સોરી, બોસ! – ભાવેશ ભટ્ટ – આસ્વાદ જયશ્રી વિનુ મરચંટ


સોરી બોસ,
તમે જે કામ માટે મને મોકલ્યો હતો
હું કરી ના શક્યો,
તમે મને શ્વાસોનાં કાદવ માં ધકેલી
ચોખ્ખા બહાર આવવાનું કહ્યું,
પણ હું તો કાદવ થી પણ વધારે ખરાબ થઈ બહાર આવ્યો,
તમે મને સંબંધોના અંધારામાં થી સૂરજ શોધી લાવવાનું કહ્યું,
અને મને તો એક આગિયો પણ ના મળ્યો.
તમે મને ટોળા નો એક હિસ્સો બનીને રહેવાનું કહ્યું,
હું ટોળામાં તો રહ્યો પણ એનો હિસ્સો ના બની શક્યો
અને હા તમે જે સમયનો તાકો મને સાચવવા આપ્યો હતો,
ઉલ્ટાનું એણે તો મારા જ લીરેલીરા ઉડાવી દીધા.
આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી બોસ
પ્લીઝ તમે મને ડિસમીસ ના કરતા બોસ,
મને ફરી એક વાર..
– ભાવેશ ભટ્ટ

ભાવેશ ભટ્ટના કાવ્ય ‘સોરી બોસ’ નો આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ
એક સવાલ સૃષ્ટિની શરૂઆતથી દરેકને જીવનમાં કોઈ એક સમયે અવશ્ય થાય છે કે કોણ છીએ આપણે અને કેમ આવ્યાં છીએ અહીં, આ ધરા પર? સાચા સજ્જનો, સાધુ-સંતો એમના કર્મને જ ધર્મ માનીને એટલી નિષ્ઠા અને નિસ્પૃહતાથી નિભાવે છે કે પછી સવાલો કે જવાબોની કોઈ ગુંજાઈશ નથી રહેતી. એવું કહેવાય છે કે શ્વાસોચ્છશ્વાસ ચાલતાં જ નવજાત શિશુનો પ્રાણાગ્નિ પ્રકટે છે. આ અગ્નિની જ્વાલાનું સીધું સમીકરણ જીવંતતા સાથે છે. અને, ખરેખર તો આપણે જન્મ પામ્યા પછી, મોટા થઈને કેમ જીવવું એ સમજી શકીએ છીએ કે નહીં એ એક મોટો પ્રશ્નાર્થ છે. કહેવાય છે કે અગ્નિમાં તપીને જ સો ટચના સોના જેવા થઈ શકાય છે પણ આ વાત તો જીવન આખું વિતી જાય પછી જ સમજાય છે. બાળક જન્મે છે ત્યારે નાડીનો સંબંધ માતા સાથે હોય છે, એટલે માતાની ઓળખ એને ગળથૂથીમાં જ મળી જાય છે પણ બાકીના સંબંધોના અજવાળા કે અંધારા, સમય સાથે વિતતી ઉંમરમાં એણે પોતે શોધવાના છે અને અંતરમાં અજવાળવાના છે. અહીં પરખ થાય છે, સમજદારીની અને નિર્મોહની. જો માણસ માત્ર કર્મ કરે એમાં લપેટાયા વિના, તો પછી જે ચળકે છે એ બધું સોનું છે કે નહીં એનો એને કોઈ ફરક નથી પડતો, કારણ એને અંતરનું અજવાળું મળી ગયું છે. અહીં કબીર યાદ આવે છે.
“કબીરા ખડા બાજારમેં, માંગે સબ કી ખેર,
ના કોહુ સે દોસ્તી, ના કોહુ સે બૈર!”
એના પછી બહાર સંબંધના સૂરજને શોધવાનો અર્થ નથી રહેતો. બહારના સંબંધોના સૂરજ તો ઢળી પણ જશે પણ અંતરમાં ઊગેલો અજવાસ તો કાયમનો છે, શાશ્વત છે. પણ, આ સમજવું અઘરૂં છે. લૌકિકતામાં અલૌકિકતાને પામવી કદાચ એજ ચેલેન્જ છે આ ફાની જીવનની? બહાર નૂર શોધવા જાઓ તો સૂરજ તો ના મળે પણ, અજવાસના સમ ખાવા પૂરતોય આગિયાના તેજ જેવો એક સંબંધ પણ ન મળે તો? મને તો લાગે છે કે મળે તોયે અને ન મળે તોયે એક અવસાદ જ રહી જાય એ પણ એટલું જ સ્વાભાવિક છે. પણ, અંતરનો અજવાસ પામવા માટે શું કરવું એનો જવાબ અહીં કવિ આપતા નથી. એનો જવાબ વાચકની વિવેકબુદ્ધિ પર છોડી દે છે.
કવિ નીચેની પંક્તિઓમાં જન્મદાતા ઈશ્વર – The Boss – સાથે સીધા સંવાદ – ના, સંવાદ નહીં, પણ Monologue – સ્વગત સંભાષણ કરે છે કે,
“તમે મને ટોળા નો એક હિસ્સો બનીને રહેવાનું કહ્યું,
હું ટોળામાં તો રહ્યો પણ એનો હિસ્સો ના બની શક્યો”
સમાજ ઘડવો એ સૂઝબૂઝ અને સમજદારીનું કામ છે પણ ટોળામાં એનો હિસ્સો બનીને રહી જવાનું એટલે શું? કવિની આ પંક્તિઓમાં અભિપ્રેત એક સંદેશ છે, કોડ વર્ડ્સમાં કે, “દોસ્ત, સમાજ ન ઘડી શકો તો કોઈ વાત નહીં, સમાજનો હિસ્સો ન બની શકો, માઈન્ડ નોટ, પણ ઉપરવાળા બોસને સોરી કહેતાં તો આવડે છે ને? ટોળાનો હિસ્સો શું કામ બનવું છે? ટોળું કદી સમાજ ન હોય શકે કે થઈ શકે. ટોળાનો હિસ્સો બનવા કરતાં તો “સોરી” કહેવું. કારણ, કોઈ વ્યવસ્થિત સમાજનો હિસ્સો ન બનાય તો અનિયંત્રિત ટોળામાં કામ કરવાથી બચવું. ઈશ્વર આપણે ટોળામાં છીએ કે સમાજમાં, એની સતત પરીક્ષા કરતો રહે છે.” કોડ વર્ડમાં બહુ જ ગહન સંદેશ છે આ પંક્તિઓમાં અને એના પર કોઈ પણ વધુ ટીપ્પણી ન કરતા કવિ વાચકની મતિ પર આ મેસેજને ડી-કોડ કરવાની જવાબદારી મૂકી દે છે.
સમયને સમજવો જ મુશ્કેલ છે તો સમય સાચવી લેવો કેટલો વિકટ હશે, વિચારો. જે સમજાય નહીં એને સાચવવો જેથી આપણે એમાં લીરેલીરા થઈ ખર્ચ ન થઈ જઈએ! – ઉપરવાળો બોસ પણ કેવા કેવા વિરોધાભાસી કામ આપીને આપણને પૃથ્વી પર ધકેલી દે છે? દરેક Scenario – ઘટનાક્રમમાંથી એક જ વાત ફલિત થાય છે અંતરના અજવાસની ઓળખ અને સમયની સમજણની. એકવાર આટલું પામી ગયા પછી ઈશ્વરને આજીજી નહીં કરવી પડે કેઃ
“આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી બોસ
પ્લીઝ તમે મને ડિસમીસ ના કરતા બોસ,
મને ફરી એક વાર….”
આ ફરી એકવાર જો બોસ ડિસમીસ કરશે તો પાછા એ જ જન્મ-મરણના ફેરાના ચક્કર..!
યુવાનવયે આવી પરિપક્વ કવિતા પ્રદાન કરનારા કવિશ્રી ભાવેશ ભટ્ટ્ને સો સો સલામ!
ક્લોઝ-અપઃ
“I was told I will find you at the horizon
So, I kept walking miles and miles and miles…!
Thinking, there will be a horizon someday and
I will meet him.. I kept walking
May be I forgot to ask the horizon’s address or
I forgot the address??”
– Above Verses from Jayshree Merchant’s Poem “New Horizon”
ભાવાનુવાદઃ
“મને કહેવામાં આવ્યું હતું કે તું મને ક્ષિતિજ પર, પેલે પાર મળશે..
તને મળવાની હોંશમાં હું તો હજારો માઈલની સફર કાપતી રહી છું,
કદાચ હું એ ક્ષિતિજનું એડ્ર્રેસ પૂછતાં ભૂલી ગઈ હતી અહીં ધરા પર આવતાં પહેલાં કે,
પછી તેં તો એડ્રેસ આપ્યું હતું પણ હું જ એ ભૂલી ગઈ છું?”

1 thought on “સોરી, બોસ! – ભાવેશ ભટ્ટ – આસ્વાદ જયશ્રી વિનુ મરચંટ

  1. .
    કવિ શ્રી ભાવેશ ભટ્ટના કાવ્ય ‘સોરી બોસ’ નો
    .
    સુ શ્રી જયશ્રી વિનુ મરચંટનો સ રસ આસ્વાદ –

    Like

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s