પવિત્ર શ્રીમંત અને સુદુરાચાર – પરભુભાઇ મિસ્ત્રી


પવિત્ર શ્રીમંત અને સુદુચાર- વદતોવ્યાઘાત!
કહતા બી દિવાના ઔર સુનતા બી દિવાના!!
—- પણ આ શબ્દો ગીતાએ આપ્યા છે.

રચો, રચો અંબરચુંબી મંદિરો, ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા!
મઢો સ્ફટિકે,લટકાવો ઝુમ્મરો, રંગે ઉડાવો જળના ફુવારા!

રચો,રચો ચંદનવાટિકાઓ, ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા રચો ભલે! અંતર-રૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે? દરિદ્રની એ ઉપહાસલીલા સંકેલવા,
કોટિક જીભ ફેલતો ….. …..

પ્રાથમિક થળામાં ભણતા ત્યારે આ કવિતા ભણવામાં આવી. ખાસ કરીને વિચાર વિસ્તાર કરવાના પ્રશ્નમાં એની છેલ્લી લીટી પૂછવામાં આવતી; ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે!‘ અમે બધા તો ગામડામાં, અભાવો અને અછત વચ્ચે ઉછરેલા. મોટાભાગના લોકો ગરીબીમાં જ જીવે. આજનું કમાઈને આજે ખાવાનું એ તો બિલકુલ સામાન્ય બાબત ગણાય. કેટલાક લોકોને તો મજૂરીકામ ન મળતું હોય અને ઘર- ગામ છોડીને કામની શોધમાં અન્યત્ર પણ ભટકવું પડતું હોય છે તેના કરતા તો અમે નસીબદાર જ છીએ ને, એવો ભાવ અનુભવાતો હતો. અમારા જાતભાઈઓ પણ ખભે કરવતી વાંસલો ભેરવીને તથા ઓજારોનો થેલો લઈને સવારમાં પરગામ જવા નીકળી પડતા. નજીકમાં કામ ચાલતું હોય તો મોડી સાંજે આવતા નહિતર જ્યાં કામ ચાલતું હોય ત્યાં જાતે રસોઈ બનાવીને ખાતા અને ત્યાં જ રહેતા. આખા મહિનામાં એક અમાસના દિવસે જ કામ બંધ હોય ત્યારે જ ઘરે આવતા. લાકડાના ઘર, છાણ માટીથી બનાવેલા ઘરના આગળ પાછળની પીંઢોર અને વચમાં કામડાની ભીંતો. આટલો જ વૈભવ અને તેમ છતાં કોઈ કોઈની અદેખાઈ નહોતું કરતું. પાકા મકાનને હવેલી કહેતા. દસ પંદર એકર જમીનનો માલિક જમીનદાર કહેવાતો. એમને ત્યાં હાળી મજુર હોય અને અમે એમને ત્યાં ખેતમજુરી કરવા જતા, પણ ક્યારેય કોઈની અદેખાઈ આવી નથી. શહેરમાં તો લોકોના પાકાં, આલિશાન ઘણા બધા મકાનો હોય, બંગલા હોય, ઘોડાગાડી કે મોટરકાર હોય, મોટા શાહ સોદાગરો હોય, ઉદ્યાગપતિઓ હોય પણ એ બધું જોયા પછીયે ક્યારેય કોઈના હૈયે જલન થઈ હોય એવું જાણવામાં આવ્યું નહોતું. તે વખતે આ કવિતા વાંચીને નવાઈ લાગતી કે આવા મોટા કવિએ શ્રીમંતોને શાપ આપવાની શી જરૂર પડી? એની સર્વ સંપત્તિ બળીને ભસ્મ થઈ જાય અને એની રાખ પણ હાથમાં ન આવે ત્યાં સુધીની કલ્પના શા માટે કરી હશે? ધનિકોની આટલી બધી ઈર્ષ્યા? કોઈનામાં વધારે કુશળતા હોય, તેઓ વધારે મહેનત કરે અને નસીબ પણ તેમને સાથ આપે તો સંપત્તિવાન બની શકે. તેઓ તેમની કમાણીમાંથી સારાં સગવડદાયી બંગલા બનાવે, સજાવે અને પરિવાર સાથે સુખના હિંડોળે ઝૂલતા હોય તેમને જોઈને પ્રેરણા લેવાની હોય કે એમની જેમ આપણે પણ શ્રીમંત બની શકીએ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ. કોઈનું સુખ જોઈને બળવું શા માટે જોઈએ? સાચું પૂછો તો તે ઉંમરમાં આ કવિ મને તો અદેખો માણસ જ લાગેલો!

વિચાર વિસ્તાર કરતી દલીલોમાં પવિત્ર બાઈબલનો હવાલો આપીને એવું લખેલું વાંચવા મળેલું કે ‘કદીક સોયના નાકામાંથી ઊંટ પસાર થઈ શકે, પણ સ્વર્ગના દ્વારમાંથી શ્રીમંત પસાર ન થઈ શકે‘. આઘાત લાગેલો કે ધનિકો પ્રત્યે આટલી બધી નફરત શા માટે? શું ધનિક થવું ગુનો છે? શ્રીમંત થવું એ પાપ છે? .. તો પછી સમય આવે ત્યારે બધા શ્રીમંત માલેતુજાર વર્ગ પાસે જ મદદ માટે શું કામ દોડતા હશે? ધન સ્વીકાર્ય પણ ધનિકો અસ્પૃશ્ય આ વળી કેવું? જેની મદદ વગર કામ આગળ ચાલે નહિ તેમની જ સૂગ રાખવાની?

મારા માનસમાં આવા વિચારો ઘુમરાયા કરતા. પૈસાદારોની નાત જુદી અને આપણી ગરીબોની નાત જુદી. પૈસાદારો પાપી અને આપણે દરિદ્રનારાયણો સૌથી ઊંચા! સુદામાનું ઉદાહરણ હાથવગું હતું. સુદામા ગરીબ હતા એટલે જ એના તાંદુલના બદલામાં ભગવાને એને ન્યાલ કરી દીધો. ધનવાનોના પકવાન કરતાં ગરીબની ભડકી જ સારી! દુર્યોધન રાજા હતો એટલે એના પકવાન અને મેવા મિઠાઈ જમવા જવાની ભગવાને ના પાડી દીધી અને વિદુર ગરીબ હતા એટલે જ ભગવાન એમને ત્યાં પધાર્યા અને લુખી સૂકી ભાજી પ્રેમથી આરોગી! – આવું શીખવીને આપણે ભાવિ નાગરિકોમાં કેવા સંસ્કારો રેડતા આવ્યા છીએ. પ્રજા પ્રજા વચ્ચે આવો દ્વેષ શા માટે ઊભો કરવાનો. હશે, આપણે તો નાના બાળકો, આપણામાં અક્કલ ઓછી. મોટા માણસોમાં અક્કલ વધારે. એમનામાં સમજદારી પણ વધારે અને આપણા કરતા એમણે વધારે દિવાળી જોયેલી હોય એટલે એમને વધારે ખબર હોય. મોટા જે કહે તે માનવાનું એને જ વિવેક અને નમ્રતા કહેવાય.

હાઈસ્કૂલમાં ભણવા ગયા ત્યારે મને જુદો જ અનુભવ થયો. અમારા ગામના લોકો કરતા સાતેમ ગામના લોકો વધારે શ્રીમંત હતા. અમારા ગામમાં તો કોળી કુંભાર અને પછાત લોકોની વસ્તી જ્યારે સાતેમ તો કણબી લોકોનું ગામ. મોટા મોટા જમીનદારો અને દેશ દેશાવર જઈ આવેલા લોકો. જૈન વાણિયાઓની પણ સારી વસ્તી. તેઓ વેપાર કરીને સારું કમાયેલા લોકો. આ શ્રીમંત લોકો કેવળ પૈસાથી જ નહિ, પણ દિલથી પણ શ્રીમંત હતા. આ ગામને આદર્શ ગામનો એવોર્ડ એમનેમ તો નહોતો જ અપાયો. દિલદાર લોકોના દિલની ઉદારતા પ્રત્યક્ષ અનુભવ્યા પછી મારા મનમાંથી પેલા વિચારો વિદાય લેવા માંડ્યા. માણસને માણસ તરીકે જોવાનો અભિગમ વિકસવા માંડ્યો. કોઈ માણસ ત્યાજ્ય નથી.

ભગવદ ગીતા વાંચતો હતો તેણે વળી વધારે વિચાર કરવા પ્રેર્યો. ગીતાએ ‘શૂચિનામ્ શ્રીમતામ્ ગૃહે યોગભ્રષ્ટ: અભિજાયતે’- ‘પવિત્ર શ્રીમંતના ઘરે યોગભ્રષ્ટ આત્માનો પુનર્જન્મ થાય છે અને ત્યાં રહીને આગલા જનમનો અધૂરો રહેલો યોગ પૂરો કરે છે‘ એમ લખીને સર્વ સંશયોનું શમન કરી આપ્યું. બધા જ શ્રીમંતો તેના નોકર ચાકર કે કર્મચારીઓનું શોષણ કરીને તાલેવંત નથી બનતા. બધા જ શેઠિયાઓ અને ઉદ્યોગપતિઓ કે જમીનદારો ગરીબોનું લોહી નથી પીતા. નજર કરો તો ઘણા બધા સુખદ અપવાદો આપણી આસપાસ પણ જડી આવશે. જેઓ વાજબી વેતન આપે છે, કર્મચારીઓની કુશળતાનું ગૌરવ કરીને તેમને બઢતી આપે છે. તેમના પરિવારોની સંભાળ રાખે છે તે ઉપરાંત સમાજના અન્ય વર્ગો માટે પણ કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકારના કાયદાઓનું નિષ્ઠાથી પાલન કરે છે અને પ્રામાણિકતાથી ટેક્ષ પણ ભરે છે. તેમની પ્રગતિની ઈર્ષ્યા કરવાનું કોઈ કારણ નથી.

ગીતાએ બીજો પણ એક શબ્દ આપ્યો છે ‘સુદુરાચાર‘! એક શ્લોકમાં ‘અપિ ચેત્ સુદુરાચારો ભજતે મામ્ અનન્યભાક્‘ – કહેવાયું છે. સુદુરાચાર શબ્દ વિરોધાભાસ ઊભો કરે તેવો છે અને તે જ એની વિશિષ્ઠતા પણ છે. દુરાચારી એટલે ખરાબ આચરણ કરવાવાળો, એટલે તો તેની આગળ નકારાત્મક ‘દુ‘ પ્રત્યય લગાડાતો આવ્યો છે. તે નકારાત્મક શબ્દની આગળ ફરીથી હકારાત્મક ‘સુ‘ પ્રત્યય લગાડીને સુદુરાચાર બોલીને ગીતાકાર શું કહેવા માંગતા હશે?

કુસંસ્કારને કારણે કે ખરાબ સોબતને કારણે કે સ્વભાવગત નબળાઈને કારણે અથવા પરિસ્થિતિજન્ય આવેશના કારણે માણસ દુરાચરણ કરી બેસે અને કાયદાની નજરે કે સમાજની નજરે તે ગુનેગાર કે પતિત ઠરે પછી એને સન્માનની નજરે કોઈ જોતું નથી. એની અવગણના થાય છે, એ હડધૂત થાય છે. એને માથે કલંકની એવી અમીટ છાપ અંકાઈ જાય છે કે એણે કરેલી ભૂલનો પસ્તાવો પણ સમાજ માન્ય રાખતો નથી. એના સુધરવાના તમામ રસ્તા હવે બંધ થઈ જાય છે. પોતાના માથે પાપની ગઠરી ઉંચકીને ફરતો માણસ એના પાપના પોટલાથી થાકી જાય છે. એને લાગે છે કે એણે જીવનમાં અક્ષમ્ય ભૂલ કરી છે. હવે આ બોજો ઊંચકી શકાય તેમ નથી. મારે પણ બીજાઓની જેમ નિષ્પાપ થઈને સામાન્ય જિંદગી જીવવી છે. મનુષ્યજન્મ વારંવાર નથી મળતો. મારે પણ મારું જીવન સાર્થક કરવું છે- પણ પેલું પોટલું કાયમ આડે આવે છે. ખરા હૃદયથી પસ્તાવો કરી જીવન વિકાસ ઝંખતા જીવો માટે ધર્મશાસ્ત્રોએ વિકાસના દ્વાર છેક બંધ નથી કરી દીધા. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવાનો મોકો શાસ્ત્રકારોએ આપ્યો છે. મહાપુરુષોએ એમને પાસે લીધા પછી એ જીવોએ ગજબની પ્રગતિ કરી છે. વાલિયો લુંટારો, અંગુલિમાલ અને જેસલ જાડેજાના પાત્રો તો દંતકથારૂપ બની ગયા છે પણ એ સિવાય આપણી આસપાસ એવા ઘણા માણસો મળી આવશે કે જેમણે પૂર્વજીવનમાં અનેક અમાનૂષી જુલ્મો કર્યા હોય, અક્ષમ્ય અપરાધો કર્યા હોય પણ પાછળથી એમનું જીવન સાવ બદલાઈ ગયું હોય અને લોકકલ્યાણના માર્ગે વળી ગયા હોય. આ ક્ષણે ચંબલની ખીણનો જગ્ગા ડાકુ યાદ આવે છે. જીવનપરિવર્તન થયા પછી એ લોકગાયક બનેલો. જેનું નામ સાંભળતા જ લોકો બીકથી ધ્રૂજવા લાગતા તેના કંઠેથી લોકગીત સાંભળવા લોકો ટિકિટ ખરીદીને ઓડિટોરિયમમાં જાય. નવસારીના રંગવિહારમાં એનો એક કાર્યક્રમ થયેલો તે જોવા હું ગયેલો.

ખરેખર ગીતા ક્રાંતિકારી ગ્રંથ છે. ‘પવિત્ર શ્રીમંત‘ અને ‘સુદુરાચાર‘ શબ્દો લખીને એણે ખોટી ભરાઈ ગયેલી સૂગ મગજમાંથી ખંખેરી કાઢી છે.

2 thoughts on “પવિત્ર શ્રીમંત અને સુદુરાચાર – પરભુભાઇ મિસ્ત્રી

  1. પવિત્ર શ્રીમંત અને સુદુચાર- વદતોવ્યાઘાત!
    શાળાના દિવસોમા અમારી પણ આવી કલ્પના હતી
    અને ગીતા અને અનેક અનુભવોએ ખોટી ભરાઈ ગયેલી સૂગ મગજમાંથી ખંખેરી કાઢી છે.

    Like

  2. પરભુભાઈ, મને લેખ સવિશેષ એટલે ગમ્યો કે એમાં નાનપણથી આપણા મનમાં પાડવામાં ચોસલાં સાથે આજીવન જીવી જવાને બદલે એક ભાગ્યે જ જોવા મળતી Self Awareness સાથે સમાજના બદલાવની વાત કોઈ પણ જતના સુગરકોટિંગ વિના કરી છે.

    Liked by 3 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s