બબલ્સ – છાયા ત્રિવેદી


લેપટૉપ લઈને બેઠી છું, વાર્તા લખવા. એમ કંઈ ‘લખાઈ જા, લખાઈ જા, લખાઈ જા . . . ’ના જાપ જપવાથી વાર્તા લખાઈ જતી નથી હોતી ! નવી વાર્તા વાંચવાની હોય એટલે લખવી તો પડે જ . . . આમ તો હું રહી પત્રકાર એટલે ડેડલાઈન સાચવતાં આવડે પહેલેથી જ. પણ આ કંઈ કોલમ કે સમાચાર ઢસડી નાખવાના નથી . . . વાર્તા લખવાની છે વાર્તા !

બાલ્કનીના હિંચકા ઉપર બેઠાં-બેઠાં બહાર જોઉં છું. નિરભ્ર આકાશમાં છૂટાંછવાયા પંખી દેખાઈ જાય છે. બાકી તો નજર પહોંચે ત્યાં સુધી નાના-મોટા મકાનો જ જોવા મળે. ચાલો, આ મકાનની જ વાર્તા લખું. એને પણ કંઈક કહેવું હોય કદાચ . . . શી ખબર ? એમ વિચારતાં નીચે જોઉં છું તો સતત વાહનોની અવરજવર અને લોકોથી ઊભરાતાં રસ્તા દેખાય છે . . . આટલી ભીડ અને ઘોંઘાટ વચ્ચે પણ સામે ખૂણે એક છોકરો અને છોકરી એકમેકમાં મગ્ન બનીને ઊભાં છે. ટીનએજર્સ જેવા દેખાય છે. ફૂટપાટ પાસે બંનેનાં સ્કુટર્સ પાર્ક કરેલા છે અને બેય એકબીજાની વાતોમાં ડૂબેલાં છે . . . મિત્રો હશે કે પ્રેમી ? કેમ ખબર પડે ? એક વાર્તા થઈ શકે !

મારી નજર ત્યાંથી ફેરવીને સામા છેડે જોઉં છું. ત્યારે જ ત્યાં એક રિક્ષા આવીને ઊભી રહી અને તેમાંથી એક બહેન ઉતર્યા. અચાનક મોટે-મોટેથી બોલવા લાગેલા . . . કંઈક ભાડા બાબતે બબાલ શરૂ થઈ ગઈ લાગે છે. રિક્ષાવાળો મીટરનું પત્રક બતાવે છે અને પેલા બહેન તો જોવા રાજી જ નથી જાણે ! નૉનસ્ટોપ કંઈ બોલ્યે જાય છે . . . લાગતું નથી કે એ પૂરાં રૂપિયા પેલાને આપશે ! રિક્ષાવાળાનું જીવન કે પેલા બહેનનાં મનોવલણો – એવી કોઈ વાર્તા પણ બની શકે ખરી !

સામેની ફૂટપાથ પાસે રોજ શાકવાળાની ત્રણેક લારી આવીને ઊભી રહી જાય છે. બાજુમાં જ ડેરી છે એટલે લોકો દૂધ-દહીં-છાશ કે આઈસ્ક્રીમની સાથે શાક અને ફ્રૂટ્સ પણ લેતા જાય. શાક વેચનારી બાઈની સાથે એના નાનકડાં બાળકો પણ હોય છે. આખો દિવસ ત્યાં જ ઊભા રહેવાનું . . . કેવું જીવન છે ! એની પણ વાર્તા તો થઈ જ શકે . . . અને પેલી ડેરીમાં તો રોજ કેટલાં બધા જાતભાતના લોકો આવે છે . . . ‘પ્લાસ્ટિકની બેગ માગવી નહીં’ – એવું સ્પષ્ટ લખ્યું હોવા છતાં લોકો બેગ માગે જ છે ! એ લોકોના મનમાં એમ હશે કે, માગીએ અને આપી દે તો ઠીક છે, નહીં તો ડીકીમાં તો રાખી જ છે ને ! . . . આવી વાર્તા લખાય ?

ચલો હવે વાર્તા લખાશે એમ લાગે છે. ઓહ, લેપટૉપનાં સ્ક્રીન ઉપર તો બબલ્સ ધક્કામુક્કી કરવા માંડ્યા છે. સ્ક્રીનસેવરની અલગ મજા છે. એ બબલ્સની કલરફુલ કોર જોવામાં હું તો ખોવાઈ ગઈ. કેવા ઉપર-નીચે કૂદાકૂદ કરે છે ! સ્ક્રીનની બહાર કૂદી પડવા માગતા હોય, પણ નીકળી ના શકતા હોય એવું લાગે છે.

બબલ્સને દૂર કરીને લખવા માંડુ એમ વિચારીને શરૂ કરવા જાઉં જ છું કે ડૉરબેલ વાગી . . . ડિંગ ડૉંગ . . . ડિંગ ડૉંગ . . . !

લેપટૉપ બાજુમાં મૂકીને ઊભી થઈ. બારણું ખોલ્યું. કામવાળી આવેલી.

થઈ રહ્યું ! હવે એ બોલબોલ કરશે અને મારે મને, ક-મને હોંકારા ભણ્યા કરવાના . . . !

ગીતાને કામ કરતા-કરતા બોલવાની ખૂબ ટેવ છે . . . પોતાની કે બીજાનાં ઘરે કામ કરતી હોય એ બધાની વાતો કર્યા જ કરે. અંદર આવતાવેંત તે બોલી,

‘બુન ખબર સે, આજે મારે કેમ લેટ થઈ ગ્યું ?’
‘ના, શું થયું ?’

તે વોશિંગ એરિયામાંથી સાવરણી લઈ આવી અને વાળતાં વાળતાં બોલવા માંડી . . .

‘અમારી પાહે એક માઝી રે સે, તે હાવ એકલા જ સે. ડોહા તો કે દિના મરી ગ્યા સે અને સોડી હાહરે સે . . . હવારમાં માડીને સાતીમાં દુઃખાવો ઉપડ્યો . . . તે હૂતેલા જ હતા !
મારી બાજુમાં લખમી રે સે ઈ માડીને ચાનું પૂસવા ગઈ તે જોયું તો માડી તો હુતેલા જ . . . !
ઈ કે સાતીમાં દરદ સે . . . મારો ઘરવાળો ને લખમીનો વર ને બીજા હંધાય ભાઈડા ભેગા થ્યા ને માડીને ઊંચકીને પાહેના દવાખાને લઈ ગ્યા.
દાક્તર કે તમે તરત લૈ આવીયા તે માડી બચી ગ્યા . . . ભગવાનનો પાડ બીજું હું ?’

‘સારું ને તમે માજીને બચાવી લીધા.’

‘લો, બુન ઈ તો અમારા હંધાયના બા જેવા જ સે. ઈમ મરવા મેલી દેવાય ?’
‘હંમમમ . . . એ સાચું.’

કંઈક ગીતની કડી ગણગણતી એ ફરી વોશિંગ એરિયામાં ગઈ. સાવરણી-સૂપડી મૂકીને પોતું અને ડોલ લઈને આવી. પોતું કરતાં-કરતાં ફરી એની વાતો આગળ ચાલી . . .

‘બુન, મારી અને લખમી અને બીજી અમારી જોડાજોડ મારા જેવડી છોડીયું રે સે ને, ઈ હંધાઈની હવાર તો માડીના જેશીકૃષ્ણથી જ પડે . . . ઈ તો વહેલાહાલ ઊઠીને બાર ખાટલે બેઠા હોય . . ! આ હું કામ કરવા નેકળું તે મારો સોરો ઈમની પાહે જ રમતો હોય . . . ઈ એને ખાવા ય દૈ દે. મારે કોઈ ફકર નૈ . . . લખમીની સોડી ને સોડોય ઈમની પાહે જ હોય . . . !

માડી હાઝા થૈ ગ્યા તે અમને હૌને હરખ થ્યો . . . આજે લખમી ઈમનો રોટલો ઘડવાની સે . . . કાલે હું ખવરાવીશ . . . હેય…ને થોડા દિમાં તો બેઠા થૈ જવાના જોજો, બુન . . . !’

ગીતા રાજી થતી-થતી બોલ્યે જતી’તી. વાતમાં ને વાતમાં કામ ક્યારે થઈ ગયું તેનો ખ્યાલ પણ ના રહ્યો. ને એ, ‘ભલે બુન જાઉં સુ . . . બારણું વાહી દો . . .’ કહેતીક ઝપાટાબંધ ચાલી ગઈ.

હું બારણું બંધ કરીને ફરી હિંચકે બેઠી. લેપટૉપ લીધું, વાર્તા લખવા.
લો, ફરી બબલ્સની ધક્કામુક્કી !

કેવી રીતે અને ક્યાંથી શરૂ કરું ? એમ વિચારતી હતી કે બાજુમાં રાખેલો મોબાઈલ ધ્રૂજવા માંડ્યો. લખવામાં ખલેલ ના પહોંચે એટલે વાઈબ્રેશન પર રાખેલો પણ તોય ધ્યાન તો જાય જ ને . . . શીતલનું નામ બ્લીંક થતું હતું . . . મેં ઉપાડ્યો . . .

હાય, શીતલ, કેમ છે ?
સારું. તું કેમ છે ?
મજામાં. તારો અવાજ કેમ ઢીલો લાગે છે ?
ખરાબ સમાચાર છે એટલે.
શું થયું ?
તને યાદ છે, આપણા સુનંદા ટીચર ?
હાસ્તો લે, યાદ જ હોય ને ? મારા ફેવરિટ ટીચર અને હુંય એમની લાડકી સ્ટુડન્ટ !
હા યાર. એ ગુજરી ગયા.
ઓહ નો, ક્યારે ? કેવી રીતે ?
ગુજરી તો બે દિવસ પહેલા ગયેલા, પણ ખબર આજે જ પડી.
કેમ એમ ?
તને તો ખબર જ છે ને કે એ એકલા રહેતા’તા !
હા. આપણે ભણતા’તા ત્યારના એ તો કેમ્પસમાં જ રહેતા’તાને, એકલા !
હા યાર. રિટાયર્ડ થયા પછી ત્યાં પાસેની જ સોસાયટીમાં રહેતા હતા. એકલા જ હતા. આપણા જેવા સ્ટુડન્ટ્સ ક્યારેક તેમને મળવા જતા હોય, એટલું જ. બાકી તો કોઈ હતું નહીં.

તને આજે જ ખબર પડી ?
હા. બે દિવસ પહેલા એમને એટેક આવી ગયો હશે એમ ડૉક્ટરે કહ્યું.

સરખી રીતે કહેને શું થયું.

અરે, આજુબાજુ કોઈનું ધ્યાન જ નહોતું. બે દિવસથી કોઈએ જોયા નહીં તોય ઘર ખખડાવ્યું પણ નહીં અને કોઈને ચિંતા પણ ના થઈ. બધા પોતપોતાનામાં . . . ! સામે એક આંટી એટલું બોલ્યા કે, બે દિવસ પહેલા મોડી સાંજે એ હાથ ઊંચો કરીને હલાવતા’તા, એવું બારીમાંથી જોયેલું, પણ એમણે કંઈ ધ્યાન આપ્યું નહીં !

સો સેડ . . . બાજુમાં કોઈ મરી જાય અને લોકો આટલી હદે નિર્લેપ રહે, યાર ?

હા એ જ ને ! આપણી જેમ કોઈ સ્ટુડન્ટ આજે સવારે એમને મળવા ગઈ અને કંઈ જવાબ ના મળતાં તેણે પોલીસને જાણ કરી. દરવાજો તોડ્યો અને અંદર પલંગમાં ટીચરનો મૃતદેહ મળ્યો.

ઓહ, શીતલ કેવી છે દુનિયા !

હા યાર, મારું મન ભારે થઈ ગયું એટલે થયું તારી સાથે વાત કરું તો હળવું થાય.
મેં નિઃસાસો નાખતા કહ્યું, ભગવાન સુનંદા ટીચરના આત્માને શાંતિ આપે.
ઓમ શાંતિ – બોલતાં શીતલે ફોન મૂક્યો.

મારી નજર સામે સુનંદા ટીચરનો ચહેરો તરવરી ઊઠ્યો. એ બહારથી ખૂબ કડક પણ અંદરથી લાગણીશીલ . . . મારા માટે ખૂબ વહાલ હતું એમને . . . એ જીવનકલા – મોરલ સાયન્સ ભણાવતાં. પછી તો અમારા ક્લાસ ટીચર પણ હતા. મારું પઠન સારું એટલે કાયમ મને જ પાઠ વાંચવા ઊભી કરે અને મારી સામે સ્નેહ નીતરતી આંખે જોયા કરે . . . અમે ઘણીવાર છૂટ્યા પછી એમની ઓરડીમાં જતા. ત્યારે તો કેમ્પસમાં જ એક રૂમમાં રહેતા’તા. ક્યારેય એમણે અંગત વાત કરી નહોતી અને કોઈ પૂછવાની હિંમત પણ કરતું નહીં. અમે તો સ્કૂલમાંથી જોયા ત્યારના, એમને એકલા જ જોયેલા.

મને થયું કે કેવા લોકો કહેવાય ? બાજુમાં મોત થયું અને કોઈને કશી પડી જ નથી !

લેપટૉપમાં કૂદતા બબલ્સની જેમ જ ગીતાની અને શીતલની વાતો કાનમાં ધક્કામુક્કી કરવા લાગી . . .

“ઈ તો અમારા હંધાયના બા જેવા જ સે. ઈમ મરવા મેલી દેવાય ?”
“સામેવાળા આંટીએ કહ્યું કે બારીમાંથી હાથ ઊંચો કરીને હલાવતા’તા . . .!”

“માડી બચી ગ્યા તો અમને બહુ હરખ થ્યો.”

“બે દિવસથી કોઈએ ઘર ખખડાવ્યું પણ નહીં !”

ઓહ . . . મેં બેય હાથે કાન દાબી દીધા.

બાજુમાં પડેલાં લેપટૉપમાં બબલ્સ ઊછળતા હતા. એમાંથી એકમાં સુનંદા ટીચરનો તો બીજામાં પેલા ન જોયેલાં માજીનો ચહેરો આકારિત થવા લાગ્યો. બાકીના બબલ્સમાં ગીતા, શીતલ, રિક્ષાવાળો, ટીનએજર્સ છોકરો-છોકરી, ડેરીએ ઊભેલા અજાણ્યા લોકો, શાક વેચતી બાઈ – તેનાં બાળકો અને નાના-મોટા મકાનોની ધક્કામુક્કી હું જોઈ રહી !

બબલ્સની પાછળનું કોરું પાનું જોઈને મને યાદ આવ્યું કે વાર્તા લખવાની તો હજુ બાકી છે.

મેં લેપટૉપ હાથમાં લીધુ ત્યાં જ ફરી બેલ વાગી . . . ડિંગ . . . ડૉંગ . . . ડિંગ ડૉંગ . . . !

5 thoughts on “બબલ્સ – છાયા ત્રિવેદી

  1. કોવિદ ક્વોરન્ટીનમા હાલ ફ્રોગ સુપર બબલ્સ રંગો ઓનલાઇન ગેમ થી બાળકોને રમાડવાની સરળતા રહે છે ત્યાં સુ શ્રી છાયા ત્રિવેદીની બબલ્સ મા આપણી આજુબાજુ રમાતી બબલ્સની રોજ અનુભવાતી વાતોએ વાર્તા લખાઇ ગઇ! તેમા’બાજુમાં કોઈ મરી જાય અને લોકો આટલી હદે નિર્લેપ રહે’ વાતે બદલાયલો જમાનો અનુભવાય…દબાકે કબ્રમે ચલ દીયે…ન દુઆ ન સલામ ! કીતને બદલ ગયે લોક ઇસ જમાને મે,,,ટીવીમા સમાચાર સંભળાય છે કે ન્યુયોર્કમા શબ રાખવાની જગ્યા નથી…

    Liked by 2 people

  2. માણસના મનમાં બબલ્સની જેમ તરંગો ઉઠતાં રહે છે અને તેની પાછળ જોતાં અને દોડતાં અચાનક મૃત્યુ સાથે મુલાકાત !

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s