મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ ૫.સુકાયેલાં આંસુ


નિરાશામાં ડૂબેલ વ્યક્તિ પોતે જ મિત્રતાનું દ્વાર બંધ કરે છે. મદદ કરતા હાથ અમુક હદ સુધી લઈ જાય, પછી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાં માટે ત્રાસિત વ્યક્તિના પોતાના આત્મબળ અને આત્મજ્ઞાન પર સફળતા આધારિત છે. સુકાયેલા આંસુની કહાણી…

                                          ૫. સુકાયેલાં આંસુ…. સરયૂ પરીખ

થોડા સમય પહેલાં જ હ્યુસ્ટનની સ્ત્રીઓને મદદ કરતી સેવા સંસ્થામાં મને નિર્ણાયક સમિતિમાં સભ્ય, Board Member બનાવી હતી. મારા વારા પ્રમાણે એ અઠવાડીએ ટેલિફોનકોલનો જવાબ મારે આપવાનો હતો. અમે શહેરમાં રહેતી ગૃહસંસારમાં પીડિત બહેનોને મદદ કરતા. તેથી એ દિવસે, દૂરના રાજ્યમાંથી ફોન આવતા નવાઈ લાગી. એ બહેન કહે, “હું મારી ભાણેજ, જે ભારતથી અહીં આવી રહી છે તેને માટે આપની સંસ્થાની મદદ માંગી રહી છું. મને બીજી સંસ્થાઓમાંથી નકારાત્મક જવાબ મળી ગયો છે. તમારી છેલ્લી આશા છે.”

         “પણ તમે ક્યાંથી બોલો છો? તમને જણાવું કે અમારી સંસ્થા નાની છે અને અમે બીજા રાજ્યોમાં મદદ ન કરી શકીએ તેથી ત્યાંની સંસ્થાની મદદ શોધો.” અને હું ફોન મૂકવાની તૈયારીમાં હતી ત્યાં એ બહેન એકદમ બોલ્યાં,

         “મહેરબાની કરી મને પાંચ મિનિટ આપો. મારી ભાણેજના પતિ અને દીકરી હ્યુસ્ટનમાં છે, તેથી તમારી મદદની જરૂર છે. મારી ભાણેજ, સીમા પાસે આ દેશમાં રહેવા માટેનું જરૂરી ગ્રીન કાર્ડ છે. બે વર્ષથી દેશમાં છે, પણ થોડા સમયમાં તેની ફોઈની સાથે હ્યુસ્ટન આવશે. એના પતિ અને પાંચ વર્ષની દીકરી, ત્યાં હ્યુસ્ટનમાં  રહે છે…. તમારી સંસ્થા અમારી છેલ્લી આશા છે.” ઓહ! આ તો અટવાયેલો મામલો લાગે છે… અને હું બેસીને તેમની વાતની નોંધ કરવા લાગી.

         આ સાથે ઘણાં સવાલો ઊઠ્યાં, પણ મેં વિચાર્યું કે સીમાને અહીં બીજા કોઈની મદદ નથી તો અમારી સમિતિમાં તેનો કેઈસ દાખલ કરી શકીશ એમ વિચારી…., ‘શહેરમાં આવી મને જણાવે’ એમ કહી એ સમયે વાત પૂરી કરી.  

        એકાદ મહિનામાં સીમાની માસીએ મને જણાવ્યું કે સીમા તેની ફોઈ સાથે હ્યુસ્ટન આવી ગઈ છે. હું એને મળવા ગઈ. લગભગ અઠ્યાવીશ વર્ષની સીમા, દક્ષીણ ભારતમાં ઉછરેલી નમ્ર, ઓછાબોલી અને જરા ધીમી લાગતી હતી. તેની ફોઇ ઘણાં વર્ષોથી અમેરિકામાં સ્થાયી હતાં. સીમાએ દેશમાં ફાર્મસીનો અભ્યાસ કરેલો છે એ જાણતા મારો વિશ્વાસ વધ્યો કે અહીંની લાઈસન્સ પરીક્ષા પાસ કરી નોકરી શોધી શકશે. જો કે સીમા અને ફોઇ મારા ઉત્સાહમાં સાથ નહોતાં પુરાવતાં એથી મને મૂંઝવણ થઈ. ફોઈએ સીમા માટે વકીલની વ્યવસ્થા કરી હતી.   

        બીજે દિવસે હું તેમને સ્ત્રી-આશ્રય સંસ્થામાં લઈ ગઈ જ્યાં સીમાને રહેવાની વ્યવસ્થા કરાવી હતી. ત્યારે એમણે મને કહ્યું કે ફોઈએ સીમાના પતિ, માધવને તેમની દીકરી સાથે રેસ્ટોરન્ટમાં પરાણે મળવા બોલાવ્યા હતા. પણ તે એકલો જ આવ્યો, દસ મિનિટ બેઠો, અને “મારા વકીલ દ્વારા જ આગળ વાત કરશું,” કહીને, પોતાના વકીલનું કાર્ડ પકડાવીને જતો રહ્યો હતો… સીમાને પોતાની જવાબદારી સંભાળવાની સૂચના આપી, ફોઈ તેને મારે ભરોસે સોંપીને, નીકળી ગયાં.

         અમારા સંસ્થાસભ્યોની હાજરીમાં સીમાના જીવનની કરુણતા જાણવા મળી. સીમાનાં ડોક્ટર પિતા વર્ષો પહેલાં મૃત્યુ પામેલા તેથી એકલી માના સહારે મોટી થયેલી. ભારતમાં ફાર્મસીનો અભ્યાસ પૂરો કર્યા પછી, સાત વર્ષ પહેલાં ગ્રીનકાર્ડ લઈને સીમા અમેરિકામાં ફોઈને ઘેર આવી હતી. ટૂંકી મુલાકાત બાદ કમ્પ્યુટર નિષ્ણાત માધવ સાથે લગ્ન થઈ ગયેલા. હ્યુસ્ટનમાં લગ્નજીવનની શરૂઆત થઈ જ્યાં સાસુ-સસરા પણ સાથે રહેતા હતા. દોઢ વર્ષમાં દીકરીનો જન્મ થયો.

       સીમા નીચી નજર રાખી બોલી, “મને ખબર નથી કેમ, પણ ઘર અવ્યવસ્થિત પડ્યુ હોય ને હું ખરીદી કરવા નીકળી પડું. મને એવું બધું ગમતું. સાસુ, સસરા અને પતિ મારી અણઆવડત પર ફરિયાદ કરતા રહેતા તો પણ મને કશું કરવાનું મન નહોતું થતું. દીકરીને મારા સાસુ સંભાળતાં. મારાં મન મગજ  પર બેદરકારી અને ઉદાસીનતા છવાયેલી રહેતી જેની મને પોતાને પણ સમજ ન હતી. જાણે આસપાસ શું ચાલી રહ્યું હતું એ વિષે અભાન રહેતી.”

        અમને ખ્યાલ આવી રહ્યો હતો કે સીમાની આ Depression, માનસિક ઉદાસીનતાની નિશાનીઓ છે. દરદીને પોતાને જ સમજ નથી પડતી. આસપાસના લોકો પણ આ એક બિમારી છે તે સમજવાને બદલે, ‘આળસુ’ અને ‘બેદરકાર’ ગણી ઉતારી પાડતા હોય છે. સજ્જન પરિવારો આવી વ્યક્તિઓને વફાદરીના ભાવથી સંભાળી લેતા હોય છે, પણ કેટલાક જાકારો આપી દેતા હોય છે.        

        સીમા બીજા કોઈની વાત કરતી હોય એમ ભાવરહિત આગળ બોલી, “મારી પરી ત્રણ વર્ષની હતી ત્યારે અમે બધાં દેશમાં મુલાકાત માટે ગયા. પાછા ફરવાના દિવસે મારા પતિ કહે કે, મારે દેશમાં રોકાઈ જવું અને તબિયતનો ઈલાજ કરાવવો. મારે એકલાં ભારતમાં નહોતું રોકાવું પણ મારા વિરોધ માટે મને ધક્કો મારીને એક બાજુ હડસેલી દીધેલી. મારો પાસપોર્ટ વગેરે જરૂરી કાગળીયા મારા પતિ પોતાની સાથે લઈ ગયેલાં જેથી હું અમેરિકામાં દાખલ ન થઈ શકું,… જે વાત બહુ મોડી મારા ધ્યાનમાં આવી.” ઑહ! જ્યારે આભ ફાટી રહ્યું હોય ત્યારે થીગડું શોધવાનું યાદ ન આવે…આમ બાળકી સાથે કુટુંબના ત્રણે સભ્યો હ્યુસ્ટન પાછા ફર્યા, અને સીમા ભારતમાં લાચાર એકલી રહી ગઈ.

        નવું ગ્રીનકાર્ડ મેળવતાં બે વર્ષ નીકળી ગયા. હવે પોતાની દીકરીને મળવાં અને પરિસ્થિતિનો સામનો કરવા અહીં આવી ઊભી હતી. સીમાને ક્રૂર રીતે તરછોડવામાં આવી હતી અને બાળકીને આંચકી લેવામાં આવી હતી. અમારી સંસ્થાએ એને મદદ કરવાનું સ્વીકાર્યું. શક્ય એટલી બધી મદદ શરૂ કરી દીધી. નોકરી શોધવા માટે એને અનેક ઓફીસોમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી. પણ થોડા દિવસોમાં જ મને સીમા વિષે ફરિયાદો આવતી કે, સમય પર તૈયાર નથી હોતી અથવા કહેલી જગ્યાએ હાજર નથી હોતી, વગેરે. નમ્ર અને ગરીબ સીમા પર દયા પણ આવતી અને રોષ પણ આવતો. ફાર્મસીના પુસ્તકો અભ્યાસ કરવા માટે લાવી આપ્યાં હતાં, જે લાંબા સમય સુધી ખોલેલાં પણ નહીં. પરીક્ષા માટેની તારીખ નજીક આવતાં એની પાછળ પડીને તૈયારી કરાવી, પણ પાસ ન થઈ.

         લગભગ રોજ કોઈ અણજાણે રસ્તેથી કે નાની મુશ્કેલીને કારણે, મારા ફોનની ઘંટડી વાગતી રહેતી અને મારે મદદ કરવા તૈયાર રહેવું પડતું. નિરાશા ઊંડી ઘર કરી ગયેલી જેના કારણે નિત્યકર્મ અને સામાન્ય જવાબદારી પણ બરાબર નહોતી નિભાવી શકતી….હવે મને સ્પષ્ટ ખ્યાલ આવ્યો કે કંઈક ખૂટે છે. માનસિક ચિકિત્સા વગર નહીં ચાલે. સીમાની જ ભાષા બોલતાં અને સેવા આપતાં એક માનસશાસ્ત્રી, psychologist, સાથે સીમાની મુલાકાત ગોઠવી આપી. પણ આ એવું દરદ નથી કે તદ્દન મટી જાય.

         આ દરમ્યાન, મા દીકરીના મેળાપ અને સીમાનો સ્વીકાર કરે એ વિષે વાત કરવા, મેં સીમાનાં પતિને ફોન કર્યો. પરંતુ વિવેકપૂર્વક એણે મને કહી દીધું કે જે વાત થશે એ એના વકીલ દ્વારા થશે. હવે આ પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલશે એ નક્કી હતું. સીમા માટે નોકરી શોધવાના પ્રયત્નમાં મને સફળતા મળી. એક ઓળખીતાં દુકાન મેનેજર બહેને સંવેદના બતાવી સીમાને નોકરી આપી. એની પાસે કાર હતી નહીં તેથી મારા ઘર નજીક એનું રહેવાનું જરૂરી હતું. અનાયાસ અમારા લોકલ સમાચાર પત્રમાં જાહેરાત જોઈ, ‘કોઈ બહેનને મારા ઘરમાં એક રૂમ ભાડે આપવાનો છે.’ હું સીમાને લઈને તરત પહોંચી અને અમારી સંસ્થા આપી શકે એટલા ભાડામાં સીમાને રહેવાની જગ્યા મળી ગઈ. હવે નોકરી અને રહેવાની વ્યવસ્થા થઈ ગઈ પણ વાહન ન હોવાથી લેવા મૂકવાની મારી જવાબદારી બની ગઈ. સવારમાં એને લેવા જતાં બરાબર તૈયાર થઈ હોય તેવા ઓછાં દિવસો. ક્યારેક ઊઠતાં મોડું થઈ જાય, તો કોઈ વખત વસ્તુઓ શોધવામાં મોડું થઈ જાય.

        સીમા પાસે કાર ચલાવવાની પરવાનગી હતી. અમારા પાડોશમાં એક નાની કાર વેચવા માટે મુકાયેલી એ જોતા મેં તપાસ કરી અને સીમાની મુશ્કેલીની વાત સાંભળ્યાં પછી એ ભલા લોકો સસ્તા ભાવમાં વેચવા તૈયાર થયા હતા. નિયમ પ્રમાણે, અમારી સમિતિનાં સભ્યો કાર લેવા માટે પંદર સો ડોલર આપવાં તૈયાર નહોંતા, પણ ઘણી સમજાવટ પછી, સીમાએ શક્ય બને કે તરત હપ્તા ભરવા એવું નક્કી કરી, કાર ખરીદવાની સંમતિ મેળવી. આ પહેલાં ક્યારેય કાર ખરીદવાની મદદ મંજુર થઈ નહોતી અને શંકા છે કે ભવિષ્યમાં ફરી કદી થશે. મારા દિલમાં ઊંડો વસવસો રહી ગયો કે આ કાર આપવાની ચર્ચામાં અમારાં સમિતિ સભ્યો વચ્ચે મતભેદ થયો હતો.

         સીમા કાર તો બરાબર ચલાવતી, પણ કોઈ વાર સવારે, “મારી ચાવી નથી મળતી” કે એવો કોઈ કોલ આવે…. એક વખત રાતના અગ્યાર વાગે કામ ઉપરથી નીકળતાં,

       “મારી ગાડી ચાલુ નથી થતી.” એવો કોલ આવ્યો. હું મદદ માટે નીકળવા પ્રવૃત્ત થઈ, પણ તરત એક વિચાર આવતા મેં કોલ કરી પૂછ્યું, “કાર ક્યા ગીયરમાં છે?”

       “ઓહ! હાં, ડ્રાઈવમાં હતી.” કહેતાં જરા હસવાનો અવાજ સંભળાયો, “સોરી”. જ્યારે કાર બંધ કરી હશે ત્યારે પાર્કમાં મૂકવાનું ભૂલી ગઈ હોવાથી ડ્રાઈવમાં જ ગાડી પડી રહેલી. જૂની કારમાં કોઈ યાદ કરાવનાર ઘંટડી નહોતી.      

       સીમાના વકીલની અરજીથી એ દિવસ આવ્યો જ્યારે સીમા તેની દીકરીને મળવા જવાની હતી!! એણે રમકડાં તો લઈ રાખ્યાં હતાં. એ દિવસે પોતે નવાં વસ્ત્રો પહેરીને મારે ઘેર આવી ગઈ હતી. એનાં પતિએ પોતાના ઘરથી નજીકના શોપિંગમોલમાં મળવા માટે બોલાવ્યા હતા, જે અમારા ઘરથી કલાક દૂરની જગ્યા હતી. સલામતીના વિચાર સાથે, મારા પતિ અમને કારમાં લઈ ગયા.

        બે વર્ષથી એણે પોતાની બાળકીને જોઈ નહોતી. ત્રણ વર્ષની પરી, જેને સીમા તેડીને ફરતી હતી, એ આજે પાંચ વર્ષની નિશાળે જતી અને સ્પષ્ટ બોલતી બાલિકા થઈ ગઈ હતી. પિતા પુત્રીને નજીક જોતા, સીમાના મુખ પરના બદલાતાં ભાવો હું જોઈ રહી. એ રડી પડશે એવું લાગ્યું… અમે સામાન્ય વાતચિત કરી એ ત્રણેને એક જગ્યાએ બેસવાનું સૂચન કર્યું. અમે દૂરથી જોઈ રહ્યાં હતાં કે પરી એનાં પિતાથી જરા પણ દૂર ખસવા નહોંતી માંગતી અને સીમાથી બને તેટલી દૂર બેસવાં પ્રયત્ન કરતી હતી. સીમાને કેટલું માઠું લાગતું હશે એ વિચારથી અમારૂ દિલ દ્રવતું હતું. હુકમ પ્રમાણે કલાકનો મુલાકાતનો સમય આપવામાં આવેલો હતો. જેમતેમ સમજાવી પિતાએ મા-દીકરીને એકાંત આપ્યું. પહેલાં તો એ રડતી હતી પણ સીમાએ એને રમકડાં આપી ખુશ કરી અને થોડા સમય પછી એ બન્ને સાથે મોલના અંદરના ભાગમાં ગયા. સીમાનો પતિ માધવ અમારી સાથે થોડી વાતો કરી પુસ્તક વાંચવાં લાગ્યો.

         જ્યારે સીમા અને પરી પાછાં ફર્યા ત્યારે બાળકીના મુખ ઉપર હાસ્ય જોઈ અમને સારું લાગ્યું. પરી દોડતી જઈ તેનાં પિતાને વળગીને ઊભી રહી…. કારમાં મેં બાળકીના પ્રસન્ન ચહેરા વિષે આનંદ વ્યક્ત કર્યો ત્યારે સીમાએ કહ્યું, “બધો વખત પરી તેનાં  પિતાની જ વાતો કરતી હતી અને ઉદાસ હતી. એ પહેલી વખત હસી જ્યારે એણે એના પિતાને ફરી જોયો.” આ વાત કેટલી પીડાજનક હતી એ માનું દિલ જ સમજી શકે. પછી દરેક મુલાકાતમાં સીમાને એવો જ અનુભવ થતો રહ્યો.

        સીમાના આમ  પાંચ મહિનાઓ પસાર થઈ ગયા. તેને બે મિત્ર કુટુંબનો પહેલાનો પરિચય હતો. સીમાનો પક્ષ મજબૂત કરવા માટે જુબાની આપવા માટે અમે એ મિત્રોને વિનંતી કરી પણ કોઈને મનાવી ન શક્યા. સીમાની નોકરી પરથી પણ ફરિયાદો આવતી. પોતાના બીલ ભરવા, વસ્તુઓ વ્યવસ્થિત રાખવી વગેરે પણ એ જવાબદારીપૂર્વક નહોતી કરી શકતી. એના પતિને ફરી સીમા સાથે સંસાર માંડવો નહોતો. એનું કારણ સીમાની માનસિક અવસ્થાનું હતું, પણ જે રીતે એને તરછોડવામાં આવી એ અમાનવિય હતું. કોર્ટમાં છૂટાછેડાના પરિણામમાં, બાળકી પિતા પાસે રહી અને સીમાને પરીને રજાઓમાં મળવાની પરવાનગી મળી. થોડા ડોલર મળ્યા જેમાંથી નાની રકમ બાળકીના ખર્ચા તરીકે આપવાની સીમાને જવાબદારી અપાઈ. અહીં દરેકને લાગે કે આમાં ન્યાય ક્યાં છે! પણ, બુદ્ધિનું પ્રભુત્વ દરેકના જીવનમાં મુખ્ય ભાગ ભજવે છે. કાયદા પ્રમાણે ન્યાય આપનારા જુએ કે સીમા પાસે આવક નથી કે રહેવા ઘર નથી. એના કોઈ મિત્ર નહોતાં જે આવીને એની ક્ષમતાની સાબિતી આપી શકે. સીમાને જે તે નિર્ણય સ્વીકારવો રહ્યો.

         હું એને કહેતી કે, “તારો આ પ્રયત્ન વ્યર્થ નહીં જાય. દીકરી સમજણી થશે ત્યારે એને સમજાશે કે એની માંએ એને પાછી મેળવવા પ્રયત્નો કર્યા હતા અને તને શોધતી આવશે.”

        અમે સીમાને તેના કુટુંબ સાથે જઈને રહે અથવા ભારત પાછી જઈને, તેની માતા સાથે રહે તેવી સલાહ આપી. સાત મહિનાઓ પછી અમારી તેને મદદ કરવાની ધીરજ અને સાધનસામગ્રી ક્ષીણ થતા જતા હતા. ઘરમાલિક મહિનાથી રુમ ખાલી કરવાની નોટીસ આપી ચૂકી હતી. થોડા દિવસો ફરી સ્ત્રી સેવાસંસ્થામાં સીમાને રહેવાની વ્યવસ્થા કરી આપી.

         ઘર ખાલી કરવાના દિવસે સીમાને કહ્યું હતું કે, “સામાન સમેટી રાખજે. બને તેટલો તારી કારમાં ભરી દેજે.” … હું બપોરે મદદ કરવા ગઈ ત્યારે રુમમાં બધું વેરણ છેરણ પડેલું. બીચારી સીમા, ખૂબ કામ કરતી પણ વ્યવસ્થાની ખામીને લીધે કશું પાર નહોતું પડતું. મારી અકળામણ દબાવી તેની કાર ભરી અને બાકીની વસ્તુઓ મારી કારમાં મૂકી શેલ્ટર પર મૂકી આવી.

        “જો સીમા, હવે નોકરી કે બીજા કોઈ કામ નથી તો આમાંથી નકામી વસ્તુઓ ફેંકી તારી કાર ખાલી કરી નાખજે.” મેં ભાર દઈને કહ્યું.

         “હાં, હાં,” હસીને સીમાએ જવાબ આપી દીધો. દસેક દિવસ પછી ટિકિટની વ્યવસ્થા થતાં સીમા તેનાં ફોઈને ઘેર, ફિલાડેલ્ફીઆ જવા તૈયાર થઈ. અમારા ડ્રાઈવ-વેમાં કાર પાર્ક કરવાની અનુમતિ આપવી પડી. મેં જોયું કે કારમાંથી પોતાની બેગ કાઢી લીધા પછી બાકીની વસ્તુઓ એમ જ ભરેલી હતી. હવે કાર વેચવાની મારી જવાબદારીને લીધે, વસ્તુઓ ઠેકાણે પાડી. કાર વેચતા બે મહિના નીકળી ગયા. આજ સુધીમાં સીમાએ ફક્ત એક વખત હપ્તાના સો ડોલર સંસ્થાને આપેલાં.

         સીમા તેની દીકરીને મળવા માટે પાછી હ્યુસ્ટન આવી. મેં તેને વસ્તુઓ અને વેચેલી કારના ડોલર્સ આપતાં કહ્યું, “સીમા કાર વેચાયાના પૈસા સંસ્થાને પાછાં આપવા જોઈએ પણ તારી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ, સભ્યોની મંજુરીથી, તને આપું છું.”

          “પંદર સો ડોલરનો ચેક મેં આપ્યો હતો ને?” દસ મહિના પહેલાની વાત એ સાવ ભૂલી ગયેલી કે ખરીદવાના ડોલર અમારી સંસ્થાએ આપેલાં.

            “સીમા! તારું ખાતુ ખોલાવી પંદર સો ડોલર કોણે જમા કરાવ્યા હતા? અમારી સંસ્થાએ, ખરું?”

            “હા, એ વાત તો તમારી સાચી,” કહી સીમા ભોળી નજરે આભારવશ મારી સામે જોઈ રહી.     અનેક રીતે કરેલી મદદ કરવાં માટે તેને સમજાવ્યા પછી તેણે અમારી સંસ્થાનો આભાર માનતો કાગળ લખીને મને આપ્યો.

           પરી સાથે ગાળેલા સમય વિષે સીમાએ કહ્યું, “દીદી, આ વખતની મુલાકતમાં પરીનું અતડાપણું ઓછું થયું હતું. હું તેની મા છું એ સમજ પડી હોય તેમ લાગ્યું… એટલો સંતોષ લઈ શકું.” તેની સુકાયેલા આંસુવાળી આંખો પહેલી વાર ભીની થઈ ગઈ.

          “હા સીમા, તારા અસ્તિત્વનું સત્ય તેને ઉજાગર થયું અને ભવિષ્યમાં પરી જરુર તારા તરફ સ્નેહ અને સંવેદનાથી ખેંચાઈને આવશે.” મેં તેને પ્રેમથી ભેટીને વિદાય આપી.

           ત્યાર બાદ સીમા દીકરીને મળવાં આવી શકી નહીં… ફરી આવવા-જવાનો અને રહેવાનો ખર્ચ તેને પોસાય તેમ ન હતો…. એ દિવસે અમારા ઘેર લગ્નપ્રસંગની ધમાલ હતી, એવામાં સીમાનો ફોન આવ્યો, “દીદી! તમારી સલાહ પ્રમાણે દેશમાં પાછી જઈ રહી છું. મારી બાળકીને મળવાનું શક્ય બનાવવા બદલ તમારો ખૂબ આભાર.”  એના માટે પ્રાર્થના સિવાય હવે હું કશું નહીં કરી શકું, એવો કરુણ ભાવ મારા મન પર છવાઈ ગયો.
…. પણ ભવિષ્ય કોણ જાણે છે? 

સુકાયેલાં આંસુ
આ નિરાશાનાં અંધારે ઓરડે, એકલતા દર્દની દીવાલમાં,
હીબકાં ભરુંને હસું બાવલી….
પ્રભુએ આપેલ મને એક પરી, શોધું હું ક્યમ ગલી અંધારી,
બોલાવું તો ય દૂર ગઈ સરી….
કોને કોસું ને કોને પરહરું! મારી કિસ્મતનું પતંગિયું,
અન્ય કોઈ સંગમાં ઊડી રહ્યું….
પડતી આથડતી અવકાશમાં, ખુલ્લી બારી ને મન મૂંઝાયું,
હું જ ખુલ્યા દ્વાર જઈ ભિડાવુ….
એક જ તણખો કે આ દિલ જલે, અચેતન જડને કો’ ઢંઢોળે.
એક દે નિશાની મમ જીવને,
હું અહીં છું, જીવંત છું….
—-
નિરાશામાં ડૂબેલ વ્યક્તિ પોતે જ મિત્રતાનું દ્વાર બંધ કરે છે. મદદ કરતા હાથ અમુક હદ સુધી લઈ જાય, પછી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાં માટે ત્રાસિત વ્યક્તિના પોતાના આત્મબળ અને આત્મજ્ઞાન પર સફળતા આધારિત છે.
saryuparikh@yahoo.com

About SARYU PARIKH

INVOLVED IN SOCIAL VOLUNTEER WORK. HAPPILY MARRIED. DEEPLY INTERESTED IN LITERATURE, ADHYATMIK ABHYAS,MUSIC AND FAMILY. EDUCATION IN SCIENCE AT BHAVNAGAR AND BARODA.

5 thoughts on “મિત્રો સાથે વાતો…સરયૂ પરીખ ૫.સુકાયેલાં આંસુ

 1. ખૂબ ધૈર્યથી એક મુશ્કેલ વ્યકિતત્વ સાથે કામ કરી તમામ શકય સહાય કરનાર સરયૂબેન અને એ સંસ્થાને ધન્યવાદ.

  Liked by 1 person

 2. આભાર. નમ્રતાથી કહું તો મદદ લેનારને વધું મહત્વ આપું છું. મદદ માંગે તો જ દેનાર આપી શકે. સરયૂ

  Liked by 1 person

 3. સરયુબેન, તમારી ધીરજને લાખો સલામ. તમો નસીબદાર છો કે આ કાર્યમાં તમારા બંને વચ્ચેના સબંધને આંચ આવી નથી! ધીરજનાં ફળ મીઠાં ખરા, પણ એક હાથે તાલી પડે નહિ! આ કામ હાથમાં લેવા માટે તમને ખુબ ખુબ ધન્યવાદ, આ અનુભવ ભાવિ માટે ઉપયોગી થઈ પડ્શે.

  Liked by 1 person

 4. સુ શ્રી સરયૂબેનની માનસીક રોગવાળી ત્રાસિત વ્યક્તિમા આત્મબળ અને આત્મજ્ઞાન પ્રગટાવી સફળતાપૂર્વક અસ્તિત્વનું સત્ય ઉજાગર કરી પરી ને સ્નેહ અને સંવેદનાથી મળવાનું શક્ય બનાવવુ તેઅસંભવ લાગે તે વાત સંભવ બનાવવા બદલ ખૂબ ધન્યવાદ
  .
  અમારા સ્નેહીઓમા આવા બનાવોમા અમને ઘણા ઓછા બનાવોમા સફળતા મળી છે…ઘણીવાર આવી સફળતા થોડા સમય માટે રહી હતી!
  .
  એક જ તણખો કે આ દિલ જલે, અચેતન જડને કો’ ઢંઢોળે.
  એક દે નિશાની મમ જીવને,
  હું અહીં છું, જીવંત છું…
  .
  પ્રેરણાદાયી વાત બદલ આભાર

  Like

 5. સરયૂબેન, ખૂબ જ હ્રદયદ્રાવક! આમ જુઓ તો સરળ, સહજ અને સાદગીસભર પણ એકેએક શબ્દોમાં સચ્ચાઈ! આપણા સમાજમાં સ્ત્રીઓના ડિપ્રેશનના કારણો સમજીને એના ઈલાજ માટે ઘણી જાગરૂકતા લાવવાની જરુર છે. આવી પરિસ્થિતિમાં તમારી સંસ્થા અને તમે સ્વયં જે કમીટમેન્ટ અને ડેડીકેશનથી કામ કરો છો એ બદલ સો સો સલામ! જ્યારે એક સીમા સાજી થાય છે કે એની જીવનની ગાડી પાટા પર ચાલે છે ત્યારે એની પાછળ તમારા અને તમારી સંસ્સ્થામાં કામ કરતા અન્ય કેટલા બધાંની કરુણાસભર સેવા હોય છે! આ બધાં સેવાકર્મીઓને કારણે જ સમાજમાં સંતુલન રહે છે જેની નોંધ ભાગ્યે જ લેવાતી હોય છે. તમારી વાતોથી ઘણું જાણવા મળે છે. પ્રવાહી શૈલી અને સરળભાષાના આભૂષણોથી શોભતી આ વાતો “આંગણું” ને સુશોભિત કરે છે. થેંક્યુ આવી સુંદર વાતો અમારા સહુ મિત્રો સાથે કરવા બદલ.

  Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s