ભાષાને શું વળગે ભૂર (૩૯) – ભાષાતંત્ર, રોગપ્રતિકારતંત્ર અને કોવિડઃ૧૯ – બાબુ સુથાર


ભાષાતંત્ર, રોગપ્રતિકારતંત્ર અને કોવિડ:૧૯
બાબુ સુથાર
—-

કોવિડ:૧૯ની સામે લડવા માટે તબીબો મોટે ભાગે બે પાંખિયા વ્યૂહરચના અપનાવી રહ્યા છે: (૧) દર્દીને દવાઓ આપીને એનું રોગપ્રતિકારતંત્ર મજબૂત બનાવવું, અને (૨) દર્દીને કોવિડ-૧૯નો નાશ કરતી એન્ટીબાયોટિક દવાઓ આપવી. આપણે બધા જાણીએ છીએ એમ હજી આપણી પાસે કોવિડ-૧૯નો નાશ કરવા માટે કોઈ નિશ્ચિત એવી દવા નથી. પણ, બહુ ઓછા વાચકોને ખબર હશે કે આપણું રોગપ્રતિકારતંત્ર, કેટલાક વૈજ્ઞાનિકોના દાવા પ્રમાણે, આપણી ભાષાના તંત્ર જેવું હોય છે! આવો દાવો સૌ પ્રથમવાર ડેનીશ રોગપ્રતિકારતંત્રના નિષ્ણાત Niels Kaj Jerneએ કરેલો. આ શોધ બદલ એમને ૧૯૮૪માં બીજા બે વિદ્વાનોની ભાગીદારીમાં તબીબી વિજ્ઞાનનું નોબલ ઇનામ પણ મળેલું!
Jerneએ ત્રણ વાત કરેલી: (૧) દરેક માણસના રોગપ્રતિકારતંત્રમાં બહારથી આવતા વાયરસ કે જીવાણુઓ સામે લડવા માટે કેટલાંક પ્રતિપિંડો (antibodies) હોય છે; (૨) માણસ માત્રનું રોગપ્રતિકારતંત્ર હંમેશાં બહારથી આક્રમણ કરતાં તત્ત્વોને લાંબે ગાળે સહન કરતાં શીખી લેતું હોય છે; અને (૩) રોગપ્રતિકારતંત્રના T અને B કોષ એકબીજા સાથે પ્રત્યાયન કરતા હોય છે. આપણને પ્રશ્ન એ થાય કે આ પ્રતિપિંડો ભાષાના ઘટકો જેવા તો નહીં હોય? એટલું જ નહીં, આપણને બીજો પ્રશ્ન પણ એ થાય કે જેમ આપણે બીજી ભાષા શીખીએ છીએ એમ આપણું રોગપ્રતિકારતંત્ર પણ પેલાં બહારથી આવતાં તત્ત્વો સાથે જીવવાનું નહીં શીખી લેતું હોય? અને ત્રીજો પ્રશ્ન પણ એ થાય કે T અને B કોષો જ્યારે પરસ્પર પ્રત્યાયન કરતા હશે ત્યારે એ પ્રત્યાયનની કોઈક ચોક્કસ એવી વ્યવસ્થા તો નહીં હોય. જો T અને B એકબીજા સાથે પ્રત્યાયન કરતા હોય તો નો અર્થ એ થયો કે બન્ને એકજ ભાષા ‘બોલતા’ હશે અને એ ભાષાનું વ્યાકરણ પણ T અને B વારસામાં મેળવતા હશે.
મને તો આ બધું પરિકથા જેવું લાગે છે. કદાચ તમને પણ લાગતું હશે. કેટલાકને કદાચ આ બધું તાણીતૂંસીને ઊભું કરેલું પણ લાગતું હશે. પણ Niels K. Jerneએ છેક ૧૯૮૫માં એક સામયિકમાં પ્રગટ કરેલા The Generative Grammar of the Immune Systemમાં મેં ઉપર ઊભા કર્યા છે એ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે.
એ લેખના પ્રારંભમાં જ Jerne કહે છે જે વ્યાકરણ લગભગ બે હાજર વરસથી વિકસતું આવેલું વિજ્ઞાન છે. એની સામે છેડે રોગપ્રતિકારતંત્રના વિજ્ઞાનને તો હજી માંડ સોએક વરસ થયાં હશે. તો પણ બન્ને વિજ્ઞાનની વચ્ચે ઘણું સામ્ય છે. એટલે સુધી કે આપણે વ્યાકરણનો એક analogy તરીકે ઉપયોગ કરીને રોગપ્રતિકારતંત્રને વધારે સારી રીતે સમજી શકીએ. અહીં ‘analogy’ શબ્દ મહત્ત્વનો છે. એ બતાવે છે કે માણસનું રોગપ્રતિકારતંત્ર એની ભાષાના તંત્ર જેવું હોય છે!
Jerneનો આ લેખ વાંચતાં મને થયું કે આ તો ખુશ થવા જેવી વાત છે. લોકો ભાષાશાસ્ત્રીઓની મશ્કરી કરતા હોય છે. એમની ઠેકડી પણ ઊડાડતા હોય છે. પણ, અહીં એક એવો વૈજ્ઞાનિક છે જે દાવો કરે છે કે માણસના રોગપ્રતકારતંત્રને સમજવા માટે ભાષા એક રૂપક તરીકે કામ લાગે. Jerne કહે છે કે descriptions of language અને descriptions of immune system વચ્ચે analogyનો સંબંધ છે!
Jerneએ જે ટેકનીકલ ચર્ચા કરી છે એમાં આપણે નહીં જઈએ. કેમ કે એમાંની કેટલીક તો મારે પણ કોઈક વૈજ્ઞાનિક પાસે બેસીને સમજવી પડે એવી છે. પણ, આપણને જે પ્રશ્ન થાય તે એ કે Jerne આ વિચાર ક્યાંથી લાવ્યા હશે? એમણે ક્યાંથી પ્રેરણા મેળવી હશે?
આ પ્રશ્નનો સાવ સાદો જવાબ છે: અમેરિકન ભાષાશાસ્ત્રી નૉમ ચોમ્સકીના ભાષાવિચારમાંથી. આપણે બધા જાણીએ છીએ એમ ચૉમ્સકીએ જે ભાષાવિચાર વિકસાવ્યો છે એ generative ભાષાવિચાર તરીકે ઓળખાય છે. અહીં generative એટલે explicit. જરાક અઘરી સંજ્ઞા છે. પણ, એના પાયામાં એક મહત્ત્વનો પ્રશ્ન પડેલો છે અને એ પ્રશ્નને બાળકો ભાષા કઈ રીતે શીખે છે એની સાથે સંબંધ છે. આપણે જાણીએ છીએ કે બાળકો જે ભાષા બોલતાં હોય છે એ બધી જ મોટેરાંઓ પાસેથી કે સમાજ પાસેથી શીખેલી નથી હોતી. બાળકો જે કંઈ વાક્યો સાંભળે એના આધારે જે તે ભાષાનું વ્યાકરણ આત્મસાત કરે અને પછી પહેલાં કદી ન સાંભળ્યાં હોય એવાં વાક્યો બોલે અને સમજે. ચોમ્સકી કહે છે: બાળકો માટે ભાષાનો input આટલો બધો દરિદ્ર હોવા છતાં એ કઈ રીતે નવાં નવાં વાક્યો બનાવતાં હશે અને સમજતાં હશે? આપણામાંના ઘણાને પેલી બાળકવિતા યાદ હશે: ભાઈને નાની આંખ, એ જુએ કાંક કાંક, એ તો કેવી નવાઈ જેવી વાત છે! એવીજ કવિતા ભાષા પર પણ લખાવી જોઈએ. ભાઈને/બહેનને (આપણે gender bias નથી રાખવો) નવાં નવાં વાક્યો બોલતાં સમજતાં આવડે એ તો કેવી નવાઈ જેવી વાત છે! એનો અર્થ એ થયો કે ભાષાશાસ્ત્રીએ ખાલી કર્તા, કર્મ અને ક્રિયાપદ કે સંધિ છોડોને જોડો કરીને નથી બેસી રહેવાનું. એણે એનાથી પણ ખૂબ આગળ જવાનું છે અને આ બાળકો ભાષા કઈ રીતે શીખે છે એ કોયડો વ્યાકરણની મદદથી ઉકેલવાનો છે! આ કામ generative ભાષાસિદ્ધાન્ત કરે છે. તદ્ઉપરાંત, generative ભાષાસિદ્ધાન્ત ભાષાનાં ઘટકતત્ત્વો અને એમની વ્યવસ્થાનું વર્ણન તો કરે જ પણ અંતિમે એ એવો પ્રશ્ન પણ પૂછે કે ભાષામાં આવ્યું કેમ થાય છે? ચૉમ્સકી કહે છે કે ભાષાશાસ્ત્ર ત્રણ પ્રકારના પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરતું હોય છે. પહેલો પ્રશ્ન તે What પ્રશ્ન. હું જ્યારે એમ કહું કે ‘રમેશે કાગળ લખ્યો’ તો આ ત્રણ શબ્દો શું છે? એનો જવાબ ભાષાશાસ્ત્રએ આપવો પડે. પછી બીજો પ્રશ્ન તે How પ્રશ્ન. આપણે જાણીએ છીએ એમ ‘રમેશે કાગળ લખ્યો’ પૂર્ણ ભૂતકાળમાં વાક્ય છે. અને એમાં ‘રમેશ’ને -એ લાગે છે. પણ ‘રમેશ આવ્યો’ વાક્ય પણ ભૂતકાળમાં હોવા છતાં આપણે ‘રમેશ’ને -એ નથી લગાડતા. આપણે ‘રમેશે આવ્યો’ એમ નથી કહેતા. ચોમ્સકી પૂછશે: આવું કઈ રીતે બને છે? અહીં ક્યા પ્રકારની યંત્રવ્યવસ્થા કામ કરે છે? અને ત્રીજો પ્રશ્ન તે Why પ્રશ્ન. કેમ એક વાક્યમાં ‘રમેશ’ને -એ લાગે છે ને બીજા વાક્યમાં નથી લાગતો? જગતની બીજી ભાષામાં આવું થાય છે ખરું? જો થતું હોય તો બન્નેની યંત્રવ્યવસ્થા એક જ પ્રકારની છે કે જુદી. એક હોય તો કેમ? જુદી હોય તો પણ કેમ એમ? અને છેલ્લે, ગુજરાતી બાળક જ્યારે ભાષા આત્મસાત કરે છે ત્યારે આ પ્રકારનાં વાક્યો કઈ રીતે શીખે છે? બીજી ભાષાનાં બાળકો પણ એ રીતે જ શીખતાં હશે કે? જો એમ હોય તો આપણે ભાષાના કોઈક universal વ્યાકરણની વાત કરી શકીએ કે નહીં? અને જો કરીએ તો એને જીવવિજ્ઞાન કે જિનેટિક્સ સાથે કોઈ સંબંધ ખરો કે નહીં? Generative ભાષાશાસ્ત્રીઓ, અથવા તો એમ કહોને કે આધુનિક ભાષાશાસ્ત્રીઓ, આ પ્રકારના પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કરતા હોય છે.
Jerneએ એમના રોગપ્રતિકારતંત્ર પરના લેખમાં ચૉમ્સકીનાં બે પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે. એક તે Current Issues in Lingusitc Theory. આ પુસ્તક ૧૯૬૪માં પ્રગટ થયેલું. બીજું તે, Language and Mind. આ પુસ્તક ૧૯૭૨માં પ્રગટ થયેલું. જ્યારે પણ હું ચોમ્સકીની વાત કરવા બેસું ત્યારે હું એક વાત અવશ્ય કરતો હોઉં છું. ચૉમ્સકીની વાત કરતી વખતે જો કોઈ ‘નડતું’ હોય તો ચોમ્સકી પોતે. એ છેક ૧૯૫૫થી ભાષાશાસ્ત્ર વિશે લખતા રહ્યા છે અને એ જેમ જેમ નવી નવી સમસ્યાઓનો સામનો કરતા ગયા એમ એમ એમના ભાષાવિચાર બદલતા રહ્યા. Jerneનો આ લેખ પ્રગટ થયો ત્યાં સુધીમાં તો ચૉમ્સકીએ ચાર વાર એમના વિચાર બદલેલા. જો કે, એમના ભાષાવિચારના કેન્દ્રમાં સતત બે પ્રશ્નો રહ્યા છે. પહેલો પ્રશ્ન તે એ કે માણસ માત્ર ભાષા બોલે છે અને સમજે છે. એનો અર્થ એ થયો કે દરેક માણસના brain/mindમાં Universal વ્યાકરણ પડેલું હોય છે. તો એ વ્યાકરણનું સ્વરૂપ કયા પ્રકારનું હશે? એને જીવવિજ્ઞાન સાથે સંબંધ હશે? જીનેટિક્સ સાથે સંબંધ હશે? કે બીજા કશાક સાથે સંબંધ હશે? બીજો પ્રશ્ન આ છે: માણસના ચિત્તમાંનું Universal વ્યાકરણ જે તે વ્યક્તિ માટે એની ભાષાનું વ્યાકરણ કઈ રીતે બનતું હશે? ગુજરાતી સમાજમાં જનમતું બાળક, ચોમ્સકી કહે છે એમ, Universal વ્યાકરણ સાથે જનમતું હોય છે. પછી એ બાળક ગુજરાતી ભાષા સાંભળે અને એની સમાન્તરે પેલું Universal વ્યાકરણ ગુજરાતી ભાષાનું વ્યાકરણ બનતું જાય. આવું કઈ રીતે બનતું હશે? અને જગતભરનાં બાળકો પાછાં મોટે ભાગે એકસરખા ક્રમમાં જ પોતપોતાની ભાષાનું વ્યાકરણ શીખતાં હોય છે.
Jerne કહે છે કે જેમ બાળક માત્ર Universal વ્યાકરણ સાથે જન્મે છે એમ એ જ બાળક Universal કહી શકાય એવું રોગપ્રતિકારતંત્ર લઈને જનમતું હોય છે. આ સમાનતા સાચે જ ભાષાના તંત્રને અને રોગપ્રતિકારતંત્રને પાસપાસે બેસાડતી હોય છે. આગળ એ કહે છે કે જેમ ભાષાનું જ્ઞાન એક તંત્ર છે એમ રોગપ્રતિકારની વ્યવસ્થા પણ એક તંત્ર છે. એટલું જ નહીં, જેમ ભાષાનાં ઘટકતત્ત્વો હોય છે એમ રોગપ્રતિકારની વ્યવસ્થાનાં પણ ઘટકતત્ત્વો હોય છે! એટલે કે જેમ ભાષામાં શબ્દભંડોળ એમ રોગપ્રતિકારતંત્રમાં મનુષ્યનાં અવયવો! ફરક માત્ર એટલો જ છે કે રોગપ્રતિકારતંત્રનાં અવયવોની સંખ્યા નાની છે. આગળ Jerne એમ પણ કહે છે કે જેમ બાળક ભાષા શીખે છે એમ મનુષ્યનું રોગપ્રતિકારતંત્ર પણ બહારથી આક્રમણ કરતા વાઈરસ કે જીવાણુઓ સાથે જીવવાનું શીખી લેતું હોય છે. Jerneનાં ટેકનીકલ લખાણોમાં રોગપ્રતિકારતંત્ર કઈ રીતે આ શીખે છે એની ચર્ચા છે. આપણે એમાં ઊંડા નહીં ઊતરીએ.
Jerneનો આ લેખ સરેરાશ વાચકો માટે ખૂબ અઘરો છે. એમણે એમાં વ્યાકરણની વાત કરતી વખતે વાક્યની પણ વાત કરી છે અને અર્થની પણ. અને એ બન્નેને પ્રોટીનની સંરચના સાથે પણ સાંકળ્યાં છે. એટલું જ નહીં, લેખના અંતે એમણે એમ પણ કહ્યું છે કે જો Universal વ્યાકરણ જીવવૈજ્ઞાનિક હોય, એને આપણા ક્રોમોઝોમના DNA સાથે સંબંધ હોય તો એનો અર્થ એ થયો કે ભાષાશાસ્ત્ર એક દિવસે જીવવિજ્ઞાનનો ભાગ બની જશે અને કદાચ માનવવિદ્યાઓ કુદરતી વિજ્ઞાનનો ભાગ બની જશે. અત્યારે અમેરિકાની મોટા ભાગની યુનિવર્સિટીઓમાં Biolingustics ભણાવાય છે. Jerne એમાં સાચા પડ્યા છે. આપણે રાહ જોઈએ કે માનવવિદ્યાઓ પણ હવે જીવવિજ્ઞાનનો જ એક ભાગ બની જશે.
છેલ્લે, કોઈને પણ એક પ્રશ્ન થવાનો: Jerneએ જે કંઈ કહ્યું છે એને રોગપ્રતિકારતંત્રના નિષ્ણાતો અત્યારે કઈ રીતે જુએ છે? મેં હમણાં જ ૨૦૧૯માં પ્રગટ થયેલું Philosophy of Immunology (લેખક: Thomas Pradeu) પુસ્તક પૂરું કર્યું. એમાં લેખકે Jerne અને ત્યાર પછીની વિચારણાની પણ વાત કરી છે. એ કહે છે કે જેમ ભાષાશાસ્ત્રમાં cognitive turn આવ્યો છે એમ Jerneની વિચારણામાં પણ cognitive turn આવ્યો છે. ૨૦૦૬માં કોહન નામના વિદ્વાને Jerneની દલીલોનો બચાવ કરતાં કહ્યું છે કે રોગપ્રતિકારતંત્ર પણ દુશ્મનોના અને સહ્રદયોના પણ સંકેતો ઝિલે છે, સમજે છે અને એના આધારે નિર્ણયો પણ લે છે.
આપણા રોગપ્રતિકારતંત્રએ કોવિડ-૧૯ના સંકેતો પણ ઝિલ્યા જ હશે. પણ એ સંકેતો એ સમજે અને પોતે પોતાનો બચવા કરવા નિર્ણય લે એ પહેલાં એ પોતાની પ્રતિકારશક્તિ ગુમાવવા માંડતું હશે. મને લાગે છે કે અત્યારે આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે એની સામેની લડાઈને સમજવામાં ભાષાશાસ્ત્રએ પણ કંઈક તો પ્રદાન કર્યું જ છે.

1 thought on “ભાષાને શું વળગે ભૂર (૩૯) – ભાષાતંત્ર, રોગપ્રતિકારતંત્ર અને કોવિડઃ૧૯ – બાબુ સુથાર

  1. ભાષાતંત્ર, રોગપ્રતિકારતંત્ર અને કોવિડ:૧૯ પર મા.બાબુ સુથારનો લેખ થી ખૂબ અઘરો વિષય સમજાયો . કલ્પનામા પણ ન હોય તે વાત ‘વ્યાકરણ જીવવૈજ્ઞાનિક હોય, એને આપણા ક્રોમોઝોમના DNA સાથે સંબંધ હોય તો એનો અર્થ એ થયો કે ભાષાશાસ્ત્ર એક દિવસે જીવવિજ્ઞાનનો ભાગ બની જશે ‘ સમજાઇ અને આ વાતે ‘આપણા રોગપ્રતિકારતંત્રએ કોવિડ-૧૯ના સંકેતો પણ ઝિલ્યા જ હશે. પણ એ સંકેતો એ સમજે અને પોતે પોતાનો બચવા કરવા નિર્ણય લે એ પહેલાં એ પોતાની પ્રતિકારશક્તિ ગુમાવવા માંડતું હશે. મને લાગે છે કે અત્યારે આપણે જે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છે એની સામેની લડાઈને સમજવામાં ભાષાશાસ્ત્રએ પણ કંઈક તો પ્રદાન કર્યું જ છે.’વાત માણી આનંદ
    સાઈક્રિયાટીસ્ટોના કહેવા પ્રમાણે તમારા મગજમાં જે વિચાર આવે તે પ્રમાણે તમારી ઈમ્યુનિટી વધે છે કે ઘટે છે આનો સીધો ને સાદો અર્થ એટલો થયો કે જો તમારું મન નકારાત્મક વિચારો કરવા ટેવાયેલું હશે તો એક સમય એવો આવશે કે, જાણે અજાણે તમારી ઈમ્યુનિટી રોગ સામે તમારા શરીરની લઢવાની શક્તિ) એટલી બધી ઓછી થઈ જશે .આનાથી ઊલટું જો તમારા વિચારો હકારાત્મક હશે તો તમારી ઈમ્યુનિટી એટલી બધી સારી હશે કે સામાન્ય બીમારી તો નહી જ થાય પણ ઉંમર વધવાને કારણે થતાં શારિરીક ફેરફારો પણ તમને કોઈ પણ જાતની તકલીફ નહીં કરી શકે.ઈમ્યુનિટીઘટે નહી માટે જ્યાં પ્રદૂષણ હોય તેવી જગાએ જાઓ ત્યારે મોં પર માસ્ક રાખશો. શરીરના સાત દરવાજા (આંખ, નાક, કાન, ગળું, મળદ્વાર અને મૂત્ર દ્વાર તેમજ ચામડી મારફતે કોઈપણ જાતના જંતુ તમારા શરીરમાં ના જાય માટે આંખ પર નિયમિત પાણી છાંટો. ચોખ્ખા કપડાં પહેરો. પ્રદુષિત પદાર્થો અને પ્રદુષિત વાતાવરણથી દૂર રહો.આવિ કાળજી સાથે અમે માનીએ છીએ કે હૃદયરોગ હોય, કીડની ફેઇલ હોય તેવા લોકોને આ વાયરસ તરત લાગુ પડે છે. આવી ગંભીર બીમારી હોય તેવા લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલે એ લોકો મૃત્યુ પામે છે. ડો. બી. એમ. હેગડેએ જણાવ્યું હતું કે, કોરોના એ માઇલ્ડ વાયરસ છે. એ કિલર નથી. તે હવામાં ફેલાઇને ચેપ લગાડતો નથી. સ્પર્શથી, હાથ મિલાવવાથી, ભેટવાથી આ વાયરસ લાગુ પડે છે. લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની છે. ગરમી વધશે તેમ કોરોનામાંથી બહુ જલ્દી મુક્તિ મળશે. તાવ, શરદી હોય તો ખૂબ પાણી પીઓ, સાદુ ભોજન લો અને આરામ કરો. આ જ વાયરસને ડામવાની દવા છે. વાયરસ માટે બજારમાં કોઇ દવા નથી. તાવ આવતો હોય તો તાવને ઉતારવાની દવા લેવી નહીં. કારણ કે ગરમ જગ્યાએ વાયરસ ટકતો નથી અને મરી જાય છે. તાવ વખતે આપણું શરીર ગરમ હોય છે. અને શરીરમાં વાયરસ પ્રવેશ્યો હોય તો પણ તે ત્રણ દિવસમાં નાશ પામે છે. જો તાવ ઉતારવાની દવા લઇએ તો શરીર ઠંડુ પડે છે અને વાયરસની સંખ્યા ઝડપથી વધે છે. તાવ આવ્યો હોય ત્યારે રોજ પાંચ ગ્લાસ નાળિયેર પાણી પીવું અને પાંચ ગ્લાસ સિટ્રસ ફ્રુટ જયુસ પીવો તો તાવ ઉતરી જશે. અને વાયરસ પણ નાશ પામશે

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s