ભાષાને શું વળગે ભૂર – (૪૩) – બાબુ સુથાર


ગુજરાતીમાં તુલના – બાબુ સુથાર

માણસ માત્ર તુલના કરતો હોય છે. અને એથી જ તો જગતની તમામ ભાષાઓમાં તુલના કરવાની એક ચોક્કસ એવી વ્યવસ્થા હોય છે. જો કે, આ વ્યવસ્થા ભાષાએ ભાષાએ જુદી પડતી હોય છે. એમ છતાં, ભાષાશાસ્ત્રીઓએ, અલગ અલગ ભાષાઓના અભ્યાસના અંતે, એ વ્યવસ્થાનું એક વ્યાકરણ શોધી કાઢ્યું છે. એ પ્રમાણે જોતાં માણસ માત્ર કાં તો બે વસ્તુઓને સરખાવે, કાં તો એ બે વસ્તુઓને ચોક્કસ એવી Rank માં મૂકે. જ્યારે આપણે કહીએ કે (૧) ‘આ બિલાડી વાઘ જેવી છે’ ત્યારે આપણે ‘બિલાડી’ અને ‘વાઘ’ને સરખાવતા હોઈએ છીએ. એથી આવાં વાક્યોને આપણે સરખામણીમૂલક વાક્યો કહી શકીએ. એ જ રીતે, જ્યારે આપણે એમ કહીએ કે (૨) ‘આ બિલાડી વાઘ કરતાં નાની છે’ ત્યારે પણ આપણે ‘બિલાડી’ને ‘વાઘ’ સાથે સરખાવતા હોઈએ છીએ. પણ, એમ કરતી વખતે આપણે ‘બિલાડી’ને ‘વાઘ’ના કદની સાથે સરખાવતા હોઈએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે વાક્ય (૧) માં આપણે સરખાપણાને ધ્યાનમાં લીધું છે તો વાક્ય (૨) માં આપણે વિષમપણાને અથવા તો વિષમતાને ધ્યાનમાં લીધી છે. ભાષાશાસ્ત્રીઓ જેની તુલના કરવાની હોય એને object of comparison તરીકે ઓળખાવતા હોય છે. આપણે એને ટૂંકમાં OBJ કહીશું. એ જ રીતે, જેમાં સરખામણી કરતા હોઈએ છીએ એને ભાષાશાસ્ત્રીઓ standard of comparison તરીકે ઓળખાવતા હોય છે. આપણે એને STD કહીશું. જેમ કે, વાક્ય (૨)માં આપણે બિલાડીને વાઘ સાથે ‘કદ’માં સરખાવીએ છીએ. એથી અહીં ‘વાઘનું કદ’ STD બનશે. એટલું જ નહીં, આવી સરખામણી વ્યક્ત કરવા માટે આપણે ચોક્કસ એવાં વિશેષણો પણ વાપરતા હોઈએ છીએ. જેમ કે, વાક્ય (૨) માં આપણે ‘નાનું’ વિશેષણ વાપર્યું છે. આપણે આ વિશેષણ માટે ADJ સંજ્ઞા વાપરીશું. કોઈ પણ ભાષામાં તુલનામૂલક વાક્યો કેવળ વાક્યની રીતે જ મહત્વનાં નથી હોતાં. એવાં વાક્યોની પાછળ ઘણી વાર કેટલાક સાંસ્કૃતિક વિચારધારા તો કેટલાક પૂર્વગ્રહો પણ છુપાયેલા હોય છે. જ્યારે આપણે એમ કહીએ કે (૩) ‘વિજ્ઞાનમાં છોકરાઓ કરતાં છોકરીઓ વધારે નબળી હોય છે’ ત્યારે આપણે તુલના તો કરીએ જ છીએ પણ સાથોસાથ આપણો છોકરીઓ માટેનો પૂર્વગ્રહ પણ વ્યક્ત કરતા હોઈએ છીએ. આપણે અહીં છોકરાઓને આદર્શ માનીને ચાલતા હોઈએ છીએ. એ જ રીતે જ્યારે આપણે કોઈ છોકરાને એમ કહીએ કે (૪) ‘શું છોકરીની જેમ રડે છે’ ત્યારે પણ આપણે એવું સ્વીકારતા હોઈએ છીએ કે રડવાનું કામ છોકરીઓનું હોય છે, છોકરાઓનું નહીં! જો કે, આ લેખમાં આપણે આ પ્રકારની વાક્ય રચનાઓની પાછળ રહેલી વૈચારિક માન્યતાઓ કે પૂર્વગ્રહોની વાત નથી કરવાના. એને બદલે આપણે ગુજરાતીમાં તુલનાત્મક વાક્યોની સંરચના કેવી હોય છે એ સમજવાનો પ્રયાસ કરીશું.
સરખાપણું બતાવવા આપણે ‘જેવું’ વાપરતા હોઈએ છીએ. એના માટે આપણે ‘સરખાપણુંદર્શક’ જેવો શબ્દ બનાવી શકીએ. ભાષાશાસ્ત્રીઓ એવા શબ્દો માટે marker of equals જેવા શબ્દો વાપરતા હોય છે. આવા શબ્દો માટે આપણે MKR જેવું સંક્ષિપ્ત સ્વરૂપ વાપરીશું. ગુજરાતીમાં સરખાપણું બતાવતાં વાક્યોમાં OBJ અને STD નો ક્રમ કોઈ પણ હોઈ શકે. જેમ કે: (૫) ‘બિલાડી વાઘ જેવી છે’ અને (૬) વાઘ બિલાડી જેવો છે. વાક્ય (૫) માં OBJ તરીકે ‘બિલાડી’ છે ને STD તરીકે ‘વાઘ’ છે. એની સામે, વાક્ય (૬) માં OBJ તરીકે ‘વાઘ’ છે અને STD તરીકે ‘બિલાડી છે’. જો કે, બન્ને વાક્યોમાં MKR નું સ્વરૂપ બદલાતું હોય છે. (૫) માં ‘બિલાડી’ સ્ત્રીલિંગ એકવચન હોવાથી ‘જેવું’ બદલાઈને ‘જેવી’ બને છે જ્યારે વાક્ય (૬) માં ‘વાઘ’ પુલ્લિંગ એકવચન હોવાથી ‘જેવું’ ‘જેવો’ બને છે. જો કે, ગુજરાતીમાં સમાનતા દર્શાવવા માટે એક બીજી પણ વાક્યરચના છે. દા.ત. આ વાક્ય લો: (૭) ‘બિલાડી અને વાઘ બેઉં સરખાં.’ એ જ રીતે, આપણે (૮) ‘બધા રાજકારણીઓ સરખા’ એમ પણ કહી શકીએ. પણ, આપણે કદી પણ (૯) ‘એક રાજકારણી સરખો’ નહીં કહી શકીએ. આ પ્રકારની વાક્યરચનાઓમાં પણ ‘સરખું’ જેની સરખામણી કરવામાં આવી હોય એ બન્નેનાં લિંગ અને વચન લે. જો એમનાં લિંગ જુદાં હોય તો એમની વચ્ચેનો clash અંતિમે નપુસંકલિંગમાં પરિણમે.
અસમાનતા દર્શાવવા માટે આપણે મોટે ભાગે બે પ્રકારની વાક્યરચનાઓ વાપરતા હોઈએ છીએ: (૧) OBJ-STD-MKR-ADJ અને (૨) STD-MKR-OBJ-ADJ. દાખલા તરીકે આ વાકયો જુઓ: (૧૦) કૂતરો બિલાડી કરતાં મોટો છે. અહીં ‘કૂતરો’ OBJ છે, ‘બિલાડી’ STD છે, ‘કરતાં’ MKR છે અને ‘મોટો’ ADJ છે. એમનો ક્રમ આમ છે: OBJ-STD-MKR-ADJ. એની સામે આ વાક્ય જુઓ: (૧૧) ‘બિલાડી કરતાં કૂતરો મોટો છે’. આ વાક્યમાં પણ એ જ OBJ, MKR, STD અને ADJ છે પણ એમનો ક્રમ જુદો છે. અહીં આ ક્રમ છે: STD-MKR-OBJ-ADJ. યાદ રાખો કે આ બન્ને પ્રકારની રચનાઓમાં આપણે હંમેશાં ‘કરતાં’ (અનુસ્વાર સાથે) વાપરતા હોઈએ છીએ. એટલું જ નહીં, આ પ્રકારની વાક્યરચનાઓમાં જો ADJ વિકારી હોય તો એ હંમેશાં OBJ નાં લિંગવચન પ્રમાણે બદલાતું હોય છે. પછી શબ્દક્રમ ગમે તે હોય. આ પ્રકારની તુલનાઓમાં ક્યારેક ‘તુલનાની માત્રા’ પણ પ્રગટ કરવામાં આવતી હોય છે. જેમ કે (૧૨) ‘બિલાડી કરતાં કૂતરો વધારે મોટે છે’. અહીં, ‘વધારે’, ‘ઓછું’ જેવાં પ્રમાણદર્શક વિશેષણો વાપરવામાં આવતાં હોય છે.
જેમ કોઈ બે પદાર્થ સમાન હોય એમ કોઈ બે પદાર્થ અસમાન પણ હોય. એ જ રીતે, કોઈક પદાર્થ, જે, તે પદાર્થ વર્ગમાં ઉત્તમ પણ હોય અથવા તો કનિષ્ક પણ હોય. અંગ્રેજીમાં એ ભાવ વ્યક્ત કરતાં વાક્યો માટે આપણે superlative વાક્યો વાપરતા હોઈએ છીએ. ગુજરાતીમાં પણ એવાં વાક્યો છે. એમાં superlative નો ભાવ વ્યક્ત કરવા આપણે કાં તો ‘સૌથી’ અથવા ‘સૌમાં’ જેવા શબ્દો વાપરતા હોઈએ છીએ. આપણે એમને SUPER તરીકે ઓળખાવી શકીએ. આ પ્રકારની વાક્યરચનાઓ આમ તો ખૂબ સરળ લાગે. પણ જ્યારે એમનું આકારવાદી વિશ્લેષણ કરવા બેસીએ ત્યારે આપણે ઘણા પડકારોનો સામનો કરવાનો આવે. જો કે, આપણે એ પ્રકારના વિશ્લેષણમાં નહીં પડીએ. કેમ કે આ લેખમાં મારો આશય આ પ્રકારની વાક્યરચનાઓની સંરચના સમજાવવા પૂરતો જ મર્યાદિત છે. આ પ્રકારનાં વાક્યો સમજવા આ વાક્ય જુઓ: (૧૩) ‘લીલા સૌથી/સૌમાં હોંશિયાર’. આ જ વાક્ય આ રીતે પણ લખી શકાય: (૧૪) ‘લીલા સૌ વિદ્યાર્થીઓમાં હોંશિયાર’. જો કે, (૧૫) ‘લીલા સૌ વિદ્યાર્થીઓથી હોંશિયાર’ જેવું વાક્ય વપરાય છે કે કેમ એ વિશે હું ચોક્કસ નથી. પણ, એ હકીકત છે કે આ પ્રકારનાં વાક્યોમાં ‘સૌ’ પછી નામનો લોપ કરી શકાય અને નામને લાગેલો વિભક્તિનો પ્રત્યય પછી ‘સૌ’ને લાગતો હોય છે. ‘સૌ’ને બદલે આપણે SUPER નો ભાવ વ્યક્ત કરવા ‘બધું’ અને ‘સર્વ’ પણ વાપરી શકીએ. જેમ કે, (૧૬) ‘લીલા બધા વિદ્યાર્થીઓમાં હોંશિયાર’ અથવા તો (૧૭) ‘લીલા સર્વ વિદ્યાર્થીઓમાં હોંશિયાર’.
ગુજરાતીમાં ક્યારેક, ખાસ કરીને સંસ્કૃત ભાષાના પ્રભાવ હેઠળ ‘ઉચ્ચ’, ‘ઉચ્ચતર’ અને ‘ઉચ્ચતમ’ જેવાં તુલનાવાચક રૂપો વાપરીને પણ તુલના કરવામાં આવતી હોય છે. જો કે, એ પ્રકારની વાક્યરચનાઓ મેં અહીં ધ્યાનમાં લીધી નથી.

1 thought on “ભાષાને શું વળગે ભૂર – (૪૩) – બાબુ સુથાર

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s