પ્રકરણઃ ૩
“આજે આપણે મળીએ છીએ. હું તારી રાહ જોઈશ.” બીજી કોઇ ઔપચારિક વાત કર્યા વગર શ્રેયા સીધી મુદ્દા પર આવી ગઈ.
આજે એક્ઝીબીશનનો અંતિમ દિવસ હતો. આમ તો સામાન્ય રીતે દરેક વખતે એક્ઝીબીશનના છેલ્લા દિવસે આખું ગ્રુપ શ્રેયા સાથે રોકાતું. સોલ્ડ પેઈન્ટિંગને અલગ કરીને બાકીના પેઈન્ટિંગ પેક કરીને છેક છેલ્લે સુધી આટોપવામાં સૌ સાથે રહેતા .આજે પણ એમ જ બન્યું .બધા છેક સુધી શ્રેયાની સાથે રોકાયા, નહોતો માત્ર સંદિપ. આજે પણ એ નહોતો આવ્યો. નવાઈની વાત હતી સૌ માટે, એક માત્ર શ્રેયા ચૂપ હતી પણ એ એના ઘરે પહોંચી ત્યારે એના આશ્ચર્ય વચ્ચે સંદિપ ઘરની બહાર કાર પાર્ક કરીને એની રાહ જોતો હતો.
“Let’s go somewhere Shreya.” શ્રેયા કોઇ દલીલ કર્યા વગર એની કારમાં બેસી ગઈ. એને પણ સંદિપ જોડે એકાંત જોઇ તુ હતુ. પપ્પાની વાતને લઈને એની સાથે ખુલ્લા દિલથી ચર્ચા કરવી હતી.
સંદિપે કાર સીધી કામા તરફ લીધી. શ્રેયાને આ જગ્યા ખૂબ ગમતી. સી. જી. રોડ અને હાઈવે પરની રેસ્ટોરન્ટમાં જે ધમાલ અને ચહલ-પહલ રહેતી એના કરતાં અહીંની શાંતિ એને વધુ પસંદ હતી. કન્ટેમ્પરી આર્ટ ગેલેરીથી નહેરુ બ્રિજ પર લઈને ખાનપુર તરફ જતાં રસ્તામાં બંનેએ બોલવાનું ટાળ્યું. શ્રેયા કારની બહાર નદી પર ઝીલમીલાતી રોશની ચૂપચાપ જોતી રહી, સંદિપ રસ્તા પર સીધી નજર રાખીને કાર ચલાવતો રહ્યો.
ખૂણાનુ એક ટેબલ પસંદ કરીને બેઠા અને ક્યાંય સુધી કોણ બોલવાની પહેલ કરે એની રાહમાં બેસી રહ્યા. મધ્યમ રોશનીમાં રેલાતા સૂર સિવાય ક્યાંય કોઇ ઘોંઘાટ નહોતો. શ્રેયાએ સંદિપને મળવા માટે બોલાવ્યો તો ખરો પણ શું વાત કરવી એની સમજમાં આવતું નહોતું. સંદિપ સમજતો હતો શ્રેયાના મનની આ અવઢવને પણ શ્રેયા શું કહેવા માંગે છે તે જાણ્યા વગર એને કઈ કહેવું નહોતુ.
છેવટે શ્રેયાને જ શરૂઆત કરવી પડી.
“સંદિપ, આજ સુધી તું મારો બેસ્ટ ફ્રેન્ડ રહ્યો છું અને હંમેશા રહીશ. પપ્પાની અને અંકલની વાતને શક્ય છે મારું મન માનવા કાલે તૈયાર થાય પણ આજે તો હું કશું જ વિચારી શકતી નથી. મૈત્રીને કોઈ નામ આપવું જ પડે એ સિવાય કાયમી મૈત્રી હોઈ જ ના શકે? સંદિપ, કેમ દરેક વખતે એક સ્ત્રી-પુરુષના સંબંધને એક સામાન્ય નજરે કોઇ જોઇ કે સ્વીકારી શકતું નથી?”
સંદિપે જાણે એ શ્રેયાની દરેક વાત સાથે સંમત છે એમ દર્શાવવા શ્રેયાના હાથ પર મૃદુતાથી પોતાનો હાથ દબાવ્યો.
“સમજુ છું શ્રેયા, દુનિયાની નજરે જે દેખાયું એ મને કે તને ના દેખાયું અથવા આપણી સાહજિકતા લોકોને નજરે ન પડી અને આમ જોવા જઈએ તો એમાં એમનો વાંક પણ નથી જોતો. આજે નહી તો કાલે આ પરિસ્થિતિ તો ઊભી થવાની જ હતી. આપણા બે વચ્ચે નહીં તો કોઇ બીજા માટે પણ આપણે વિચાર તો કરત જ ને? તું મારી એટલી નજીક છે કે શક્ય છે જો ઘરમાંથી કોઇ છોકરીની વાત મારા માટે આવત તો તે વખતે હું કદાચ એનામાં હું તને શોધવા પ્રયત્ન કરત અને એમ થાત તો હું કદાચ બંનેને અન્યાય કરી બેસત. બની શકે કે તને કોઇ છોકરો બતાવે અને ત્યારે તું જાણે-અજાણે એની સરખામણી મારી સાથે કરી બેસત. મને પપ્પાએ જ્યારે વાત કરી ત્યારે તો મારા મનમાં પણ તારી જેવા જ વિચારો આવ્યા પણ જેમજેમ હું શાંતિથી વિચાર કરતો ગયો તેમ મને લાગ્યું કે કેમ આમ ન બની શકે? કદાચ એકબીજા માટેની સમજ જ આપણા જીવન માટે શ્રેષ્ઠ સાબિત થાય. કોઇ અજાણ પાત્ર સાથે જીવન ગોઠવવા કરતા આપણે જેને ઓળખીએ તેના સાથથી જીવન વધુ સરળ ના બને? વિચારી જોજે તું. કોઇ પણ દિશામાં લેવાયેલો તારો નિર્ણય મને મંજૂર જ હશે. તું હંમેશા મારી અત્યંત કરીબી દોસ્ત રહી છું અને હંમેશા રહીશ જ.”
શ્રેયા સ્તબ્ધ થઈ ગઈ. એણે તો આવી રીતે વિચાર્યું જ નહોતું. એ જાણતી હતી કે સંદિપ પાસે સામેની વ્યક્તિને કન્વિન્સ કરવા કાયમ કોઇને કોઇ સચોટ દલીલ તો રહેતી જ અને એની વાત કદાચ સાચી છે. જે તે વ્યક્તિમાં આપણી મનગમતી છાયા શોધવા પ્રયત્ન કરીએ તેના કરતાં જરા હાથ લંબાવીને આપણી મનગમતી વ્યક્તિનો સાથ મળતો હોય તો એ જીવન વધુ સરળ જ બને ને? પપ્પા અને સંદિપના વિચારો એક સરખા મળતા કેમ આવત હતા? ક્યારેક માત્ર દિલ નહીં દિમાગથી પણ વિચારી શકાય અને બંનેનો અભિગમ આ બાબતે એક સરખો હતો. પણ તેમ છતાં શ્રેયા કોઇ નિર્ણય પર આવવા માંગતી નહોતી. સંદિપ પસંદ હતો, ખૂબ પસંદ હતો પણ હવે જે નવી ભૂમિકા તૈયાર થતી હતી એના ચોકઠામાં ગોઠવતા વાર લાગશે એવુ એને લાગી રહ્યુ હતું. સંદિપ જેટલી સ્વાભાવિકતાથી એ હજુ આખી વાતને લઈ શકતી નહોતી.
“સંદિપ, હવે આપણે જઈએ.” હવે એ અહીં સંદિપથી છૂટી પડીને પોતાની રીતે વિચારવા માંગતી હતી. પાછા વળતાં કોઈ કઈં બોલ્યું નહીં બેઉ જણાં ચૂપ હતાં. શ્રેયાને ઘેર ઉતારતી વખતે સંદિપે કારના ડેશ બોર્ડમાંથી કાઢીને એક કવર તેના હાથમાં
આપ્યું. શ્રેયાએ આશ્ચર્ય સાથે જોયું તો એ સેપ્ટના ફોરેન એક્ક્ષેંજ સ્ટુડન્ટમાં સંદિપને ૬ મહિના માટે સિનસિનાટી જવા માટેનો લેટર હતો. પાંચ વર્ષના કોર્સ દરમ્યાન ૬ મહિના માટે પ્રેક્ટિકલ ટ્રેઈનીંગ માટેની ઓફર હતી.
ઓહ! હાશ, મન પરથી પહાડ જેવો બોજો ખસી ગયો હોય તેવી લાગણી શ્રેયાને થઈ. શ્રેયા પણ બેંગ્લોર તો જવાની હતી જ ને?
“જોયુંને, નિયતિએ પણ આપણને કેવો સમય અને સાથ આપ્યો?” સંદિપે કાગળ પાછો લેતા કહ્યું. એવું બની શકે કે આ ૬ મહિનામાં આપણે કોઇ નક્કર ભૂમિકા પર આવીએ અથવા તો શક્ય છે આ સમય દરમ્યાન તને બીજી કોઇ વ્યક્તિ પસંદ પડે, શક્ય છે મને ત્યાં કોઇ સિટિઝન છોકરી ગમી જાય અને હુ ત્યાં જ રહી પડું.” હવે સંદિપ પાછો પોતાના અસલ સ્વભાવ પર આવી ગયો. છૂટા પડતી વખતે એના અને શ્રેયા વચ્ચેની આ તંગદિલી રહે એ એને મંજૂર નહોતું શ્રેયા સાથેની એ તમામ પળો યથાવત રહે, જે આજ સુધી હતી, એમ એ ઇચ્છતો હતો.
ત્યારબાદ પણ શ્રેયા અને સંદિપ મળતા રહ્યા. ટ્રેઈનીંગમાં જવાના સમય પહેલા રોજિંદા કામો પહેલાંની જેમ આટોપતા રહ્યાં, શ્રેયાએ વિચાર્યું કે જે પરિસ્થિતિનો હાલમાં એની પાસે કોઇ ઉકેલ નથી કોઇ જવાબ નથી ત્યારે એમાં વહી જવામાં જ સાર છે સંદિપ કહેતો હતો એમ -just blow with the flow. અને ત્યાર બાદ શ્રેયા માટે પછીના દિવસો પસાર કરવા સરળ બની ગયા.
.
સરળ પ્રવાહે વહેતી શ્રેયા અને સંદિપની કશમકશ જેવી ઘણાએ અનુભવેલી વાત માણવાની મઝા આવી.
અને
અંતે -just blow with the flow વાતે અનુભવાયુ…
I’m reeling from the blow
I wish I knew what it was that keeps me loving you so
LikeLiked by 1 person
રાજુલબેન, નવલકથા સ-રસ સતત રાખવી અઘરૂં છે, પણ, આપની લેખિનીથી નીપજેલાં પ્રવાસ વર્ણનો સહજતાથી વાંચનારને પોતાના કરી લે છે, ત્યારે આ તો વાતને વિસ્તારથી, સહજતાથી અને સાદગીની તાઝગીથી માંડી છે તો ત્યારે તમે તો પોતાની હોમ પીચ પર છો. ઉત્સુકતા જળવાઈ રહે છે, through out. Congratulations.
LikeLike