બાલ્કનીમાં બેઠાં-બેઠાં આકાશમાં ઊડતાં પક્ષીઓનો અવાજ સાંભળવો મને ખૂબ ગમે છે. ક્ષિતિજમાં ગુમ ન થઈ જાય ત્યાં સુધી હું કાન સરવા કરીને એ સાંભળ્યા જ કરું. સાંજે પરત ફરતા હોય કે પછી સવારે ફરી ઊડાન ભરતાં હોય, એ પક્ષીઓના ટહુકાઓ કાને પડે. મારી બાલ્કની પાસેના વૃક્ષ પરથી ક્યારેક એકસાથે ઊડતાં પંખીઓની પાંખનો ફડફડાટ તો ક્યાંય સુધી મારા કાનમાં ગુંજ્યા કરે. તડકો આકરો લાગે ત્યારે જ હું રૂમમાં જાઉં.
આ તો પક્ષીઓ સાથેની મારી દોસ્તીની વાત થઈ. બાકી મારા મિત્રો ઘણાં બધાં છે. સવાર પડતાં જ જુઓ પેલા સામેથી ઘરઘરાટી કરતા બાઇક પર આવ્યા એ છે, રામુકાકા દૂધવાળા. મને તો એ જ નવાઈ લાગે કે બાઇક ઉપર એ દૂધનાં કેન કેવી રીતે ભરાવતા હશે ? ક્યારેય પડી જાય તો ? રોડ પર દૂધ જ દૂધ વહેવા માંડેને! આહા… તો તો ફૂટપાથના પેલા ગરીબ બાળકોને જલ્સા થઈ જાય હો. દોડીને આળોટવા જ માંડે રસ્તા પર! રામુકાકાનું બેલેન્સ જબરું હશે. એ મારી બાલ્કની નીચે પહોંચ્યા લાગે છે. ઉપર એમનો બુલંદ અવાજ આવ્યો. .
‘ગુડ મોર્નિંગ, આજે વાદળા વધુ છે. વરસાદ આવે એવી એંધાણી લાગે છે, ભઇલા.’
‘હા, કાકા હું ક્યારનો તડકો શોધું છું, પણ વાદળ પાછળથી સૂરજ વચ્ચે વચ્ચે ડોકિયાં કરી લેતો હોય એવું લાગે છે. આજે આકાશ વરસે ય ખરું!’
‘મારે ઝપાટાભેર ઘર પતાવા પડશે ભાઇ. વરસાદ વરસે તો ધ્યાન રાખવું પડે. દૂધમાં પાણી ને પાણીમાં દૂધ એવું થાય.’ રામુકાકા હસતા હસતા બાજુના ઘરમાં દૂધ આપવા ગયા. એમનો અવાજ આજુબાજુના ચાર ઘરમાં સંભળાય એમ ગાજ્યો…
‘દૂ . . .ધ . . . !’
હજુ તો એમનો અવાજ દૂર જાય ત્યાં જુઓ સામે મારતી સાઇકલે ગીત લલકારતો આવે છે, તે કનુ છાપાવાળો.
‘ગુડ મોરનીંગ ભઈ. તમે કેવા તૈયાર થઇને બાલ્કનીમાં બેઠા હો. બાકી તો ગામ આખુંયે ઊંઘતું હોય છે હો. આ બધાંય કળજુગિયા કે’વાય !’
‘કનુ, તું આજે સવારમાં ચા પીને નીકળ્યો લાગે છે. મૂડમાં છે કાંઈ? શું સમાચાર છે આજે છાપામાં?’ મેં પૂછી જ નાખ્યું.
‘અરે સાહેબ, રોજના સમાચાર એક જ હોય – ભાવ વધારો. મારા જેવાને જ નો’ નડે.’ કહેતા ખી-ખી કરીને હસી પડ્યો.
મેં પૂછ્યું, ‘કેમ કનુ, તને ના નડે ? તને જમવાનું તૈયાર મળે છે, મફતમાં?’
‘ના સાહેબ, મારે આ એક સાઇકલ છે. પેટ્રોલના ભાવ વધે ઇ મને નો’ નડેને. બાકી તો છાપાનું પતાવીને હોટેલમાં કામ કરવા જાઉં. દિવસે ત્યાં નોકરી કરું એટલે ખાવાનું તો ત્યાં જ મળી રે’ છે. હવે તમે જ ક્યો, મને ક્યાં મોંઘવારી નડે?’
‘હા, એ ખરું.’ મેં મલકાતા કહ્યું.
‘હાલો હું જાઉં. મોડું થાય તો બધાં બૂમો પાડશે. આજ વરસાદ જેવું લાગે છે. તૂટી પડે તો છાપા પાણી-પાણી થાય.’
પેડલ મારવાનો ઝડપી અવાજ પસાર થયો. કનુ આગળ જવા લાગ્યો.
સવારના આ બે મારા મિત્રો. એમની સાથેના આવા સંવાદોથી જ મારી સવાર જાણે કે શરૂ થાય. હવે સામેના ઘરમાંથી મારી ફ્રેન્ડ આવશે. જુઓ આવી . . . આવી . . . એની જ સુગંધ આવી. . . !
‘હાય, ગુડ મોર્નિંગ. હેન્ડસમ લાગો છો આજે.’
‘વેરી ગુડ મોર્નિંગ, ગુડ્ડી. હું રોજ હેન્ડસમ નથી લાગતો ? આજે જ લાગુ છું કે ?’
‘ના, ના રોજ આવા જ લાગો છો હેન્ડસમ હીરો. આજે મારી એક્ઝામ છે. તમને જોઉં ને એટલે સારું લાગે. તમે મારા ગુડલક છો. એક્ઝામમાં બધું આવડી જશે.’
‘હાઉ નાઇસ ઓફ યુ ગુડ્ડી. ઓલ ધ બેસ્ટ તારી એક્ઝામ્સ માટે.’
‘થેન્કસ, બાય.’
ગુડ્ડી પતંગિયાની જેમ ઊડતી જાય ને જાણે મનેય પાંખો ફૂટે છે. મારું ચાલત તો હુંય તેની પાછળ-પાછળ દોડતો પહોંચી જાત ! એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. ઘણીવાર ઘરે આવી ચડે. મારી આજુબાજુ પતંગિયાની જેમ જ ઊડાઊડ કરે. એક દિવસ આવીને કહે. . .
‘મેં ગોડ પાસે માગેલા એવા જ તમે મારા ફ્રેન્ડ છો, એન્જલ જેવા. તમને તો બધું જ આવડે છે. તમે સ્કૂલે નથી જતા તોય કેવી રીતે આવડે છે?’
મેં કહેલું, ‘ગુડ્ડી, હું સ્કૂલે નથી જતો પણ તું તો જાય છેને. તારી સ્કૂલ બેગની બધી બુક્સ મને ભણાવી જાય છે! મોટી થઇને તું મને ભણાવજે, ઓકે?’
‘ત્યારે તો તમે પણ મોટા હશોને? હું મોટી થાઉં તો તમેય મોટા થશોને!મને હોમવર્કમાં હેલ્પ કરોને પ્લીઝ !’
એ વ્હાલથી મારા ખભે હાથ મૂકે ને મને તેનો મખમલી સ્પર્શ ફૂલોની યાદ અપાવે. એની સુગંધથી મારા રોમેરોમ ઝંકૃત થઈ ઊઠે, મેળવેલી સિતારની જેમ જ!
કાયમ હોમવર્ક પુરું કરીને થેન્કસ કહેતી, દોડતી ઘરે જતી રહે.
હું તો એમ જ કહું કે, ‘લો, પતંગિયું ઊડ્યું. . . !’
પતંગિયા સાથેની મારી ખરી દોસ્તી ગુડ્ડીએ જ કરાવી છે. ગુડ્ડીને પતંગિયા ખૂબ ગમે. જ્યારે આવે ત્યારે તેની વાતો અચૂક કરે જ. મારા માટેના એ અજાણ્યા પ્રદેશમાં એણે જ પ્રવેશ કરાવેલો. એણે કહેલું,
‘તમને પક્ષીઓ ગમે છેને, મને તો પતંગિયું ગમે.’
‘પતંગિયું? કેમ? ’
‘નાનું અને નાજુક, રંગ-બે-રંગી, એકદમ સુંદર મજાનું હોય ને એટલે.’
‘અરે વાહ, તારા જેવું કે?’
ગુડ્ડી હસી પડેલી, ઘંટડીના રણકાર જેવું!
‘હું તમને પતંગિયા વિશે વાત કરું. મારી પાસે તો એની બુક્સ પણ છે. મેં વાંચ્યું છે,પતંગિયાઓની દુનિયા વિશે.’
એમ કહેતા તેણે ઇયળ, કોશેટો અને તેમાંથી પતંગિયું નીકળે ત્યાંથી શરૂ કરી તેના રૂપ, રંગ, ચંચળતા વગેરે વાતો કરેલી. બીજા દિવસે તો તેની નોટ ખોલી મને કહે,
‘લો, અડો જોઇએ.’
સાવ પાતળા પોતનું નાનકડું પતંગિયું એણે મારી હથેળી પર મૂક્યું.વજન જ નહીં! એ બોલી,
‘પતંગિયું છે, મને ગમતું.’
‘તે નોટબુકમાંથી કેવી રીતે કાઢ્યું?’
‘અરે મને તો મરેલું જ મળ્યું છે. મને ખૂબ ગમ્યું એટલે મારી નોટના પાનાં વચ્ચે રાખી દીધું છે. મારું ચાલે તો હું તેમાં પ્રાણ પૂરું.’
એ ઉત્સાહભેર થોડી ઉદાસી સાથે બોલેલી. પતંગિયું મારી હથેળીમાંથી પાછું લેતા તેના હાથને પકડી મેં કહેલું, ‘ગુડ્ડી, કેટલું જીવવું તેનું નહીં બલ્કે કેવું જીવવું તેનું મહત્ત્વ છે. જો આ પતંગિયું મરીને પણ તને કેટલી બઘી ખુશી આપે છે, એ અગત્યનું છેને.’
‘હા, એ વાત સાચી.’ ફરી એ મૂડમાં આવી બોલેલી,
‘મને પતંગિયા અતિશય ગમે છે. એ ઊડાઊડ કરે ને હું તેની પાછળ દોડતી જાઉં.’
મેં હસતા હસતા કહેલું,
‘ચાલો, આજથી તારું નામ પતંગિયું. તુંય નાની, નાજુક અને સુંદર છેને.’
‘વાહ, હું પણ પતંગિયાની જેમ બધાને ખુશી આપીશ. મરી જઇશ ત્યારે આ પતંગિયું મારી નોટમાં સચવાયેલું છે એમ ક્યાંક ને ક્યાંક રહી જઇશ.’
તેનો હાથ છોડી, મારી હથેળી તેના મોં તરફ જતી હતી, આવું બોલતી બંધ કરવા… ત્યાં તો . . .
‘ઓહ, ગેટીંગ લેઇટ. હું જાઉં છું.’ કહેતા દોડતી જતી રહેલી. હું બોલી ઊઠેલો,
‘લો, પતંગિયું ઊડ્યું. . . !’
અરે છાંટા પડવા માંડ્યા. રામુકાકાની આગાહી હવામાન ખાતા કરતા સચોટ કહેવાય. લો, વરસાદ માંડ્યો વરસવા. આ ભીની ભીની સુગંધ અને વરસાદ મને ખૂબ ગમે, પણ મારાથી નહાવા જવાય નહીં. હમણાં આજુબાજુમાંથી કેટલાં બધાં છોકરા-છોકરીઓ નીચે આવીને ન્હાશે. ધમાલ – મસ્તી કરતા ખાબોચિયામાં છબછબિયાં કરશે, જાતભાતના અવાજો આવશે.
ચાલો આજે હું કાગળની હોડી બનાવીને નીચે નાખું. ખાબોચિયામાં પડશે ખરી? તરશે કે નહીં?
*
અરે. . . અરે. . . અરે. . . આ શેનો અવાજ આવ્યો? બાપ રે, કેવી બ્રેક મારી!
‘ભીના રસ્તે ધ્યાન રાખીને સ્કૂટર ચલાવો, સ્લીપ થશો.’ મારાથી મોટા અવાજે બોલાઈ ગયું.
આમાં મારી હોડીનો તો કચ્ચરઘાણ નીકળી જાયને ! ચાલો, પ્રોગ્રામ કેન્સલ. નથી તરાવવી મારે હોડી.
‘અભિ, બેટા અંદર આવ. પલળી જઇશ. વરસાદનું જોર વધે છે, શરદી થઈ જશે.’
‘આ મારી મમ્મીનો અવાજ!’ ચલો, બંદા બાલ્કનીમાંથી અંદર રૂમમાં ચાલ્યા.
રૂમમાં ખૂબ કંટાળો આવે. પંખાનો ટકટકિયો અવાજ ગમે નહીં. આકાશ ને ટહુકતાં પંખીઓ તો બહાર જ રહી જાય, બાલ્કનીમાં ! હવે વરસાદ બંધ થાય પછી જ જવાશે.’
‘મમ્મી વરસાદમાં તો ગરમાગરમ ભજીયાં ખાવાની મોજ પડે.’
‘હા બેટા, મને ખબર જ છે તને ભજીયાં યાદ આવશે. બટાકાંની કાતરી કરી લીધી. બેસન તૈયાર કરું છું. બોલ કયા કયા બનાવું ? બટાકાં, કાંદા, કેળા, મરચા. . . હમણાં તૈયાર થાય એટલે તને આપી જાઉં. ગરમાગરમ ખાજે.’
વાહ, ભગવાન બધાંને આવી જ મમ્મી આપે, ભજીયાં ખવડાવે એવી… ! હજુ પલંગમાં પડ્યા પડ્યા એવા વિચારો કરું છું ત્યાં તો ભજીયાની સુગંધ ઘેરી વળી. વાહ, હું તો ઝાપટી ગયો ફટાફટ.
વરસાદ ધીમો પડ્યો લાગે છે. આમ તો પાણી ટપકવાનો જ અવાજ આવતો લાગે છે. કદાચ વરસાદ રહી પણ ગયો હોય. ચાલો, ફરી બાલ્કનીમાં જઇએ. મારું પોતીકું વિશ્વ છે એ.
બાલ્કનીમાં પહોંચતા જ નીચે મોટું ટોળું જામેલું હોય એટલો બધો શોરબકોર છે.
‘આઘા ખસો, આઘા ખસો, શું થયું જોવા દો.’ અરે, આ તો રમેશકાકાનો અવાજ આવે છે.
‘કાકા, શું થયું? કેમ આટલો બધો ઘોંઘાટ શેનો છે?’
‘અભિ, આ વરસાદને લીધે કોઇકનો એક્સિડન્ટ થયો છે. ધીમેથી ધ્યાન રાખીને વાહન ચલાવતા હોય તો. આજકાલના જુવાનિયાઓ સરપની જેમ મોટરસાઇકલ ચલાવે છે. ગમે ત્યાંથી આગળ જતા રહેવાનું.
પછી શું થાય? અકસ્માત જ ને!’
‘ઓહ, કાકા બહું વાગ્યું છે? કોનો એક્સિડન્ટ થયો? પ્લીઝ જરા જુઓ ને, તેને મદદની જરૂર હોય તો જુઓ તો ખરા. મને કહોને પ્લીઝ.’
રમેશકાકા જોવા જ જતા હતા. મારા કહેવાથી ટોળામાં ઘૂસ્યા. હું કાગડોળે એમની રાહ જોતો રહ્યો. મારો જીવ ઊંચક થઈ ગયો. શું થયું હશે, કોણ હશે, બહુ વધારે વાગ્યું નહીં હોય ને ? કેટલાં પ્રશ્નો મગજમાં ઘૂમરાવા માંડ્યા એકસાથે.
મારા વિચારોને વીંધતો રમેશકાકાનો અવાજ આવ્યો . . .
‘અરે બેટા, સામેવાળી ગુડ્ડી છે. સ્કૂલેથી ઘરે આવતી’તી. ક્રોસ કરવા ગઈ અને એક બાઇકસવાર ઝડપથી આવ્યો. પાછળથી ભટકાઇને એ તો છૂ થઈ ગયો.’
‘ઓહ. ગુડ્ડીને વાગ્યું છે કાકા? પ્લીઝ મને કહોને શું થયું છે?’ મારાં હૃદયના ધબકારા વધી ગયા. હું પરસેવે રેબઝેબ થઈ ગયો. મારે ઊડીને પહોંચવું’તું ગુડ્ડી પાસે. એની હાલત જોવા હું બેબાકળો બની ગયેલો. મેં અધીરા અને ફાટેલા અવાજે બૂમ પાડી . . .
‘કાકા, ગુડ્ડીને કેમ છે? એને હોસ્પિટલે લઈ જાવ પ્લીઝ. જલ્દી ડૉક્ટરને બોલાવો.’
‘માથામાં વાગ્યું છે. ભાનમાં લાગતી નથી. એમ્યુલન્સ બોલાવી છે, બેટા.’
એમ્યુલન્સની સાયરન વાગી. ગુડ્ડીને હોસ્પિટલે લઈ ગયા. ગુડ્ડીનાં સમાચાર સાંભળવા મારા કાન અધીરાં બની ગયેલાં. આ સમય કાઢવો કપરો છે. કેવા કેવા વિચારો દિલોદિમાગને ઘેરી વળે છે.
અચાનક મમ્મી મારી પાસે આવી, મારા ચહેરા પર હાથ ફેરવતી બોલી,
‘અભિ, ચાલ આપણે દવાખાને જવાનું છે.’
તેના હૂંફાળા હાથને મારા હાથમાં લઈ મારાથી વચ્ચે જ પૂછાઈ ગયું, ‘ગુડ્ડી પાસે ? ’
મારો હાથ પકડી મને ઊભો કરતા મમ્મીએ કહ્યું, ‘ચાલ બેટા.’
મારા જીવમાં જાણે જીવ આવ્યો. હું બોલ્યો, ‘હા, ચાલો જલ્દી જઇએ.’
હોસ્પિટલમાં પહોંચતા મને તો બધું વિચિત્ર લાગ્યું. ડૉક્ટર મને તપાસતા હતા. અંદરોઅંદર વાતો કરતા હતા, કે બધું ઓકે છે. ઓપરેશન કરીએ. એકાએક વિચિત્ર ગંધ મને ઘેરી વળી. મને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવી રહ્યો છે કે શું? મારા માટે બધું અચાનક અને અગમ્ય બની રહ્યું છે. હું પૂછવા મથું છું, પણ કોઈ આસપાસ હોય એવું લાગતું નથી.
કોઈ સાધનોના ટકરાતાં અવાજો અને સાવ ધીમા અવાજે સંભળાતી સૂચનાઓ તરફ કાન સરવા કરવાની કોશિશ કરતો રહ્યો. અચાનક હું ભાન ખોતો જાઉં છું. . . સરી ગયો છું ગાઢ નિદ્રામાં. . .
જાગ્યો ત્યારે આસપાસના અવાજો કાને પડી રહ્યાં છે. હું હાથ હવામાં ફંફોસતા બોલ્યો,
‘કોઈ છે અહીં? શું થયું? ગુડ્ડીને કેમ છે? હું ક્યાંછું? પ્લીઝ કોઈ કહેશો મને?’
મમ્મીનો ડૂસકાં સાથે અવાજ આવ્યો,
‘બેટા, આપણે દવાખાનામાં છીએ. તારી આંખનું ઓપરેશન થઈ ગયું છે. હવે તું જોઈ શકશે, બધું જ જોઈ શકશે – ગુડ્ડીની આંખે !’
અને હું આંખ પરની પટ્ટી પર હાથ ફેરવતો પતંગિયા જેવી ગુડ્ડીનો ચહેરો આકારિત કરવા મથી રહ્યો.
****************************************
સુંદર લાગણીસભર વારતા
LikeLiked by 2 people
સરસ લેખ. શું ચિત્ર ઉભું કર્યુ છે. પાત્રો પણ કેટલાક. આજે આંગણામાં આવવું ખુબ ગમ્યું! છાયાને મારા ખાસ અભિનંદન.
LikeLiked by 3 people
સરસ વાર્તા.
LikeLiked by 2 people
વાતાવરણ બંધાતું ગયું અને એકદમ જ જાણે ગાજવીજ થઈ.
જરાય કલ્પના ન આવે એવી રીતે વાત આગળ વધતી ગઈ…અને ધાર્યો જ હોય એવા અંત પર લઈ ગઈ.
LikeLiked by 3 people
સુ શ્રી છાયા ત્રિવેદીની ‘પતંગિયાની પાંખ’ સુંદર વાર્તા
.
‘વાહ, હું પણ પતંગિયાની જેમ બધાને ખુશી આપીશ. મરી જઇશ ત્યારે આ પતંગિયું મારી નોટમાં સચવાયેલું છે એમ ક્યાંક ને ક્યાંક રહી જઇશ.’
.
અંત ‘ગુડ્ડીની આંખે !’ કસક…વિગલીત…આનંદ
LikeLiked by 2 people
વાહ! ખૂબ સરસ વાર્તા.
સરયૂ પરીખ
LikeLiked by 1 person