રહ લઈને જ જઈશ. એ રીતે કાવ્ય સંગ્રહ તૈયાર થયો.

જોકે ગીત લખવાની શરૂઆત સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીને લીધે થઈ. એ ૧૯૭૨-૭૩માં અમેરિકા આવ્યાં અને મને કહે તમે ગીત લખો તો હું કમ્પોઝ કરીશ. પહેલાં તો હું કાવ્યો જ લખતી પણ એમના કહેવાથી મેં પહેલું ગીત લખ્યું, ‘પિયા મારા સોણલાં સાકાર કરી દ્યો…’ કૌમુદીબહેને બહુ સરસ સ્વરબદ્ધ કર્યું અને ગાયું. બીજું એક ગીત, ‘પાછું વળીને વ્હાલમ જોતાં જાઓ ને જરી…’ રાગ મારૂ બિહાગમાં એમણે કમ્પોઝ કર્યું. આ બન્ને ગીતો બહુ જ સરસ બન્યાં છે. સ્વીકારવું છું કે એમાં કાવ્યત્વ ઓછું છે પણ સંગીતની દ્રષ્ટિએ ઉત્તમ છે. કૌમુદી મુનશીએ કહ્યું ન હોત તો કદાચ ગીત હું ક્યારેય લખત જ નહીં.

એ પછી સુરેશ દલાલનો આદેશ આવ્યો કે તું હવે મને કાવ્યતત્વવાળાં ગીતો લખી આપ. મેં લખ્યાં. નિનુભાઈ મઝમુદાર હયાત હતા એટલે એમણે મને આખો સંગ્રહ બરાબર જોઈ આપ્યો. ક્યાં લય તૂટે છે અને ક્યાં કાવ્યત્વ ઉમેરવું જોઈએ એ બધું સમજાવ્યું. એ રીતે મારો પહેલો ગીત સંગ્રહ ‘આવન-જાવન’ બહાર પડ્યો હતો. પરંતુ, મારા સમગ્ર કવિતાસંગ્રહનું નામ ‘વિદેશિની’ હોવાથી આવન-જાવનને આધારે જે સીડી બહાર પડી એનું નામ ‘વિદેશિની’ જ રાખ્યું.
‘આભનો રંગ ભૂરો ને મારાં ફૂલનો લાલમલાલ. રંગની લીલા જોઈને મારાં, નેણ તો ન્યાલમન્યાલ.
રાતનું વહેતું શ્યામ સરોવર, એમાં નૌકા શ્વેત. સમજું નહીં કે ચાંદ ઊગે કે ઊગતું કોઈનું હેત.
આજ તો મારી સાવ સુંવાળી, લીલમલીલી કાલ…આભનો ભૂરો રંગ…
પવન આ પોતે વૃક્ષ થઈને ડોલે છે હરિયાળું, આંખમાં હવે ક્યાંયે નથી કોઈ સપનું કાળું કાળું,
ગમતીલા ગુલાલમાં વેરે કોઈ તો વ્હાલમવ્હાલ…આભનો ભૂરો રંગ….’
કવયિત્રીઃ        પન્ના નાયક
સંગીતકારઃ       અમિત ઠક્કર
ગાયિકાઃ         દીપ્તિ દેસાઈ
પ્રકૃતિની રંગલીલાનું સૌંદર્ય મને એટલું બધું સ્પર્શી ગયું જે આ ગીતમાં અભિવ્યક્ત થયું છે. દરેક પંક્તિમાં ‘રંગ’ છલકાય છે. એટલે ચિત્તમાં હર્ષોલ્લાસની લાગણી વ્યાપી ગઈ હતી. ગીતમાં મેં એ જ કહ્યું છે કે મન એટલું આનંદમય છે કે ચિત્તનાં બધાં જ જાળાં વિખેરાઈ જાય છે., એ પ્રસાદમય થઈ જાય છે. ગીતમાં એક પંક્તિ જ આવે છે કે, ‘મનમાં હવે ક્યાંય નથી કોઈ કરોળિયાનું જાળું…!’ જોકે એસ્થેટિક્સને ધ્યાનમાં રાખી ગીતમાંથી કરોળિયો શબ્દ કાઢી ‘ક્યાંય નથી સપનું કાળું..’ એમ કર્યું છે.

અમિત ઠક્કરે બહુ સુંદર એને સ્વરબદ્ધ કર્યું છે. લય પણ સરસ સચવાયો છે. ગીતમાંના ‘વ્હાલમવ્હાલ’ અને ‘ન્યાલમન્યાલ’ શબ્દો હ્જુ સુધી કોઈ ગીતમાં વપરાયા નથી એટલે એનો આનંદ પણ ખરો જ. “પન્નાબહેન વિગતે વાત કરતાં જણાવે છે. પન્નાબહેનનો જન્મ મુંબઈમાં પણ એમણે મુંબઈમાં રહીને સાહિત્ય સર્જન કર્યું નથી. શબ્દ એમને અમેરિકામાં મળ્યો. એટલે જ તેઓ કહેતાં હોય છે કે “હું ફિલાડેલ્ફિયાના રસ્તા પર શબ્દનો કેમેરા લઈને ફરું છું.” આમ અમેરિકા એમની કર્મભૂમિ છે.

પન્ના નાયક હવે ૮૬ નાં થયાં એ વિચારતાં આપણાં હાથ ધ્રૂજી શકે છે પણ એ તો ટટ્ટાર-અડીખમ. ૮૦મા વર્ષે મળેલા સહ્રદય જીવનસંગી નટવર ગાંધી સાથે પ્રવાસો કરે છે અને પોતાના જ કાવ્યોના અંગ્રેજી અનુવાદનું કામ તો ચાલુ જ છે. તેમની દીર્ઘ સર્જનયાત્રામાં, એમણે કવિતા, અછાંદસ, ગીત, હાઈકુ, ટૂંકી વાર્તા, એમ ઘણાં સાહિત્યસ્વરૂપોમાં ખેડાણ કર્યું છે.

આ ગીતને કમ્પોઝ કરનાર અમિત ઠક્કર સંગીત જગતનું જાણીતું નામ છે. મૂળ વાયોલીનવાદક એવા અમદાવાદના અમિત ઠક્કરે પછી તો હાર્મોનિયમ પદ્ધતિસર શીખી પં. જસરાજજી સહિત અનેક શાસ્ત્રીય સંગીતના કલાકારો સાથે સંગત કરી અને હવે એ પિયાનો તથા કી-બોર્ડ પ્લેયર તરીકે પ્રખ્યાત છે. આ ગીત વિષે અમિત ઠક્કર કહે છે કે, “પન્ના નાયક સંવેદનશીલ કવયિત્રી હોવા છતાં એમનાં કાવ્યોમાં સભરતા છે. હ્રદયથી સમૃદ્ધ સ્ત્રી લાગે. એટલે જ આ ગીત કમ્પોઝ કરતી વખતે મેં એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે એમનાં હ્રદયની સમૃદ્ધિ બહાર આવે. એમની એ ‘વિદેશિની’ સીડીમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, દિલીપ ધોળકિયા, ક્ષેમુ દિવેટિયા, અમર ભટ્ટ ઈત્યાદિનાં સ્વરાંકનો પણ છે પરંતુ, આખી સીડીની મ્યુઝીકલ એરેન્જમેન્ટ મેં કરી છે. આ ગીત મારે એ રીતે કરવું હતું કે એની કમર્શિયલ વેલ્યુ પણ જળવાઈ રહે.

આ ગીતમાં પ્રકૃતિની રંગછટાઓ છે. એ રંગો જોઈને મનમાં ગ્લાનિનો ભાવ રહ્યો જ નથી. દરેક પંક્તિએ રંગની વાત થઈ છે. કવિતાનું પાત્ર બહુ સભર છે એ લાગણી મને બહુ અપીલ કરી ગઈ. હિન્દી ફિલ્મોનાં ગીતોમાં નાયિકાની ચંચળ અને અલ્લડ અભિવ્યક્તિ જોવા મળે, પરંતુ ગુજરાતી કાવ્યસંગીતમાં એ જમાનામાં પ્રમાણમાં ઓછી જોવા મળતી. એક જ વાક્યમાં મારે આ ગીત વિષે કહેવું હોય તો એટલું જ કહીશ કે આભનો ભૂરો રંગ એ એક આવી જ સ્નેહથી નિતરતી અને પ્રકૃતિની રંગછટાઓને પોતાના પ્રિયતમની પ્રીત સાથે જોડીને સુખદ આહલાદક અનુભવમાં વિહરતી રસભીની નાયિકાનું સ્પંદન છે, જે કમ્પોઝ કરવાનો મેં પણ આનંદપ્રદ અનુભવ કર્યો. દીપ્તિ દેસાઈના અવાજને ધ્યાનમાં રાખીને મેં આ ગીત સ્વરબદ્ધ કર્યું જે ગાવાની એમને પણ ખૂબ મજા આવી હતી.”

સૂફી, ગઝલ, ઠુમરી ઈત્યાદિમાં જેમનો અવાજ નિખરી ઊઠે છે એ દીપ્તિ દેસાઈ મૂળ ભાવનગરનાં.

તેઓ કહે છે, “ચાર વર્ષની વય સુધી હું બોલતાં જ શીખી નહોતી. મારાં મમ્મી બહુ સરસ ગાય. એના અથાગ પ્રયત્નો પછી હું બોલતાં શીખી. સ્કૂલમાં મારાં શિક્ષિકા ભાનુબહેને મને ગાતી કરી. ત્યાર બાદ અમદાવાદના કૃષ્ણકાંત પરીખ અને વિરાજ અમર પાસે સંગીતની એડવાન્સ્ડ ટ્રેનિંગ લીધી. ગુજરાતી ગીતો મેં ઓછાં ગાયાં છે પણ આ ગીત રમતિયાળ હોવાથી ગાવાની મને ઘણી મજા પડી હતી. સરળ અને યાદ રહી જાય એવા શબ્દો તેમ જ અમિત ઠક્કરનું એવું જ ચપળ સ્વરાંકન હોવાથી એક જ ટેકમાં મેં ગાઈ લીધું હતું. લાલમલાલ, વ્હાલમવ્હાલ જેવા શબ્દોનો પ્રાસ સરસ હોવાથી ગીત લયબદ્ધ બન્યું છે.”

એક શ્રેષ્ઠ કવયિત્રી, ઉત્તમ સંગીતકાર અને લાજવાબ ગાયિકાના કંઠે દીપી ઊઠેલું આ ગીત સુગમ સંગીતનાં સર્વોત્તમ ગીતોમાંનું એક જરૂર કહી શકાય.

1 thought on “હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી — (Courtesy: bombaysamachaar.com)

  1. સૂફી, ગઝલ, ઠુમરી ઈત્યાદિમાં જેમનો અવાજ નિખરી ઊઠે છે એ દીપ્તિ દેસાઈ
    હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી
    એક શ્રેષ્ઠ કવયિત્રી, ઉત્તમ સંગીતકાર અને લાજવાબ ગાયિકાના કંઠે દીપી ઊઠેલું આ ગીત સુગમ સંગીતનાં સર્વોત્તમ ગીતોમાંનું એક જરૂર કહી શકાય.
    ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s