“ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે” – અમર ભટ્ટ


(અમર ભટ્ટ એ ગુજરાતી સાહિત્ય અને સંગીતપ્રેમીઓ માટે ઘરઘરનું નામ છે, પછી એ દેશ હોય કે પરદેશ હોય. વ્યવસાયે એક કુશળ વકીલ પરંતુ માંહેલાંમાં તો સાહિત્ય સળવળે અને સંગીત ઉભરાય. એવા કોઈ સક્ષમ અને સબળ ગુજરાતી સાહિત્યના આધુનિક, ગાંધીયુગના કે પ્રાચીન કવિ નહીં હોય, જેની રચનાને શ્રી અમરભાઈના કંઠે અને સંગીતકાર તરીકેની કાબેલિયતે શ્રોતાઓ માટે રજુ ન કરી હોય. આવા મબલખ કલાના માતબર સ્વામી પાસેથી આજે એમની સંગીતની વર્ષો લાંબી સફરના સંભારણાંના એક-બે પ્રસંગો રજુ કરું છું. પન્નાબેન નાયકે જ્યારે મને આ લખાણ મોકલ્યું કે એક શ્વાસે વાંચીને તરત જ મેં “આંગણું” માં આ લેખ મૂકવા માટે શ્રી અમરભાઈની રજામંદી માંગી અને એમણે પણ મોટા મને તરત જ હા પાડી. અમરભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. પન્નાબેન તો મારા હ્રદયમાં વસે છે. એમની રજમંદી તો હું “વાડી રે વાડી, રીંગણાં લઉં બે-ચાર?” “લે ને ભઈ દસ-બાર!” કરીને જ લઈ લઉં છું. ચાલો તો અમરભાઈની લેખિનીનો આનંદ માણીએ.)

“ગઈ કાલે મીરાંનું પદ રજૂ થયું. આજે મીરાંબાઈને યાદ કરીને લખાયેલું ગીત-

‘અહો! મોરપીંછ-મંજીરાં વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે.. અહો!

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે…. અહો! ‘

કવયિત્રી: પન્ના નાયક
સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ઐશ્વર્યા મજમુદાર
આલબમ: વિદેશિની

અમેરિકાના ફિલાડેલ્ફિયા સ્થિત કવયિત્રી પન્ના નાયકનું આ ગીત અનાયાસ સ્વરબદ્ધ થયું. 2008-09માં એમનાં ગીતોનું આલબમ ‘વિદેશિની’ થવાનું હતું. એ માટે એમણે મને ગીત સ્વરબદ્ધ કરવા આપેલું-
‘મોરપીછાંનાં મંજીરાં વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.’
છેલ્લા અંતરાની પ્રથમ પંક્તિએ મને જકડી લીધો-
‘હું તો મુખડાની માયામાં મોહી પડી’
તરત કાફી રાગમાં મીરાંનું ‘મુખડાની માયા લાગી રે મોહન પ્યારા’ મનમાં ગાયું. એ 7 માત્રાના રૂપક તાલમાં છે. એ ઢાળમાં પન્નાબેનની પંક્તિ ગાવા ગયો ત્યારે એનું મીટર 7 માત્રાનું નહીં પણ 6 માત્રાનું છે એની પ્રતીતિ થઇ. એટલે કાફી રાગ અને મીરાંના ‘મુખડાની માયા’નો બૅઝ લઇ 6 માત્રાને અનુરૂપ ફેર કર્યો. એ પછીની પંક્તિમાં ‘રોઈ પડી’ની તાર સપ્તકમાં પુકાર અચાનક ગાઈ કાઢી. શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું ત્યારે કાફી અને દેશ રાગ એક પછી એક શીખેલો. રાગ દેશના આધાર પર છેલ્લી પંક્તિ બની.
મનમાં મને જ દાદ આપી,અહા બોલ્યો ને પછી ‘અહો’ -આ ગીતમાં પ્રથમ શબ્દ છે તે – ગાયો ને પંક્તિ રાગ દેશને મળતા આવતા રાગ તિલક કામોદ ઉપર આધારિત પૂરી કરી. ભાવના આવેગમાં મોરપીંછ ‘નાં’ મંજીરાં એવું ન ગાયું પણ ‘મોરપીંછ-મંજીરાં’ એમ ગાયું. સ્થાયીની બીજી પંક્તિ- ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે -માં મિશ્ર માંડનો રાજસ્થાની આધાર મળ્યો. આમ, છેલ્લા અંતરાની સ્વરબાંધણી પહેલા થઇ, પછી સ્થાયીની ને પછી પ્રથમ અંતરાની.
ગીતોનું લિસ્ટ ફાઇનલ કરવા અમદાવાદની એક રેસ્ટોરન્ટમાં પન્નાબેનને મળવાનું હતું. એમને સહેજ સંકોચ સાથે પૂછ્યું કે પ્રથમ પંક્તિ
‘મોરપીછાંનાં મંજીરાં વાગે છે’ ને બદલે આમ ગાઉં ?-
‘અહો મોરપીંછ-મંજીરાં વાગે છે’
એમણે સહર્ષ સંમતિ આપી ને આ ગીત ઐશ્વર્યાના અવાજમાં સુંદર રીતે ગવાઈને રૅકોર્ડ થયું.
‘મોરપીંછ-મંજીરાં’ની અનેક અર્થચ્છાયા મળી શકે- મોરપીંછનાં મંજીરાં, મોરપીંછ રૂપે મંજીરાં, મંજીરાં રૂપે મોરપીંછ, મોરપીંછ અને મંજીરાં…..!
આ આશ્ચર્ય તરફ ધ્યાન દોરવા, એ અચરજનું વર્ણન કરવા ‘અહો!’-
ઉમાશંકર જોશીના એક ગીતમાં છે-
‘અહો પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ!
દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી ‘
સુંદરમ્ નું ગીત છે-
‘અહોહો! ઝનઝન ભવ્ય સતાર!
રણઝણે તાર તાર પર તાર!’
મૂળમાં છેલ્લી પંક્તિ હતી –
‘કોઈ પાસે આવીને દૂર ભાગે છે’.
એમાં પન્નાબેને ‘કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે’ એવો ફેરફાર કર્યો-‘શ્વાસે પાસે’ વધુ સંગીતમય લાગે છે માટે.
(ર.પાનું પણ મોરપીંછનાં શુકનનું ગીત છે-
‘આજ મને મોરપીંછનાં શુકન થયા સખી’.)
આમ, શબ્દસ્થ ગીત અને સંગીતસ્થ ગીતના પાઠમાં તફાવત છે એને માટે જવાબદાર હું છું ને (જો એ ગુનો હોય તો) ગુનેગાર પણ હું છું.

—//—
પન્નાબેનનું બીજું એક કાવ્ય મને ખૂબ ગમે છે. એનું એમના જ અવાજમાં પઠન પણ સાંભળો.
‘કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી’

પન્નાબેને યુનિવર્સીટી ઓફ પેન્સિલવેનિયામાં ગ્રંથપાલ તરીકે લાંબી સેવા આપી. ત્યાં ગુજરાતી ભાષાનું શિક્ષણ પણ આપ્યું. કોઈ પણ કવિ ને કલાકાર માટે ફિલાડેલ્ફિયામાં પન્નાબેનનું ઘર મોકળું ને ખુલ્લું હોય. હમણાં જ એમની અંગ્રેજી કવિતાઓનો સંગ્રહ અમેરિકામાં બહાર પડ્યો-‘Astrologer’s Sparrow’-એમાંનું એક કાવ્ય છે-
‘Footprints’
‘Resting my index finger on my cheek
I sit in my chair
staring
at vanishing wet footprints
on the sun-swept floor’.

માર્ચ 1989માં મને એ ફિલાડેલ્ફિયામાં આવેલી ટૅમ્પલ યુનિવર્સીટી દ્વારા આયોજિત 1987ના નૉબેલ પારિતોષિક વિજેતા લેખક જૉસેફ બ્રોડ્સ્કીનું પ્રવચન સાંભળવા લઇ ગયેલાં.બ્રોડ્સ્કીનું પુસ્તક ‘Less than one’ (એમની ઑટોગ્રાફ સાથે)ત્યાંથી ખરીદેલું-‘Less than one’ તેનું સ્મરણ પણ તાજું થયું.
સ્વરાન્કનની પ્રક્રિયાનાં સંભારણાં લખાય છે ત્યારે બ્રોડ્સ્કીનું આ વાક્ય બંધબેસતું લાગે છે – ‘….attempting to recall the past is like trying to grasp the meaning of existence!'”

– અમર ભટ્ટ

3 thoughts on ““ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે” – અમર ભટ્ટ

  1. મા સુ શ્રી પન્નાબેનની રચના “ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે” અને એવી બીજી રચનાઓનો–
    સ્વરકાર: અમર ભટ્ટ દ્વારા આલબમ પ્રસિધ્ધ કરવા બદલ ધન્યવાદ

    Liked by 1 person

  2. કવયિત્રી: પન્ના નાયક, સ્વરકાર: અમર ભટ્ટ, અને ગાયક: ઐશ્વર્યા મજમુદાર ના ત્રિવેણી સંગમ માં મોરપીંછ ના રૂપક થી પ્રેમ દીવાની મીરા ના શ્યામ માટે ના અંતરનાદ તારોં ના રણકાર નો આસ્વાદ ચખાડવા ત્રણેય મહાનુભાવોને આભાર સહ અભિનંદન – ભુપેન્દ્ર શાહ

    Liked by 2 people

પ્રતિભાવ

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s