થોડી ખાટી, થોડી મીઠી – (૪) – જાગૃતિ દેસાઈ-શાહ


રીટર્ન ગીફ્ટ :

ગયા અઠવાડિયે મેં આપ સહુ સાથે, મારા રેડિયો શો ના સંભારણાંમાં એક પિતાના હ્રદયની દુવાની વાત કહી હતી. આજે યાદ આવે છે, એક માતાના દિલને સ્પર્શી ગયેલી આવા જ એક કિસ્સાની, જે અહીં આપ સહુ સાથે શેઈર કરવા માંગુ છું.

રેડિયો પર રાતના શૉ માં મને હંમેશા જૂના જમાનાના ગીતો વગાડવાનો મહાવરો છે. ઘણી વાર લોકોની ફરમાઈશના ગીતો પણ હોય. પેટછૂટી વાત કહું તો મને એવો ખૂબ ફાંકો છે, કે એવું કોઈ ગીત હોય જ નહીં જેની મને ખબર ના હોય. એક દિવસ શૉ માં લાઈવ રિકવેસ્ટ લેતી હતી. એવામાં જેના અવાજમાંથી યુવાનીનો રણકાર આવતો હતો એવી એક છોકરીનો ફોન આવ્યો, અને.. એવું ગીત વગાડવા કહ્યું જે મેં ન તો સાંભળ્યું હતું કે ન તો મારી જાણમાં હતું. પણ, પછી ઓન લાઈન જઈને મેં શોધી કાઢ્યું. એ ગીતનો અર્થ હતો કે, ‘મા, બધું જ બરાબર થઇ જશે. હું તારી સાથે છું.’ મને એ યુવાન છોકરી માટે ખૂબ આદર થયો અને હું ગળગળી થઇ ગઈ. ગીત પૂરૂં થયું અને રેડિયો શૉ માં એ જ યુવતીનો પાછો ફોન આવ્યો. એણે મને કહ્યું કે મારી માએ આ ગીત સાંભળ્યું અને તમારા તરફ આભાર વ્યક્ત કર્યો છે. એણે એ પણ કહ્યું કે એની માતા મારો શૉ નિયમિત રીતે સાંભળે છે અને એને જૂના ગીતો ખૂબ ગમે છે. મેં એ યુવતી પાસેથી એની માનું નામ જાણી લીધું. પછી એ- બે વાર એમનું નામ લઈને એકાદ-બે ગીતો એમને અર્પણ કરીને વગાડ્યાં. આ વાતને થોડો સમય વિતી ગયો હતો. એક દિવસ ચાલુ શૉ માં ફોન આવ્યો, એક પુરુષનો અવાજ હતો. એમણે મને ઓળખાણ આપી કે, તેઓ યુવતીની મા ના ડોક્ટર હતા, એ જ યુવતીના મા, જેમને માટે એક-બે ગીતો એમને અર્પણ કરીને વગાડ્યાં હતાં. એમના ડોક્ટરે મને ફોન પર કહ્યું કે આ બેનનું કેન્સર રીલેપ્સ થયું હતું અને તેઓ અંતિમ દિવસો ગણી રહ્યા હતાં. આ દરમિયાન તેઓ અસહ્ય શારીરિક પીડામાં હતાં. કેન્સરની બિમારીને કારણે એમને રાતના ઊંઘ આવવામાં તકલીફ થતી હતી. ડૉક્ટરે એમને મારો શૉ હોસ્પિટલમાં સાંભળવાની રજા આપી હતી અને મને ડોક્ટરે જણાવ્યું કે મારો શૉ સાંભળતાં જ તેઓ સૂઈ જતાં હતાં. એમનું કહેવું હતું કે હું જયારે પણ એમને ગીત અર્પિત કરતી, એમને મનોમન ખૂબ સારું લાગતું. તેઓ પોતે પણ એમના સગા-સંબંધીઓને અને મિત્રોને, બધાંને કહેતાં કે એક રેડિયો જોકીના તેઓ અત્યંત ફેવરીટ છે. તેઓ જ્યારે પણ આ વાત કરતાં ત્યારે એમને અત્યંત ખુશી થતી. પાછળથી ખબર પડી કે, એ આખો પરિવાર મારા પણ પરિચિત લોકોને જાણતો હતો. હવે તો એ બહેન નું અવસાન થઈ ગયું છે.

રેડિયો જોકીની કારકિર્દીમાં આવા અસંખ્ય પ્રસંગો છે જેના વિષે એક પુસ્તક લખી શકાય. આ બે પ્રસંગો એટલે મમળાવ્યા કે નાની સરખી વાત કોઈના જીવનને કેવી રીતે સ્પર્શીને શાતા આપી જાય છે, એ વિષે આપણને કોઈ આગાહી કે ઈલમ હોતો નથી. એટમબોમ્બના ન્યુટ્રોન કે પ્રોટોન ને ક્યાં ખબર છે કે એ હિરોશિમા જેવી ભયંકર વિપદા પણ બની શકે, અને એટોમિક પાવર થઇ માનવ માટે એવી અમોઘ શક્તિ પેદા કરી શકે જેનાથી લોકકલ્યાણના કાર્યો પણ સંપન્ન થઈ શકે. તમે અને હું, ન જાણે કેટલા, કોને અને ક્યાં સ્પર્શી જઈએ છે એની આગોતરી ખબર ક્યાં હોય છે? આપણે લોકોમાં એક આશા, ઉમ્મીદ અને શાંતિનું એક કિરણ પણ બની શકીએ તો એનાથી સારી બીજી કઈ ફિલીંગ્સ હોય શકે ખરી? એવા કેટલાયે લોકો હશે જેને આપણે જાણે અજાણ્યે સ્પર્શી ગયા હશું, જેની કદાચ આપણને કદી ખબર પણ ન પડે, એવુંય થાય. આ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, જાણે અજાણ્યે આપણું વર્તન, કે શબ્દો અન્યને અસર કરતા હોય છે, જેની આપણને ભલે ખબર ના હોય. ફિઝિક્સનો એક અફર નિયમ છે “THERE IS ALWAYS A REACTION TO EVERY ACTION”. મારી નિર્દોષ હરકતોએ કોઈને સુખ પહોંચાડ્યું હશે અને કોઈ વાર દુઃખ પણ પહોંચાડ્યું હશે. રેડિયોમાં વહેતો મારો અવાજ કોના સુધી અને એમની કઈ અવસ્થામાં ક્યારે પહોંચે એ મારા વશની બહારની વાત છે. પણ મારી વાતને મારે કેવી રીતે કહેવી, કઈ વાત કહેવી અને ક્યારે કહેવી એ તો મારા વશમાં છે. આપણે લોકકલ્યાણ માટે કદાચ અમોઘ શક્તિસ્ત્રોતવાળ એટમ બૉમ્બ ન બની શકીએ તો વાંધો નહી, પણ, મંદ પવન બનીને પવન ચક્કી ચલાવી શકીએ, ઝાડના પાંદડાને વાયરો બનીને ઝૂલાવી શકીએ અને એ રીતે અન્યને શીતળતા પ્રદાન કરી શકીએ તો ય બસ છે. આ બધાં જ કાર્યોંના પરિણામ ક્યાં માપવા? એ તો કુદરતને ભરોસે છોડી દેવા જ સારાં. કુદરત તો જાદુગર છે. ક્યાં કોને એનું શું ફળ આપશે, એ તો એની મરજી છે. કુદરત આપણને હિસાબ આપવા બંધાયેલી નથી. પણ સત્કર્મનું ફળ આપણને મળવાની બાહેંધરી આપી જ દે છે. અને, કોને ખબર, આપણને જયારે રાત્રે સુખની નિદ્રા આવે છે, એ પણ આપણે ક્યારેક કોઈ રીતે કરેલી નેકીની, કુદરતે આપણને એનાયત કરેલી મહામોંઘી રીટર્ન ગિફ્ટ છે.

વાત માત્ર એટલી જ છે કે “નેકી કર કૂવે મે ડાલ!” અહીં ભગવત ગીતા અનાયસે યાદ આવી જાય છે, કે, “કર્મણ્યે વાધિકારસ્તે, માં ફલેષુ કદાચન!”

4 thoughts on “થોડી ખાટી, થોડી મીઠી – (૪) – જાગૃતિ દેસાઈ-શાહ

  1. અત્યાર સુધી મેં રેડિયો શોના અનુભવો તરફ ધ્યાન નહોતું આપ્યું. અહીં વાંચી આનંદ થયો.
    You never know a smile on your lips
    May grace the hope in some one’s heart.
    You never know when you share your joy,
    May help someone to find a song.
    You never know a touch of your hand
    May spread some wings to seek solace.
    —— ….સરયૂ પરીખ

    Liked by 1 person

  2. સુ શ્રી જાગૃતિ દેસાઈ-શાહ ની થોડી ખાટી, થોડી મીઠીમા રીટર્ન ગીફ્ટ :સ રસ વાર્તા
    .
    કેન્સર રીલેપ્સ થયું હતું અને તેઓ અંતિમ દિવસો ગણી રહ્યા ત્યારે આવી મ્યુઝીક થીરપી સુખની નીંદ્રા મળી તેવી પ્રેરણાદાયક વાતો પ્રગટાવવા બદલ જયુજીને ધન્યવાદ
    .
    મા સરયૂ પરીખના You never know..કાવ્ય ફરી ફરી માણતા આનંદ

    Liked by 1 person

  3. રેડિયો એક એવું માધ્યમ છે જેમાં તમે સ્ટુડિયોમાં જ રહીને પણ ઘર સુધી, લોકોના દિલ સુધી પહોંચી શકો છો…રહી વાત આપણી વાત ક્યાંક કોઈ સુધી પહોંચાડવાની એટલે આ શક્તિસ્ત્રોત કોઈની ઉર્જા જાગ્રત કરવામાં, કોઈના દિલને શાતા આપવામાં વપરાય તો એનાથી વધીને યથાર્તતા બીજી કઈ?

    Liked by 1 person

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s