“સામે!” ગઝલ – ભાવેશ ભટ્ટ


ન જોયું બેઉના ચહેરાએ એકબીજાની સામે
ઘટી છે આજ તો દુર્ઘટના દુર્ધટનાની સામે

જઈ એને પૂછીએ, નામ એના બાળકોના
કોઈ તાકી રહ્યું છે ટ્રેનનાં પાટાની સામે

સજળ આંખે ઝડપથી નીકળ્યો છે ઘરડાંઘરથી
બહુ ખંધુ હસ્યો દરવાન એ દીકરાની સામે

જીવન સૂનું, કપાળે સૂનું, ને ઘર પણ છે સૂનું
હતું કેવળ ભરેલું ઘોડિયું વિધવાની સામે

ચલો ને કમસેકમ એ તો હસે છે સામસામે
જે દરવાજો રહે છે બીજા દરવાજાની સામે

શરમ બેમાંથી કોને આવવી જોઈએ, બોલો
જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાંની સામે

– ભાવેશ ભટ્ટ
ભાવેશ ભટ્ટની ગઝલ ‘સામે’ નો આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

ભાઈશ્રી ભાવેશની આ ગઝલ મતલાથી મક્તા સુધીની સફર પૂરી કરે છે ત્યારે એની સાથે આપણને પણ એક જીવતા જાગતા ચલચિત્રની સફર કરાવે છે. છ શેરોમાં જે શબ્દચિત્રો દોરે છે એ સપ્તરંગી મેઘધનુષ સમા છે. સામાન્ય રીતે બે અબોલા પાડતા મિત્રો, દુશ્મન કે સ્વજનો ભલે બોલે નહીં એકમેકની સંગે, પણ, નજર તો નજર સાથે મળે એટલું જ નહીં, પણ છાનું-છપનું, નજર ચોરીને એકબીજાના ચહેરાને જોઈ લે જ. શું એ જોતાં હશે કે ચહેરા પર વિરહના સળો છે કે બેપરવાહીના છે? પણ, વાત તો એવી છે કે નજરનું નજર સાથે મળવું તો દૂરની વાત છે. અહીં તો આંખ ચોરીને ચહેરાને પણ જોવા નથી. જાણે ચહેરાએ ચહેરા સામે જ બગાવત કરી હોય! આ વેર, હોય અણગમો હોય કે ગેરસમજ, પણ બહુ જ મોટી કમનસીબ ઘટના છે. સામેથી પણ આ જ દુર્ઘટનાનું પ્રતિબિંબ પડે છે. આ ગઝલની ફિલ્મ વાચકના ભાવવિશ્વનો કબજો લઈ લે છે અને દરેક શેર સાથે એના રેખાચિત્રો માનસપટ પર ઉઘડતા જાય છે. કોઈ એક નજર – સાવ ખાલી નજર ટ્રેનના પાટાની સાથે દૂર સુધી સમાંતર ચાલ્યા જ કરે છે અને જોનારાના મનમાં પાછી કોઈ બીજી જ ફિલ્મ ચાલતી હોય, શું એવું હોઈ શકે? કદાચ એમનું પોતાનું કોઇ આ ટ્રેનના પાટા પર ……! આગળ વિચારતાં પણ કમકમા આવે છે પણ એ સાવ કોરીધાકોર અને ઉદાસ આંખોમાં ફરી આંસુની નમી આવી શકે ખરી? કઈંક એવું થઈ શકે કે આપણે એમના બાળકોના નામ પૂછીએ અને… ! આગળ પાછો અધ્યાહાર,,,,,જે આપણી આંખોમાં આંસુ ભરી જાય છે.
આજની વિકટ સમસ્યાઓનો તો પાર જ નથી. ઘરડાંઘર જે આપણા સમાજમાં સામાન્ય થઈ રહ્યાં છે, એ એક ખૂબ જટિલ પ્રશ્ન છે. અહીં કોનો વાંક છે કે નહીં એવી કોઈ કનફ્લીક્ટ ઊભી કર્યા વિના એક શબ્દચિત્ર આપણી સામે શાયર સિફતથી ઊભું કરે છે. દિકરાની જે પણ મજબૂરી હોય પણ ઘરડાંઘરમાંથી નીકળતા એના સજળ નયનો એની લાચારીની ચાડી ખાય છે અને એની સામે દરવાન વ્યંગમાં સ્મિત આપે છે…! અને ફરી પાછો એ જ અધ્યાહાર..! દરેક આવા અધ્યાહાર પાસે શાયરના રેખાચિત્રની ફિલ્મ પ્રશ્નચિન્હ મૂકીને આગળ વધે છે પણ એ સાથે વાચકના મનોજગતમાં એની આગળની ફિલ્મ સમાંતરે ચાલવા માંડે છે, જેની સાથે વાચક પણ કવિના સર્જનજગત સાથે એકરૂપ થઈ જાય છે. ઘરડાંઘરમાં મૂકી આવેલા પેરેન્ટસ, જે કદાચ એક સોલ્વ ન થઈ શકે એવી લાચારી હોય શકે અને એનો બોજ જુવાન દિકરો તો ઊઠાવી લેશે પણ ત્યાં વૃદ્ધાશ્રમમાં સ્વજન વિહોણાં, સોરવાતાં માતા કે પિતા કે બેઉ જણાં પોતાની એકલતાની પોઠ કઈ રીતે ઉપાડતાં હશે, કઈ રીતે દિવસો વ્યતીત કરતાં હશે? ને, વળી પાછો અધ્યાહાર…!
શાયર હવે લઈ જાય છે એક વિધવાના ઘરમાં, જેનો પતિ કદાચ નવજાત શિશુના જન્મ પહેલાં કે જન્મ પછી થોડા સમયમાં જ આ ફાની જગતને છોડીને જતો રહ્યો છે, અને, પાછળ મૂકી ગયો છે સૂનકાર ભરેલી ભેંકાર એકલવાયી જિંદગી અને સૂનું ઘર! બસ, એ ઘરમાં એક ઘોડિયું છે જેમાં નવજાત શિશુ છે અને એની સાથે એનું નસીબ છે. શું હશે એ નસીબ, શું હશે એ વિધવાની આવનારી જિંદગી? વળીને એ જ અધ્યાહાર…!
અને, આ નીચેના શેરમાં જે શાયર કહી જાય છે એ તો અદભૂત છે! હવે તો એવા એકલવાયા દિવસો આવ્યા છે કે આમને સામને રહેનારાઓ એકમેકની સામે નથી જોતાં પણ હા, બેઉ ઘરનાં દરવાજાઓમાં એકબીજા સાથે અને એકમેક સામે હસવાનો ‘વાટકી વ્યવહાર’ હજુ ચાલુ છે. માણસો વચ્ચે બોલચાલ ન રહે તો પણ સામસામે આવેલાં ઘરનાં બારણાં અને બારસાખો એ ઘરોમાં આવનારા-જનારાને તથા એકમેકને જોનારાને પર્સનલી ઓળખતાં થઈ જાય છે, અને આથી જ એ માનવીઓની રુક્ષતાનો ભાર બારણાંઓ સામસામે પરિચિત હોવાનો દાવો કરીને ઓછો કરી લે છે. નિર્જીવતામાં હાસ્યને લાવીને, સંજીવની તો એક શાયર જ ભરી શકે. શું કહેતા હશે એ બારણાંઓ એકમેકની સામું હસીને? એક વધુ અધ્યાહાર…!
“ચલો ને કમસેકમ એ તો હસે છે સામસામે
જે દરવાજો રહે છે બીજા દરવાજાની સામે”
આ શેર સાથે અનાયસે યાદ આવી ગયો “બેફામ” સાહેબની ગઝલનો આ શેરઃ
“આમ તો હાલત અમારા બેઉની સરખી જ છે
મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને!”
કદાચ, આવું જ કશુંક એ નિર્જીવ બારણાંઓ પેલા કમભાગી માનવીઓ માટે વિચારતાં હશે!

મક્તા સાથે આખી માનવજાતને ઝંઝોડીને મૂકી દે છે. થીગડું પહેરેલું માણસ શરમ કરે કે થીગડું પહેરેલા માણસને એક પૂર્વગ્રહથી – જજમેન્ટલ થઈને જોવાવાળાઓને?
“શરમ બેમાંથી કોને આવવી જોઈએ, બોલો
જુએ ફાટેલી આંખોથી કોઈ થીગડાંની સામે”
અહીં ફરી પાછો અધ્યાહાર…! આ ગઝલમાં દોરાયેલા રેખાચિત્રોનું ચલચિત્ર બધા અધ્યાહારોની આગળ જઈને પણ વાચકના મનમાં ચાલ્યા જ કરે છે જે શાયરની મોટી સિદ્ધિ છે. જ્યાં ગઝલ પૂરી થઈ ત્યાંથી જ અનેક ગઝલોની સંભાવના શરૂ થાય એટલી સર્વાંગ-સુંદર ગઝલ…!
ક્લોઝ-અપઃ
રેચેલ માન –બ્રિટીશ કવયિત્રીની અંગ્રેજી કવિતા” The Dreams of Briar Rose, The Sleeping Beauty” ની થોડીક પંક્તિઓનો ભાવાનુવાદ – જયશ્રી મરચંટ

“હું પથારીમાં ચાંદા અને ખંજવાળથી ફરી જાગું છું
એક ઢીંગલીના શરીર સમ ‘ફ્લોપી’ શરીર આ,
મારી ઉપર ઝુકાવવું: ને મારા પર છાનું હસતો, મારો તારણહાર જ,
કોઈ શાર્કની સાવ ખાલી પડેલી નજર સમી નજરે જોતાં,
એક બિલાડીની એના પંજા નીચે એક ચકલીને તરફડાવે,
એમ મને તરફડાવવા ઉત્સુક છે,
બધા દાંત અને ખરાબ શ્વાસ સાથે!
ને, હું એક મહિના સુધી ચીસો પાડતી રહી! ”

Verses of a Poem “The Dreams of Briar Rose, The Sleeping Beauty” by British Poet Rachel Mann
“I woke to bed sores and an itchy back
A body floppy as a doll
Him leering over me: my grinning savior,
Blank eyed as a shark,
As pleased as a cat pinning down a sparrow.
All teeth & bad breath.
I screamed for a month.”

2 thoughts on ““સામે!” ગઝલ – ભાવેશ ભટ્ટ

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s