પ્રસાદ – ધર્મેન્દ્રસિંહ રાઠોડ


(આજથી દર ગુરુવારે મૂકાતી વાર્તાઓનું સંપાદન કરવાના કામનો સક્ષમ સાહિત્યકાર શ્રી હિતેન આનંદપરાએ સહર્ષ સ્વીકાર કર્યો છે એ બદલ “દાવડાનું આંગણું” તરફથી હું એમનો દિલથી આભાર માનું છું. એમની સાહિત્યની સૂઝબૂઝનો આપણને સહુને અમૂલ્ય લાભ મળશે જેનો મને અત્યંત આનંદ છે. થેંક્યુ હિતેનભાઈ. – જયશ્રી વિનુ મરચંટ)

(આવકાર: રાજકોટસ્થિત વાર્તાકાર ધર્મેન્દ્રસિંહ રાઠોડ નિવૃત્ત શિક્ષક છે. વર્ષ 2017થી ‘ફૂલછાબ’ની બુધવારની પંચામૃત પૂર્તિમાં ‘સ્પંદન’ કૉલમ અંતર્ગત તેમની લઘુકથાઓ પ્રગટ થાય છે. કેરળ રાજ્યનાં ગુજરાતી વિષયના ધોરણ-10ના પાઠયપુસ્તકમાં વર્ષ 2012થી તેમની લઘુકથા ‘દૂધપીતી’નો સમાવેશ થયો છે. મોરારિબાપુની ઉત્તર કાશીની કથામાં તેમની સાથે વ્યક્તિગત મુલાકાત થઈ. કવિતા પછી વાર્તા મારો વિશેષ ગમતો પ્રકાર છે. તાજેતરમાં તેમના લઘુકથાના પુસ્તક ‘કૂંપળ લીલીછમ’માંથી  લીલુંછમ પસાર થવાનું બન્યું. કેટલીક કથાઓ સ્પર્શી ગઈ. તે આ બ્લોગના માધ્યમથી વિશેષ કરીને પરદેશમાં રહેતા ભાવકો સુધી પહોંચે એવી મારી ઇચ્છાને તેમણે સહર્ષ સંમતિ આપી. આ ક્ષણે પ્રકાશક કોમલ પબ્લિકેશનનો પણ ખાસ આભાર. ચાલો, આજનો ‘પ્રસાદ’ ગ્રહણ કરીએ. – હિતેન આનંદપરા )
—————————————————————————————————————————-

લઘુકથા : પ્રસાદ’

“માસીબા, મને ન ઓળખ્યો?’’

ઊંડી ઊતરી ગયેલી આંખોએ પચાસેક વર્ષના પ્રૌઢને ઓળખવાનો રૂડીમાએ નિષ્ફળ પ્રયત્ન કર્યો.

“હું ઘનશ્યામ, તમારો ઘનયો!’’ આંગણે ઊભેલાએ પોતાની ઓળખ આપી.

“અરે મારો ઘનયો! આ તારા વાળ પણ ધોળા થયાં અને હું પણ હવે ઓછું ભાળું – દીકરા, કેટલા વર્ષે આવ્યો?’’

“પાંત્રીસ-છત્રીસ તો ખરા.’’ ઘનશ્યામે જવાબ આપ્યો.

“તું નવમા ધોરણમાં હતો અને તારા બાપુજીની અહીંથી બદલી થઈ હતી. છેક બીજા રાજ્યમાં. રોટલો રળવા માણસે વતન છોડવું પડે. પણ, પછી તમે કોઈ દેખાયા જ નહીં. ક્યારેક તમારા કુટુંબના વાવડ મળતા. પછી વાવડ મળતા પણ બંધ થયા. નોકરિયાત લોકોની આ જ તકલીફ, માયા મૂકીને ચાલ્યા જાય!’’ રૂડીમાએ લાગણીની વ્યથા ઠાલવતાં કહ્યું.

આજે પચાસની ઉંમરે પહોંચેલ ઘનશ્યામ કરોડોનો આસામી હતો. થોડાં વર્ષ પરદેશમાં રહી પૈસા કમાઈને ભારત આવ્યો હતો. માતા-પિતાની છત્રછાયા રહી નહોતી. પત્ની અને બાળકો સાથે મુંબઈમાં રહેતો હતો. રાત્રે રૂડીમાના ઘેર રોકાઈ સવારે મુંબઈ જવા એ નીકળી જવાનો હતો.

પછી તો ઘનશ્યામ અને રૂડીમા વચ્ચે ઘણી વાતો થઈ. વચ્ચેનાં વર્ષો ઓગળતાં વાર લાગી નહીં! ઘનયાનો જન્મ થયો ત્યારથી પંદર વર્ષનો થયો ત્યાં સુધીના રૂડીમા સાક્ષી હતાં. ઘનયાને શું ભાવે, શું ન ભાવે? શું ગમે, શું ન ગમે? જેટલું ઘનયાની મા જાણે, તેટલું રૂડીમા પણ જાણે.

સાંજે વાળુ કરવા રૂડીમાનો નાનો દીકરો અને ઘનશ્યામ રસોડામાં જ પલાંઠીવાળીને બેઠા. બાળપણમાં પણ આ રીતે પલાંઠી વાળીને ઘણી વખત અહીં જમ્યો હતો.

“વહુબેટા, ભાણામાં ગોળ મૂકવાનું ભૂલતાં નહીં.’’ અંદરના ઓરડામાંથી રૂડીમા બોલ્યાં.

“બા, મોહનથાળ પીરસ્યો છે.’’ વહુએ જવાબ આપ્યો.

રૂડીમા ધીમા પગલે રસોડામાં ગયાં. ગોળનો ડબ્બો શોધ્યો. જાતે જ ગોળનો ગાંગડો થાળીમાં મૂક્યો અને એ પણ પલાંઠી વાળી ઘનયાની સામે બેઠાં. “મારા ઘનયાને ગોળ બહુ ભાવે હો… આખા મલકની મીઠાઈ એક તરફ અને તેને ભાવતો ગોળ એક તરફ.’’

ભાણામાં પડેલ ગોળ તરફ ઘનયાએ જોયું. ઘણાં વર્ષ થયાં ગોળની તેણે ટેક લીધી હતી. ‘ભાવતી વસ્તુની ટેક રાખીએ તો ટેક ફળે.’ કોઈએ તેને કહ્યું હતું.

દીવાના આછા પ્રકાશમાં તેણે રૂડીમાના મોં તરફ જોયું, એક પળનો પણ વિલંબ કર્યા વિના ગોળની ગાંગડી તેણે મોઢામાં મૂકી.

***

2 thoughts on “પ્રસાદ – ધર્મેન્દ્રસિંહ રાઠોડ

 1. મા હિતેન આનંદપરા નો રાજકોટસ્થિત વાર્તાકાર ધર્મેન્દ્રસિંહ રાઠોડ નો આજનો ‘પ્રસાદ’
  પ્રસાદે સર્વ દુખાનામ હાનિ: અસ્ય ઉપજાયતે II
  પ્રસન્નચેતસ: હિ આશુ બુધ્ધિ: પર્યવતિષ્ઠતે I
  ચિત્ત પ્રસન્ન

  Liked by 1 person

 2. પ્રસાદ – ધર્મેન્દ્ર સિંહ રાઠોડ ની વાત જેમાં માસીબા અને ધનયો ના અંતર ના તાર નો રણકાર આંખે દેખ્યા પ્રસંગ ની જેમ અનેક વાચક ના હૃદય ને સ્પર્શી ગયો હશે ! ભુપેન્દ્ર શાહ

  Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s