છિન્ન – (૪) – નવલકથા – રાજુલ કૌશિક



પ્રકરણ ૪ઃ

સિનસિનાટીની ખુલ્લી હવામાં શ્વાસ લેતાની સાથે સંદિપ એ બધી વાતોને મનથી દૂર હડસેલી કામે લાગ્યો. એને આ દિવસોનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવો હતો. એ જે જાણવા – જે શિખવા આવ્યો હતો, જે અનુભવ લેવા આવ્યો હતો એમાં જાતને પૂરેપૂરી ડૂબાડી દેવી હતી. બીજા કોઇ વિચારો મન પર કબજો જમાવે નહી એટલી હદે એને વ્યસ્ત રહેવું હતુ. આમ પણ હવે શ્રેયાનો નિર્ણય જ આખરી રહેવાનો હતો. એને જે કહેવું હતુ એ બધું જ એ વ્યક્ત કરી ચૂક્યો હતો. અને છેલ્લે શ્રેયાથી છૂટા પડતી વખતે એ કહીને આવ્યો હતો, કે, “શ્રેયા, આજથી માંડીને ૬ મહિના સુધીમાં તુ જ્યારે જે નિર્ણય લઈશ એ જ મારો પણ નિર્ણય હશે. તારું મન જો ક્યારેય મારી તરફ ઢળે ત્યારે પણ મને જણાવવાની ઉતાવળ કરીશ નહીં. રખેને એ નિર્ણય કોઈ દબાવ કે લાગણીવશ થઈને લેવાયો હોય તો મને જણાવીશ નહીં. ત્યાં સુધી તને એની પર ફરી ને ફરી વિચારવાનો તને અવકાશ રહેશે. આ અંગે હવે આપણે આ સ્ટડી ટૂર પતે નહીં ત્યાં સુધી કોઈ વાત કે ચર્ચા નહી કરીએ. પણ હા! જો તારો કોઇ પોઝિટિવ એપ્રોચ હોય તો મને હું પાછો આવું ત્યારે એરપોર્ટ પર લેવા તો આવીશને?”
શ્રેયાએ મૂક સંમતિ આપી હતી એની વાતને.
બેંગલોર પહોંચ્યા પછી શ્રેયાએ પણ સમગ્ર ધ્યાન એ પ્રોજેક્ટ પર કેન્દ્રિત તો કર્યું પણ, કોણ જાણે કેમ, હવે એ પોતાની જાતને સંદિપથી અલગ પાડી શકતી જ નહોતી. સેપ્ટના એ દિવસો, એ રાતોની રાતો જાગીને કરેલા પ્રોજેક્ટ સબમિશન માટેના ઉધામા બધુ જ ઉભરાઈને બહાર આવતુ હતું.
“સ્ટોપ ઇટ એન્ડ લેટ્સ હેવ અ કોફી બ્રેક.” એકદમ કામ કરતા કરતા સંદિપનો મુડ બદલાઈ જતો અને બધું જ પડતું મૂકીને બધાંને કેન્ટિનમાં ઘસડી જતો. સંદિપનુ કામ બધુ જ મુડ પર અવલંબિત હતુ. ક્યારેક મુડ ન હોય તો સમયની ગમે તેટલી મારામારી હોય પણ એ કામે વળગતો જ નહીં અને કામ કરતા કરતા જો મુડ બદલાઈ જાય તો બધા કામ લટકતા મૂકીને ઊભો થઈ જતો. આ વાતની શ્રેયાને સખત ચીઢ રહેતી. કામ એટલે કામ વળી, એમાં મુડ કેવો? જે કામ કરવાનું જ છે એ જેટલું બને એટલું વહેલું પતી જાય તો પછી બ્રેક લે ને તારે જેટલો લેવો હોય એટલો તને કોણ રોકે છે અને કામ સમયસર કે એનાથી પહેલા પતે તો એમાં કોઈ કરેક્શન હોય તો એના માટે પૂરતો સમય હાથ પર તો રહેને?
સંદિપનું કામ છેલ્લી ઘડી સુધીનું રહેતું અને શ્રેયાનુ કામ વ્યવસ્થિત પ્લાનિંગવાળું હતું. પૂરતો સમય હોય તો પાછળની ઘાઈ કેમ રાખવી?
“ભઈ, તારા કામ માટેના ડેડિકેશન માટે તને સો સો સલામ પણ અત્યારે તો હવે કોફી બ્રેક લે. યુ રિયલી નીડ અ ગુડ કોફી. આખી રાત કામ ખેંચવું છે ને?” શ્રેયાને છેવટે કોફી બ્રેક માટે સંદિપની પાછળ ખેંચાવું જ પડતું.
અત્યારે તો સંદિપ સાથે નહોતો એટલે શ્રેયા પોતાની રીતે વ્યવસ્થિત કામે લાગી શકતી. આ છ મહિના દરમ્યાન સખત કામ રહેવાનું હતું એટલે સમયની પાબંદ શ્રેયાએ સમય કરતા કામ વહેલું પતે તેવી તકેદારી પહેલેથી જ રાખી હતી. સંદિપ સાથે હતો ત્યારે એ બધા શિડ્યુલ વેરેવિખેર કરી નાખતો અને અત્યારે જ્યારે સંદિપ નથી ત્યારે એની યાદ ચિત્તને વેરવિખેર કરી રહી હતી. શ્રેયા ઈચ્છતી નહોતી તેમ છતાં મન વારવારે સંદિપને યાદ કરી લેતું હતું. આમ કેમ થતુ હશે? સંદિપ હાજર હતો ત્યારે શ્રેયાને ક્યારેક એની હાજરી અકળાવનારી લાગતી અને અત્યારે જ્યારે એ હાજર નથી ત્યારે એની ગેરહાજરી વધુ ને વધુ સાલતી હતી.
શ્રેયાને રહી રહીને લાગતું હતું કે જાણે સંદિપ હવે એના જીવનનો એક હિસ્સો બની રહ્યો હતો, એક ન અવગણી શકાય એવો હિસ્સો . જેટલી વધુ ને વધુ શ્રેયા પોતાની જાતને કામમાં રોકી રાખવા મથતી એટલી વધુ તીવ્રતાથી સંદિપ જાણે એનુ મન રોકી રાખતો હતો. આ પ્રેમ હશે? પણ હ્રદયના ખૂણે કોઇ ભીનાશ કેમ નથી અનુભવાતી? ચિત્તમાં સંદિપ જેટલો પડઘાય છે, હ્રદય કેમ એટલું એના નામથી થડકાર નથી અનુભવતું? હજુ એના વગર એક ક્ષણ પણ રહી નહી શકાય એવી તાલાવેલી કેમ નથી થતી અને છતાંય એ ક્ષણ વાર પણ મનથી દૂર ખસતો નથી. ઓ! ભગવાન આ તે કેવી અવઢવ!
અંતે શ્રેયાએ અમદાવાદ પહોંચીને નક્કી કરી લીધું કે જ્યારે સંદિપ આવશે ત્યારે એ એને લેવા એરપોર્ટ જશે જ. મનની એક ડામાડોળ પરિસ્થિતિમાંથી એ બહાર આવી ગઈ હતી. એક વાત પપ્પા અને સંદિપની સાચી લાગતી હતી, પ્રેમ કરીને જ પરણાય? પરસ્પર સમજ હોય તો દુનિયામાં પરણીને પણ પ્રેમ કરી સુખી થનારા એની સાવ આસપાસ તો હતા. અને સંદિપથી વધીને બીજું કોણ એને સમજવાનું હતું? સંદિપનો નિર્ણય આજે એને સાચો લાગતો હતો. હવે બાકીની વાત બંને પરિવાર જાણે પણ એણે એનો નિર્ણય પપ્પાને જણાવી દીધો.

4 thoughts on “છિન્ન – (૪) – નવલકથા – રાજુલ કૌશિક

  1. વાર્તા સારી આગળ વધી રહી છે.અહીં “choice marriage”ની વાત ચાલી છે જે સરસ સાબિત થઈ શકે છે.
    સંમતિ લગ્ન
    પસંદ પરમાણ એમ માએ કહ્યું,
    ને વળી કીધું કે પ્રેમ પછી આવશે;
    જઈ વેલી વિંટાઈ ગઈ વૃક્ષને…
    વચનો આપ્યા ને બન્યાં જીવન સંગાથી.
    છાવરે છે વર્ષા ને વાતા વંટોળથી;
    પાંગરે રે કૂંપળ પ્રથમ પ્રેમથી…
    સુકોમળ કમળપત્ર પોયણીના નેહની,
    સૌને અર્પે એ છાંયા સુસ્નેહની,
    ગહેરી ગંભીર મલય બેલડી…
    પાનખર ગઈ, ગઈ કેટલી વસંત પણ,
    વિનીત વેલ-વૃક્ષ, સુમેળથી સમર્પણ,
    પર્ણ પુષ્પ આનબાન અર્પણ…
    બેમાંથી એક બને વિશ્વાસે વ્હાલ વધે;
    ઉત્તરોત્તર અંતરપટ રમ્ય, ૠજુ, સુક્ષ્મ બને;
    સંમતિનો લગ્નદીપ પ્રણય લય પ્રસારે.
    સરયૂ

    Liked by 4 people

  2. સુ શ્રી રાજુલ કૌશિકની છિન્ન –નવલકથાનુ આ પ્રકરણ મા આગળ વધતી મસ્ત વાતે-
    “શ્રેયા, આજથી માંડીને ૬ મહિના સુધીમાં તુ જ્યારે જે નિર્ણય લઈશ એ જ મારો પણ નિર્ણય હશે.”
    આ પ્રેમ હશે ?
    કેવી અવઢવ! … વિચારવમળે…
    કબીર સાહેબની યાદે
    ”ઘડી ચઢે, ઘડી ઊતરે, વોહ તો પ્રેમ ના હોય
    અઘટ પ્રેમ હી હૃદય બસે, પ્રેમ કહીએ સોય.” એમણે વ્યાખ્યા કરી. મને તો બહુ સુંદર લાગી હતી વ્યાખ્યા, ‘કહેવું પડે કબીર સાહેબ, ધન્ય છે !’ આ સાચામાં સાચો પ્રેમ. ઘડી ચઢે ને ઘડી ઊતરે, એને પ્રેમ કહેવાય ? વાતે દાદાજી કહે-‘કોઈ જગ્યાએ પ્રેમ જ નથી.બધી આસક્તિ જ છે!’
    તો ટીવી માંથી સંભળાતુ હતુ…
    અજીબ દાસ્તાં હૈ યે, કહાં શૂરૂ કહાં ખતમ !
    યે મંઝિલે હૈ કૌન સી, ના વો સમજ શકે ના હમ..!!

    યે રોશનીકે સાથ ક્યું, ધુંવા ઉઠા ચિરાગ સે,
    યે ખ્વાબ દેખતી હું મૈં, કે જબ પડી હું ખ્વાબ સે..!!

    અજીબ દાસ્તાં હૈ યે, કહાં શૂરૂ કહાં ખતમ !
    યે મંઝિલે હૈ કૌન સી, ના વો સમજ શકે ના હમ..!!

    મુબારકે તુમ્હે કે તુમ કિસિકે નૂર હો ગયે,
    કિસિકે ઇતને પાસ હો, કે સબસે દૂર હો ગયે…!!

    અજીબ દાસ્તાં હૈ યે, કહાં શૂરૂ કહાં ખતમ !
    યે મંઝિલે હૈ કૌન સી, ના વો સમજ શકે ના હમ..!!

    કિસિકા પ્યાર લેકે તુમ, નયા જંહા બસાઓગે,
    યે શામ જબભી આયેગી, તુમ હમકો યાદ આઓગે…!!

    અજીબ દાસ્તાં હૈ યે, કહાં શૂરૂ કહાં ખતમ !
    યે મંઝિલે હૈ કૌન સી, ના વો સમજ શકે ના હમ..!!
    રાહ પ્રકરણ ૫ ની

    Liked by 2 people

  3. રાજુલબેન, વાર્તાનું વહેણ જ્યારે પાત્રોને સાથે લઈને વહેતું હોય ત્યારે વાર્તાની રસધાર અંતરને ભીંજવે જ છે. ખૂબ સરસ આલેખન.

    Like

પ્રતિભાવ