માટીની મહેક -“મા તુઝે સલામ” – જયશ્રી મરચંટ


વરસાદની રિમઝિમને પહેલા માળની બારીમાંથી ૭-૮ વરસની એક બાળકી નિહાળી રહી હતી. વિશાળ ઓરડામાં એ એકલી જ એના પિતાજીના ૬ x ૫ ફૂટના નવા પલંગ પર બેસીને, એ આ વરસાદની બુંદોને જોઈ રહી હતી. મા અને બે ભાઈઓ નીચે હતાં. પિતાજી એમના કાપડના ધંધામાં ડૂબેલા રહેતા. બારીના સળિયા પકડીને બેઠેલી એ છોકરી થોડીથોડી વારે હાથ બહાર કરીને પાણીના મોતીને મૂઠ્ઠીમાં બંધ કરવા મથતી હોય એવું લાગતું હતું. ત્યાં જ માએ નીચેના માળથી બૂમ પાડી, “ક્યાં જતી રહી, જયુ? આજે શનિવારે અડધા દિવસની સ્કૂલમાંથી હજી આવી એવી જ પાછા ઉપર જઈને ચોપડા ખોલીને બેસી ગઈ? જમવા માટે નીચે આવ, બેટા.” જયુ એ બૂમ સાંભળીને બે-બે દાદરા ઠેકતી, નીચે આવીને માને કહે, “ચોપડાં નો’તી વાંચતી મા.  હું હાથમાં ઠંડો વરસાદ ભરતી હતી, ભાઈના (અમે પિતાજીને ભાઈ કહેતા) પલંગ પર બેસીને! બે-ચાર દિવસો પછી વરસાદ પડ્યો છે, તો, મા, માટીની સુગંધ આવી રહી છે!”

“તેં પાછી બારી ખોલી? તારા ભાઈનો (પિતાજીનો) નવો પલંગ અને ગાદલો ભીનો થઈ જશે..! જા, દોડીને બારી બંધ કરી આવ…!” જયુ એટલા જ ઉત્સાહમાં, વળી પાછી બે-બે દાદરા ઠેકતી ઉપર ગઈ અને બારી બંધ કરતાં પહેલાં, એક ઊંડો શ્વાસ લઈને એ ભીની માટીની ખુશ્બુ સાથે, નાની મૂઠ્ઠીમાં વરસાદ કેદ તો કર્યો જ! આ જયુ, તે હું, જયશ્રી અને અમારું ઘર મલાડમાં (મુંબઈના વેસ્ટર્ન રેલ્વેનું એક સબર્બ) આજે પણ અકબંધ છે.

૨૦૧૭ના ઓગષ્ટના મહિનામાં હું ભારત ગઈ હતી ત્યારે મારા પિયરના ઘરે ગઈ હતી. હવે મા અને ભાઈ તો નથી રહ્યા પણ, એ પિયરનું ઘર, ફળ-ફૂલના વૃક્ષોથી ભરપૂર ખુલ્લી વાડી હજુ આજે પણ છે. ભાઈ-ભાભી ત્યાં રહે છે. તે દિવસે પણ શનિવારની સવાર હતી. ઓચિંતો, બે-ચાર દિવસ પછી, આછો આછો વરસાદ પડવો શરૂ થયો. અભાનપણે જ, દાદરા ચઢીને હું, મા-ભાઈના એ બંધ રહેતાં રૂમમાં ગઈ. પિતાજીના એ, હવે તો ૬૦ વરસથીયે જૂના સીસમના લાકડાના પલંગ પાસે આવેલી બારી ખોલી, એના સળિયા પકડીને, હું પલંગ પર બેઠી. આંખો બંધ કરી, વરસાદના પાણીને મારી મૂઠ્ઠીમાં લેવા મેં હાથ લાંબો કર્યો અને ઊંડો શ્વાસ લઈ, એ માટીની સુગંધ મારા અણુએઅણુમાં ભરી. મારી બંધ આંખો અને બધિર કાનો ૬૦ વરસ પહેલાંના એ દ્રશ્ય અને શ્રાવ્યમાં તરબતર હતાં. બહાર વરસાદ વરસતો હતો અને અંદર, બંધ આંખો વરસી રહી હતી. મલાડમાં, એક વખતનું ગાજતું અને મોટું ખોરડું ગણાતા એ ઘર અને વાડી હવે તો આજુબાજુ બની ગયેલા મલ્ટીસ્ટોરીઝ બિલ્ડિંગો વચ્ચે એકલવાયા લાગે છે.

૨૦૧૭ના ઓગષ્ટ મહિનાના તે દિવસે મને કોણ જાણે શું થયું હતું કે, મા-ભાઈના રૂમને બંધ કરીને હું નીચે આવીને આંગણામાં બેઠી બેઠી, સામે ઝરમર વરસાદને જોઈ રહી હતી, મારા પિંડના ઘડતરની ઈસ્ટમેન કલર ફિલ્મ ત્યારે જાણે મારી આંખો સામે, એ રંગહીન વરસાદમાં ચાલી રહી હતી. કેટકેટલા લોકો અને પરિસ્થિતિઓનો સારો કે માઠો હિસ્સો છે જેના થકી, સારી-નરસી, સાચી-ખોટી, જેવી પણ હોય એવી, આજની જયુ બની છે, તેનો હિસાબ માંડી શકાય એમ નથી! મારા મા કહેતાં કે, એક બાળકને ઉછેરવામાં આખા ગામનો ફાળો હોય છે, જે વાત ઠેઠ તે દિવસે, એક ચમકારો થયો હોય એમ સમજાણી!  મારો જન્મ અને ઉછેર અહીં જ, આ ઘરમાં થયો હતો. હું ઘરમાં સહુથી નાની હતી અને સંયુક્ત કુટુંબના વાતાવરણમાં ઉછરી હતી. દાદ-દાદી, ફોઈઓ, સાવકા કાકા, પિતરાઈ ભાઈ-બહેનો અને બીજા સગાંસંબંધીઓની ઘરમાં સતત હાજરી અને અવરજવર તો રહેતી જ, પરંતુ, ભાઈ-પિતાજી-ના અનેક વ્યવસાયિક અને સામાજિક સંબંધોને કારણે પણ ઘરમાં સતત આવ-જા રહેતી. હું લોકોના મેળા મહીં રહીને, મેળાને માણતાં મોટી થઈ હતી. મારા જન્મ પછી મા પાંચેક વરસ અનેક નાની-મોટી માંદગીમાંથી પસાર થયાં હતાં. મારાથી પંદર વર્ષોથી મોટાબેને મારી સંભાળ લીધી હતી. મારા ભાઈ-બહેનો બચપણમાં એવું કહેતાં કે હું વરસેકની હતી, ત્યારે, મોટાબેન જો કામમાં કે કોલેજના અભ્યાસમાં વ્યસ્ત હોય તો, મને રમકડાના ટોપલા પાસે બેસાડી દેતાં. આગળ-પાછળ અને આજુબાજુથી આવતાં-જતાં બધાને હું હાથ ઊંચા કરીને કહેતી કે, મને તેડો, તો, કોઈક વળી તેડતાં ને કોઈક માથે હાથ ફેરવી ચાલ્યા જતાં. એ સમયે હું વળી પાછી એકલી રમ્યા કરતી. મને નાનપણથી ન તો કદી ટોળામાં અજાણ્યા માણસો સાથે ઈન્ટરએક્ટ કરતાં ભય લાગ્યો છે કે ન તો સુખ કે દુખમાં મારી જાત સાથે એકલા રહેવાનો ભય લાગ્યો છે. આ બેઉ સંજોગોને હું સ્વીકારતાં કદાચ, એક વરસની હતી ત્યારથી તો નહોતી શીખીને?

૨૦૧૭ની એ સવારે મેં આંગણાંમાં જોઈ, એ નવ વરસની જયુ, એકલી એકલી પગથિયાંની રમત રમી રહી હતી! મને આજે પણ યાદ છે કે વર્ષો પહેલાં ત્યારે શું બન્યું હતું. અમારી આગળની વાડીમાં નાનાનાના કોટેજીસ હતાં, જે ભાડે આપ્યાં હતાં. અનેક બાળકો અમારા ઘરની વાડીમાં આવતાં, તો કદીક અમે આગળની વાડીમા રમવા જતી. અમારા બધાંના ઝઘડા પણ થતાં. તે દિવસે નવ વરસની હું, આગળની વાડીમાં, મારાથી અઢી વરસ મોટાભાઈ સાથે રમવા ગઈ હતી. હું અને મારો ભાઈ, અમે સાત-આઠ છોકરાં-છોકરીઓ લખોટી રમતાં હતાં. સાધારણ રીતે લખોટીની રમતમાં હું હંમેશાં હારતી, અને મારો ભાઈ જીતી જતો. પણ, તે દિવસે હું જીતી રહી હતી. મારા મોટાભાઈને ન જાણે કેમ પણ ઈગો ઘવાયો કે એની બેન જે હંમેશાં જ હારતી હતી તે આજે કોઈ અગમ કારણસર જીતી રહી હતી. મારો ભાઈ અમારી બાળકોની ગેંગનો લીડર હતો. એણે બધાંને કહ્યું કે હું કદાચ ચીટીંગ કરીને જીતી છું તો ભલે હું બધી લખોટી હું લઈ જાઉં પણ, આજ પછી કોઈએ મારી સાથે બોલવું નહીં કે રમવું નહીં. બીજા બાળકોએ પણ મારા મોટાભાઈનો સાથ આપ્યો. હું રડતી રડતી માને કહેવા ગઈ કે ભાઈના કહેવાથી કોઈ મારી સાથે રમતું નથી! તે ઘડીએ માએ જે કહ્યું હતું તે અક્ષરસઃ મને આજે પણ યાદ છે, “આમ રોતીરોતી પાછી કેમ આવી? કાં તો તારા હક માટે લડ અને કાં તો એ સહુને સાવ છોડીને એકલી રમ. તને પગથિયાં રમતાં આવડે છે, પાંચિકે રમતાં આવડે છે, દોરડાં કૂદતાં આવડે છે, રમ તારી મેળે. બીજા છોકરાઉંની કે તારા ભાઈની પણ શું જરૂર છે? તું નક્કી કર તારે શું કરવાનું છે. હું કે બીજું કોઈ તારા વતી, તારી લડાઈ ન લડી શકીએ…! મોટી થઈશ અને વિપદ આવશે તો તારી મા અમર નથી કે કાયમ તારી ચોકી કરતી બેઠી રહેશે!” આજે હવે સમજાય છે કે મા કેટલી સાચી હતી? અમે અમેરિકા, ફિલાડેલ્ફિયા, ૧૯૭૮માં આવ્યાં અને દસ જ મહિનામાં, કામ પર જતી વખતે, મારા પતિનો રસ્તો ક્રોસ કરતાં, સીટી એવેન્યુ પર “હીટ એન્ડ રન” નો ઓલમોસ્ટ જીવલેણ અકસ્માત થયો હતો. મારા બાળકો ત્યારે પાંચ અને છ વરસના હતાં. અમે હજી તો કોઈને, એટલા નજદીકથી ઓળખતાં પણ નહોતાં, તે છતાંયે, એટલા બધાં જાણ્યા-અજાણ્યાઓની મદદ મળી કે એમના ઉપકાર ભૂલી શકાય એમ નથી. મારા પતિ તો એક મહિના સુધી અર્ધ બેભાન અવસ્થામાં હતાં. જે પણ નિર્ણયો લેવાના હતાં તે મારે જ લેવાનાં હતાં. મેં મારા પિયર, માને જ્યારે રડતાં રડતાં ફોન કર્યો કે, “મને બહુ બીક લાગે છે કે હું જે કરી રહી છું તે બરાબર છે કે નહીં, એની દ્વિધા થયા કરે છે.” તો જરા પણ વિચલિત થયાં વિના માએ સ્વસ્થતાથી કહ્યું હતું જે અહીં અક્ષરસઃ મૂકું છું, “જો દિકરા, આ સંકટની ઘડી તારે જ પાર પાડવાની છે. તું જો ઢીલી પડીશ તો તારા બાળકોનું શું થશે? અહીંથી તારો મોટોભાઈ આવે ત્યાં સુધીનો સમય બહુ જ નાજુક છે, અને તારે તે સમય ઈશ્વરનું નામ લઈ, તારી પોતાની કોઠાસૂઝથી જે સમજ પડે તે, વિશ્વાસ અને હિંમતથી કર. યાદ રાખજે કે કોઈ પણ નિર્ણય જો દ્વેષ કે લાલચ વિના થયો હશે તો એના પરિણામો સારા જ આવશે. પોતાનામાં ભરોસો રાખ. ઈશ્વર પણ એને જ મદદ કરે છે જે પોતાને મદદ કરવા કોશિશ કરે!” મા અમને બધાં ભાઈબહેનોને બે વાત વારંવાર કહેતાં, “કોઈ પણ સંકટ સમયે હિંમતથી આપણી સમજણ પ્રમાણે સામનો કરવો. જે પણ કરવું એના કારણો સાચા હોવા જોઈએ. જો કારણો ખોટા હોય અને ઈરાદો કે કાર્ય સાચા હોય તોયે પરિણામ ખોટા જ હોય!” માએ તે સમયે મને કહ્યું હતું તે, ગીતામાં કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, “ત્વમ્ ઉત્તિષ્ઠ ભારત્!”થી જરા પણ કમ ન હતું. મારા પતિ મલ્ટીપલ સર્જરી પછી ત્રણ વરસે સાજા થયાં. મારા પતિ જ્યારે હયાત હતાં ત્યારે એ, હું અને મારા સંતાનો એ કપરા સમયને યાદ કરતાં, ત્યારે માની વાતનો ઉલ્લેખ અવશ્ય આવતો. મા અને વતનની માટી, બેઉ સદા અભિન્ન હતાં, છે અને રહેશે જ!

ભાઈ-પિતાજી- મારા જન્મ સુધીમાં મૂળજી જેઠા હોલસેલ કાપડ માર્કેટમાં નામ અને પૈસા કમાઈને સ્થાપિત થઈ ચૂક્યા હતા. ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં આખા મલાડની વસતી માંડ પાંચથી સાત હજારની હશે અને લગભગ આખું મલાડ એકમેકને ઓળખે! તે સમયે, મલાડ વેસ્ટમાં માત્ર બે જાણીતી શાળઓ હતી અને મલાડ ઈસ્ટમાં બે. અમે સહુ ભાઈ-બહેનોનું પ્રાથમિક અને હાઈસ્કૂલનું શિક્ષણ મલાડ વેસ્ટમાં આવેલી એન.એલ. સ્કૂલમાં થયું હતું. મા અને ભાઈ એન.એલ. સ્કૂલ અને અન્ય સ્કૂલઓમાં જતાં અનેક ગરીબ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને મદદ કરતાં, પણ, હંમેશા એમની એક જ શરત રહેતી કે એમના સંતાનો, એટલે કે અમને કોઈને એની ખબર ન પડે કે અમારા માતા-પિતાની મદદથી એ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં હતાં! આ વાતની પુષ્ટિ જ્યારે અમારા શાળાના મિત્રોએ પાછળથી કરી હતી ત્યારે મેં અને મારા બેઉ મોટાભાઈઓએ મા-ભાઈને પૂછ્યું હતું કે આવું કેમ કર્યુ તો મા અને ભાઈએ જવાબ આપ્યો હતો કે, “તમારા સહુના પગ આ જમીનને અડેલાં રહે એ વાત પણ એટલી જ જરૂરી હતી. તો, આ રીતે ન મદદ કર્યા સિવાય બીજો ઉપાય શું હતો?” પછી મારા તરફ ફરીને કહે, “આ સૌથી નાની હતી અને તારા ભાઈએ એને ખૂબ લાડ કર્યાં હતાં, મારી ઈચ્છા વિરુદ્ધ, એને, કોલેજમાં જવા માટે પોતાની આગવી મોટર લઈ આપી. એમાં પાછું આવું ખોટું અભિમાન પણ ઉમેરાય કે મારા મા-બાપા મારા મિત્રોને ભણાવી રહ્યાં છે તો બાકીની જિંદગીમાં એને કેટલું ભારી પડત?” કોને ખબર, એમનું આ લોજીક સાચું હતું કે ખોટું, પણ, મા અને ભાઈએ પોતપોતાની રીતે અમને આત્મવિશ્વાસ અને વિનમ્રતાનું કઈંક એવું મિશ્રણ વારસામાં આપ્યું હતું કે સુખના સમયે, પોતાની સફળતાને કદાચ અમે સંપૂર્ણપણે બિરદાવી શકતાં નહીં, પણ, વિષમ સંજોગો સામે ઝઝૂમવાનું બળ અચૂક આવી જતું!

ભાઈ-પિતાજી- ભણવામાં ખૂબ જ હોશિયાર હતાં પણ કૌટુંબિક જવાબદારીઓ આવી પડતાં, એમને આઠમા ધોરણ પછી ભણતર છોડવું પડ્યું હતું. મા પોતે સાવ નિરક્ષર હતા પણ એમણે અમને સહુને “ડબલ ડિગ્રી” લેવડાવી. મા-ભાઈની પાછલી જિંદગીમાં, જ્યારે અમે બધા ભાઈ બહેનો ઘરમાં ભેગા થતા તો ગર્વ અનુભવીને કહેતા કે “હું કે તારા “ભાઈ” (બાપુજી) ન ભણ્યા પણ અમારા બધાં જ સંતાનોને અમે ડબલ ગ્રેજ્યુએટ કર્યા”. માના મોઢા પર એ બોલતી વખતે સુખની આભા પ્રસરતી. માને માટે આ એમની “સિદ્ધિ”, એક માઈલસ્ટોન હતી. માએ એમની માતાને ૧ મહીનાના હતા ત્યારે ગુમાવ્યા હતા અને અમારા નાનાને જ્યારે ૮-૯ વરસના હતા ત્યારે ગુમાવ્યા હતા. કદાચ આથી જ, વિપરીત સંજોગો સામે લડવાનું બળ, માની અંદર, ભાઈથી પણ અધિક હતું. મા અને ભાઈ, બેઉને ભણતર માટે ખૂબ જ પક્ષપાત હતો. મા હંમેશા મારા મોટાભાઈના દિકરાને, મારા ભત્રીજાને, કહેતાઃ “હું ભણી ન શકી પણ મેં મારી જાતે જ મને લખતાં વાંચતા શીખવ્યું છે. ક્યારેક થાય છે કે ભણી હોત તો કેટલું બધું કરી શકત?” મારો ભત્રીજો કહેતોઃ “શું તમે ઈંદિરા ગાંધી થાત?” માની ઉમર તે વખતે ૮૦ની હતી પણ આત્મવિશ્વાસ ગજબનાક હતો. એમણે ત્યારે કહ્યું હતુંઃ “કેમ નહીં? માણસ જે ધારે તે બની શકે છે, બસ, ઈરાદો અને કારણોમાં નેકી હોવી જોઈએ. ઈરાદો શુભ હોય પણ કારણો ખોટા હોય અને અદેખાઈથી જાણીને કોઈકને નુકસાન પહોંચાડવા માટેના હોય તો પરિણામો અંતમાં ખોટાં જ હોય.” મારી અભણ માનું આ લોજીક આજે પણ કૌટુંબિક, સામાજીક તથા વ્યવસાયિક ક્ષેત્રોમાં પણ મેં સાચું પડતું જોયું છે અને અનુભવ્યું પણ છે. એ સમયે મળેલી સમજણ એ સાચી કેળવણી હતી જેના થકી મને લાગે છે કે અમને સહુ સંતાનોને આત્મવિશ્વાસ તો મળ્યો, પણ જાણે-અજાણે અમારામાં વિવેકબુદ્ધિનો પણ પાયો નંખાયો. આથી જ, અનેકવાર, સામાજિક, કૌટુંબિક અને વ્યાવસાયિક જીવનમાં ખોટા નિર્ણયો લેવાયાં છે પણ, જ્યારે સમજણ પડે ત્યારે એને સુધારતાં છોછ કદી નથી નડી.

મુગ્ધાવસ્થામાં અને કોલેજકાળમાં સેવેલા એ સપનાઓ, આદર્શો અને પ્રવૃત્તિઓ કે શોખ આજે પણ મને આ ઉંમરે રોમાંચિત કરી જાય છે. ત્યારનો ગુજરાતી સાહિત્ય અને વિશ્વ સાહિત્યનો વાંચન અને લેખનનો શોખ આજની તારીખ સુધી લીલોછમ રહ્યો છે, જે મહદ અંશે પિતાજી તરફથી વારસામાં મળ્યો હતો. મારા પતિને પણ, દરેક ભાષાના ઉચ્ચ સાહિત્યના વાંચનનો ખૂબ જ શોખ હતો. આ જ શોખ, ખૂબ નાની વયથી મારી દિકરીમાં ઊતર્યો અને પાછળથી, કિશોરાવસ્થામાં, મારા દિકરાને પણ લાગ્યો. શું મારા, મારા પતિના અને અમારા સંતાનોના શોખો, કે પછી, પૂરી થયેલી અને અધૂરી રહી ગયેલી ઈચ્છાઓનું કોઈ કનેક્શન ક્યાંક જોડાયેલું હશે? અમારા સહુનું એક સદભાગ્ય સદા એકેમેકથી જોડાયેલું રહ્યું છે કે ઈશ્વરે અમારું અને અમારા સંતાનોનું ઘર, – ભલે પછી એ મુંબઈ હોય, ફિલાડેલ્ફિયા હોય કે પછી, સાન ફ્રાન્સીસ્કો હોય- સ્વજનો, સ્વજનો જેવા જ વ્હાલાં મિત્રો અને શુભેચ્છુકોથી ભર્યું ભાદર્યું રાખ્યું છે. મુંબઈમાં, ફિલાડેલ્ફિયામાં અને સાન ફ્રાન્સીસ્કોમાં પણ, અનેક એવા મિત્રો અને સ્વજનો મળ્યા જેમણે, તકલીફોમાં અને સુખની ક્ષણોમાં, અમેરિકાના વસવાટને જીવવા જેવો બનાવ્યો છે, એટલું જ નહીં, પણ, અમારા સહુના જીવનને અર્થપૂર્ણ બનાવ્યું છે.

મારી જન્મભૂમિના એ ઘરમાં વિતાવેલા ૨૦૧૭ના એ દિવસે મને વિચારતી કરી દીધી. સાચું પૂછો તો, અમારી જિંદગી ત્રણ શહેરોની માટીની મહેકથી મઘમઘતી રહી છે. મારા સંતાનો પણ મુંબઈમાં જન્મ્યા છે. તેઓ ચાર ને પાંચ વરસના હતાં ત્યારે, એમને લઈને અમે અમેરિકા, ફિલાડેલ્ફિયામાં સ્થાયી થવા આવ્યાં. આજે કેલિફોર્નિયાના સાન ફ્રાન્સીસ્કોમાં છેલ્લા ૧૮ વર્ષોથી છીએ. ૨૦૧૭ના એ દિવસે તો સાચે જ, મને આટઆટલા વરસો પછી, વતનમાં જ હોમસીક બનાવી દીધી! અમે અહીં અમેરિકામાં –ફિલાડેલ્ફિયા ને સાન ફ્રાન્સીસ્કોમાં કર્મભૂમિ પામ્યાં જેના મૂળ અમારી જન્મભૂમિ, મુંબઈમાં છે, એ તો કદી છેલ્લા શ્વાસ સુધી ભૂલાશે નહીં! મુંબઈમાં, સારા, સંસ્કારી અને સુખી માતા-પિતાને ત્યાં જન્મ પામી, ઉછેર થયો, ઉચ્ચ શિક્ષણ અને કાબિલિયત પામી. માતાપિતાની પસંદગી થકી, સારા, સંસ્કારી ઘરના જીવનસાથી સાથે લગ્ન થયાં, તે સાથે, બહોળા કુટુંબ અને મિત્રમંડળનો પ્રેમ મળ્યો. શું જોઈએ વધુ? મુંબઈની પાયાની જિંદગી જો મજબૂત ન હોત તો અમેરિકા આવીને સફળતાની ઈમારત એના પર ચણવાનું અશક્ય નહીં પણ મુશ્કિલ તો થાત જ. આ જનમમાં તો મુંબઈનું, ફિલાનું અને સાન ફ્રાન્સીસ્કોની માટીનું ઋણ, હું ચૂકવી શકું તેમ નથી. મા અને વતનની માટીથી બનેલા આપણે, બસ, એટલું કહી શકીએ, “મા, તુઝે સલામ!”

અસ્તુ!

3 thoughts on “માટીની મહેક -“મા તુઝે સલામ” – જયશ્રી મરચંટ

  1. સ્મરણોનો આનંદ….ઓહો….! માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું.

    Like

  2. પિયરનું ઘર… વરસાદ આવે છે ને તું યાદ આવે છે.ગોરંભાયેલા આકાશના ડૂમા પણ કોની યાદમાં
    વરસાદ થઈ જતા હશે, શી ખબર ? અને એ યાદમા માએ આપેલી સલાહ ‘માએ સ્વસ્થતાથી કહ્યું હતું જે અહીં અક્ષરસઃ મૂકું છું, “જો દિકરા, આ સંકટની ઘડી તારે જ પાર પાડવાની છે. તું જો ઢીલી પડીશ તો તારા બાળકોનું શું થશે? અહીંથી તારો મોટોભાઈ આવે ત્યાં સુધીનો સમય બહુ જ નાજુક છે, અને તારે તે સમય ઈશ્વરનું નામ લઈ, તારી પોતાની કોઠાસૂઝથી જે સમજ પડે તે, વિશ્વાસ અને હિંમતથી કર’
    સાંપ્રતસમયે પણ સૌને કામ લાગે તેવી અને આપની ‘મુંબઈની પાયાની જિંદગી જો મજબૂત ન હોત તો અમેરિકા આવીને સફળતાની ઈમારત એના પર ચણવાનું અશક્ય નહીં પણ મુશ્કિલ તો થાત જ. આ જનમમાં તો મુંબઈનું, ફિલાનું અને સાન ફ્રાન્સીસ્કોની માટીનું ઋણ, હું ચૂકવી શકું તેમ નથી. મા અને વતનની માટીથી બનેલા આપણે, બસ, એટલું કહી શકીએ, “મા, તુઝે સલામ!”
    વાતે અમારી મા અને વતનને સહજ સલામ થઇ.

    Like

પ્રતિભાવ