હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી – “ગીત લખું કે ગઝલ!” • કવિ : મુકેશ જોશી


ફરી આંખ કાં સજલ ગીત લખું કે ગઝલ …
ફરી આંખ કાં સજલ
ગીત લખું કે ગઝલ
કોણ ફરી આવીને ઊભું, બંધ કલમને દ્વારે
જીવ પૂછે છે અડધી રાતે, કોણ હશે અત્યારે!
આ કોણ કાપતું મજલ
ગીત લખું કે ગઝલ
કોણ ફરી પગલીઓ પાડે, કાગળના આંગણામાં
નકકી કોઈ હશે પ્રગટતું, કવિ નામના જણમાં
આ કોણ આટલું સરલ
ગીત લખું કે ગઝલ!
હું જ લખું છું એ વિશે તો, મને ય પડતો શક
કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક
(તો) થશે કો’ક દી ટસલ
ગીત લખું કે ગઝલ!
• કવિ : મુકેશ જોશી • સંગીતકાર : ઉદયન મારુ • ગાયિકા : ઝરણા વ્યાસ

ગીત લખું કે ગઝલ – મુકેશ જોષી

શીર્ષક ગીત પહેલીવાર સાંભળ્યું ત્યારે કવિ મુકેશ જોશીની આ રચનાના શબ્દો તો સ્પર્શી જ ગયા હતા, પરંતુ ગાનારનો કંઠ, કમ્પોઝિશન અને અરેન્જમેન્ટ પણ કંઈક જુદી લાગી. કંઠ હતો મણિપુરી ગાયિકા ઝરણા વ્યાસનો અને સ્વરાંકન ઉદયન મારુનું. મુકેશ જોશી સંવેદનાના કવિ છે. એમની રચનાઓ ચોટદાર હોય છે. પરંતુ આ ગીતમાં કવિને અવઢવ છે. ગીત પ્યારું છે અને ગઝલ પણ દિલની કરીબ છે. તો લખવું શું? છેવટે કવિ ઈશ્વર પર જ પોતાની અવઢવનો ભાર નાખીને શરણાગતિ સ્વીકારી લે છે કે ભલે હું મારો હક માનું પણ હકીકતમાં લખાવનાર તો ઉપરવાળો જ છે. એટલે જ એ કહે છે, કો’ક લખાવી જાય છે ને, માનું મારો હક …!
મનુષ્યની પ્રકૃતિ એવી છે કે જશ પોતે લેવાનો ને જૂતાં બીજાને માથે મારવાનાં. જગતનો દોરીસંચાર કરનાર જ આપણી પાસે કર્મ કરાવે છે તો ય આપણે બંદા એમ જ માનીએ કે આ તો મારું સર્જન છે. ’હું કરું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે…ની જ વાત સહજ રીતે કવિની ઉક્ત પંક્તિમાં પડઘાય છે.
આ ગીતના સંદર્ભમાં વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પરંતુ સુગમ સંગીત ક્ષેત્રે જેમનું નક્કર પ્રદાન છે એ ઉદયન મારુએ શોખથી પાંચસો જેટલાં ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કર્યાં છે. ઉદયન મારુ આ ગીત વિશે કહે છે, “આ ગીતની છેલ્લી પંક્તિ મને ખૂબ ગમે છે. એમાં કવિ કહે છે એમ, કૃતિ કોઈની નથી હોતી. ઈશ્વરે જ એ કૃતિ માટે આપણને પસંદ કર્યા હોય છે. હું પણ માનું છું કે કોઈક સરસ કવિતા હાથમાં આવે તો આપોઆપ સંગીત રચના ગોઠવાઈ જાય છે. દરેક સર્જકને આ વાત લાગુ પડે છે. આ ગીતમાં જેનો કંઠ છે એ ઝરણા વ્યાસ આમ તો મણિપુરની પણ હવે સવાઈ ગુજરાતી કહેવાય એટલી હદે એણે ગુજરાતી સંગીતને આત્મસાત કર્યું છે. એમના પતિ વિજય વ્યાસ ગુજરાતી. સરસ તબલાવાદક. મારે ઘરે સંગીતના વર્ગો ચાલે એમાં એ આવે. એકવાર એ એમની મણિપુરી મિત્ર ઝરણાના ઈન્તજારમાં હતા. મેં કહ્યું કે ઝરણાને અંદર બોલાવ. વાતવાતમાં ખબર પડી કે ઝરણા વિશારદ થયેલી છે અને એસ.એન.ડી.ટી.માં ડો. પ્રભા અત્રેનાં માર્ગદર્શન નીચે તાલીમ લઈ રહી છે. મેં એને પૂછ્યું કે ગુજરાતી ગીત ગાઈશ? એને ગુજરાતી બિલકુલ ન આવડે છતાં એ તૈયાર થઈ. મેં ગીત શીખવવાનું શરૂ કર્યું જેના શબ્દો હતા; તારા વિરહમાં ઝૂરી રહી એક વાંસળી રે લોલ. બહેને મહામહેનતે ગાવાનું શરૂ કર્યું; તાડા વિડહમાં ઝૂડી રહી રે એક વાંસડી રે લોલ…! અમે હસી પડ્યા છતાં વિચાર આવ્યો કે એની પાસે સંગીતનું જ્ઞાન છે પણ ભાષા અને ઉચ્ચાર શુદ્ધિ પર મહેનત કરવી પડશે. હું અને દક્ષેશ ધ્રુવ બન્ને સંગીત ક્લાસ લેતા હતા, એ રીતે ઝરણાને દક્ષેશભાઈનો પરિચય પણ થયો. એની લગનને પરિણામે આજે એ ગુજરાતી ગીતો ફક્ત ગાતી જ નથી, સુગમ સંગીતના ક્લાસ પણ ચલાવે છે. એણે મારાં દોઢસોથી વધુ ગીતો ગાયાં છે.
આ ખરેખર પ્રેરણાદાયી વાત છે કે આપણા ગુજરાતીઓ ગુજરાતી ગીતો ગાવામાં નાનપ અનુભવે છે જ્યારે એક બિનગુજરાતી કલાકાર ગુજરાતી ગીતોનો પ્રસાર કરી રહી છે.

ઝરણા આ વિશે ઉત્સાહપૂર્વક કહે છે, “મને આનંદ છે કે મારી માતૃભાષા ઉપરાંત ગુજરાતી જેવી સમૃદ્ધ ભાષામાં ગાવાની મને તક મળી. બારમા ધોરણ પછી મણિપુરની રાજધાની ઈમ્ફાલથી હું સંગીતનો વિશેષ અભ્યાસ કરવા મુંબઈ આવી. મુંબઈએ મને સંગીતની કારકિર્દી તો આપી પણ પ્રેમાળ ગુજરાતીઓનો પરિચય કરાવ્યો. ઉદયનભાઈ, દક્ષેશભાઈ જેવા સંગીત ગુરુઓ આપ્યા. આથી વિશેષ શું જોઈએ? આ ગીત વિશે કહું તો આ મારું ગમતું ગીત છે. તમે માનશો, આ આખા ગીતની અરેન્જમેન્ટ મણિપુરી છોકરાએ કરી છે. સ્વરાંકન એટલું સરસ હતું કે મેં ઉદયનભાઈને કહ્યું કે ઈમ્ફાલમાં મારો ભાઈ, જેનું નામ જ ગીત છે, એ સરસ અરેન્જમેન્ટ કરે છે. એમની પાસે કરાવીએ? એમણે સંમતિ આપી એટલે આખું ગીત અમે ઈમ્ફાલમાં રેકોર્ડ કર્યું. તમે ધ્યાનથી સાંભળશો એનું ઈન્સ્ટ્રુમેન્ટેશન જુદું લાગશે. ગીતમાં ગિટાર પણ ગીતે જ વગાડી છે. ‘ટહુકો’ પર આ ગીત ઉપલબ્ધ છે.
મણિપુરની આ કલાકાર ગુજરાતીને પરણીને આમ તો ગુજરાતી થઈ જ ગઈ છે પણ એણે ગુજરાતી સંસ્કૃતિને ય આત્મસાત કરી છે. હિન્દી ગીત-ગઝલ સાથે ગુજરાતી સુગમ સંગીત આસાનીથી ગાય છે. હવે તો લખી-વાંચી પણ શકે છે. મુંબઈ આવ્યા પછી સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયે એમનું હીર પારખીને એક જાહેર કાર્યક્રમમાં ગાવાની તક આપી જેમાં ઝરણાએ પાંચીકા રમતી’તી … ગાઈને સૌનાં દિલ જીતી લીધાં હતાં.
ઝરણા વ્યાસના અવાજમાં કવિ મેઘબિન્દુનું ગીત કે ફાગણ આયો … સાંભળવાની મજા આવે એવું છે. ઉદયન મારુના સ્વરાંકનમાં ફાગણના રંગો આ ગીતમાં સૂર રૂપે સરસ ખીલ્યા છે.

ઉદયન મારુના પિતા અરવિંદ મારુ પોતે સંગીતના જાણકાર. ખૂબ સરસ અવાજ. ઑલ ઈન્ડિયા રેડિયો પર ગાતા હતા. એમનું સંગીત સાંભળીને ઉદયનભાઈને સંગીતમાં રસ જાગ્યો. સંગીતકાર વિનાયક વોરા પાસે છ વર્ષ તાલીમ લીધી, પરંતુ વ્યાવસાયિક વ્યસ્તતાને લીધે સંગીતને ફક્ત શોખ તરીકે અપનાવ્યું. ઉદયનભાઈની શૈલી એવી છે કે મોટે ભાગે ગીતના દરેક અંતરા જુદા સ્વરબદ્ધ કરે એટલે ક્યારેક ગાયક માટે અઘરું બને પણ ગીત સરવાળે મધુર લાગે. એમણે સ્વરબદ્ધ કરેલું ગીત :
આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,હરિના તે નામના મંજીરાં
બાજે રણકાર નામ મીરાં!
ખૂબ મીઠું છે.
ભગવતીકુમાર શર્માએ મીરાંની વેદના આબેહૂબ ઝીલી છે. એ શબ્દોને યથોચિત સ્વરાંકન અને સંવેદનશીલ અવાજ મળે ત્યારે ગીત પરફેક્ટ લાગે. પ્રેમ, શૃંગાર, હર્ષ, ઉલ્લાસ અને પ્રેમાળ આલિંગન રાધાનો શણગાર અને ભક્તિ, વિરહ, સમર્પણ એ મીરાંનો શણગાર છે. કવિએ કેવી સરસ કલ્પના કરી છે કે હરિ નામના મંજીરાં રણકી રણકીને મીરાંનો ખાલીપો વેગળો કરી રહ્યાં છે. આગળ પંક્તિઓ છે :
મહેલ્યુંમાં વૈભવનાં ચમ્મર ઢોળાય,ઊડે રણમાં તે રેતીની આગ,મીરાંના તંબૂરના સૂરે સૂરેથી વહે,ગેરુઆ તે રંગનો વૈરાગ,ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાંએ,કીધાં જરકસી ચૂંદડીનાં લીરાં,સાચો શણગાર નામ મીરાં …!
વિરક્તિ ભાવ વ્યક્ત કરતું આ ગીત સંગીતકાર ઉદયન મારુએ એ જ ભાવ સાથે અદ્દભુત કમ્પોઝ કર્યું છે તથા આલાપ દેસાઈના કંઠે ઓર નિખરી ઊઠ્યું છે. આવી સરસ રચનાઓ ગુજરાતી સુગમ સંગીતનાં મહામૂલાં આભૂષણો છે. બસ, જરૂર છે ત્યાં સુધી પહોંચવાની.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 માર્ચ 2020

4 thoughts on “હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી – “ગીત લખું કે ગઝલ!” • કવિ : મુકેશ જોશી

 1. .
  “ગીત લખું કે ગઝલ!” • કવિ : મુકેશ જોશીની રચનાનું સ રસ રસદર્શન
  .
  ‘વિરક્તિ ભાવ વ્યક્ત કરતું આ ગીત સંગીતકાર ઉદયન મારુએ એ જ ભાવ સાથે અદ્દભુત કમ્પોઝ કર્યું છે તથા આલાપ દેસાઈના કંઠે ઓર નિખરી ઊઠ્યું છે.’
  બદલ ધન્યવાદ

  Liked by 1 person

 2. આ.જયશ્રીબેન
  સાદર જય યોગેશ્વર

  આ સાથે મારી પ્રાસંગિક રચના , આંગણા માટે સ્વીકારવા વિનંતી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ….,

  મહામારી કોરોના – ખંડ કાવ્ય

  છંદ- વસંત તિલકા

  કષ્ટી વહે વલવલી સરિતા મલિની
  દૂષિત પાવન સુધા નિજ માનવોથી
  નિસ્તેજ છે રવિ નભે; નિત ધૂમ્ર ગોટે
  દન્ય સ્થિતિ નિરખ ઓ વદતી વસુધા

  નિરભ્ર વ્યોમ રજની જ અલોપ તારા
  ને વ્યોમ ઝાંખપ હણે નભ નૃત્ય લીલા
  આ શુક્ર તેજ ડરતું વલખી જ ઝબૂકે
  ને વાયુ દૂષિત વહી અભડે જ અંગે

  દીધું હતું અવરથી; રૂપ શ્રેષ્ઠ ભાગ્ય
  ને અમૃતા જલભરી સરિતા જ મૈયા
  ઐશ્વર્ય ઝૂમતું વને હરિતા રસીલું
  ઊડી ભમે કલરવે રૂપલા વિહંગો

  છંદ-અનુષ્ટુપ

  વિનવે વસુધા વંદી, વેદનાથી વિલાપતાં
  ઐશ્વર્ય જાતું લૂંટાતું, રે પ્રદૂષણ ઘાતથી
  ઉધ્ધત જંતું યુધ્ધે ખિન્ન, આત્મઘાતી કુઠાર ઘા
  છે એક આશરો તારો, દંગલ છે વિનાશનું


  થયો અંતરમુખી , સૂણી અરજ અવિનાશી
  નિરખે એકમાંથી અનેક થવાની કહાણી

  છંદ- શાર્દૂલવિક્રીડિત

  ગાજ્યા અંબર વાયુ મંડલ ધસે, ભંડાર અનલના
  પૃથ્વી આ જલસાગરે રવ મહા, ને ઈંદુ શિત ધરે
  તારા – ગ્રહ ઝબૂક તેજ ઘટકો, મંદાકિની પટલે
  પ્રકૃત્તિ પ્રસવી જ વ્યક્ત થઈ આ, ચૈતન્ય સગુણ રે

  છંદ- વિશ્વદેવી

  ઘૂમે બ્રહ્માંડે, ચક્ર આ કાળનું ને
  સંયોજે તત્વો, પંચ રૂપાંતરેથી
  ઐશ્વર્યા દીસે, ઝૂંડમાં સૃષ્ટિ દૈવી
  ભૂપેશી વ્હાલે, ભેટ દીધી જ બુધ્ધિ

  છંદ- અનુષ્ટુપ

  ચક્ર ઋતુ રમે ભોમે, નિર્વિકારી જ સંયમી
  પૂરક વાહ કેવા આ, પ્રકૃત્તિ ને મનુજ આ

  છંદ- સ્ત્રગ્ધરા

  ખૂશ્બુ ભર્યા કટોરા, કુદરત મધુરી, વ્હાલ ઝૂલે ઝુલાવું
  ઝૂમે વૃક્ષો લળીને, ઋતુ -ફળ ધરવા, સ્નેહથી ભીંજવે રે
  ને વાસંતી જ હૈયાં, કલરવ લહરે, વાત માંડે જ ઉમંગે
  ભાખે શ્રેષ્ઠા નિયંતા, અવનિ રૂપલ આ, ઝીલતાં દિવ્યભાવો

  છંદ- મંજુભાષિણી

  અનુશાસને જ સુખી સૌ પરસ્પર
  કરુણા હિણી ભરખશે જ શત્રુતા
  કહું ધીક! ખૂટલ વિનાશ પાત્રતા
  બહુ ક્ષુબ્ધ આજ નિરખી જ વિકૃતિ

  છંદ-રોળા

  કાર્બન વા વિષ વમન, હિમાળા ગળતા જ ધસી
  શ્રાપી કતલ ઉદ્યોગ, હણે જલચર મધ દરિયે
  દીઠા ખેચર દીન, ઋતુ રમણ તૂટ અકાળે
  પૂરક રક્ષક જ ભક્ષક, મલિનતા ખંજર પાળે

  છંદ- અનુષ્ટુપ

  લૂંટી પ્રકૃત્તિ સંપત્તિ, મદમાં ઘૂમતો ફરે
  પાખંડે ધૃષ્ટતા પોષી, ઝેર કુંડાળા ધરે

  છંદ- કલહંસ

  યુગ -ચિત્કાર વિપદા પડઘી ને
  મૂક વેદના પરખતો જ નિયંતા
  ધમરોળવા જગ; ધસે છળ રોષે
  યમદૂત મલ્લસમ સૂક્ષ્મ વિષાણું

  છંદ- રોળા

  ‘વુહાને’થી વ્યાપ, બહું સંક્રમણે વાધે
  છું કાળ કહી દંડ ધરી, દોડે કોરોના
  દીઠું વામણું જ્ઞાન, ધ્રુજાવે મૃત્યુ- લીલા
  બંધક વિશ્વ જ ખંડ, વિખૂટું જ ઉલટા ચક્રે

  છંદ- વિશ્વદેવી

  ના ધૂમ્રી શેરો, ના જ ઘોંઘાટ સૂણો
  ઝૂમે પ્રકૃત્તિ, વ્યોમ વિહંગ ગાણું
  સૂના આ મેળા, ને સ્થળો પ્રવાસી
  શાળાએ છૂટ્ટી, વિશ્વ શીખે નમસ્તે

  નિયંતા પૂરે, ખોટ સંતાન કાજે
  છૂપા આશિષે , ગંગ શુધ્ધિ જ પામે

  છંદ- વસંતતિલકા

  છે જંગ દુષ્કર સજે, જગ સાવધાની
  દૃશ્ય જ માસ્ક બુરખા, ફરજે જ ધીરા
  વિશ્વાસ જાય અવધે, જ વિપત્તિ ભારી
  તૂટે શૃખંલ સમયે, સહયોગ સેવા

  છંદ- મંદાક્રાંતા

  મહામારી વિકટ પળ આ, ડૂબતું અર્થ તંત્ર
  વિષાણુંની દમન જ કડી, તૂટશે અસ્પર્શે જ
  પ્રત્યાઘાતી કુદરત ભલી, ઢૂંઢતી નિજ રૂપ
  જાગો જાણો નિયમન જ આ, લાભવંતું વિવેકે

  પ્રાથે પૃથ્વી સકળ શુભ હો, આત્મ વિશ્વાસ જીતે
  શ્રેષ્ઠા શોભે, મઘમઘ પુનઃ, વિશ્વ આખું નવોઢા

  છંદ- વસંતતિલકા

  તોલે બધું વિધિ, બરોબર ત્રાજવેતો
  આરોગ્ય સાચવવું, એ જ ઉપાય સાચો
  ઉત્સાહથી પરહિતે, રમજો જ રાજા
  સત્ય જ બે ગજ , જમીન જ અંતવેળા

  રમેશ પટેલ(આકાશદીપ)

  Sent from my iPhone

  >>

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s