પરાજય – મૂળ મરાઠી વાર્તાઃ તેજૂ કિરણઃ અનુવાદકઃ શ્રી અશોક વિદ્વાંસ


(અશોક વિદ્વાંસ નો સંક્ષિપ્ત પરિચયઃ અશોક વિદ્વાંસનો જન્મ ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં થયો હતો. શાળાનું શિક્ષણ ભાવનગર જિલ્લાના સોનગઢ નામના નાનકડા ગામની ’ગુરુકુળ વિવિધલક્ષી હાઈસ્કૂલ’ શાળામાં થયું અને ‘એલ. ડી. એન્જિનીઅરીંગ કોલેજ’ માં અભ્યાસ બી. ઈ.(મિકેનિકલ) કરી, દુર્ગાપુર (વેસ્ટ બંગાળ), ભાવનગર અને વડોદરામાં જુદીજુદી જગ્યાએ કામ કર્યું. ૧૯૮૩થી તેઓ સહકુટુંબ અમેરિકામાં જ સ્થિર થયા છે. અશોકભાઈ ૨૦૦૫થી નિવૃત્ત જીવન ગાળે છે. અન્ય અનેક પરદેશ-સ્થિત ભારતીયની જેમ ભારતનું એમને કાયમ આકર્ષણ રહ્યું છે. બચપણથી જ એક શોખ તરીકે શરૂ થયેલ ગુજરાતી અને મરાઠી સાહિત્યનું વાચન એ અશોકની સતત અને નિયમીત પ્રવૃત્તિ રહી છે, શોખ રહ્યો છે, જે પુખ્ત ઉંમરે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, અને તત્વજ્ઞાન, જેવા વિવિધ વિષયના વાચનમાં પરિણમ્યો છે. આદરણીય સ્વામી શ્રી સચ્ચિદાનંદે લખેલા “ગીતા અને આપણા પ્રશ્નો” નામના ગુજરાતી પુસ્તકનો તેમણે અંગ્રેજી અનુવાદ કર્યો છે, તેમ જ અમેરિકાના એક હબસી (કાળા વર્ણના) નેતા બૂકર ટી. વૉશિંગ્ટનની આત્મકથાનો સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદ કર્યો છે. અશોકભાઈને અંધારી રાત્રે તારા અને આકાશગંગા નિહાળવી ગમે છે અને દસેક વર્ષથી તેઓ પ્રિન્સ્ટન, ન્યુ જર્સી ના એક ખગોળ અભ્યાસ મંડળના સભ્ય છે. અશોકભાઈ જેવા બહુમુખી અને ત્રિભાષી સર્જકની કલમનો અહીં આપણને લાભ મળી રહ્યો છે. આપનું “દાવડાના આંગણું”માં હાર્દિક સ્વાગત કરતાં હું અત્યંત આનંદ અનુભવું છે.)

શોવરનું ગરમ પાણી શરીર પર પડ્યું અને જેનીને ખૂબ સારૂં લાગ્યું. થયું કે પાણીની સાથેસાથે જ શરીરનો બધો થાક પણ નીતરી જતો ’તો. ઓફિસમાં રોજની જેમ જ આજે પણ આખો દિવસ મીટીંગ, કોન્ફરન્સ, ને ’ઈ-મેલ’ ના ઢગલા ચાલુ જ હતા, અને એને એ બધાનો સખત થાક લાગ્યો હતો. તેમ છતાં એને પોતાનું કામ ખૂબ ગમતું. આજની બજેટ-મીટિંગમાં પણ જ્યારે એણે આંકડાઓ સાથે બધી ડિટેલ્સ રજૂ કરીને કંપનીને આર્થિક ભીંસમાંથી બહાર કાઢવાના રસ્તા બતાવ્યા ત્યારે માત્ર એનો બોસ રિચર્ડ્‍સ જ નહી, પણ વેબ-કોન્ફરન્સમાં હાજર રહેલા બધા એક્‍ઝીક્યુટીવ્‍સ પણ એકદમ ઇમ્પ્રેસ થઇ ગયેલા. રિચર્ડ્‍સ તો ધીમું ગણગણ્યો પણ ખરો, “આ વર્ષનું ૨૦% બોનસ નક્કી!” અને એ વખતે એની આંખોમાં જેની માટેનો જે વિશ્વાસ ચમકતો હતો એ જોઇને તો જેનીને મન સ્વર્ગ હાથ વેંતમાં આવી ગયું. એણે અભિમાનથી પોતાની જાતને કહ્યું પણ, “આટલો મોટો પગાર કાંઇ અમસ્તો લઉં છું?”
એ બધું યાદ કરીને અત્યારે પણ એ ખુશ થઇ. પણ થોડીવારમાં જ મનમાં પાછા એ જ વિચારો આવવા માંડ્યા. હૂંફાળા પાણીથી શરીરનો થાક ઉતર્યો ખરો, પણ મનની ઉદાસીનું શું? એને ડૉક્ટર મારિયાના શબ્દો સાંભર્યા, “જ્યારે મન ઉદાસ થાય ત્યારે તારી જીંદગીની સૌથી સુખી ક્ષણો યાદ કરજે.” એણે ભૂતકાળમાં નજર નાખી. બાળપણ, કોલેજ, રે સાથેની પહેલી મુલાકાત, એના પ્રેમમાં પડવું; એ ગુલાબી, મસ્તી ભર્યા દિવસો. “ના. બધું એનું એ. એ જ બધું યાદ કરવાનું. પણ એકની એક દવા લીધા કરવાથી જેમ એની અસર ઓછી થઇ જાય એ જ પ્રમાણે એની એ વાતો યાદ કરવાથી મનની ઉદાસીનતા પર એની કાંઇ અસર થતી નથી. મારિયા સાથે મારે ફરીથી વાત કરવી પડશે.”
છેલ્લા અઠવાડિયાથી રે સાથે ચાલતા અબોલાથી હવે એ ગળે આવી ગઇ હતી. પણ દરેક વખતે શું એણે જ બોલવા જવાનું? આમ તો એને પણ ખબર હતી કે રેના તો ધ્યાનમાં પણ નહી હોય કે એમની વચ્ચે ઝગડો થયો છે ને આટલા દિવસોથી જેની ગુસ્સામાં છે. ભાઈસાહેબ તો બસ પોતાની જ દુનિયામાં મસ્ત હશે. જેની વાત કરવા જશે તો જાણે કશું થયું જ નથી એમ જ વાત કરવા માંડશે. “પણ ના. એક વખત તો એને ખબર પડવી જ જોઇએ કે બીજા લોકોને પણ મન જેવું કાંઇક હોય છે.” પણ પાછું એને થયું કે આ જ રે ઉપર પોતે પ્રેમ કરેલો. એના સ્વભાવનો આ જ ગુણ – દુનિયાની પરવા ન કરતાં બસ પોતાનામાં જ મસ્ત રહેવું – પોતાને ગમી ગયેલો. એ પોતે કદી જ એવી ન બની શકે. એની આખી જિંદગી કોઇને ને કોઇને ખુશ કરવામાં જ ગઇ. નાની હતી ત્યારે મોમને, પછી ટીચર્સને, પછી બોસને અને હવે રેને. રે તો એને કાયમ કહે છે કે કદીક તો પોતા માટે જીવી જો! તે દિવસે આ વાત પરથી જ બોલાચાલી થઇ હતી. મોટે ઉપાડે બોલ્યા સાહેબ, “પોતા માટે જીવી જો.” એટલે શું કરવાનું? લગ્નને પાંચ વર્ષ થયા. એ પહેલા ત્રણ વર્ષ સાથે રહ્યા. એટલે છેલ્લા આઠ વર્ષથી પોતે જ બધું સંભાળે છે ને! કેટલી નાની ઉંમરમાં પોતે આટલી મહત્વની પોસ્ટ પર પહોંચી ગઇ છે! એક્કે બહેનપણીને પોતાથી અડધો પગાર પણ નથી મળતો! ભાઈસાહેબ, આ તમારો મ્યુઝિકનો શોખ ને નવા-નવા ઇન્સ્ટ્રુમૅંન્ટ્‍સનો ખર્ચ મારા પગારને લીધે જ પોસાય છે! બોલ્યો મોટો: “પોતા માટે જીવી જો.” અને પોતે ભાઈસાહેબ તો બસ પોતાના મ્યુઝિકમાં જ મસ્ત. બસ કહી દીધું, ’જે પોતાને ગમશે તે, અને ફક્ત તે જ મ્યુઝિક પોતે કંપોઝ કરશે.’ બજારમાં કોઇ એનો ભાવ પૂછે કે નહી એની એને ક્યાં પડી જ છે? ક્યાંય તડજોડ કરવાની વાત જ નહીં. “તું જોજે ને, જ્યારે એમને મારા મ્યુઝિકની કિંમત સમજાશે ત્યારે જખ મારીને મારી પાસે આવશે.”, એવો તો ભાઈસાહેબનો રૂઆબ.
જેનીને યાદ આવ્યું, બારમાં જ્યારે રેને પહેલીવાર મળી ત્યારે એના આ બિન્ધાસ્ત સ્વભાવ પર જ એ પોતે મોહી પડેલી. ત્યારે પોતે નોકરીની સાથેસાથે ’માસ્ટર્સ-ઇન-મેનેજમેન્ટ’ કરતી હતી, બહેનપણી સાથે એપાર્ટમેન્ટ શેર કરતી હતી, અને નાની બહેનની કોલેજની ફી ભરતી હતી. ત્યારે રે પોતાની બેફિકરાઈમાં મસ્તીથી જીવતો હતો. એકલો જ રહેતો. કોઇક સ્કૂલમાં મ્યુઝિક શીખવતો એ પણ માત્ર પેટ પુરતું કમાવા માટે. બાકીનો બધો સમય પોતાની સંગીતની દુનિયામાં ખોવાયેલો રહેતો. પહેલી મુલાકાતમાં જ બંનેની દોસ્તી જામી ગઇ. રેની સોબતથી એ પણ થોડી બેફિકર જીવવા લાગી. જિંદગીમાં પહેલી જ વાર બધું ભૂલીને બસ પોતાને ગમે એ જ કરવા માંડી. રેના પ્રેમમાં જાણે પોતાની જાતને પણ વીસરી ગઇ. બંને સાથે રહેવા લાગ્યા. જેનીને ’સિક્‍સ-ફિગર સેલેરી’ વાળી નોકરી મળી ને એણે રેને કહ્યું, “આપણે આરામથી રહી શકીએ એટલું હું કમાઉં છું. તું હવે તારી નોકરી છોડીને ફક્ત તારા મ્યુઝિક પાછળ લાગી જા.”
ફરી પાછી કમર બાંધીને એ રેને ખુશ રાખવા મંડી પડી. રેની ખુશીમાં જ એની ખુશી સમાઇ જતી હતી. સાચું પૂછો તો એ જ એનો સ્વભાવ હતો. જેમ રે પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની દુનિયામાં જીવતો ‘તો એમ જ જેની પોતાની દુનિયામાં સુખી હતી. આખો વખત રે સ્ટુડિયોમાં જ ગાળવા માંડ્યો. પણ, જેનીએ એને જે આપ્યું હતું એનાથી એ સંપૂર્ણ વાકેફ હતો. એ પણ જેનીને દિલથી પ્રેમ કરતો હતો. બંને જણા પોતપોતાની સ્વતંત્ર દુનિયામાં અને પરસ્પરના પ્રેમમાં સુખેથી જીવતા હતા. બંનેએ એ સુંદર સંબંધને લગ્નના બંધનમાં બાંધી આખી દુનિયા સામે જાણે એ પ્રેમની જાહેરાત કરી હતી! કેવળ જેનીને લીધે જ પોતે મન ફાવે તેમ જીવી શકે છે, એમ રે ખુલ્લંખુલ્લા કબૂલ કરતો. પોતા પ્રત્યેના રેના વિશ્વાસને લીધે જેનીનો ઉત્સાહ બમણો થઇ જતો. બીજી બાજુ રેને પણ ખાતરી હતી કે એક દિવસ પોતાનું સંગીત જરૂર સફળ થશે. ‘તો પછી વાંધો ક્યાં પડ્યો છે? ખટકે છે શું, આજકાલ?’ એ વિચારથી જેની પાછી ઉદાસ થઇ ગઇ.
નાહીને એ બાથરૂમની બહાર આવી. બેડ પર અસ્તવ્યસ્ત પડેલા રેના કપડાં જોઇને એનું મન ખાટું થઇ ગયું. પોતાનું ક્લોઝેટ ખોલી, સ્વેટસુટ પહેરી એ કિચનમાં ગઇ. કાયમ મુજબ રેએ પોતાની સેન્ડવિચ બનાવી લીધી ’તી. બાકી બધું કાઉન્ટર પર જ પડ્યું હતું. ગુસ્સો દબાવી એણે પોતા માટે બે સેન્ડવિચ બનાવી અને બધું પાછું ફ્રીઝમાં વ્યવસ્થિત મૂક્યું. એક સેન્ડવિચ કાલે લંચ માટે રાખી અને બીજી પ્લેટમાં લઇ એ ટીવી સામે ગોઠવાઈ. બેઝમેન્ટ માંથી રેના મ્યુઝિકનો અવાજ ચાલુ હતો. અગાઉ એ નીચે જઈ સાંભળતી, પણ હમણાંથી નીચે જવાની ઇચ્છા જ નહોતી થતી. છતાં, એના કાન ને મન ત્યાં જ હતા. જેની વિચારવા લાગી: ’કયા પ્રોજેક્ટ માટે રે આ ગીત બેસાડતો હશે? છે સરસ! ડ્રમબીટ્‍સ ની સાથે ગિટારની મિલાવટ બહુ સરસ થઇ છે.’ એકવાર જેનીને થયું નીચે જઇને રેને કહેવું કે આ પીસ સરસ છે. પણ કાઉચ પરથી એનાથી ઊભા ન થવાયું તે ન જ થવાયું.
જેની જ્યારે-જ્યારે રેને પોતાની એચિવમેન્ટ્‍સની વાત કરતી ત્યારે રે કહેતો, “એ કંપનીના ફાયદા માટે આટલી બધી વેઠ શું કામ કરે છે? શું આપી દે છે એ લોકો તને? એ તારો બૉસ તને ચડાવી ચડાવીને પોતાનો જ ફાયદો કરી લે છે. એના કરતાં તારુ પોતાનું જ કાંઇક કરને.” જેની સામે સુણાવતી, “બોલ્યા ભાઈસાહેબ, ’પોતાનું જ કાંઇક કરને.’ પણ આ નોકરી છે એટલે જ તું મન ફાવે એ કરી શકે છે એ ખબર છે ને? હું નોકરી કરીને પગાર લાવું છું એટલે જ તારી આ લાપરવાહી ચાલે છે.” એ માત્ર મલકાતો. ને રેના એ નિર્દોષ હસવામાં જ જેનીને પોતાના કર્તૃત્વ ની પાવતી મળી જતી. પણ હમણાંથી એનો પણ કંટાળો આવતો ’તો. પોતાને શું જોઇએ છીએ એ જ જેનીને સમજાતું નહોતું. અને રે તો બસ પોતાનું સપનું સિદ્ધ કરવાની ધૂનમાં, પોતાની દુનિયામાં જ મસ્ત હતો. બંધન તો એની પોતા પર પણ કાંઇ નહોતું. પણ જેનીને હવે પહેલા જેવી મજા નહોતી આવતી. તકલીફ એ હતી કે આ હકીકત પણ રેએ કશી તકરાર વગર સ્વીકારી હતી. બસ એ ભલો ને એનું સંગીત ભલું. એ પોતે પણ પોતાની કરીઅર બનાવવામાં આવી જ ડૂબી ’તી. પણ બધું મળ્યા પછી ’હવે આગળ શું?’ એવો નાઉમેદ કરાવતો પ્રશ્ન જેનીને મૂંઝવતો હતો. સાથે ચાલતા-ચાલતા જ એમના રસ્તા ક્યારેક, ક્યાંક જુદા પડી ગયા હતા.
એણે બહાર જોયું. હજી અંધારૂં નહોતું થયું. ઘણાં દિવસે ફરવા જવાની ઇચ્છા થઇ. ઊભી થઇને એ સ્નીકર્સ પહેરતી હતી ત્યાં રે બેઝમેન્ટ માંથી ઉપર આવ્યો. “ઓહ, તું જીમમાં જાય છે?” જેનીને થયું, ’આના તો ધ્યાનમાં પણ નથી કે હું એના પર ગુસ્સે થઇ છું ને અઠવાડિયાથી બોલી પણ નથી. જવા દે. હવે એ જ બોલવા આવ્યો છે ને.’ જેની બોલી, “ના, હું ખાલી બહાર આંટો મારવા જાઉં છું.” “ચાલ, હું યે આવું છું. આજે આખો દિવસ ઘરમાં જ રહ્યો છું.” રેના એ શબ્દોથી જેનીને અંદર ક્યાંક ખૂબ સારૂં લાગ્યું. ઘણાં દિવસો પછી બંને જણાં, અગાઉની જેમ જ, કાયમના જૂના રસ્તે ચાલવા માંડ્યા. એ રસ્તે એક વોકીંગ-ટ્રેલ હતી. બેઉ બાજુ પુષ્કળ ઝાડી વચ્ચે એક કેડી હતી. એને એ કેડીએ ચાલવું ખૂબ ગમતું. માળા તરફ પાછા ફરતા પંખીનો કલરવ અને વૃક્ષોની વચ્ચેથી વાતો પવન ભેગા મળીને જાણે માદક સંગીત છેડતા ’તા. ચાલતાં-ચાલતાં જ રેએ, બિલકુલ અગાઉની જેમ જ જેનીનો હાથ પોતાના હાથમાં લીધો. ને જેની નું મન એકદમ જ ખૂબ પ્રસન્ન થઇ ગયું. એને થયું, “કશું જ બદલાયું નથી. અમસ્તી જ પોતે મનમાં ભૂસું ભરી લે છે ને દુઃખી થાય છે. હજીય રેને પોતાની ગરજ છે, હજીય હું જ એનો સહારો છું. ખાલી-ખાલી હું એના પર ગુસ્સે થાઉં છું.”
“લેટ્‍સ હેવ કૉફી!” રે બોલ્યો, ને જેની ઝબકીને ભાનમાં આવી. ટ્રેલના છેડે જ કેફે હતી. એણે હકારમાં માથું ધૂણાવ્યું. ગરમ કોફીનો ઘૂંટડો લેતાં એણે પૂછ્યું, “નવા આલ્બમ પર કામ કરે છે? હમણાં તું જે ગીત વગાડતો ’તો એની ધૂન બહુ ગમી.” “હા, આલ્બમ નવું જ છે. ’પેરેમાઉન્ટ મ્યુઝિક’ વાળા માટે છે. ગયા અઠવાડિયે જ એમની ઓફર આવી. આ ગીત તૈયાર થાય પછી કોંટ્રેક્ટ સાઇન કરવાના છે.” ઘડીભર જેનીને પોતાના કાન પર વિશ્વાસ જ ન બેઠો. આ, આટલી મોટી બિઝનેસ ડીલ. પણ આ માણસ તો જાણે સાવ સામાન્ય વાત કરતો હોય એમ કહે છે! પેરેમાઉન્ટ મ્યુઝિકનો કોન્ટ્રેક્ટ એટલે શું સાદી વાત છે? ઓછામાં ઓછા પાંચ મીલયનનો સોદો નક્કી. રે સાચું કહેતો હશે કે પછી ….
એનાથી ચીસ પડાઈ ગઇ. “ઓહ‍ માય ગોડ‍. રે તુ શું બોલે છે? મારી મશ્કરી તો નથી કરતો ને? ગયા અઠવાડિયાની વાત, ને તુ મને આજે કહે છે?”
“ઓકે, ઓકે…… જો, જેની આમાં એવું તે મોટું શું છે? મને તો ખાતરી જ હતી કે આજ નહી તો કાલ, પણ એમને મારી કિંમત સમજાશે જ.” પોતાની કાયમી બેફિકરાઈ સાથે રે બોલ્યો.
પણ જેનીનો અચંબો હજી ઓછો થયો નહોતો. આનંદ, આશ્ચર્ય, એના બેધ્યાનપણાથી પોતાને થયેલી બેચેની…. બધી લાગણીઓ એકસાથે એને ઘેરી વળી. કૉફી ના કપ હાથમાં લઇ બંને ઘર તરફ ચાલવા માંડ્યા. રસ્તામાં એણે એને આખો પ્રોજેક્ટ સમજાવ્યો. ઘણાં દિવસો પછી જેનીએ એની વાત ધ્યાનથી સાંભળી. ઘેર પાછા ફર્યા પછી એણે વાઇનની બોટલ ઉઘાડી અને ક્યાંય સુધી બંને જણાં વાઇનના ઘૂંટડા સાથે ભાવિના સપનાં જોતા રહ્યા. કેટલીયે સૂની રાત પછી એ નશા ભરી રાત બંનેને ફરીને ભૂતકાળમાં ખેંચી ગઇ. કાયમની જેમ જ રે નાના બાળકની જેમ ઘસઘસાટ ઊંઘી ગયો, અને જેની વિચારમાં ખોવાઈ ગઇ.
અચાનક જ, એને એક ખાલીપો મહેસૂસ થવા લાગ્યો. હવે રેને એના પૈસાની ગરજ જ નહી રહે. એને જે પૈસા મળશે એના હિસાબમાં પોતાનો ’સો કોલ્ડ ફેટ સેલેરી’ એક જોક બની જશે. રેના તો મનમાં ય આવો વિચાર નહી હોય એની એને ખાતરી હતી. પણ, જેનીને મન પોતાનું અસ્તિત્વ અચાનક જ સાવ વામણું બની ગયું. એ જોબ પર આટલી મથતી હતી કારણ ’બિચ્ચારો રે’ સ્ટ્રગલ કરતો હતો. એજ રેનો આધાર હતી. એને લીધે જ રે ’સર્વાઇવ’ થતો હતો. હવે એને પોતાના હોવાનું કશું પ્રયોજન દેખાતું નહોતું. રે કહે છે એમ પોતા ખાતર જ જીવવું જોઇએ. પણ એટલે ચોક્કસ શું કરવાનું? આજ સુધીનું એનું જીવન બીજા કોઇને ખુશ કરવા માટે જ ગયું ’તુ. એમાં જ એને ધન્ય લાગતું ’તુ. તો, હવે પછી કોના માટે આ બધી મહેનત કરવાની? જેને માટે એ આ બધું કરતી હતી, જે પૂર્ણપણે એના આધારે રહેતો હતો, કેટલી સહજ રીતે એણે પોતાને મુક્ત કરી લીધો? સાવ ચૂપચાપ. જાણે એને પોતાના આધારની કદી જરૂર જ નહોતી. તો શું આ બધો કેવળ પોતાનો ભ્રમ હતો? રેની સફળતાથી એ ખુશ નહોતી થઇ એવું યે નહોતું. “પણ તો મનમાં આ ખાલીપો શું કામ? આ શેની ખોટ આખા બદનને થકવી નાખે છે?” ફરીને એ જ ઉદાસી, ફરીને મનમાં એ જ ઘમસાણ. આખરે પોતાને જોઇએ છીએ શું.?”
સવારે ઍલાર્મ વાગ્યો ત્યારે એની ઊઠવાની બિલકુલ ઇચ્છા નહોતી. એકાદ સ્પર્ધામાં પોતાનો પરાજય થયો હોય એવી લાગણીના ભાર નીચે એ પથારીમાં પડી રહી.

(લેખિકા: તેજૂ કિરણ. અનુવાદ: અશોક ગો. વિદ્વાંસ.)

3 thoughts on “પરાજય – મૂળ મરાઠી વાર્તાઃ તેજૂ કિરણઃ અનુવાદકઃ શ્રી અશોક વિદ્વાંસ

  1. શ્રી તેજૂ કિરણની મૂળ મરાઠી સુંદર વાર્તાઃપરાજય નો વિદ્વાન સામર્થ્યવાન સર્જક અને ગુજરાતી અને મરાઠી બંને ભાષાસાહિત્યમાં સર્જનપ્રદાન કરતા અમેરિકાના ગુજરાતી જનસમૂહ અને ગુજરાતી ડાયસ્પોરાના અગ્રજી, વિબુધ સાહિત્યસેવી, સૂક્ષ્મગ્રાહી અને કુશળનિરૂપક શ્રી અશોક ગોપાળરાવ વિદ્વાંસનો સ રસ ભાવાનુવાદ
    ‘શોવરનું ગરમ પાણી’ અને ‘હૂંફાળા પાણી ‘ પ્રતીક વડે લેખક કદાચ પોતાની જાતને સમજાવવાનું કામ ભાવકને સોંપે છે. પાણીના સ્પર્શે સારું લાગે થાક ઉતરે અને તરસને ન સમજવું એ આપણા જીવનની સહુથી મોટી વિષમતા છે. પ્રેમની પહેલી શરત છે વરસી જવું. ભીતરનો ગોરંભો ખાલી ન કરે અને ચાલી નીકળે એવા પ્રેમસંબંધ કઈ રીતે ચાલી શકે ? પ્રેમીજનને દિલની વાત ન કહેવી હોય તો પ્રેમમાં કોઈ ફરજ પાડવામાં આવતી નથી પણ આ મરજિયાત પ્રશ્નનો જવાબ ન આપો તો જિંદગી પણ કોરી જ રહી જવાની.આપણા સમાજમા ઘણાખરામા અનુભવાતી વાત રે અને જેની…ખાલીપો … બદનને થકવી નાખે અને અણકલ્પ્યો અંત -‘પોતાનો પરાજય થયો હોય એવી લાગણીના ભાર નીચે એ પથારીમાં પડી રહી.’

    Liked by 1 person

  2. અપેક્ષાઓનો ભાર જ્યારે ઉતરી જાય ત્યારે સર્જાતી મન:સ્થિતિની સુંદર વાર્તા.

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s