પ્રોમિસ – વાર્તા – છાયા ત્રિવેદી


‘કઈંક ખૂટે છે. સ્પીડોમીટરનો કાંટો 60ને તો વટાવે છે. પાંચમું ગિયર પાડી, ક્લચ પરથી પગ હટાવી, નિરાંતે પૂરઝડપે તો કાર ચાલે છે. તોય કેમ મઝા નથી આવતી?’
અચાનક ધ્યાન ગયું અને પલાશ મનોમન બોલી ઊઠી,
‘ઓહ, મ્યુઝિક સિસ્ટમ બંધ છે. ધમાલિયા સંગીત વિના 80ની સ્પીડય ક્યાં મઝા આપે!’
ફુલ સ્પીડમાં કાર ચલાવવાની શોખીન પલાશને ધમાકેદાર મ્યુઝિકની ટેવ પડી ગઈ છે. કારની ચાવી ફેરવતાવેંત જ એ મ્યુઝિક ઓન કરી દે અને ગાડીની ગતિ સાથે તેનું વોલ્યુમ પણ જાણે હાર્મની રચતું હોય તેમ વધતું જાય. પલાશને પોતાનેય ખ્યાલ નથી કે ગાડીની સ્પીડ સાથે મ્યુઝિકનું વોલ્યુમ વધે છે કે વોલ્યુમ સાથે ગાડીની ગતિ વધે છે!
આજે મ્યુઝિક પ્લેયર ચાલતું નથી એટલેસ્તો કઈંક અધૂરું, ખૂટતું લાગે છે. ભલભલા સ્ટ્રેસને દૂર કરવાનો એકમાત્ર કિમિયો પલાશ માટે છે – ઘોંઘાટિયું સંગીત. આમ તો તેને જૂની ફિલ્મોના ગીતો ગમે છે તો સાથે વેસ્ટર્ન નોટ્સ પણ પસંદ છે. પણ કાર ચલાવતી વખતે તો ધમાલિયું મ્યુઝિક જ જોઇએ અને તે પણ ફુલ વોલ્યુમમાં.
ગાડી ચલાવતાં ઘરના આલિશાન ગેટ પાસે પલાશે આદતવશ બ્રેક મારી. વોચમેને દોડતા આવી દરવાજો ખોલ્યો. ઍક્સિલેટર દબાવી, ક્લચ છોડતાં પલાશે ગાડી મારી મૂકી. એક, બે અને ત્રીજા ગિયરમાં પોર્ચમાંથી પાકિઁગમાં પહોંચી ગઈ. રિમોટથી કાર લોક કરતી તે દરવાજા તરફ ચાલી. ચાવી હવામાં ઉછાળતા જવાની તેની કાયમની આદત. હવામાં ઉછળેલી ચાવી હાથ સુધી આવે ત્યાં તો હીંચકે બેઠેલાં હેમાબહેન બોલ્યાં,
‘પલ્લુ બેટા, ચાવી ના ઉછાળ. ક્યાંક વાગી જશે તો?’
લીલીછમ્મ લ્હેરાતી લોનના મોટા બગીચામાં જાતભાતના ફૂલોના છોડ અને આજુબાજુ ઘટાટોપ લીમડા, ગુલમ્હોર, ચંપાના વૃક્ષો જાણે કે બગીચાની બોર્ડર બનાવી આપતા હતા. બગીચામાં વચ્ચે સરસ મજાની નક્શીકામવાળી ખુરશી-ટેબલનો સેટ ગોઠવેલો હતો. મોટી છત્રીના છાંયે છ ખુરશીઓ વચ્ચે ટેબલ અને તેના પર તાજા ઊગેલાં ફૂલોથી મઘમઘતું ફ્લાવરવાઝ. તેનાથી થોડે દૂર ગાર્ડન ઝૂલો અને તેમાં ઝૂલતાં કિનારીવાળી સફેદ સાડીમાં સજ્જ હેમાબહેન.
આખા દૃશ્યને નજરમાં ભરતી પલાશ ચાવીનો કેચ કરતી બોલી, ‘ઓહ મોમ, મારી નાની-નાની બાબતોમાં કેમ ટોક્યા કરે છે? આઈ ડોન્ટ લાઇક ઇટ.’ પછી મનોમન બોલી, ડેડીએ આપેલું કી-ચેઇન છે, કદી નીચે પડવા જ ના દઉં ને!
‘મને ચિંતા થાય એટલે બોલી જવાય છે. બાકી તને ટોકવાનો ઈરાદો હોતો નથી ક્યારેય.’ કહેતાં હેમાબહેન હિંચકેથી ઉતરી દરવાજા તરફ ચાલ્યા. પલાશ તો ઝડપથી ચાલતી ઘરમાં પ્રવેશી અને પગથિયાં ચડી સીધી પહેલા માળે આવેલા તેના બેડરૂમમાં ઘુસી ગઈ. લેપટોપ ખોલી ફેસબુકમાં આઇડી અને પાસવર્ડ નાખ્યો ત્યાં જ ચેટ બોક્સમાં મેસેજ આવ્યો,
‘કેટલી રાહ જોવડાવી? ટાઇમ નક્કી કરેલો તોય તું મોડી જ આવી.’ પલાશની આંગળીઓ ફટાફટ કી-બોર્ડ પર ચાલવા માંડી. . .
‘અરે યાર, મારો મૂડ ખરાબ છે, વધુ ના બગાડ. એક તો ગાડીમાં મ્યુઝિક પ્લે ના થયું. આવતાવેંત મોમે પોંખી અને હવે તુંય. . .’
‘સોરી દોસ્ત, પણ કલાકથી રાહ જોતો ઓનલાઇન છું. જેની સાથે વાત ના કરવી હોય એવા કેટલાંય ‘હાય – હેલ્લો’ કરતા ટપકી પડે છે. પછી મને ગુસ્સો ના આવે?’
‘રાજ, તારામાં જરાય ધીરજ નથી. એક કલાક શું એક દિવસનીય રાહ જોવી પડે. જેવો મારો મૂડ.’
‘પલ્લુ, તું તો રાજકુમારી જાણે! તારા હજાર નખરાં છે. મારા સિવાય કોઈ ચલાવી ના લે આવું બધું, યાદ રાખજે.’
‘ઓહો. . . રાજકુમારી કંઈ ગમે તેની સાથે વાત ના કરે. રાજકુમાર હોવો જોઇએ તેના લેવલનો, સમજ્યો? જોકે તારા નામમાં તો રાજ છે જને!’
પલાશે છેલ્લે હસતું સ્માઇલી મૂકી એન્ટર કી દબાવી.
‘ઓકે બાબા, તારી સામે દલીલમાં ઉતરાય જ નહીં. જો મારે તને અગત્યની વાત કરવી છે. આવા સ્માઇલીની આપ-લે માટે કંઈ ચેટીંગ ટાઇમ નક્કી નથી કર્યો.’
‘ઓકે ટેલ મી.’ પલાશે ટેવવશ જીભ કાઢતું સ્માઇલી છેલ્લે ચોંટાડી જ દીધું. તેને રાજની ગંભીરતાની અસર ના થઈ.
બે-ત્રણ મિનિટ સુધી સ્ક્રીન ખાલી રહી અને પછી મેસેજ આવ્યો. જે વાંચતા પલાશ વિચારમાં પડી ગઈ. . .
‘પલ્લુ, ડેડી મને માસ્ટર ડીગ્રી માટે યુ.એસ.એ. મોકલવા માગે છે. ત્યાં મારા માસી રહે છે એ બધું ગોઠવી આપવાના છે.’
‘તારી શું ઇચ્છા છે?’ પલાશે ગંભીર થઈ પૂછ્યું.
‘મારે કોઈ હિસાબે નથી જ જવું. મારે તો આ શહેરય નથી છોડવું દેશની તો વાત જ ક્યાં આવે?’
‘તો અંકલને કહી દેને ચોખ્ખેચોખ્ખું.’
‘ડેડી મારી કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી. હું શું કરું? કંઈ સમજાતું નથી.’ રાજ પ્રશ્નાર્થચિહ્ન જ ટાઇપ કરતો રહ્યો, ક્યાંય સુધી.
‘સ્ટોપ ઇટ રાજ. આમ ડીપ્રેસ ના થઇશ પ્લીઝ. આપણે કઈંક વિચારીએ.’ થોડી ક્ષણો બંને ખાલી સ્ક્રીનને તાકતા રહ્યાં. પલાશે લખ્યું. . . ‘આજે સાંજે ચાર વાગે મળીએ છીએ તારા ઘરે, ઓકે?’
‘તું ઘરે આવીને શું કરશે યાર?’ રાજની નિરાશા શબ્દોમાં પ્રગટી.
‘હું અંકલ સાથે વાત કરીશ. આવું છું સાંજે. ડન.’
‘ઓકે બાબા. તને મારાથી ના તો કહેવાશે નહીં. પણ તું ડેડીને શું કહીશ?’
‘લીવ ઇટ ટુ મી, રાજ. ડોન્ટ વરી. બાય. . . સી.યુ.’ ‘બાય’ લખી રાજે લોગઆઉટ કર્યુ. લેપટોપ બંધ કરી પલાશ બેઠી રહી. ટેબલ પરની ફોટોફ્રેમ જોતા વિચારોમાં સરી પડી,

લંડનની યુનિવર્સિટીમાં એડમિશન મળી જતા તે કેટલી બધી ખુશ થયેલી! હેમાબહેનને ગમ્યું નહોતું. તે બોલેલા, ‘આવડી 18 વર્ષની દીકરીને કોઈ આમ પરદેશ મોકલી દેતું હશે? અજાણ્યા દેશમાં આપણું કોઈ નહીં. વખતે દા’ડે જરૂર પડી તો શું કરશે? એકલી મૂંઝાઈ ના જાય? એકની એક દીકરી છે આપણી. તમારું તો કાળજુ ભારે કઠણ. હું નહીં જવા દઉં.’
‘ઓહ મોમ. તને ખબર છે, મારી બે ફ્રેન્ડ્સય છે મારી સાથે. અમને ત્રણેયને એડમિશન મળ્યું છે. આન્યાના કાકાનું ઘર પણ ત્યાં છે. બે-ત્રણ વર્ષ તો ચપટી વગાડતા વીતી જશે. મારે જવું જ છે. જોજે ભણીને પાછી આવીશ પછી ડેડનું આ ઍમ્પાયર હું જ સંભાળવાની છું. મોમ, ડોન્ટ બી ઇમોશનલ પ્લીઝ.’
પલાશના શબ્દો હેમાબહેનના આંસું રોકી શક્યા નહોતા. ‘પલ્લુ, હું નહીં જવા દઉં તને. તું હજુ નાની છે. તારા પપ્પાને તો ધંધામાંથી ઊંચા જ આવવું નથી. કાંઈ વિચાર્યા વિના તું જેમ કહે તેમ હા એ હા કરવાના છે.’ જોકે હેમાબહેનની ગાજરની પિપૂડી કોઇએ સાંભળી નહોતી અને પલાશ તો આકાશી સફરે પહોંચી ગયેલી લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટ ભણવા. બે વર્ષ તો જાણે સ્વપ્ન નગરીમાં જીવતી હોય તેમ પસાર થઈ ગયેલા.
*
‘જમવાનું નથી? પલ્લુ નીચે આવને હું રાહ જોઉં છું, બેટા.’ હેમાબહેનનો અવાજ ઉપર આવતા પલાશ ભૂતકાળમાંથી બહાર આવી. દોડતી નીચે આવી, ખુરથી પર બેઠેલાં હેમાબહેનના ગળે પાછળથી હાથ વીંટાળતા બોલી, ‘લે મોમ, આ આવી ગઈ.’
ફરતે છ ખુરશીઓ અને રિવોલ્વીંગ રાઉન્ડ ડાઇનિંગ ટેબલ. બધું જ અપ-ટુ-ડેટ. ક્યાંય કોઈ કચાશ નહી. મહારાજે તૈયાર કરેલું ભોજન મા-દીકરી શાંતિથી જમતા રહ્યાં. પલાશની નજર વારંવાર પાસેની ખાલી ખુરશી પર ખોડાઈ જતી હતી. બંનેનાં મનોવિશ્વમાં તો જાતભાતના વિચારો આકાર લેતા હતા. ચૂપકીદી તોડતા પલાશ બોલી,
‘મોમ, હું સાંજે રાજના ઘરે જવાની છું. અંકલ સાથે અગત્યની ચર્ચા કરવા.’
‘કેમ? અનંતભાઈ નવો પ્રોજેક્ટ કરવાના છે? તારા પપ્પાની જેમ તુંય એમને શીખામણ આપતી થઈ ગઈ છો!’
‘ઓહ નો, બિઝનેસ મેટર નથી. પર્સનલ વાત છે. અંકલ ઇચ્છે છે કે રાજ અમેરિકા આગળ ભણવા જાય.’
હાથમાં લીધેલો કોળિયો મોંમાં મૂકી ચાવતાં-ચાવતાં હેમાબહેન વિચારોએ ચડ્યા. . .
અનંતભાઈએ પલ્લુના પપ્પાની ફેક્ટરીમાં જ કામ શરૂ કરેલું. તેમની કાબેલિયત ગજબની. પલ્લુના પપ્પાય તેમને માન આપતા. બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગયેલી. કર્મચારીમાંથી પોતે ફેક્ટરીના માલિક બની ગયેલા અનંતરાય, આજે પણ પલ્લુના પપ્પાને જ ગુરૂ માનતા. પલાશને લંડન મોકલવાની વાત થઈ ત્યારે અનંતભાઈએ હેમાબહેનનો જ પક્ષ લીધો હતો. અને આજે પોતાના દીકરાને કેમ પરદેશ મોકલવા તૈયાર થયા હશે?
‘પણ રાજને નથી જવું. એ તો અહીં જ રહેવા માગે છે.’ પલાશના શબ્દોએ હેમાબહેનનાં વિચારોને બ્રેક મારી. તેઓ બોલ્યા,
‘બેટા, લંડન જવા તે કેટલી જીદ કરેલી યાદ છેને? આજે તારામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. મારી જરૂર હોય તો હુંય આવું અનંતભાઈ જોડે વાત કરવા.’ દીવાલ પરના ફોટા તરફ ગયેલી નજર તરત જ ફેરવી લેતાં પલાશ બોલી,
‘આઈ વિલ મેનેજ ઇટ. મારા પર છોડી દે. યુ નો, હું ઉદ્યોગપતિ હિંમતલાલની દીકરી છું. ડેડીના નામની સાથે મારામાં પણ ભારોભાર હિંમત અને સાહસ ભરેલા પડ્યા છે. હું અંકલને મનાવી લઈશ.’ પલાશ વોશ બેસિન તરફ જતાં બોલી.
પતિ જેવા જ આત્મવિશ્વાસ અને ખુમારી દીકરીમાં જોઈ હેમાબહેન કાયમ હરખાતાં.
જમીને પલાશ પોતાના રૂમમાં જઈ લેપટોપ પર બિઝનેસ વર્ક કરવામાં ડૂબી ગઈ. હેમાબહેન રાબેતા મુજબ ટી.વી. સામે ગોઠવાઈ ગયા. વૈભવી ડ્રોઇંગરૂમમાં એક બાજુની દીવાલ પર ગોલ્ડન ફ્રેમમાં હિંમતલાલનું હસતું ઓઇલપેઇન્ટ. બીજી દીવાલ પર લોલકવાળી મોટી રજવાડી ઘડિયાળ. સામેની ભીંતે મોટું એલ.ઈ.ડી. ટીવી જેમાં સાસુ-વહુથી માંડીને સીધા-આડા સંબંધો, પૌરાણિક કથાનકો, કુકરી કે રિયાલિટી શો જેવી કેટલીય સિરીયલો હેમાબહેન જોયા રાખે. તેમને સોફા પર બેસવા કરતા તેને ટેકો દઈ, નીચે પાથરેલા મુલાયમ ગાલીચા પર પગ લંબાવીને બેસવાની ટેવ. આમ તો સોફા પાસે મોટી આરામખુરશી ખરી. જોકે, હવે તો હવાથી જ તે ધીમું-ધીમું ઝૂલ્યા કરતી! બાકી હિંમતલાલની એ ખાસ જગ્યા. ઇઝીચેર પર બેઠાં-બેઠાં ઝૂલતાં જાય અને કોર્ડલેસ ફોનમાં વાતો કર્યા કરે. વાતે મોટેથી હસવાની તેમને ટેવ. કાયમ તેમનું હાસ્ય હોલમાં ગુંજતું રહેતું. હવે તો ડ્રોઇંગરૂમમાં ટીવીના અવાજ સિવાય મોટેભાગે ચૂપકીદી જ હોય!
સાડા ત્રણના ટકોરે પલાશ તૈયાર થઈને હાથમાં ચાવી ઉછાળતી આવી ચડી.
‘મોમ, હું જાઉં છું રાજના ઘરે. ડીનરમાં મળીએ, બાય.’
‘આજે તારું ફેવરીટ મેનૂ મહારાજને આપ્યું છે. વહેલી આવજે. ગાડી શાંતિથી ચલાવજે.’
છેલ્લી સલાહ તો કોણ સાંભળે જ છે? પલાશ તો પવનવેગે કારમાં ગોઠવાઈ ગયેલી. ગેટ સુધી જતા ફરી અણગમા સાથે બબડી, ‘મ્યુઝિક પ્લેયર ચાલુ કરાવવું પડશે. ખાલી ખાલી લાગે છે.’
અનંત અંકલ પાસે કેવી રીતે વાત મૂકવી તેના વિચારોમાં ડ્રાઇવ કરતી પલાશ ક્યારે રાજના ઘરે પહોંચી ગઈ ખ્યાલ પણ ના રહ્યો. તે ડોરબેલ વગાડે ના વગાડે ને દરવાજો ખૂલ્યો.
‘વેલકમ. તારી જ રાહ જોઉં છું.’ રાજે આવકારતા કહ્યું.
‘અંકલ ક્યાં છે?’ પલાશે પ્રવેશતાં જ પૂછ્યું.
‘સ્ટડીરૂમમાં છે. તું બેસ તો ખરી.’ રાજે સોફા પર બેસતા કહ્યું.
ત્યાં જ પગથિયેથી અવાજ આવ્યો,
‘બેલ વાગી, કોઈ આવ્યું લાગે છે.’ અનંતરાય હોલમાં પહોંચતા જ બોલ્યા,
‘ઓહ, પલાશ બેટા. કેમ છે? એકલી આવી? હેમાબહેનને લેતી આવી હોત તો.’
‘ફાઇન અંકલ. તમે મઝામાં? મોમ ઘરે જ છે. હું ખાસ તમને જ મળવા આવી છું.’ ‘તમને’ પર જરા વધુ વજન આપી પલાશ બોલી.
‘તું તારા બાપ પર જ ગઈ છો હો દીકરી. હિંમતભઈ હંમેશ સ્પષ્ટ ને સીધી જ વાત કરતા. તેમને પ્રસ્તાવના બાંધવામાં કે હાંસિયા દોરવામાં સમય બગાડવો ગમતો નહોતો.’ કહેતા અનંતરાય પલાશ સામે સોફામાં ગોઠવાયા. નાક પર આગળ આવી ગયેલા ચશ્મા સરખા કરતા વ્હાલથી બોલ્યા, ‘બોલો બેટા. ફરમાવો, શું હતું?’
‘અંકલ તમે રાજને કેમ દૂર મોકલો છો, ભણવા? આઈ મીન છેક અમેરિકા!’ પલાશે સીધી વાત માંડી.
રાજ સામે દ્રષ્ટિ કરી અનંતરાય બોલ્યા, ‘ભણવા જ મોકલું છું ફક્ત. ત્યાં કાયમ માટે રહેવા નથી મોકલતો.’
‘એને ના જવું હોય તો?’ પલાશે મક્કમતાથી કહ્યું.
‘જો બેટા, હિંમતભઈ તને લંડન મોકલતા’તા ત્યારે મને યોગ્ય નહોતું લાગ્યું એ હકીકત છે. પણ તું ત્યાં ભણીને આજે કેટલી હોંશિયાર થઈ ગઈ છે. હિંમતભઈનો બધો વહીવટ તું સરસ રીતે સંભાળે છેને? રાજ ત્યાં ભણીને મારો ભાર ઓછો કરશે. ત્યાં એના માસી રહે છે એટલે રહેવા-જમવાની કે બીજી કોઈ ચિંતા નથી.’
‘હોંશિયારી, સ્કીલ કે કાબેલિયત તો માણસની અંદર જ હોય છે અંકલ. ત્યારે મનેય ક્રેઝ હતો, પણ ત્યાં જઇને ખાસ કરીને હું અહીં પાછી આવી ત્યારના ખાલીપાથી મને સમજાયું કે મેં બે વર્ષમાં શું ગુમાવ્યું.’ થોડીવાર મૌન રહી પલાશે વાતનો દોર આગળ વધાર્યો. . .
‘અંકલ, રાજને નથી જવું. તેને અહીં જ રહેવું છે, તમારી સાથે. તમે જ યુનિવર્સિટી જેવા છો. તમારા અનુભવે તે ઘડાઈ રહ્યો છે. એ પણ બેસ્ટ બિઝનેસમેન બનવાનો જ છે. મારા ડેડીની સૂઝ, સાહસ અને સ્કીલ મને વારસામાં મળ્યા છે, લંડનની કોઈ યુનિવર્સિટીમાંથી નહી.’
પલાશની વાતથી પ્રભાવિત થઈ રાજે પણ ચર્ચામાં ઝૂકાવ્યું,
‘ડેડી પ્લીઝ. પલાશ સાચું કહે છે. મારે તમારી જોડે રહેવું છે. આ ઘર, શહેર કે દેશ છોડીને ક્યાંય જવું નથી. મને ફોરેન ડીગ્રીનો કોઈ ક્રેઝ નથી ડેડી. મારે તો અહીં રહીને જ તમારા સંસ્કાર અને શિરસ્તા જાળવતાં શીખવું છે.’
અંગ્રેજી માધ્યમમાં ભણતી આજની પેઢી પાસે આવા વિચારો અને વાક્યો અનંતરાયને જરા ભારેખમ લાગ્યા. એ વિચારમાં પડી ગયા. તેમની કોઈ દલીલ પલાશ સામે ટકતી નહોતી. રાજે પણ મક્કમતાથી પોતાની ઇચ્છા દર્શાવી. પલાશે તો ઢગલાબંધ દૃષ્ટાંતો આપી અનંત અંકલને મનાવવા પ્રયાસ કર્યો. દરેક હથિયાર હેઠાં પડ્યા એટલે છેવટે અનંતરાયે કહ્યું,
‘જેવી તમારી મરજી. રાજ, તારા માસીને ફોન કરી કહી દઉં છું કે તું નથી જવાનો.’
રાજે ખુશ થઈ પલાશનો આભાર માન્યો. બાય કહેતા તે ઘરે જવા નીકળી.
કાર સ્ટાર્ટ કરતા ફરી બબડી, ‘નો મ્યુઝિક, નો સ્પીડ. કાલે આ ગાડી ડ્રાઇવરને આપી દેવી પડશે.’ ડ્રાઈવ કરતા-કરતા તે વિચારોમાં સરી પડી…લંડન જવાનો પોતાને કેટલો ક્રેઝ હતો અને ત્યાંની લાઈફસ્ટાઈલ કેવી ગમી ગયેલી! એનું ચાલે તો મોમ-ડેડને લંડન લઈ જવાના વિચારોય એ સમયે તેને આવતા. પણ સ્થિર ચાલતા જીવનમાં ભયંકર ઊથલપાથલ ત્યારે થઈ જ્યારે એક દિવસ અચાનક અનંત અંકલનો ફોન આવેલો, ‘બેટા, જલ્દી જે ફ્લાઇટ મળે તેમાં આવી જા. તારા પપ્પાની તબિયત સારી નથી.’
એરપોર્ટ ધસી જઈને તાત્કાલિક જે ફ્લાઈટ ઈન્ડિયા જતી હોય તેમાં ટિકિટ લીધી. બોર્ડિંગ પાસ લઈને સિક્યોરિટી ચેકિંગ પસાર કરી ફ્લાઈટના ગેઈટે વેઈટિંગમાં ખુરશી પર ફસડાઈ પડેલી.
ડેડી – એના જીવનનું સર્વસ્વ આ બે અક્ષરોમાં સમાઈ જતું. સમજણી થઈ ત્યારથી તેની આંખો ડેડીને શોધતી અને ડેડી તેને વહાલથી ઊંચકી લેતા, ઘરમાં આવતાવેંત. પહેલીવાર ડેડીની આંગળી પકડીને તેણે બે-ચાર પગલાં માંડ્યા’તા ત્યારથી લંડન જવા એરપોર્ટ પર મૂકવા આવેલા ડેડીએ વહાલથી માથે હાથ મૂકી કહેલું, “ઓલ ધ બેસ્ટ, પલ્લુ!”, હજુ એના મનમાં એવું જ પડઘાય છે. બિઝનેસ અને સમાજમાં ખૂબ ગંભીર અને કડક ગણાતા હિંમતલાલ, દીકરી પાસે એટલાં જ નરમ, પ્રેમાળ અને લાગણીશીલ થઈ જતા. પલાશને યાદ આવ્યું,
ઘરકામ કરતા શાંતામાસી એને બાજુના બગીચામાં રમાડવા લઈ ગયેલા અને ત્યાં હીંચકેથી પડી જતાં ગોઠણ છોલાયેલો, કેટલી રડેલી એ. . . રડતાં-રડતાં ઘરે આવી અને ડેડી મિટિંગ પડતી મૂકી દોડી આવેલા, પલાશને ઊંચકીને છાની રાખી. તાત્કાલિક ધોરણે બંગલામાં બાજુનો ખાલી ભાગ હતો ત્યાં સરસ બગીચો બનાવવાનું શરૂ કરાવ્યું. ખાસ ઈમ્પોર્ટેડ લોન તેમાં ઊગાડીને ગાલીચા જેવો બગીચો કર્યો, જેથી દીકરીને પડે તોય વાગે નહીં!
આવી તો કેટલીય નાની-મોટી ઘટનાઓ પલાશ અત્યારે ફરી ફરી જીવી રહી હતી જાણે! ફ્લાઈટનો ટાઈમ થતાં તે વિચારોમાં જ એરબસમાં અને પછી પ્લેનમાં બેઠી. જીવનના 20 વર્ષ અને તેના કેન્દ્રબિંદુ સમાન ડેડીના ચહેરાનો જ આકાર બારી બહાર વાદળોમાં આકારતી રહી. જેમ મોટી થતી ગઈ તેમ ડેડી સાથે દોસ્તી થતી ગઈ. હજુ બે દિવસ પહેલાં જ ડેડી સાથે ઓનલાઈન ચેટિંગ કરતા તેણે લખેલું, “ડેડી, કાલે અહીંની કેન્ટીનમાં પોલ સાથે ઓળખાણ થઈ. એટલો હેન્ડસમ છેને કે મને જોતાંવેંત જ ગમી ગયો. એણેય મારી સાથે સ્ટડીની ને થોડી પોતાનીય વાતો સારી રીતે કરી.”
ત્યારે હિંમતલાલે જવાબ આપેલો, “બેટા, કોઈ ગમી જાય એ ખરાબ બાબત નથી, પણ તારી લાગણીને પરિપક્વ થવાનો સમય આપજે એટલે આપોઆપ સાચો માર્ગ જડે.”
“ઓહ ડેડી યુ આર ગ્રેટ. આઈ રીયલી રિસ્પેક્ટ યોર થોટ્સ. હું ઘરે આવું ત્યારે નિરાંતે ચર્ચા કરીશ તમારી જોડે.”
બે દિવસમાં ડેડી બીમાર કેવી રીતે પડી ગયા? મેં અહીં બે વર્ષ ડેડીથી દૂર રહીને વિતાવ્યા. હવે મારે પરદેશનો મોહ નથી રાખવો. હે ભગવાન ડેડીને જલ્દી સાજા કરી દો, હવે હું પાછી નહીં જાઉં. ડેડી સાથે તેમના બિઝનેસમાં જ ચોવીસ કલાક તેમની સાથે રહીશ, પ્રોમિસ ગોડ, પ્લીઝ ડેડીની કેર કરજો. અંકલે મને બોલાવી છે એટલે કંઈક વધુ જ તબિયત બગડી હશે. . . આવું મનોમન વિચારતા માંડ પલાશે વિમાનમાં કલાકો કાપ્યા.
એરપોર્ટ પર લેવા આવેલા ડ્રાઈવરે કંઈ વાત ના કરી. ઘરે પહોંચીને વ્હાલસોયાં ડેડીના મૃતદેહ જોઈ પલાશ અવાચક બની ગયેલી. હિંમતલાલે સિનિયર એટેક આવેલો, જે જીવલેણ સાબિત થયો. ફોનમાં પલાશને હકીકત કહેતા અનંતરાયને જીભ ઉપડી નહોતી. ભાંગી પડેલા હેમાબહેન અને અચાનક આવી પડેલી બધી જ જવાબદારીઓ પલાશને જાણે કે એકાએક મોટી બનાવી દીધેલી. તેણે અગ્નિસંસ્કારથી માંડીને બધી વિધિઓ કેટલી સ્વસ્થતાથી પતાવેલી! પછી તો બિઝનેસનો દોર હાથમાં લઈ તેણે ડેડીના પેંગડામાં પગ જમાવ્યો હતો. બે વર્ષમાં તો ઘણો વિકાસ કર્યો હતો.
જોકે, ફોરેનનો ક્રેઝ ડેડીને ગુમાવ્યા પછી પલાશને જરા પણ રહ્યો નહોતો. તેને સતત વસવસો રહેતો કે તે લંડન ના ગઈ હોત તો ડેડી સાથે વધુ રહી શકી હોત.
વિચારોનું પૂર આંખોમાં છલકાયું, રસ્તો ધૂંધળો થતો ગયો. અંદરના વરસાદમાં કારના વાઈપર પણ શું કરી શકે? ગેઈટે પહોંચતા સ્વસ્થ થઈને કાર પાર્ક કરી. ચાવી ઉછાળતાં પલાશ દરવાજા તરફ વધી. હીંચકે બેઠેલાં હેમાબહેનથી ટેવવશ બોલી જવાયું,
‘પલ્લુ બેટા, ચાવી ના ઉછાળ. ક્યાંક વાગી જશે.’
પલાશ તો સાંભળ્યું જ ના હોય એમ દીવાલે લટકતાં ફોટા સામે સ્મિત કરી, ચાવીનો કેચ કરતાં દોડતી પહોંચી ગઈ તેના રૂમમાં. લેપટોપ લઈ, ફેસબુકમાં લોગઇન થઇને ઓનલાઇન ફ્રેન્ડ્ઝનાં નામ વાંચવા લાગી.
‘ઓહ, શ્રુતિ ઓનલાઇન છે. કેટલાં સમયથી મળી નથી?’ બોલતાં પલાશે ટાઇપ કર્યુ,
‘હાય શ્રુત, વોટ્સ અપ?’
ઉદાસ સ્માઇલી સાથે શ્રુતિએ લખ્યું, ‘નથિંગ!’
પલાશ વિચારમાં પડી ગઈ. તેણે પૂછ્યું, ‘કેમ શું થયું?’
‘આઈ એમ નોટ ઓકે, પલ. મોમ-ડેડ મને ફર્ધર સ્ટડી માટે ઓસ્ટ્રેલિયા મોકલવા માગે છે. મારી ઇચ્છા નથી.’ પળનોય વિચાર કર્યા વિના પલાશે ટાઇપ કર્યુ, ‘ડોન્ટ વરી યાર. હું કાલે આવું છું અંકલ-આન્ટીને મળવા. સી.યુ. એટ 7.30. બાય.’
લેપટોપ બંધ કરી ટેબલ પરની ફોટોફ્રેમ સામે જોઈ પલાશ બોલી,

‘હું કોઈને સ્વજનોથી દૂર નહીં થવા દઉં. આઈ પ્રોમિસ યુ ડેડી !’

**********************************************

2 thoughts on “પ્રોમિસ – વાર્તા – છાયા ત્રિવેદી

  1. વાર્તા –સુ શ્રી છાયા ત્રિવેદીની સ રસ વાર્તા પ્રોમિસ –
    .
    આપની આજુબાજુ અનેક પલાશ દેખાય પણ ‘‘હું કોઈને સ્વજનોથી દૂર નહીં થવા દઉં. આઈ પ્રોમિસ યુ ડેડી !’’વાળી પલાશનો અંત ખૂબ ગમ્યો

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s