“એક પાનું બીજા પાનાંને પૂછે છે…!” – અનિલ ચાવડા


“એક પાનું બીજા પાનાંને પૂછે છે…!”

ડાયરીનું એક પાનું બીજા પાનાંને પૂછે છે,
ફૂલ નહીં મુકવાની ઘટના આપણી અંદર ખૂટે છે.

કાચીંડો ભગવતગીતા પર બેઠો ‘તો સંયોગવસ, બસ!
પંડિતો એમાં ય ઊંડા અર્થ સંકેતો જુએ છે.

છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.

ભેદરેખા પાતળી લાગે પરંતુ છે નહીં હો,
એ કહે સૂરજ ડૂબે છે; હું કહું સંધ્યા ઊગે છે.

પંડની પીડા વિશે કહેતા મને આવું સુજે છે,
ફૂંક માર્યે ચિત્રમાં દોરેલ અગ્નિ ક્યાં બુજે છે!

ભાઈ સમ પથ્થર મળ્યા વર્ષો પછી મંદિરમાં બે,
એકને લોકો પૂજે છે ને બીજા પર પગ લૂછે છે.

જિંદગીની ખાલી જગ્યાનું કહું છું હું અને એ,
છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે.

~ અનિલ ચાવડા
અનિલ ચાવડાની ગઝલ “એક પાનું બીજા પાનાંને પૂછે છે…!” ગઝલનો આસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ
ડાયરી લખાય અને અંગત અંગત વાતો એમાં લખાય જેના શબ્દોમાં મિલનની ખુશી હોય, વિરહની બળતી આગ હોય અને જુદાઈના આંસુઓને પણ દોર્યા હોય. આટલું બધું હોવા છતાં જો એમાં પ્રિયપાત્રએ આપેલું એક ફૂલ જે કાળા અક્ષરોમાં સુગંધ ભરીને એને અ-ક્ષર બનાવે છે, એ ન હોય તો? તો એ નિમાણી ડાયરીનાં ખાલી પાનાં પછી એકમેકને પોતેય નિમાણાં થઈ પૂછે ત્યારે જ આવી સુંદર ગઝલ રચી શકાય. જો ફૂલ મૂક્યું હોય તો સમય જતાં ફૂલ ચીમળાય, પણ ડાયરીમાંના શબ્દોમાં એની ફોરમ ભરીને જાય છે અને આ સુગંધ જ ડાયરીને ડાયરીનો દર્જો આપે છે. એ વાત અલગ છે કે આ આપણા હ્રદયના કટકા જેવી ડાયરીને અંતરની તિજોરીમાં બંધ કરીને રાખીએ તોયે બધાંથી છુપાવીને એને વાંચવાની મજા અલગ જ છે, એટલું જ નહીં, કોઈ જોતું ન હોય ત્યારે, લોકોથી છુપાવીને, એ ચીમળાયેલા ફૂલની ખરી ગયેલી પાંદડીઓને સૂંધીને એ સુવાસના પ્રસંગો અને અર્થો મનમાં વાગોળતાં રહેવાનો ખુમાર પણ જુદો જ છે. સાધારણ રીતે વ્યવહારમાં જમાનાથી ડાયરીના ફૂલને છુપાવવાની આવશ્યકતા પડે એ તો સમજી શકાય છે, પણ, જો એ પંડિતો હોય તો એમના પિષ્ટંપેષણની તો વાત જ શું કરવી? પંડિતોને કે ધર્મગુરુઓને શાસ્ત્રો, ગ્રંથો, નીતિરીતિ, જીવ-જગત દરેકમાં હોય કે ન હોય છતાં વિવિધ અર્થો શોધીને પોતે ધારી લીધેલા અર્થઘટનો લોકો પર ઠોકી બેસાડવાની ટેવ હોય છે! ઘણીયે વાર અકારણે અમુક ઘટના સહજ રીતે સ્વભાવગત થતી હોય, જેમ કે કોઈ કાચીંડો ફરતા ફરતા ભગવતગીતા પર બેસીને રંગ બદલ્યા કરતો હોય તો તેમાંય કેટલા અવનવા સંદર્ભો કાઢશે! ભલા માણસ, કાચીંડાની પ્રકૃતિ રંગ બદલવાની છે, જીવાતોને મારીને ખાવાની છે, એને ગીતા જેવા ગહન ગ્રંથના ભાવાર્થ સાથે શું લેવાદેવા? પણ, પંડિતો ગીતાના વિવિધ શ્લોક સાથે, કાચીંડાનો સ્વભાવ જોડી કાઢશે, જેની કાચીંડાને તો ક્યારેય ખબર પણ નથી પડવાની. એ તો આજે આ પુસ્તક પર બેસીને રંગ બદલશે તો કાલે કોઈ ઝાડની ડાળી પર! પણ, હા, એની રંગ બદલવાની પ્રકૃતિને માણસના બદલાતા મહોરા સાથે સરખાવી શકાય ખરું પણ જે Obvious છે, સુવિદિત છે એ સાદી વાત કરવામાં કદાચ પંડિતોને ઊંડાણ ન પ્ણ લાગતું હોય! સાદી વાતમાં અહીં ચોટદાર વાત હળવા કટાક્ષ સાથે કવિ કહી જાય છે.
કવિ આગળ રાતની વાત કરે છે. કોઈ રાત એટલી કાળી અને અંધારી નથી હોતી કે જેની સવાર ન હો! આમ દેખીતી રીતે સાવ સરળ લાગતા શેરમાં ગઝલનું કૌવત અને કાઠું તો જુઓ! અનાયસે “વાહ” નીકળી જાય એવું અદભૂત ચિત્રનિરૂપણ અહીં છેઃ
“છેવટે એમાંથી તો અજવાસનાં બચ્ચાં જનમશે,
રાત આખી રાત જે અંધારનાં ઈંડાં મુકે છે.”
અજવાસની વાત કરનારા નિરાશાને ઘોળીને પી ગયા હોય છે. વાત નજરના ફેરની છે. માનો તો સૂરજ ડૂબ્યો છે અને માનો તો સંધ્યા ઊગી રહી છે. આ ઊગતી સંધ્યાનું અનુસંધાન વાચકના મનોજગતમાં રાતના ઊગવા સાથે પણ આપોઆપ સંધાય છે. અહીં મને જાપાનીઝ હાયકુના શહેનશાહ બાશો યાદ આવે છે. એમને કોઈએ એક હાયકુ બતાવ્યું જેમાં કઈંક આવું હતું, એક્ઝેટ શબ્દો અને બંધારણ યાદ નથી, પણ કઈંક આવું હતું. “પતંગિયાની પાંખો કાપો, જુઓ ફૂલ બની ગયું.” બાશોએ ચૂપચાપ હાઉકુ વાંચીને બાજુ મૂકી દીધું. પેલા ભાઈએ કહ્યું, “તમને આ કાવ્ય ગમ્યું?” બાશો વિનમ્રતાથી બોલ્યા, “કવિને કાપવા સાથે શું લેવા દેવા? હું હોઉં તો એમ લખું, “ફૂલને પાંખો આપી દો, બની ગયું એ પતંગિયું!” આ કવિનો સર્જનાત્મકતાનો “હુંકાર” છે. કવિની આ ખુમારીના અજવાળાને ડૂબતો સૂરજ પણ નહીં ઓગાળી શકે! એનો અર્થ એ નથી કે કવિ is oblivious to facts – વાસ્તવિક જગત છોડીને કાલ્પનિક જગતમાં રહે છે. એમને ખબર છે કે પીડા અપરંપાર છે, પણ નાહક એને શબ્દોમાં બયાન કર્યા કરીને અને પંપાળીને છે એના કરતાં મોટી કેમ કરવી? શબ્દોમાં કેટલી પણ આગની જ્વાલા ભડકે બળતી હોય પણ એને ફૂંક મારીને ઠારવાનો કોઈ રસ્તો નથી. જિંદગીમાં અસમાનતા છે, દુઃખ નીચે કચરવાનું પણ ભાગ્યમાં આવે છે, ખાલીપણું પણ અજગર જેવો ભરડો લે છે તોયે એ ખાલી પડેલી જગાને પૂરી શકનારાને એની કોઈ તમા નથી. એ તો “છાપામાં આવેલ કોઠામાંની જગ્યાઓ પુરે છે!”
ડાયરીના ફૂલથી શરૂ કરીને મક્તા સુધી આવતાં શાયર વેદનાને વાચા નથી આપતાં કે લાગણીવેડામાં નથી તાણી જતા, પણ, એની સાથે વાચકનો અછડતો પરિચય કરાવીને, ચીમળાયેલા ફૂલની સુગંધમાં ડૂબાવેલી આછી ટીશ ગઝલના વારસારૂપે સહજતાથી આપી જાય છે. આખી ગઝલ મતલા અને મક્તાની વચ્ચે વિસ્તરતાં વાચકની શિરાઓમા વહેવા માંડે છે. અનિલ જેવા ગુજરાતીના “ગાલિબ”ની પાસેથી આનાથી ઓછું કઈં મળે એવું તો બને જ કેમ?

ક્લોઝ-અપઃ

ગુલઝારજીની એક ગઝલના બે શેરઃ
“राख को कुरेद कर देखो
अभी जलता हो कोई पल शायद
चांद डूबे तो चांद ही निकले
आप के पास होगा हल शायद”

“જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતર કો’ક બળતી પળ છે કદાચ
ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.”
—- (અનુ. વિવેક મનહર ટેલર)

2 thoughts on ““એક પાનું બીજા પાનાંને પૂછે છે…!” – અનિલ ચાવડા

  1. કવિશ્રી અનિલ ચાવડાની ગઝલ “એક પાનું બીજા પાનાંને પૂછે છે…!” સુંદર ગઝલ
    –સુ શ્રી જયશ્રી વિનુ મરચંટ નો સ રસ આસ્વાદ

    Liked by 1 person

  2. , “કવિને કાપવા સાથે શું લેવા દેવા? હું હોઉં તો એમ લખું, “ફૂલને પાંખો આપી દો, બની ગયું એ પતંગિયું!” Nice thought ..

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s