બને
બંધ ઘરના બારણામાં થી કોઈ સોંસરવું અંદર પ્રવેશ્યું
તાળાને પરસેવો છૂટી ગયો,
દીવાલોમાં ગુસપુસ થવા લાગી,
છબીઓએ અંદરો-અંદર સંકેત કર્યા,
બારીનો વ્યંગ સમજી શકાય એવો હતો,
દર્પણની હાલત સૌથી કફોડી હતી, એની આબરૂનો પ્રશ્ન હતો,
ઘડિયાળની બે-ફીકરાઈ ઉડીને આંખે વળગે એવી હતી,
પણ બારણાં સિવાય કોઈને ખાસ ફરક પડતો ના હતો,
એનું તો અસ્તિત્વ જોખમમાં હતું,
અચાનક
પાયાનું મૌન આખા ઘરને
હચમચાવવા લાગ્યું.
– ભાવેશ ભટ્ટ
ભાવેશ ભટ્ટની કવિતા ‘બને’નો આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ
યુવાન કવિશ્રી ભાવેશ ભટ્ટ ન તો “દાવડાનું આગણું” માટે નવા છે, કે, ન તો ગુજરાતી ભાષાના પ્રેમીઓ માટે. તેઓ આજે એક એવી અદભૂત કવિતા “બને” લઈને એ આવ્યા છે અને એ વાંચતાં મને એક ક્ષણ તો થયું, ‘આવું જો ખરેખર બને તો શું થાય?’ ખરેખર, એક દિવસ તમે જે ઘરમાં સુરક્ષિત રહેતા હો અને એ જ ઘરમાં તાળું તોડીને, બંધ બારણું એક ઝાટકે તોડીને અંદર કોઈ પણ રજા લીધા વિના પ્રવેશે અને ઘરની નિર્જીવ છત, દિવાલ, બારી, બારસાખ બધું જ સ્તબ્ધ થઈને જોયા કરે અને ઘરનો મોભી, પાયો, મૌન રહે તો? આવું થાય તો આખું ઘર જાણે ધરતીકંપ આવ્યો હોય તેમ હલબલાવા માંડે!
અહીં વાત સ્થૂળ અર્થમાં ભૂકંપ દ્વારા હચમચી જનારા રેતી, ઈંટ અને પથ્થરથી બનેલા બારી, બારસાખ, બારણાં અને છતવાળા, ચાર દિવાલના ઘરની નથી પણ માણસના અસ્તિત્વરૂપી ઘરની છે. માણસ તરીકે આપણે બેઝિકલી “કંન્ટ્રોલ ફ્રીક” – નિયંત્રણ શોખીન – છીએ. આપણે આપણી મરજીથી આપણી હયાતીમાં લોકોને આવવા દેવા માંગીએ છીએ. આપણી જિંદગીના આ ઘર પર અદ્રશ્ય અક્ષરોથી લખી રાખીએ છીએ કે “આ સાર્વજનિક જગા નથી, આ ‘ઘર’ના માલિકની છે.” એટલે કે, આપણે માની લઈએ છીએ કે આપણી હયાતીની અંદર આવનારાઓ હંમેશાં આપણી રજામંદી હશે તો જ આવી શકશે!, પણ પછી, પ્રેમ નામનો જુવાળ એવા બળથી એક આંધી બનીને આવે અને રજામંદીની રાહ જોયા વિના જ, આપણે દોરી રાખેલી પેલી કાલ્પનિક ઉંબરની લક્ષ્મણરેખા પાર કરીને, સખ્તાઈથી ભીડી રાખેલા બારણાં તોડીને આપણા આતમ, મન અને હ્રદય પર કબજો કરી લે છે. ત્યારે, આજુબાજુની દિવાલો જેવા લોકો અંદર અંદર ગુસપુસ કરવા માંડે છે. ખુલ્લી બારી જેમ ઠંડા પવનને આપણા સુધી લાવે એવા સ્વજનો પણ આ સ્થિતિ પામી જતાં વ્યંગ કરે છે. આ બધામાં આપણી પાયાની માન્યતાઓનું મૌન, આપણા અસ્તિત્વ આખાને હચમચાવવા માટે પૂરતું છે.
હવે આની સામે એક બીજો વિચાર એ આવે કે હયાતીને ઉપર ખુલ્લા આસમાની આભ અને નીચે લીલીછમ ધરતી પર કોઈ પણ છોછ વિના, કોઈ પણ પૂર્વગ્રહો વિના, એક મોકળાશમાં જીવવા દઈએ અને પ્રેમના સત્યને પરસ્પર સમજણથી સ્વીકારીને આદર અને કદરથી માથે ચડાવીએ તો જિંદગી કેટલી સુંદર બને?
“આમ જુઓ તો વાત આ કેટલી મજાની છે?
એ નજરોથી મળેલી એક મીઠ્ઠી રજાની છે!”
પ્રેમમાં અને જીવતરમાં કૃષ્ણના મોરપીચ્છ સમી હળવાશ જો હોય અને સુરેશભાઈ કહે છે એમ,
“આવે એને આવવા દઉં ને જાતાંને નહીં રોકું,
આપણું આવો પ્રેમ એ તો નીંદ પહેલાંનું ઝોકું!’
પછી તો, ન ઘર, ન બારણાં, ન બારી, ન છત, ન દિવાલ, બસ, પાયામાં માત્ર પ્રેમ અને પ્રેમનું સત્ય. કદાચ આને જ ઈશાવાસ્યવૃત્તિ કહેતાં હશે! આ મુકામ પર હો પછી કવિ કહે છે તેમ;
“દર્પણની હાલત સૌથી કફોડી હતી, એની આબરૂનો પ્રશ્ન હતો,
ઘડિયાળની બે-ફીકરાઈ ઉડીને આંખે વળગે એવી હતી,
પણ બારણાં સિવાય કોઈને ખાસ ફરક પડતો ના હતો,
એનું તો અસ્તિત્વ જોખમમાં હતું,”
એવું થવાની પછી તો ગુંજાઈશ જ રહે ક્યાંથી? વાત અહીં સ્વીકારની સમજણની છે અને સમજણના સ્વીકારની છે. આપણે આપણી જાત સાથેની સંવાદિતામાં જીવતાં શીખી લઈએ તો અસંવાદિતા માટે જીવનમાં કોઈ જગા નથી રહેતી. એક વાર આ અસંવાદિતાથી પનારો છૂટી ગયો પછી બસ, આનંદ જ આનંદ રહે છે.
આ કવિતા ઉપરના આવરણને ભેદીએ નહીં તો વિષાદની અને બંધનની લાગે પણ સાચા અર્થમાં આ કાવ્ય મુક્તિનું છે, પ્રેમનું છે, અવિરત આનંદને પામવાની રાહનું છે. ભાવેશભાઈ જેવા યુવાન કવિ પાસેથી આટલી પરિપકવ કવિતા મળે એ જ દર્શાવે છે કે ગુજરાતી ભાષા સદૈવ જીવંત રહેશે.
ક્લોઝ-અપઃ
વોલ્ટ વ્હિટમેનની કવિતાનો ભાવાનુવાદ – “મોકળા મારગનું ગીત”– રમેશ જાની, સૌજન્યઃ “કાવ્ય વિશ્વ”
“હળવે હૈયે પગલાં ભરતો હું, મોકળે માર્ગે નીકળી પડ્યો છું,
નિરામય અને નિર્બંધ, મારી સામે આખી દુનિયા ફેલાયેલી છે,
લાંબો ધૂળિયો મારગ મારી સામે પથરાયેલો છે,
મારે જ્યાં જવું હોય ત્યાં એ મને દોરી જશે.
હવે મને સદભાગ્યની ખેવના નથી, હું પોતે જ મારો ભાગ્યવિધાતા છું,
હવે મારે કશું જોઈતું નથી,
ઘરબારની દાદ-ફરિયાદો પતાવીને, પુસ્તકાલયોને તાળાં વાસી દઈને,
નિંદાત્મક ટીકટિપ્પણોને દફનાવી દઈને,
સશક્ત, સંતુષ્ટ હું ખુલ્લા મારગે ભૂરા આકાશની નીચે નીકળી પડ્યો છું.”
.
કવિ શ્રી ભાવેશ ભટ્ટની સ રસ કવિતા ‘બને’ નો જયશ્રી મરચંટ દ્વાર્રા સુંદર આસ્વાદ
LikeLike