થોડી ખાટી, થોડી મીઠી – (૨) જાગૃતિ દેસાઈ-શાહહું, જય અને “પરંતુ”

જાગૃતિ દેસાઈ-શાહ

અમે છેલ્લા બે દાયકાથી અમેરિકામાં રહીએ છીએ એટલે ભારતમાં જન્મેલા મારા દીકરા જયનો સંપૂર્ણ ઉછેર અમેરિકામાં થયો છે. કોઈ બાળક જ્યારે પોતાની ભૂમિ કે સંસ્કૃતિથી દૂર કોઈ બીજા જ ખંડમાં ઉછરતું હોય ત્યારે સ્વાભાવિક છે કે તેની રહેણી-કરણી કે તેના આચાર-વિચાર અથવા વર્તન તેની ઉંમરના અન્ય ભારતીય બાળકોથી જુદા હોય. આ કારણે અમેરિકાના અમારા વસવાટના શરૂઆતના વર્ષોમાં જ મેં એક વાત ગાંઠે બાંધેલી કે, જ્યારે મારો દીકરો એક જુદા જ પરિવેશમાં મોટો થઈ રહ્યો છે ત્યારે મારે એક ભારતીય મા તરીકે સાવ નકામી લાગણીઓમાં એને બાંધીને એની પાસે અમુક પ્રકારના વર્તનની અપેક્ષા રાખવી નથી. અમેરિકામાં વ્યક્તિ સ્વાતંત્ર્ય પર અત્યંત ભાર મૂકવામાં આવે છે અને એ રીતે મારે એના વ્યક્તિત્વનો વિકાસ એની પોતાની મરજીથી થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું હતું. અને મેં એ ધ્યાન રાખ્યું પણ!
આજે મારો દીકરો જય જુવાન થઈ ગયો છે અને હવે અમારા મા-દીકરાનો સંબંધ એક જુદું જ પરિમાણ ધરાવે છે. જય સમજણો થયો ત્યારથી અમારા સંબંધમાં ઘણા બધા “પરંતુઓ” નો જન્મ થયો છે અને આજે પણ અમારા સંબંધમાં અનેક “પરંતુઓ” અસ્તિત્વ ધરાવે છે. જો કે આટલા બધા “પરંતુઓ” ની વચ્ચે પણ મેં માતૃત્વની અલગારી મહેક માણી છે. અને જયની મારા પ્રત્યેની લાગણી અને તેના પ્રેમથી હંમેશાં તરબતર થઈ છું.
અમારા સંબંધમાંના “પરંતુઓ”નું લિસ્ટ ઘણું લાંબું છે અને આ “પરંતુઓ” પર જ અમારો સંબંધ ટક્યો છે. તો ચાલો લઈ જાઉં તમને પણ એ સહુ “પરંતુઓ” ની સફરે.
જય નાનો હતો ત્યારથી જ મારી નોકરીની વ્યસ્તતા અને સતત પ્રવાસોને કારણે જય માટે સમય ફાળવવો મારા માટે અત્યંત મુશ્કેલ થઈ જતો. રોજ સવારે હું જ્યારે ઓફિસ માટે નીકળું ત્યારે એ સૂતો હોય અને રાત્રે જ્યારે હું ઓફિસેથી આવું ત્યારે પણ! પરંતુ જ્યારે હું એની પથારીમાં એની બાજુમાં લંબાવું એટલે શરીરની વેલ કોઈપણ જાતની ફરિયાદ વિના મને વીંટળાઈ જાય. આવા સમયે એને સમય નહીં આપી શકવાનો મારો રંજ પળવારમાં વરાળ થઈને ઊડી જાય અને હ્રદયને ટાઢક થઈ જાય કે, ‘નહીં, મારો દીકરો મારી વિટંબણાને સમજે છે. એને મારી સામે કોઈ જ ફરિયાદ નથી,’
એ જ રીતે જોબના કારણે કરવા પડતા દિવસોના પ્રવાસેથી પાછા આવતી વખતે પણ ગ્લાનિની ભાવના મને કોરી ખાતી હોય, પરંતુ જય એના મિત્રોની મહેફિલમાં મારા વિદેશ પ્રવાસો અને મારા એચિવમેન્ટ્સના ગુણગાન ગાતો હોય. ત્યારે દિલને હાશ થઈ જાય કે, દીકરાને મારા કામની કદર છે.
એને વીડિયો ગેમ કે અન્ય કોઈ વસ્તુ જોઈતી હોય તો એ વસ્તુ લેવાની જીદમાં જય મને જમવાની થાળીએથી પણ ઉઠાડે, પરંતુ કોઈક વ્યક્તિ દ્વારા મારી હળવી કે કડવી મજાક થાય તો એ બાબત એને વિચલિત કરી દે અને કોઈક વાર તો મારા ટીકાકારોને જયના નાના હૃદયનો ફટકાર પણ ચાખવા મળે!
જય મારી રસોઈનો પ્રખર ચાહક અને એટલે જ એના મિત્રોને અવારનવાર ઘરે જમવા બોલાવે. પરંતુ ડાઈનિંગ ટેબલ પર એનો એક અત્યંત કડક નિયમ કે, હંમેશાં એની થાળી જ પહેલી પીરસાવી જોઈએ અને એ પણ મારા દ્વારા જ.
રાત્રે એને મારા પેટ પર માથું અને નીલેશના પેટ પર પગ રાખીને સૂવાની ટેવ. એ રીતે એ અમને બંનેને અલગ રાખવાનાં પેંતરા રચે. પરંતુ જ્યારે પણ અમારી વચ્ચે મતભેદ થાય ત્યારે એ અમારા ગળે વળગીને બોલે, ‘વી આર ફેમિલી.’
કોઈક વાર મારી સામે અત્યંત ઠંડા કલેજે મારી ખોડખાંપણ કાઢે. પરંતુ ખાનગીમાં એની સ્ત્રી મિત્રોને મારા કામ અને મારા વર્તનના દાખલા આપે અને એમને મારા જેવા સ્ટ્રોંગ બનવાની સલાહ પણ આપી દે.
રેડિયોના પરના મારા એક પણ પ્રોગ્રામ એ નહીં સાંભળે. પરંતુ એના મિત્રો કે જેમની સાથે પણ એની ઓળખાણ થાય એ બધાને એ ગર્વથી કહે કે, ‘મારી મા રેડિયો જોકી છે.’
એનું ભણતર પૂરું થયાં પછી એની નોકરીની શોધમાં મારે એને કોઈ મદદ ન કરવી એવી એ સાફ શબ્દોમાં ચેતવણી આપે. પરંતુ એની નોકરીના વિવિધ પાસાની ઝીણી ઝીણી સલાહ મારી પાસે મફતમાં લઈ લે.
એના મિત્રો સાથે વર્લ્ડ ટૂરનું પ્લાન કરીને બધું નક્કી થયા પછી મને એ ફક્ત જાણ જ કરે કે, ‘હું ફલાણા દિવસથી ટૂર પર છું.’ પરંતુ 21 વર્ષની ઉંમરે કોઈ પાર્ટીમાં પહેલીવાર બિયર પીવા માટે એ મારી પરવાનગી પણ માગે.
અમારી વાતચીત દરમિયાન એ મને ભાવુક કે નાજુક કહે, પરંતુ મારા પ્રતિસ્પર્ધીઓને એ હંમેશાં ટકોર કરે કે, ‘તમારી સ્પર્ધા એક માનિસક રીતે સશક્ત એવી વ્યક્તિ સાથે છે. એટલે જરા ચેતીને ચાલજો.’
યુવાન થઈને એણે જ્યારે સ્વતંત્ર રીતે રહેવાની રજા માગી ત્યારે, મારી આંખોમાંથી આંસુ જરૂર વહ્યાં છે. પરંતુ સ્વાભિમાની અને સ્વાવલંબી જીવન જીવવાની એની પસંદગીને કારણે મારા આંસુ વધુ વહ્યાં છે, પણ ઓફકોર્સ, એ આંસુ ખુશીના હતાં!
મારો જય ન તો શ્રવણ છે કે નહીં તો કૃષ્ણ કે રામ. કે ન તો હું યશોદા કે કૌશલ્યા છું. અમે અમારા ”પરંતુઓ” “ની વચ્ચે નવા સંશોધનો અને નવા આવિષ્કારો કર્યા છે. આ “પરંતુઓ” ની વચ્ચે અમે એકબીજાને સતત નવી રીતે ઓળખતાં રહ્યાં છીએ. જયની દ્રષ્ટિ અને મારી સૃષ્ટિ સતત નવા આયામો અને એની સાથે જોડાયેલા અનેક “પરંતુઓ” ને એક્સપ્લોર કરતાં કરતાં, અમે જિંદગીની સફરની પળેપળ માણી રહ્યાં છીએ અને આ મુસાફરી એની પોતાની ‘પેસ” થી આનંદથી આગળ વધી રહી છે. એની સાથે જ, અમે સતત નવી અનુભૂતિઓના ખજાનાની અમીરાત ભેગી કરી રહ્યાં છીએ, પરંતુ અમારા મા અને દીકરાની લાગણીઓ વચ્ચે ક્યારેય આ “પરંતુઓ” નો પેરેડોક્સ – વિરોધાભાસ રહ્યો નથી, રહી શકશે પણ નહીં કારણ? એક જ કારણ, જયે કહ્યું હતું એકવાર મને તેઃ “વી આર ફેમીલી.”

3 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૨) જાગૃતિ દેસાઈ-શાહ

  1. ‘ જયની દ્રષ્ટિ અને મારી સૃષ્ટિ સતત નવા આયામો અને એની સાથે જોડાયેલા અનેક “પરંતુઓ” ને એક્સપ્લોર કરતાં ‘
    અહીં અમેરીકાના ઘણા કુટુંબમા અનુભવાતી સમસ્યાનુ સ રસ નીરુપણ
    ત્યારે સુ શ્રી જાગૃતિ દેસાઈને ‘અમારા મા અને દીકરાની લાગણીઓ વચ્ચે ક્યારેય આ “પરંતુઓ” નો પેરેડોક્સ – વિરોધાભાસ રહ્યો નથી, રહી શકશે પણ નહીં કારણ? એક જ કારણ, જયે કહ્યું હતું એકવાર મને તેઃ “વી આર ફેમીલી.”’ સરસ વાત બદલ ધન્યવાદ

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s