દેવિકાની દ્રષ્ટિએ – (૧૪) – દેવિકા ધ્રુવ


કવિતાઃ માધવ રામાનુજ
રસદર્શનઃ દેવિકા ધ્રુવ
અંદર તો એવું અજવાળું, અજવાળું……..
ટળવળતી હોય આંખ જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.!
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ ને તોય
લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને, અમે
ઝળહળતા શ્વાસ એમ ભરીએ !
પછી આરપાર ઊઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું
અંદર તો એવું અજવાળું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ
ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ સ્હેજ વાગતી હશે ને, એવું
આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે……. તો એને
જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું… અજવાળું….
– માધવ રામાનુજ

રસદર્શનઃ દેવિકા ધ્રુવ

સાહિત્ય વિશ્વમાં ખૂબ જ જાણીતા, માનીતા કવિ, નવલકથાકાર અને ચિત્રકાર શ્રી માધવ રામાનુજનું ઉપરોક્ત સુંદર ગીત સ્વયં આસ્વાદ્ય છે. અક્ષરેઅક્ષર અને શબ્દેશબ્દ એક ઉચ્ચતમ આનંદનો અનુભવ કરાવે છે. ખળખળ વહેતા ઝરણા જેવી સાહજિકતાથી વ્યક્ત થતા જતા શબ્દો, વહેલી સવારના ધીરે ધીરે ઉઘડતા જતા ઉજાસની જેમ એના ભાવ-અજવાળાને ઉઘાડી આપે છે.
બધા જ ધર્મગ્રંથોનો નિચોડ સહજ શબ્દોમાં રજૂ કરતી આ કવિતા સાચા ઝબકારા પછી પ્રગટી છે તેમ લાગ્યા વગર રહેતું નથી અને એટલે જ દરેક ભાવકને સ્પર્શે છે. કવિના પોતાના અવાજમાં સાંભળ્યા પછી આજે એનું રસપાન કરવા/કરાવવાની ઈચ્છા બળવત્તર બની ગઈ.
શ્રી શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં અને શુભા જોશીના કંઠે ગવાયેલ આ ગીત શરુઆતથી જ અજવાળાની વાત લઈને સુંદર રીતે ઉઘડે છે કે, ‘અંદર તો એવું અજવાળું, અજવાળું…’.
આ કેવું અજવાળું છે એ વાતને વધુ સ્પષ્ટ કરતા કવિ તરત જ કહે છે કે, “ટળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખે ય ભાળું.!” વાહ…મીંચેલી આંખે જોવાની અને ટળવળતી આંખ! શું નમ્રતા છે કવિની ! અજવાળાના આવા સરસ એંધાણ તો મળી ચૂક્યા છે છતાં એ કેટલી નરમાશથી કહે છે કે, આંખ હજી તો ટળવળે છે, આ તો માત્ર એક ઝબકારો છે જે બંધ આંખે દેખાયો છે! પણ છતાં યે એનું અજવાળું કેવું છે?!
પ્રથમ અંતરામાં એ અજવાળાની અનુભૂતિનું વર્ણન કરતા કહે છે કે, “ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ ને તોય લાગે કે સાવ અમે તરીએ. સામાન્ય રીતે ક્યાંક ઊંડે જવાય તો ખેંચાવાની કે ડૂબવાની કે, તણાઈ જવાની દહેશત રહે. પણ અહીં તો તરતા હોવાનો આહલાદક રોમાંચ થાય છે. ઊંડે ને ઊંડે એ શબ્દોની પુનરુક્તિ ઉતરતા જવાના ભાવને એક સરસ ગહેરાઈ બક્ષે છે તો ‘સાવ અમે તરીએ’માં કેટલી સહજતા નીતરે છે. મરજીવાની મુઠ્ઠી,મુઠ્ઠીમાં મોતી અને કંઈ પામ્યાની તૃપ્તિના શ્વાસની ઉપમા આપી એક દરિયો નજર સામે ચિત્રીત કરી દીધો! ખરેખર એમ લાગે કે,જાણે કોઈ તેજભર્યા સાગરમાં આપણે શબ્દોની સાથે અને એના ભાવની સાથે તરી રહ્યા છીએ! આગળની પંક્તિઓમાં
“પછી આરપાર ઊઘડતાં જાય બધાં દ્વાર,
નહીં સાંકળ કે ક્યાંય નહીં તાળું.. અંદર તો એવું અજવાળું અજવાળું……
એક ક્ષણ માટે પાણી સ્વયં ખસીને રસ્તો કરી આપે એવી નદી પાર કરતા વસુદેવનું ચિત્ર આવી જાય તો બીજી જ ક્ષણે વિચારતા થઈ જઈએ કે, આ તો ભીતરમાં બંધ આંખે દેખાતા અજવાળાની વાત છે કે જ્યાં કોઈ દુન્યવી અવરોધ નથી, કોઈ સાંકળ નથી કે કોઈ તાળુ નથી. કેટલી મોટી વાત? કેવું આનંદથી ભર્યું ભર્યુ દૄશ્ય!! ‘આરપાર ઊઘડતા જાય બધા દ્વાર’ના ઝુલતા લય સાથે ઝુમી જવાય જ.
આવી મઝાની વાતને ક્રમિક રીતે આગળ વધારતા બીજા અંતરામાં શ્રી માધવભાઈ કહે છે કે,
સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ,ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ સ્હેજ વાગતી હશે ને, એવું આપણને આપણે જ વાગીએ.
આ બંને પંક્તિઓમાં ગહન મર્મ છે, ખૂબ ઉંચાઈએ અડેલી ફિલસૂફી છે.કવિની પોતાની એક જીવન પ્રત્યેની સજાગતા છે. કોઈપણ માનવી આસમાનમાં સૂર્યની જેમ ઉંચે ચડેલો હોય કે દરિયાની છેક તળિયે બેઠેલા એક નાનકડા છીપલાંની જેમ પડેલો હોય પણ જ્યારે એને પોતીકું ખરું અજવાળું મળે ને તો એ ખુદમાં જ ખુદા ભાળે, પોતાનામાં જ પરમને પામે. ને જ્યારે એવું કંઈક થાય ત્યારે કેવું થતું હશે ? ખુબ સહજ રીતે એક સુંદર સજીવારોપણ અલંકાર પ્રયોજી દીધો છે. ફૂલને સુવાસ સહેજ જ વાગે એવું આપણે આપણને વાગવાની વાત કરી. કેવી સરસ ટકોર! ગમે તેટલા મંદિર-મસ્જીદ કરીએ, ગમે તેટલી તીર્થયાત્રાઓ કરીએ, ગમે તે ધર્મ/સંપ્રદાયને અનુસરીએ કે ગમે તેટલા ગુરુજનોને સાંભળીએ પણ જ્યારે આપણને અંદરથી ઘંટ વાગે,સાદ સંભળાય ને સમજાય ત્યારે જ ખરા અનુભવની ક્ષણ મળે. એવું જીવવાની એકાદી ક્ષણ મળે તો કવિ કહે છે કે, “જીવનભર પાછી ના વાળું. અંદર તો એવું અજવાળું… અજવાળું….”
એ કહે છે કે, હજી આવી પળ મળી નથી. પણ મળે એવી ઈચ્છા છે. હકીકતે તો આવી કવિતાનો પ્રાદુર્ભાવ ત્યારે જ થાય જ્યારે સર્જકને પોતાને આવા ઝબકારા થઈ ચૂક્યા હોય. આવી કલ્પના એ માત્ર ઝંખના નથી હોતી. એ તો સહરાના ધીખતા રણ જેવી પ્રબળ ધખનામાંથી સંભવે અને અંતરમાંથી સીધી આંગળીઓ દ્વારા ટપકતી જાય, નીતરતી જાય. A burning desire can only achieve such a high goal. અહીં તેમની એક બીજી પણ કવિતાના શબ્દો સ્વાભાવિક જ યાદ આવી જાય છે “એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વગર હું જઈ શકું.”
અજવાળાને પોંખતી આ કવિતાની ખૂબી તો એ છે કે આવા અનહદી નાદના શિખર પર કવિ ખૂબ સરળતાથી લઈ જાય છે. માસુમ બાળકની જેમ કશુંક ગમતું રમીને, કંઈક ભાવતું પામીને પાછા ફર્યાની અનુભૂતિ થાય છે. શબ્દો, ભાવ,અર્થચ્છાયા, પ્રાસ,ધ્વનિ-નાદ. અલંકાર છતાં સાદાઈ, સરળતા, લય, વિષય, વિષયની ક્રમિક ગતિ એમ સર્વ રીતે સંપૂર્ણ કાવ્યત્ત્વથી છલકાતું આ લયબધ્ધ ગીત ફૂલની સુગંધ સમુ સ્પર્શી જાય છે!
‘કોરોનાના કેર’ ના આવા સમયમાં સૌને આવી કવિતા થકી શાતા મળે જ. તેની તો આરતી કરીને આશકા જ લેવાય અને કવિને અંતરથી નમન.
અસ્તુ

7 thoughts on “દેવિકાની દ્રષ્ટિએ – (૧૪) – દેવિકા ધ્રુવ

  1. અત્યંત ભાવસમૃદ્ધ અને પુષ્ટિ,તુષ્ટિભરેલ નાજુક નમણું ગીત અને એટલો જ સુંદર આસ્વાદ લેખ

    Liked by 1 person

  2. સરસ રસસ્વાદ. બહુ ઓછી વાર એવું બને કે કવિતા અને આસ્વાદ, બેઉને, આસ્વાદ કરાવનાર, પોતાની શર્ત પર, પાલાની એક જ બાજુ, એક જ ટીમના કરીને રમાડે અને ત્યારે કવિતા અને આસ્વાદ બેઉ જીતી જાય છે. આજે આ કવિતા વાંચતાં એ તાદ્રશ્ય થયું છે દેવિકાબેન. અભિનંદન.

    Liked by 1 person

  3. કવિ માધવ રામાનુજની અજવાળું પાથરતું આ ગીત હૈયાને પણ છેક ભીતરથી અજવાળી જાય છે અને દેવિકાબહેનનુ રસદર્શન એની ગહેરાઈને ખળખળ વહેતા ઝરણાની જેમ મુગ્ધ ભાવમાં ભીંજવી જાય છે.

    Liked by 1 person

પ્રતિભાવ