આ વાતને આજે હવે આશરે પંચાવન કરતાં પણ વધુ વર્ષ થયાં હશે. હું ભાવનગર જિલ્લાના સોનગઢ નામના નાનકડા ગામમાં આવેલી ’ગુરુકુળ હાઈસ્કૂલ’ નામની શાળામાં ભણતો હતો. ભાવનગર જિલ્લો એ વખતે ’ગોહિલ વાડ પ્રાંત’ તરીકે ઓળખાતો હતો.
દેશ તાજો જ આઝાદ થયેલો. વડાપ્રધાન નહેરુ અને કોંગ્રેસ પક્ષ માટે એ સુવર્ણકાળ હતો. મને યાદ છે મારા મોટાભાઈના અભ્યાસના ટેબલ પાસે, કોટમાં ગુલાબનું ફૂલ ભરાવેલી, પ્રસન્નચિત્ત નહેરુચાચાની એક સુંદર તસવીર હતી. ૧૯૫૨ ની ચૂંટણીના પ્રચારની સાથે-સાથે નહેરુજી ભાવનગર પાસેની, પાલીતાણાની શેત્રુંજી નદી પર બંધાનાર બંધનું શિલારોપણ કરવા આવેલા ત્યારે એ તસવીરની અસંખ્ય નકલનું વિતરણ થયેલું. નહેરુજીની રાજકીય ભૂલો હજી થવાની હતી. ચીનના આક્રમણને તો હજી બીજા દસ વર્ષની વાર હતી. દેશપ્રેમ અને દેશાભિમાન ધરાવનાર પ્રત્યેક ભારતીય કિશોર, યુવાન અને પ્રૌઢ સ્ત્રી-પુરુષ માટે નહેરુ એ આઝાદ ભારતના જીવંત પ્રતિક સમાન હતા.
એ દિવસોમાં પ્રજા, ૧૫ ઑગસ્ટ અને ૨૬ જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવાર ખૂબ ઉત્સાહથી ઉજવતી. અમારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સરઘસ વહેલી સવારે જ આખા ગામની પ્રભાત-ફેરી કરતું. ભૂરી ચડ્ડી અને સફેદ શર્ટમાં સજ્જ વિદ્યાર્થીઓ, અને સફેદ ફ્રૉક અગર સાડીમાં સજ્જ વિદ્યાર્થીનીઓ, એ સરઘસના ઉલ્લાસ અને તરવરાટનું હાર્દ બની રહેતા. ગુરુકુળ આશ્રમના વિદ્યાર્થીઓનું બૅન્ડ કૂચ-કદમના સૂર રેલાવતું. કિરીટસિંહ ગુરુજી બુલંદ અવાજે માર્ચ કરવાનો આદેશ આપતા અને જુસ્સાભેર કૂચ શરૂ થતી. બસ, પછી “મહાત્મા ગાંધીજી કી ……જય !” “સરદાર વલ્લભભાઈ પટેલ કી ….. જય !” “સુભાષચંદ્ર બોઝ કી …… જય !” “ઇન્કિલાબ ….. ઝિંદાબાદ !” “આઝાદી ….. અમર રહો !” ને એવા બીજા અનેક જયઘોષ અને નારાથી વાતાવરણ ઉષ્મા અને જુસ્સાથી છલકાઇ ઊઠતું. કૂચમાં ચાલતા વિદ્યાર્થીઓની બાજુમાં ચાલીને એકાદ શિક્ષક કે શિક્ષિકા “વિજયી વિશ્વ તિરંગા પ્યારા….. ઝંડા ઊંચા રહે હમારા…. “ જેવા દેશપ્રેમના ગીત ગવડાવે અને બાકીનો સમુહ એ ગીતને ઊંચા સાદે ઝીલી લે; અને સરઘસ બમણા ઉત્સાહથી આગળ ધપે.
સોનગઢ તો સાવ નાનકડું ગામ. ગામના એક છેડે અમારી ગુરુકુળ શાળા. આશરે એક માઈલ દૂર, ગામને બીજે છેડે મુનિ શ્રી કલ્યાણચંદ્રજી મહારાજનો આશ્રમ. આખું ગામ એમને ’કલ્યાણજી બાપા’ કહે. એ જૈન મુનિની પ્રતિભા એવી તેજસ્વી કે સહજ આદર ઉત્પન્ન થાય. એમની આંખો એવી નિખાલસ કે સહજ પ્રેમ જાગે. આશ્રમના મુખ્ય દરવાજાની બહાર બાપા ઊભા હોય અને આખું સરઘસ એમની સામેથી અદબ ભેર કૂચ કરી પસાર થાય. સહુ રાષ્ટ્રનેતાઓના નામના જયજયકાર સાથે જ, સ્વયંભૂ પ્રેરણાથી કોઇક હાકલ દે, “પૂજ્ય કલ્યાણજી બાપાની ……… “ અને આખું ટોળું “જય !” એવો ગગનભેદી પ્રતિસાદ આપે.
ત્યાંથી સરઘસ પાછું વળે. હવે એમાં બાપાના આશ્રમના વિદ્યાર્થીઓ પણ જોડાયા હોય, ને સરઘસ ખૂબ લાંબું થયું હોય. એને છેડે દંડધારી કલ્યાણજી બાપાની સાથે ગામના અન્ય પ્રતિષ્ઠિત સજ્જનો સ્વચ્છ કપડામાં, માથે ગાંધી ટોપી, પાઘડી કે ફેંટો પહેરીને ચાલે. આઝાદીના ગીત અને જયઘોષથી વાતાવરણ તો સતત ગૂંજતું રહે. છેલ્લે સરઘસ પાછું શાળાના પ્રાંગણમાં દાખલ થાય. ત્યાં બાપા અગર કોઇ પ્રતિષ્ઠિત મહેમાન તિરંગો ધ્વજ હવામાં ફરકાવે. ધ્વજને સલામી આપવામાં આવે; અને “ધ્વજ મારા સ્વાધીન ભારતનો ….. નિર્મળ ગગને લહેરાય ફરી.” ના સૂર હવામાં લહેરાઈ ઊઠે. બાપા પ્રસંગને અનુરૂપ પ્રેરણાદાયી ભાષણ આપે. છેલ્લે, વિદ્યાર્થીઓને પ્રિય એવું મીઠાઈનું પડીકું વહેંચવામાં આવે. ઉત્સાહ તો હજી પણ ઊભરાતો હોય, પણ પેટમાં ભૂખ પણ લાગી હોય. ધીમે-ધીમે સહુ વિખરાઈને ઘર તરફ પાછા વળે દર વર્ષનો, ૧૫ મી ઑગસ્ટ અને ૨૬ મી જાન્યુઆરી નો આ શિરસ્તો. એમાં એક વખત ફેર પડ્યો. બન્યું એવું કે ………
સોનગઢ ગામ અને ગુરુકુળ હાઈસ્કૂલ વચ્ચે એક નાનકડી ટેકરી છે. એ ટેકરી પર બે માળ ઊંચી અને પ્રશસ્ત એવી એક ઇમારત છે. ઇમારતી લાકડાના ઊંચા દરવાજા અને મોટી, પહોળી બારીઓથી શોભતા એના ઓરડાઓની છત ઊંચી છે. ગામ આખામાં એ ઇમારત ’પ્રાંત સાહેબનો બંગલો’ એ નામે ઓળખાય. પ્રાંત સાહેબ એટલે અંગ્રેજ સરકારનો વહીવટ ચલાવનાર Political Agent. બ્રિટીશરોના કાળમાં એમનો કેવો રુઆબ હશે, અને એમની સત્તાની પ્રજા પર કેવી ધાક હશે, એ એના પ્રતિક સમા આ પ્રાંતના બંગલાને જોઇને ધ્યાનમાં આવે. આઝાદી આવી અને અંગ્રેજ ગયા. પ્રાંત સાહેબ પણ ગયા. માત્ર ’સાપ ગયા ને લિસોટા રહ્યા’ એ કહેવત પ્રમાણે ’પ્રાંત સાહેબનો બંગલો’ એ નામ ગામલોકની જીભ પર કાયમ રહ્યું. શરૂમાં તો એ બંગલો ખાલી જ પડી રહ્યો. પછી ત્યાં એક ’અધ્યાપન મંદિર’ ઉર્ફે ’Teachers’ Training College’ ની શરૂઆત થઈ. ત્યાં પણ ૮૦-૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમુહ રહેતો થયો. એ પછીના વર્ષની ૨૬ મી જાન્યુઆરીની વાત.
એમ ઠરાવવામાં આવ્યું કે એ વર્ષે પ્રભાતફેરી પછી સરઘસ પાછું ગુરુકુળમાં આવવાને બદલે, ટેકરી ચડીને પ્રાંતના બંગલાના ચોગાનમાં એકઠું થાય ને ત્યાં ધ્વજવંદન કરવામાં આવે. રાબેતા મુજબ બધું થયું. બાપાએ દોરી ખેંચી અને એમાં વીંટાયેલ તિરંગો ધ્વજ થાંભલાની ટોચે પહોંચ્યો. બાપાએ દોરીને જરાક આંચકો આપ્યો અને ધ્વજ હવામાં લહેરાઈ ઊઠ્યો. તાળીઓના ગડગડાટ અને જયઘોષથી વાતાવરણ ધમધમી ઊઠ્યું. ધીમે-ધીમે એ શોર શમવા માંડ્યો. પણ બાપા પોતાનું વક્તવ્ય શરૂ કરે એ પહેલા, ગામના જાણીતા ડૉક્ટર હરગોવિંદદાસ દોશી આગળ આવ્યા. ડૉ. દોશીએ સત્યાગ્રહ સંગ્રામમાં ભાગ લીધો હતો, અને એમનો દેશપ્રેમ અતિશય જ્વલંત હતો. માથું ઊંચકી, ભીની આંખે એમણે આકાશમાં લહેરાતા તિરંગી ધ્વજ સામે જોયું. પછી ગળગળા સાદે બોલ્યા, “બાપા, જ્યાં એક વખત ’યુનિયન જૅક’ ફરકતો હતો ત્યાં આજે આપણો તિરંગો લહેરાય છે.” ચશ્માં કાઢી એમણે હાથથી જ આંખમાં ઊભરાતા આંસુ લૂછ્યા. બે-ચાર ક્ષણ માટે, ઉત્સાહ અને ઉલ્લાસનો એ પ્રસંગ જાણે એક ગંભીર પ્રસંગ બની ગયો. બીજા પણ ત્યાં હતા જેમને એ જ ’ફ્લેગ-માસ્ટ’ પર લહેરાતો ’યુનિયન જૅક’ હજી યાદ હતો.
આખરે બાપા આગળ વધ્યા. એમણે ડૉક્ટરને ખભે હાથ મૂક્યો. પછી સમુહ તરફ જોઈ મોટા અવાજે હાકલ મારી, “ડૉક્ટર હરગોવિંદભાઈની ………. “ અને ટોળાએ જે જયનાદ જગાવ્યો એ અત્યાર સુધીના બધા જયનાદથી વધુ બુલંદ હતો. હજી પણ એ નારાના પડઘા હું મારી સ્મૃતિમાં સાંભળું છું.
મા.અશોક વિદ્વાંસ નો એ પ્રજાસત્તાક દિન – વાર્તા ખૂબ સ રસ લેખ… જે વાંચી-માણી મુખમાંથી અનાયાસ નીક્ળી ગયુંઃ તેહીનો દિવસા ગતાઃ
અમે ગઢેચીથી નીકળી આજ રીતે પ્રજાસતાક દિનની ઉજવણી ભાવનગર જિલ્લામાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ કરતા તે એકે એક પ્રસગની યાદ આવી ! ધન્યવાદ
સંભારણાં દફ્તરમાંથી અચાનક ફૂટી નીક્ળ્યાં …
અમારી શિક્ષીકા બેનશ્રીએ કહેલી આ વાત પણ યાદ આવે છે કે ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા. અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :
जीवत्सु तातपादेषु नवे दारपरिग्रहे,
मातृभिश्चन्त्यमानानां ते हि नो दिवसा: गता:
આ શ્લોક ભવભૂતિના ઉત્તરરામચરિતમ માં આવે છે.ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના ઉત્તમ નાટ્યકારોમાંના એક છે. ભવભૂતિએ ઉત્તરરામચરિત નામે કરુણરસપ્રધાન નાટકની રચના કરી છે. કરુણના નિરુપણમાં તેની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. કરુણના નિરુપણમાં ભવભૂતિ કાલિદાસ કરતાં પણ ચડીયાતા મનાય છે.ભવભૂતિ ‘ઉત્તરરામચરિત’માં કહે છે, ‘લૌકિકાનાં હિં સાધૂનામર્થં વાગનુવર્તતે… ઋષિણાં પુનરાદ્યાનાં વાચમર્થોનુધાવતિ’. આમઆદમી બોલે છે એ શબ્દો છે. એ નર્યો અવાજ છે. એક એવો અવાજ, એક એવો શબ્દ જે અર્થને અનુસરે છે. જ્યારે ભવભૂતિનો એ છે જેના શબ્દોને, જેની વાણીને અર્થ અનુસરે છે…
LikeLiked by 1 person
બહુ સુંદર પ્રસંગ આલેખ્યો છે.
LikeLiked by 1 person