વારસાગત ષડ્યંત્ર ~ હિતેન આનંદપરા


કોયલ શોધે છે કાગડાનો માળો,
હોમલોન માટે નહીં મૂકે ડિમાન્ડ
નહીં ઊઘરાવે ઝાડ પાસે ફાળો

નેશનલાઈઝડ બૅન્ક જેવા કાગડાના માળામાં
        બચ્ચાં થઈ પાકશે રસીદ,
ઈન્ટરેસ્ટમાં આવેલા ટહુકાઓ વાપરતા
        વેકેશન થઈ જાશે ઈદ
બાંધી થાપણ જેવા ઝાડવાની છાંયમાં,
        થાશે ના કોઈથી ગોટાળો

કેશિયરની જેમ રોજ ઈંડાને ચેક કરી
        કાગડાએ મેળવી’તી ખાતરી,
જાલી નોટ પકડાતાં મિડિયામાં થાય એવી
        કાગારોળ મચી ગઈ આખરી

કાળું છતાંય એ છે નાણું અસલ
        એનો ફુગાવો ક્યાંય નહીં ભાળો.

વરસોથી ઘૂસપેઠ ચાલે છે તોય
        નથી ઑબ્જેક્શન આવ્યું ઑડિટમાં,
કાગડાએ કદી નથી માંગી તપાસ
        નથી કોયલનું નામ બ્લેક લિસ્ટમાં
ચિલ્ડ્રન વેલ્ફેરની ફોર્મ્યુલા ઑન લાઈન
        ડાઉનલોડ કરી રહી ડાળો
કોયલ શોધે છે કાગડાનો માળો

                      – જગન્નાથ રાજ્યગુરુ

   બોલાતી ભાષા અને છાપામાં રોજબરોજ વંચાતા રોજિંદા શબ્દો જ્યારે કવિતામાં પરોવાઈ જાય ત્યારે જિંદાદિલ થઈને બહાર આવે છે. સંસ્કૃત શિક્ષક જગન્નાથ રાજયગુરુની કલમે મળેલું આજના જમાનાનું આ ગીત ‘સુખનું સરનામું’ કાવ્યસંગ્રહમાં સમાવિષ્ટ છે.
   સાહેબો વાત જૂની જ છે, પણ રજૂઆત નવી છે. કોયલ અને કાગડાની કહાણીને બૅન્કની ભાષામાં કવિએ સફળતાપૂર્વક ઍન્કેશ કરી છે. અંતરામાં જાણે ન્યૂઝ સાંભળતા હોય એવો અહેસાસ પણ થાય.
   કામણગારી કોયલ બડી ઉસ્તાદ હોય છે. ટહુકાના રિયાઝમાં એટલી મશગૂલ હોય કે ઈંડા સેવવાની જવાબદારી કાગડાને માથે નાખી દે. ચતુર, કાટ, લુચ્ચો, કાબો કાગડો એના સકંજામાં આવી જાય એ પણ એક અજાયબી છે. કોયલયુગલની મોડેસ ઓપરેન્ડી કંઈ આવી હોય છે. નર કોયલ કાગડાના માળા પાસે કુઉ-કુઉ ગાવા મંડે. એને ભગાડવા કાગડા-કાગડી પાછળ ઊડે એટલી વારમાં માદા કોયલ ઈંડા મૂકી જાય. ઈંડા પણ કાગડાના ઈંડા જેવા જ લીલાશ પડતા વાદળી કે જાંબુડી રતુંબડી ઝાંયવાળા હોય. કોયલના બચ્ચા જન્મજાત છોટે ઉસ્તાદ હોય છે. પાલક કાગડા-કાગડી પાસે કા-કા કરીને જ ખાવાનું માગે છે. ઉડવાનું શીખી જાય એટલે ઑરિજિનલ કઉ-કુઉ પર આવી જાય.  
   આજના સંદર્ભમાં વાતને મૂકીએ તો હૉમ લોનની ઝંઝટમાં પડ્યા વગર, વગર ભાડાએ લિવ ઍન્ડ લાયસન્સનો માળો લેવામાં કોયલને વધારે રસ છે. કાગડાનો માળો નેશનલાઈઝડ બૅન્ક છે એટલે કો-ઓપરેટિવ બૅન્કની જેમ ફડચામાં જવાનો ચાન્સ ઓછો હોય. બ્લેન્ક ચેક પર વિશ્વાસથી સહી કરતા હોઈએ એમ કાગડો બ્લેન્ક થઈને કોયલના બચ્ચા ઉછેરે છે.
   કેશિયર જેમ રોજરોજ નોટ ચેક કરતો રહે એમ કાગડો ઈંડા ચેક કરે, પણ ભોપાળું પકડાય નહીં. કાગડા પાસે ઈંડાનું સ્ક્રીનિંગ કરવાનું મશીન નથી હોતું. સ્ટીંગ ઓપરેશન કરે ને પકડાય તો વાત જુદી છે. ભૂલેચૂકે વાત પકડાય તો ઉછેરવામાં સમય બગાડ્યો એના વસવસો કરતાં પેલી કાળીકલૂટી કોયલ છેતરી ગઈ એનો રંજ વધારે નીકળે. પણ વરસોથી ચાલતી આ ચાલબાજી પકડાય નહીં એવી ગોઠવણ સ્વયં વિધાતાએ કંઈ સમજી વિચારીને કરી હશે. આપણા કાનને રળિયાત કરનાર કોયલને કરોડપતિ ટહુકાઓ સામે કોઈ પુરસ્કાર કે ઈનામ તો મળવું જોઈએ ને. જેમના માટે સંગીત સર્વસ્વ છે એવી ઘણી ગાયિકાઓ મળશે. એમાંથી કેટલીક આ સર્વસ્વને ક્યાંય ઉઝરડો ન પડે એટલા માટે લગ્ન-સંસારની ઝંઝટમાં નથી પડતી. કંઈક એ જ રીતે ટહુકાની સાધના કરતી કોયલ બચ્ચા ઉછેરવાની કડાકૂટમાંથી મુક્ત રહી પોતાનો રિયાઝ ચાલુ રાખવા માગે છે.
   કેટલીક પરંપરા પેઢી દર પેઢી ચાલુ રહેતી હોય છે. સ્માર્ટ કાગડાઓ ભવિષ્યમાં કોઈ સ્માર્ટ ટેકનોલોજી ડેવલપ કરે ત્યારે કોયલે બીજું કંઈ વિચારવું પડશે. હમણાં તો ચાલે છે એમ ચાલવા દો. ઉછેરે કોઈ પણ, બચ્ચા જ છેને. એ પણ નસીબ લખાવીને જન્મતા હોય છે.

 

10 thoughts on “વારસાગત ષડ્યંત્ર ~ હિતેન આનંદપરા

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s