“હું જાણું છું..!” – કવિશ્રી ભાવેશ ભટ્ટ – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ


“હું જાણું છું….!”

હું જાણું છે કે
કોઈ નો નાં દેખાતો ચહેરો
એકીટશે જોયા કરે છે મારી સામે,
અને હસ્યા કરે છે મારા અસ્તિત્વના અસત્ય સામે,
ધારું તો હું પણ હસી શકું છું
એનાં હોવાપણાને વ્યર્થતા ઉપર,
પણ નથી હસતો,
કારણ કે
હું જાણું છું કે
માત્ર હસવાથી હસી શકાતું નથી.

– ભાવેશ ભટ્ટ
કવિશ્રી ભાવેશ ભટ્ટની કવિતા, “હું જાણું છું” નો રસાસ્વાદ – જયશ્રી વિનુ મરચંટ

બે પંક્તિઓ ઓચિંતી મારા મનના દરવાજા પર ટકોરા મારીને સીધી ઘુસી આવી છે અને એનું અહીં ‘ગંગાવતરણ’ કર્યા વિના એ મને આગળ વધવા દે એ અસંભવ છે.

“માણસો ક્યાં હતાં,
અહીં તો બસ ચહેરા ઉપર ચહેરા અને
એની ઉપર ચહેરા મળ્યાં!
ને તે ઉપર તો પાછા,
મહોરાં અને મહોરાં ઉપર પણ મહોરાં મળ્યાં!”

આ જગતમાં દરેક માણસ અહીં બે જિંદગી સમાંતરે જીવે છે. એક તો એ, જે પોતે પોતાના અંતરમન સાથે જીવે તે, અને બીજી, મુખવટો પહેરીને, જાહેરમાં અન્યને દેખાડવા જીવે તે! આ બેઉ સ્થિતિમાં કે બેઉ સમાંતરે ચાલતી જિંદગીમાં કોઈ અદીઠ ચહેરા, થોડી યાદો, થોડી પળો અને થોડી વેદના બનીને આપણો પીછો કરતા રહે છે. આ અદીઠ ચહેરો છે કે એના પરનો મહોરો છે કે પછી આપણી અંદર રહેતો આયનો છે? આનો કોઈ ખુલાસો કરવાની દ્વિધામાં કવિ નથી પડતા અને એનો ફેંસલો કવિતાપ્રેમીઓની વિવેકબુદ્ધિ પર છોડી દે છે. પણ, કવિ અહીં બહુ જ ગહન ચિંતન અને દર્શનની વાત આ સાવ સાદી દેખાતી, નાનકડી કવિતામાં કહી જાય છે. આ આયનાનો ચહેરો જ્યારે આપણને આપણો જ ચહેરો એમાં દેખાડીને આપણા જ હોવાપણાની હકીકત પર સવાલો ઊઠાવીને ઉપહાસ કરતો હોય તે ઘડીએ કરી પણ શું શકાય? આપણે બહારના સહુ દેખાતા વિરોધીઓ કે દુશ્મનો સામે તો લડી શકીએ છીએ, વિરોધ દર્શાવી શકીએ છીએ, પણ જ્યારે આપણો જ અંતરાત્મા આપણને આપણું સાચું સ્વરૂપ અરીસો બનીને દેખાડે અને પછી આપણને સતત ડંખ્યા કરતો હોય, એની સામે કઈ રીતે અને ક્યા હથિયારો વાપરીને લડવું? એમાં તો હાર જ હાર છે, અને તે પણ પોતાના જ અંદરના સાચા ઈમેજ સામે. પણ થાય શું, આપણે જ તો આપણું કુરુક્ષેત્ર ઊભું કરીએ છીએ અને આઠમા કોઠામાં ફસાઈ ગયેલા અભિમન્યુની જેમ જીવતાં જીવતાં લડીએ છીએ અને લડતાં લડતાં જીવ્યા કરીએ છીએ, એક દિવસ આવનારા મૃત્યુની રાહ જોતાં! આ આઠમો કોઠો અને એમાં સતત થતું યુદ્ધ તે આપણે અંદર પાળી રાખેલા અહમ્ નું છે. એ તો જ ભેદી શકાય જો આપણે આપણા હોવાપણાના સત્યને સ્વીકારીએ અને વ્યર્થતાના પડદાઓ પ્રમાણિકતાથી ચીરી નાખીએ. આ કામ સહેલું નથી અને ત્યારે એક વિચાર એ પણ આવે છે કે, આટલી પળોજણ અને મથામણ કરાવતા આ અદ્રશ્ય આયનાના ચહેરાનું વજુદ કોઈએ જોયું છે જ ક્યાં, તો પછી આપણે જ એનું વજુદ નકારી દઈને જીવ્યા કરીએ, દંભના આઠમા કોઠામાં, તો પ્રશ્નો જ ક્યાં છે? અહીં મોટી તકલીફ એ આવે છે કે, આપણને ખબર છે, સત્યની અને સત્યનો ઠાલો ઉપહાસ શક્ય નથી, સત્યને મારવું શક્ય નથી, સત્યનો તો સ્વીકાર જ હોય. આથી જ કવિ કહે છે કે,
“કારણ કે
હું જાણું છું કે
માત્ર હસવાથી હસી શકાતું નથી.”
ભાવેશભાઈની ગઝલ હોય કે અછાંદસ, બેઉમાં ભારતીય દર્શનની આમ જુઓ તો ઉપરછલ્લી છાંટ લાગે પણ એકવાર એમની કવિતા મનમાં ઊતરી ગઈ તો પછી વાચકને ભાવક બનાવી એના ઊંડા દર્શન સુધી આંગળી પકડીને લઈ જઈને જ છૂટકો કરે છે. ભાવેશભાઈની કવિતાનું આ જ Persistence – દ્રઢતાપૂર્વક પોતાની વાત કહી જવાની ખૂબી- એક જાદુ સમાન જ છે. દેખીતી રીતે સૌમ્ય લાગતી એમની આ કવિતા માણસની અંદર રહેલા માણસને ઝંઝોડી જાય છે.
ક્લોઝ-અપઃ</strong>

જનાબ “નસીમ” સાહેબના ત્રણ જુદા શેર યાદ આવે છેઃ
“કરી પાર સીમા, જો અજ્ઞાનતાની,
મને દઈ ગયું જ્ઞાન,અજ્ઞાન આવી!”
*****
“જીવન જીવન નથી ને મરણ પણ મરણ નથી,
શીખું છું એ જ પાઠ હું સંધ્યા-સવારથી.”
*****
“જિંદગી દિઅલની જુદી, બુદ્ધિની જુદી જિંદગી,
એકમાં સોડમ ભરી છે, એકમાં સોડમ નથી.”

3 thoughts on ““હું જાણું છું..!” – કવિશ્રી ભાવેશ ભટ્ટ – આસ્વાદઃ જયશ્રી વિનુ મરચંટ

 1. જયશ્રીબેન, આજના તમારા આ આસ્વાદથી દાવડાજીના આંગણામાં સાહિત્યની સુગંધ મને સુંધવા મળી એનો આનંદ વ્યકત કર્યા વગર કેમ જવાય! આ વાયરસના વાતાવરણમાં સમયની તૂટ નથી છતાં ઘણાખરા વાંચકો ‘લાઈક’ કરી વહ્યા જાય છે ત્યારે આપણી કહેવત યાદ આવી જાય છે; ‘ઘરકી મુરઘી…!’

  Liked by 3 people

 2. કાવ્ય નાજુક અને ગહન છે અને તેનો આસ્વાદ સરસ કરાવ્યો છે. આ આયનાનો ચહેરો …એ વિષે લખાણ અને છણાવટ ખૂબ સરસ કરી છે. સરયૂ

  Liked by 3 people

 3. કવિશ્રી ભાવેશ ભટ્ટની દ્રઢતાપૂર્વક પોતાની વાત કહી જવાની ખૂબી- એક જાદુ સમાન જ છે. દેખીતી રીતે સૌમ્ય લાગતી એમની આ કવિતા માણસની અંદર રહેલા માણસને ઝંઝોડી જાય છે એવી કવિતા, “હું જાણું છું” નો જયશ્રી વિનુ મરચંટનો ખૂબ સરસ છણાવટવાળો રસાસ્વાદ –
  ગંગાવતરણ’ કર્યા વિના એ મને આગળ વધવા દે એ અસંભવ છે.
  “માણસો ક્યાં હતાં,
  અહીં તો બસ ચહેરા ઉપર ચહેરા અને
  એની ઉપર ચહેરા મળ્યાં!
  ને તે ઉપર તો પાછા,
  મહોરાં અને મહોરાં ઉપર પણ મહોરાં મળ્યાં!”
  વાત ખૂબ ગમી

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s